સ્તોત્ર સિન્ધુ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

શાર્દૂલવિક્રીડિતમ્

આદૌ પ્રેમવતી – વૃષાંગજનનં સન્નૈક – તીર્થાટનં
દુષ્કર્મોપશમં ચ સાધુશરણં સદ્‌ધર્મ – સંસ્થાપનમ્ ।
હિંસાવર્જિત – ભૂરિયજ્ઞકરણં મૂર્તિપ્રતિષ્ઠાપનં
આર્યસ્થાપનમક્ષરાખ્ય-ગમનં સત્સંગિસજ્જીવનમ્ ॥

પહેલા ભક્તિ અને ધર્મના અંગ થકી જન્મ ધારણ કરવો, પછી અનેક પવિત્ર તીર્થોમાં વિચરવું, આસુરી કર્મોનો સંહાર કરવો, સંતોને શરણમાં લેવા, સદ્ધર્મનું સારી પેઠે સ્થાપન કરવું, અહિંસામય ઘણા યજ્ઞો કરવા, (મંદિરો કરી) મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવી, આર્ય કહેતાં એકાંતિક ધર્મની સ્થાપના કરવી અને અક્ષરધામમાં પધારવું - (આવા શ્રીહરિનાં સર્વ લીલા ચરિત્રો) સત્સંગીઓનું સાચું જીવન છે.

સ્નાતં ચન્દનચર્ચિતં નિજજનૈઃ પુષ્પસ્રજાલંકૃતં
પ્રાતઃ સૂર્યમયૂખ – સેવિતમુખં શ્રીચન્દ્રશાલોપરિ ।
ધૃત્વા રોટકમેકપાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન તં
ભુંજાનં પ્રવિલોક્ય સેવકગણાન્ વન્દે સદા સ્વામિનમ્ ॥

સ્નાન કર્યા બાદ પોતાના ભક્તો વડે ચંદનથી પૂજા કરાયેલા તથા અનેક પ્રકારનાં પુષ્પોની માળાથી શોભતા અને મહોલ ઉપર પ્રાતઃકાળમાં સૂર્યનાં કિરણો દ્વારા જેમનું મુખ સેવાઈ રહ્યું છે એવા, તથા એક હાથમાં રોટલો ધરીને બીજા હાથથી તેના ટુકડા કરીને, ભક્તો ઉપર અમૃતમય દૃષ્ટિ કરતાં કરતાં આરોગતા એવા શ્રીસહજાનંદ સ્વામીને હું સદાય વંદન કરું છું.

✾ ✾ ✾

સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ - સત્સંગિજીવન: ૨/૨૫/૧૫-૨૮

પુષ્પિતાગ્રા વૃત્તમ્

અથ મનસિ શનૈઃ સ્થિરત્વમાપ્તે
  ભગવતિ માનુષમૂર્તિ – વાસુદેવે ।
નિજહૃદિ પૃથગેક – મેકમંગં
  ચરણતલાદિ વિચિન્ત્યમસ્ય પુંસામ્ ॥૧॥

સમગ્ર શ્રીહરિની મૂર્તિનું ધ્યાન ધર્યા પછી હવે આ મનુષ્યરૂપ દિવ્ય મૂર્તિ ભગવાન વાસુદેવમાં અનુક્રમે ધીરે ધીરે મન સ્થિરતાને પામે ત્યાર પછી ધ્યાન કરનાર ભક્તે પોતાના હૃદયમાં (સ્થિરપણે નિવાસ કરી રહેલા) તે ભગવાનના ચરણતલાદિ એક એક અંગનું જુદું જુદું ચિંતવન કરવું. (૧)

નિજહૃદિ દૃશિ ગોચરે તદીયે
  હ્યવયવ એકએકકે પૃથક્ ચ ।
ચપલમપિ મનઃ સ્થિરં વિધેયં
  વ્રજતિ લયં ખલુ તેન તન્મલૌઘઃ ॥૨॥

પોતાના હૃદયમાં અને આંખમાં પ્રત્યક્ષપણે વસેલા ભગવાનમાં અને તેમના એક એક અવયવમાં ચંચળ એવા મનને પૃથક્ પૃથક્ સ્થિર કરવું. તેથી મનનાં પાપોનો સમૂહ નિશ્ચય નાશ પામી જાય છે. (૨)

ધ્વજકમલ – યવાંકુશોર્ધ્વ – રેખા
  પ્રમુખ – સુલક્ષણલક્ષિતે ચ રમ્યે ।
અતિશય – મૃદુલે ચ યાવકાભે
  ચરણતલે મનસાસ્ય ચિન્તનીયે ॥૩॥

(સૌ પ્રથમ આ શ્રીહરિનાં) ધ્વજ, કમળ, યવ, અંકુશ અને ઊર્ધ્વરેખા આદિક વિશિષ્ટ ચિહ્નોથી અંકિત, રમણીય, અતિશય કોમળ, અળતા જેવી રાતી કાંતિવાળાં બંને ચરણ-તળનું ચિત્ત વડે ચિંતવન કરવું. (૩)

અરુણનખ-શશાંકરાજિ-કાન્ત્યા
  હૃતનિજચિન્તક - હૃત્તમોંઘ્રિયુગ્મમ્ ।
ક્રમલઘુસમ – કોમલાંગુલીભિર્
  હૃતનવપલ્લવકાન્તિ ચાસ્ય ચિન્ત્યમ્ ॥૪॥

તે પછી રક્ત નખચંદ્રની પંક્તિની કાંતિથી, ધ્યાન કરનાર પોતાના જનોના અંતરના અજ્ઞાનરૂપ અંધકારને હરનારા, અનુક્રમે એક એક થકી નાની અને સપ્રમાણ તથા પુષ્પ જેવી કોમળ એવી આંગળીઓથી નવી કૂંપળની કાંતિનો તિરસ્કાર કરનારા એવા આ શ્રીહરિનાં બે ચરણારવિંદનું ભક્તજને ધ્યાન ધરવું. (૪)

નિજજન – મનસઃ પ્રહર્ષણાર્થં
  પરિધૃતનૂપુર – શિંજિતાતિરમ્યમ્ ।
સ્વગતનિજજનાક્ષિ – વૃત્તિચોરં
  ચરણયુગં હૃદિ ચિન્તનીયમસ્ય ॥૫॥

પોતાના ભક્તોનાં મનને અત્યંત હર્ષ પમાડવા માટે (તેમની પ્રાર્થનાથી) પહેરેલાં ઝાંઝરના ખણખણાટ શબ્દથી અતિ રમણીય, અને દર્શન કરનારા પોતાના જનોનાં નેત્રની વૃત્તિને ચોરનારા એવા આ શ્રીહરિનાં બે ચરણારવિંદનું હૃદયમાં ચિંતવન કરવું. (૫)

કિસલય – મૃદુલે સુવૃત્તજંઘે
  ક્રમપૃથુલેથ સુવર્તુલૌ ચ જાનૂ ।
કરિકર સદૃશં સમં ચ પીનં
  નિજહૃદિ સક્થિયુગં ચ ચિન્ત્યમસ્ય ॥૬॥

તે પછી કૂંપળ જેવી કોમળ, અનુક્રમે વિશાળ, ગોળ અને શોભાયમાન શ્રીહરિની બંને જંઘાનું, અને તે પછી અત્યંત ગોળાકાર શ્રીહરિના બંને ઢીંચણનું તથા હાથીની સૂંઢ સમાન પુષ્ટ બે સાથળોનું ભક્તજનોએ પોતાના હૃદયમાં ચિંતવન કરવું. (૬)

મૃદુઘન-સિતસૂક્ષ્મ-દીર્ઘવાસઃ
  પરિદધદુત્તમ – હૈમકાંચિનદ્ધમ્ ।
પૃથુલ – કટિયુગં ચ ચિન્તનીયં
  નિજહૃદયે ચિરમસ્ય ભક્તભર્તુઃ ॥૭॥

મુલાયમ, ઘાટાં, શ્વેત, ઝીણા તારથી યુક્ત વસ્ત્રવાળી તથા ધારણ કરેલા સુવર્ણના ઉત્તમ કંદોરાથી બાંધેલી, ભક્તોના પોષક એવા ભગવાનની વિશાળ કેડના બે ભાગનું, ભક્તજનોએ પોતાના મનમાં બહુ વાર સુધી ધ્યાન કરવું. (૭)

ઉદરમપિ લસદ્-વલિત્રયાન્તર્
  ગતશુભ-સભ્રમ-નિમ્નનાભિ-કૂપમ્ ।
હૃદયમુરુ – સુગન્ધિ – પુષ્પહારં
  સમવિતતં હૃદિ ચિન્ત્યમસ્ય તુંગમ્ ॥૮॥

તે પછી શોભાયમાન ત્રિવળીના મધ્યમાં રહેલી સુંદર, ગોળ, ગંભીર, ઊંડી નાભિ જેમાં છે તેવા શ્રીહરિના ઉદરનું તથા સુગંધીદાર વિવિધ પુષ્પહારોથી અલંકૃત, એક સરખા, વિશાળ ઊપડતા શ્રીહરિના વક્ષઃસ્થળનું ભક્તજનોએ હૃદયમાં ચિંતવન કરવું. (૮)

કનક-કટક-શ્રૃંખલોર્મિકાભિર્
  લસદરુણાં જનિભં કરદ્વયં ચ ।
દૃઢતર – મતિરમ્ય – બાહુયુગ્મં
  નિજહૃદયેસ્ય વિચિન્ત્યમંગદાઢ્યમ્ ॥૯॥

સોનાનાં કડાં, સાંકળાં, વીંટીઓ વગેરેથી શણગારેલાં, અને રાતા કમળ સમાન, શ્રીહરિના બે હસ્તકમળનું તથા અતિદૃઢ, બાજુબંધથી અલંકૃત અતિશય રમણીય એવી શ્રીહરિની બે ભુજાઓનું પોતાના હૃદયમાં ચિંતવન કરવું. (૯)

વિવિધમણિ – વિશુદ્ધ – હેમસૂત્ર –
  ગ્રથિતસુમૌક્તિક – હારહારિકંઠઃ ।
વિગત – શશકલંક આસ્યચન્દ્રઃ
  સ્થિરમનસાસ્યચિરંચચિન્તનીયમ્ ॥૧૦॥

આ શ્રીહરિના, વિવિધ મણિના અને વિશુદ્ધ સોનાના તારથી ગૂંથેલા મોતીના હારો વડે મનોહર એવા કંઠનું (ક્રમથી) ચિંતવન કરવું અને સસલાના કલંકે રહિત એવા તેમના મુખરૂપી ચંદ્રમાનું સ્થિર મનથી બહુકાળ સુધી ચિંતવન કરવું. (૧૦)

મિતહસિત – વિસર્પિદન્તકાન્તિ –
  પ્રથનસમુજ્જ્વલ – ગંડયુગ્મમસ્ય ।
નવનલિન – દલાયતં વિચિન્ત્યં
  નિજહૃદિ ચંચલ – લોચનદ્વયં ચ ॥૧૧॥

તે પછી શ્રીહરિના મંદ હાસ્યથી લગાર પ્રસરતી દંતની કાંતિના વિસ્તારથી અતિ ઉજ્જવળ એવા બે ગાલનું પોતાના હૃદયમાં ચિંતવન કરવું. તે પછી નવીન કમળના પાંદડા જેવી દીર્ઘ અને ચંચળ એવી બે આંખોનું ચિંતવન કરવું. (૧૧)

શ્રવણ – યુગલમસ્ય કુંડલશ્રી –
  ર્બહુવિધપુષ્પમયાવતં સ રમ્યમ્ ।
તરદલઘુ વિશાલભાલ – રાજત્ –
  સતિલક – કુંકુમચન્દ્રકશ્ચ ચિન્ત્યઃ ॥૧૨॥

તે પછી કુંડળની શોભા અને બહુ પ્રકારનાં પુષ્પોના ગુચ્છોની શોભાથી રમણીય એવા (આ શ્રીહરિના) બે કાનનું ભક્તજનોએ ધ્યાન કરવું. તે પછી થોડા ઊંચા દીર્ઘ ને વિશાળ લલાટમાં વિરાજમાન એવા ઊર્ધ્વપુંડ્ર સહિત કુંકુમના ચાંદલાનું ચિંતવન કરવું. (૧૨)

અસિત – તિલકલક્ષ્મ દક્ષગંડે
  તિલકુસુમોત્તમ – નાસિકાન્તિકેસ્તિ ।
વિલસદસિત – બિન્દુરસ્ય વામે
  શ્રવણપુટે ભવતીતિ ચિન્તનીયઃ ॥૧૩॥

તલના પુષ્પ જેવી આ શ્રીહરિની નાસિકાની નજીકમાં જમણા ગાલમાં કાળા તલનું જે ચિહ્ન છે તેનું તથા ડાબા કાનમાં જે શોભાયમાન શ્યામ તલ છે તેનું પણ ધ્યાન કરવું. (૧૩)

વિવિધકુસુમ – શેખરાલિરાજત્ –
  પટમુકુટં ચ શિરોસ્ય ચિન્તયિત્વા ।
વદનકમલમેવ ચિન્તકેન
  સ્મિતમધુરં ચિરકાલમસ્ય ચિન્ત્યમ્ ॥૧૪॥

તે પછી બહુ પ્રકારનાં પુષ્પોના તોરાઓની પંક્તિઓથી શોભાયમાન વસ્ત્રના મુગટ(પાઘ)થી યુક્ત એવા શ્રીહરિના મસ્તકનું ચિંતવન કરીને તે પછી મંદ હાસ્યથી સુંદર એવા આ શ્રીહરિના મુખ કમળનું જ ધ્યાનના કરનારે બહુકાળ સુધી ધ્યાન કરવું. (૧૪)

Stotra Selection

૧. રુચિર સ્તોત્રમ્ - સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામી

૨. શ્રીધર્મનન્દન અષ્ટકમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૩. શ્રીગુરુભજન સ્તોત્રમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૪. શ્રીહરિપ્રાર્થના સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૫. શ્રીનીલકંઠ ચિન્તનાષ્ટકમ્ - શ્રી દીનાનાથ ભટ્ટ

૬. શ્રીધર્મનન્દન સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૭. શ્રીધાર્મિક સ્તોત્રમ્ - સદ્‌ગુરુ શ્રી શતાનંદ મુનિ

૮. ભજનાષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૯. પ્રાતઃસ્મરણાષ્ટકમ્ - શ્રી ગિરિજાશંકર શાસ્ત્રી

૧૦. દિવ્યપતિ અષ્ટકમ્ - સદ્‌ગુરુ શ્રી યોગાનંદ મુનિ

૧૧. શ્રીહરિ ધ્યાનસ્તોત્રમ્

૧૨. શ્રીવૃષનન્દનાષ્ટકમ્ - શ્રી અચિન્યાનંદ બ્રહ્મચારી

૧૩. માનસ ચિન્તય - સદ્‌ગુરુ નિષ્કામાનંદ બ્રહ્મચારી

૧૪. શ્રીહરિ મહિમાષ્ટકમ્ - સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી

૧૫. અક્ષરબ્રહ્મ સ્તોત્રમ્ - શ્રી અચિંત્યાનંદ બ્રહ્મચારી

૧૬. શ્રીપ્રાગજીભક્ત મહિમાષ્ટકમ્ - બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ

૧૭. શ્રીશાસ્ત્રિજીમહારાજ પ્રણામાષ્ટકમ્ - પ્રો. જેઠાલાલ સ્વામિનારાયણ

૧૮. શ્રીયોગિજીમહારાજ વન્દનાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૧૯. શ્રીપ્રમુખસ્વામિમહારાજ મહિમાષ્ટકમ્ - પૂજ્ય ભક્તિપ્રિય સ્વામી તથા પૂજ્ય વિવેકસાગર સ્વામી

૨૦. શ્રીમહન્તસ્વામિમહારાજાષ્ટકમ્ - સાધુ શ્રુતિપ્રકાશદાસ

અક્ષર મંદિર–ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ