Tr    

ભક્તચિંતામણિ

કવિ પરિચય

ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.

ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.

નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.

ગ્રંથ પરિચય

શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.

ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.

સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.

આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:

પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)

પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.

આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.

Chintamani Sar - ચિંતામણિ સાર

ભક્તચિંતામણિ

Prakaran Selection

Prakaran: Go

Chintamani Sar

Prakarans

loading