સ્તોત્ર સિન્ધુ
અક્ષર મંદિર - ગોંડલના યોગીસ્મૃતિ મંદિરે નિત્ય થતી પ્રાર્થના–સ્તુતિ
ભક્તિ જ્ઞાન વિરાગ ધર્મ ગુણના, ભંડાર છોજી ભલા,
પ્રીતે યજ્ઞપુરુષ કૃષ્ણજી તણી, પામ્યા કૃપા મંગલા;
વાતો સ્વામી તણી વદી સુવદને, જ્ઞાનામૃતે પોષતા,
એ યોગીવર જ્ઞાનજીવન તણા, પાયે નમું સર્વદા... ૧
ધારીમાં ધરી જન્મ જીર્ણગઢમાં, ત્યાગાશ્રમી જે થયા,
રાખી ના સુખભાવના સહજમાં, વૈરાગ્ય સેવી રહ્યા;
સેવામાં અલમસ્ત જ્ઞાન તપમાં, ધારી ક્ષમા સર્વથા,
એ યોગીવર જ્ઞાનજીવન તણા, પાયે નમું સર્વદા... ૨
બ્રહ્માનંદ દયા સુપ્રેમ નીતરે, નિર્માન નિષ્કામતા,
શ્રીજી સ્વામી અગાધ જ્ઞાન કથને, સંતોષ ના પામતા;
સત્સંગે શુભ બ્રહ્મભાવ મહિમા, નિર્દોષબુદ્ધિ સદા,
એ યોગીવર જ્ઞાનજીવન તણા, પાયે નમું સર્વદા... ૩
સાક્ષાદ્ અક્ષર મંદિરે નિવસતા, સુસ્નેહથી ગોંડલે,
જ્યાં છે ધામ ગુણાતીત તણું, વિખ્યાત ભૂમંડલે;
જેની કીર્તિ ગવાય સર્વ દિશમાં, દેશે વિદેશે સદા,
એ યોગીવર જ્ઞાનજીવન તણા, પાયે નમું સર્વદા... ૪
ખોંખારો કરીને અનેરી રીતથી, વાતો મુખે બોલતા,
ગાતા કીર્તન તાલી તાન મધુરે, હાં... શબ્દ લંબાવતા;
ઝાલી ગાતરિયું કરી સુલટકું, ખંખેરી દેખાડતા,
એ ચારે શુચિ યોગીરાજ ચરિતો આનંદકારી સદા... ૫