ભક્તચિંતામણિ
કવિ પરિચય
ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.
ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.
ગ્રંથ પરિચય
શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.
ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.
સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.
આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)
પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.
આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.
Chintamani Sar - ચિંતામણિ સારભક્તચિંતામણિ
પ્રકરણ ૬૮: શ્રીહરિચરિત્રે કપિલાછઠ્યનો ઉત્સવ કર્યો
એકાંતનું સુખ આપવા, હૈયે હેત છે અત્યંત. ૧
સમજુ સંત સુજાણ જે, સતસંગમાં જે મુખિયા;
તે સંતને તેડાવિયા, દઈ દર્શન કરવા સુખિયા. ૨
આવ્યા સંત શિરોમણિ, જિયાં હતા સુંદર શ્યામ;
ચરણ સ્પર્શી નાથનાં, વળી થયા પૂરણકામ. ૩
પછી મુક્તાનંદજીએ, પૂછ્યું પ્રભુને પ્રશન;
નાથ તમારું ગમતું જે, હોય તે કરિએ સાધન. ૪
પછી પ્રભુજી બોલિયા, તમે સાંભળો સર્વે જન;
જ્યારે પ્રભુને પામિયે, ત્યારે સર્વે થયાં સાધન. ૫
પછી જે જે કરવું, તેહની તે કહું વાત;
ગુરુ સંતને ભજવા, શ્રીહરિ જે સાક્ષાત. ૬
ચૈતન્ય ચૈતન્ય એક નહિ, ઇન્દ્રિય મન જીવ ઈશ્વર;
એક એકથી અધિક એહ, તેથી પર પરમેશ્વર. ૭
સંત અસંત એક નહિ, તે વિવેકબુદ્ધિ ધારવી;
મેં કરી જે લીલા અલૌકિક, તેને વારમવાર સંભારવી. ૮
મારા જનને અંતકાળે, જરૂર મારે આવવું;
બિરુદ મારું એ ન બદલે, તે સર્વે જનને જણાવવું. ૯
દાસના દાસ થઈને, વળી જે રહે સતસંગમાં;
ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં. ૧૦
મારા લોક મારી મૂરતિ, તે સત્ય નિર્ગુણ છે સહિ;
તેને અસત્ય જે જાણશે, તે નાસ્તિક મારા નહિ. ૧૧
મારું ધાર્યું અસત્ય સત્ય થાય છે, સમરથ મારું નામ સહિ;
મારી દ્રષ્ટિએ જક્ત ઊપજે સમે, અનેક રૂપે માયા થઈ. ૧૨
પ્રકટ રૂપે સતસંગમાં, રહું છું રૂડી પેર્ય;
વળી અવનિએ અવતાર લહું, નૃપ યોગી વિપ્રને ઘેર્ય. ૧૩
જન એટલું એ જાણવું, જે કહી તમને વાત;
નિઃશંક રહો નાથ કહે, સુણી જન થાય રળિયાત. ૧૪
પછી જનને જમાડવા, પાક કરાવિયા બહુ પેર્ય;
સુંદર આસન આલિયાં, સંત બેસાર્યા તે ઉપર્ય. ૧૫
શોભે પોતે સુંદર પટકે, લટકે નાડી નવરંગી;
પલવટવાળી અતિ રૂપાળી, શોભે સુથની સોરંગી. ૧૬
બીરંજ બોળી ગળી મોળી, ઘૃત સાકર માંહિ ઘણાં;
કડી વડી પકોડી પૂરી, વ્યંજન વિધવિધ્ય તણાં. ૧૭
ભાત ધોળાં દૂધ બોળાં, રોટલી રસાળિયો;
જમે જન જીવન જમાડે, વળી ઠેલી ભરે થાળિયો. ૧૮
આંબા લીંબુનાં આથણાં, વળી આદાં કેરાં અતિ ઘણાં;
આપે નાથ હાથશું, જમે જન ન મૂકે મણાં. ૧૯
જમી જમીને જન સરવે, પરિપૂરણ પોતે થિયા;
પછી દૂધ સાકર દોવટે, દેવા આપે આવિયા. ૨૦
લીયે ન લીયે દિયે પરાણે, હરિ પીરસે હાથડે;
ના ના પાડે ઠામ સંતાડે, તેને તે રેડે માથડે. ૨૧
જોરે જમાડી હાર્ય પમાડી, પછી ચળું કરાવિયાં;
લવિંગ સોપારી એલચી આપી, મુખવાસ મન ભાવિયા. ૨૨
અતિ ઘણાં સુખ આપવા, જણાય મરજી જીવનની;
એવી લીલા અપાર કરી, કહી મેં એક દિનની. ૨૩
રમવા રાસ હૈયે હુલાસ, પહેર્યાં અંબર સુંદર અતિ ભલાં;
પાઘ પેચાળી અતિ રૂપાળી, છાજે તિયાં બહુ છોગલાં. ૨૪
ફરે ફૂદડી રંગઝડી, ગુલાલની કરે ઘણી;
પછી દિન વળતે કરી, જને પૂજા જીવન તણી. ૨૫
ચંદન ચરચી હાર સુંદર, પ્રભુને પહેરાવિયા;
ધૂપ દીપ ને આરતી, ઉતારવા જન આવિયા. ૨૬
પૂજા કરીને પાય લાગ્યા, ચરણ છાતિએ છાપિયાં;
સનમુખ બેસી શ્યામળે, અલબેલે સુખ આપિયાં. ૨૭
હસતાં રમતાં રૂડું જમતાં, વીતે દન રૂડી પઠ્ય;
એમ કાંઈક દિન વીતે, આવી પછી કપિલા છઠ્ય. ૨૮
પછી પ્રભુ પ્રગટ થઈ, દીધાં દર્શન દાસને;
જન જોઈ મગન થયા, અલબેલા અવિનાશને. ૨૯
દેશ દેશથી દાસ આવ્યા, તેને દર્શન આપિયાં;
જેણે નયણે નિરખ્યા, તેનાં તે કલ્મષ કાપિયાં. ૩૦
સુંદર વસ્ત્ર પહેરી સારાં, કાજુ કસુંબી રંગનાં;
વેઢ વીંટી કડાં કાજુ, બાજુ જડેલ નંગનાં. ૩૧
કમર કસી રહ્યા હસી, વસી જનમન મૂરતિ;
મોટા મુનિના ધ્યાનમાં નાવે, જેને નેતિ નેતિ કહે શ્રુતિ. ૩૨
તે હરિ દયા કરી, દિયે દર્શન પ્રસન્ન ઘણું;
જેહ જને જીવન જોયા, ભાગ્ય તેનાં હું શું ભણું. ૩૩
પછી પ્રભુજી પધારિયા, નાવા તે નદીએ નાથજી;
નાતાં નાતાં સુંદર ગાતાં, સરવે સખા સાથજી. ૩૪
નાહી નાથ પધારિયા, જને કરાવ્યાં ભોજન ભાવતાં;
તર્ત તાજાં તયાર તેહ, જમાડ્યા જીવન આવતાં. ૩૫
પછી જન જમાડિયા, પંગતિ કરી પોતે પીરસ્યું;
અનેક ભાત્યનાં ભોજન ભાજન, જોઈ જન મન હરખ્યું. ૩૬
જોરાજોર જમાડિયા, જેમ જમાડતલ ભગવાન છે;
જેમ જેમ આલે તેમ ન ઝાલે, સખા પણ સાવધાન છે. ૩૭
પછી સાંજે ધૂન્ય કરી, હરિ બેઠા પોતે ઢોલિયે;
આપી સંતને આગન્યા, હલિસપદ હવે બોલિએ. ૩૮
ગાતાં વાતાં વીતે રજની, સુંદર સુખ આપ્યાં ઘણાં;
જુગત્યે જન જમાડિયા, કોઈ રીતે નવ રાખી મણા. ૩૯
સુંદર સારો કર્યો સમૈયો, ભાદરવા વદિ ષષ્ઠમી;
તે દિ ગઢડે કરી લીલા, કહી કથા મેં રસ અમી. ૪૦ ઇતિ શ્રીમદેકાન્તિકધર્મ પ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે શ્રીહરિચરિત્રે કપિલાછઠ્યનો ઉત્સવ કર્યો એ નામે અડસઠ્યમું પ્રકરણ. ૬૮
Prakaran 68: Shrī Haricharitre Kapilā-Chhaṭhyano Utsav Karyo
Ekāntanu sukh āpavā, haiye het chhe atyant. 1
Samaju sant sujāṇ je, satasangmā je mukhiyā;
Te santne teḍāviyā, daī darshan karavā sukhiyā. 2
Āvyā sant shiromaṇi, jiyā hatā sundar Shyām;
Charaṇ sparshī Nāthnā, vaḷī thayā pūraṇkām. 3
Pachhī Muktānandjīe, pūchhyu prabhune prashan;
Nāth tamāru gamatu je, hoy te karie sādhan. 4
Pachhī Prabhujī boliyā, tame sāmbhaḷo sarve jan;
Jyāre Prabhune pāmiye, tyāre sarve thayā sādhan. 5
Pachhī je je karavu, tehnī te kahu vāt;
Guru santne bhajavā, Shrī Hari je sākṣhāt. 6
Chaitanya chaitanya ek nahi, indriya man jīv īshvar;
Ek ekthī adhik eh, tethī par Parameshvar. 7
Sant asant ek nahi, te vivek-buddhi dhāravī;
Me karī je līlā alaukik, tene vāramvār sambhārvī. 8
Mārā janne antkāḷe, jarūr māre āvavu;
Birud māru e na badale, te sarve janne jaṇāvavu. 9
Dāsnā dās thaīne, vaḷī je rahe satasangmā;
Bhakti tenī bhalī mānīsh, rāchīsh tenā rangmā. 10
Mārā lok mārī mūrati, te satya nirguṇ chhe sahi;
Tene asatya je jāṇashe, te nāstik mārā nahi. 11
Māru dhāryu asatya satya thāy chhe, samarath māru nām sahi;
Mārī draṣhṭie jakta ūpaje same, anek rūpe māyā thaī. 12
Prakaṭ rūpe satasangmā, rahu chhu rūḍī perya;
Vaḷī avanie avatār lahu, nṛup yogī viprane gherya. 13
Jan eṭalu e jāṇavu, je kahī tamane vāt;
Nihshank raho Nāth kahe, suṇī jan thāy raḷiyāt. 14
Pachhī janne jamāḍavā, pāk karāviyā bahu perya;
Sundar āsan āliyā, sant besāryā te uparya. 15
Shobhe pote sundar paṭake, laṭake nāḍī navrangī;
Palavaṭvāḷī ati rūpāḷī, shobhe suthnī sorangī. 16
Bīranj boḷī gaḷī moḷī, ghṛut sākar māhi ghaṇā;
Kaḍī vaḍī pakoḍī pūrī, vyanjan vidhavidhya taṇā. 17
Bhāt dhoḷā dūdh boḷā, roṭalī rasāḷiyo;
Jame jan jīvan jamāḍe, vaḷī ṭhelī bhare thāḷiyo. 18
Āmbā līmbunā āthaṇā, vaḷī ādā kerā ati ghaṇā;
Āpe Nāth hāthshu, jame jan na mūke maṇā. 19
Jamī jamīne jan sarave, paripūraṇ pote thiyā;
Pachhī dūdh sākar dovaṭe, devā āpe āviyā. 20
Līye na līye diye parāṇe, Hari pīrase hāthaḍe;
Nā nā pāḍe ṭhām santāḍe, tene te reḍe māthaḍe. 21
Jore jamāḍī hārya pamāḍī, pachhī chaḷu karāviyā;
Laving sopārī elachī āpī, mukhavās man bhāviyā. 22
Ati ghaṇā sukh āpavā, jaṇāy marajī jīvannī;
Evī līlā apār karī, kahī me ek dinnī. 23
Ramavā rās haiye hulās, paheryā ambar sundar ati bhalā;
Pāgh pechāḷī ati rūpāḷī, chhāje tiyā bahu chhogalā. 24
Fare fūdaḍī rangzaḍī, gulālnī kare ghaṇī;
Pachhī din vaḷate karī, jane pūjā jīvan taṇī. 25
Chandan charachī hār sundar, Prabhune paherāviyā;
Dhūp dīp ne āratī, utāravā jan āviyā. 26
Pūjā karīne pāy lāgyā, charaṇ chhātie chhāpiyā;
Sanmukh besī Shyāmaḷe, alabele sukh āpiyā. 27
Hasatā ramatā rūḍu jamatā, vīte dan rūḍī paṭhya;
Em kāīk din vīte, āvī pachhī Kapilā Chhaṭhya. 28
Pachhī Prabhu pragaṭ thaī, dīdhā darshan dāsne;
Jan joī magan thayā, alabelā Avināshne. 29
Desh deshthī dās āvyā, tene darshan āpiyā;
Jeṇe nayaṇe nirakhyā, tenā te kalmaṣh kāpiyā. 30
Sundar vastra paherī sārā, kāju kasumbī rangnā;
Veḍh vīṭī kaḍā kāju, bāju jaḍel nangnā. 31
Kamar kasī rahyā hasī, vasī janman mūrati;
Moṭā muninā dhyānmā nāve, jene neti neti kahe Shruti. 32
Te Hari dayā karī, diye darshan prasanna ghaṇu;
Jeh jane jīvan joyā, bhāgya tenā hu shu bhaṇu. 33
Pachhī Prabhujī padhāriyā, nāvā te nadīe Nāthjī;
Nātā nātā sundar gātā, sarave sakhā sāthjī. 34
Nāhī Nāth padhāriyā, jane karāvyā bhojan bhāvatā;
Tarta tājā tayār teh, jamāḍyā jīvan āvatā. 35
Pachhī jan jamāḍiyā, pangati karī pote pīrasyu;
Anek bhātyanā bhojan bhājan, joī jan man harakhyu. 36
Jorājor jamāḍiyā, jem jamāḍatal Bhagwān chhe;
Jem jem āle tem na zāle, sakhā paṇ sāvadhān chhe. 37
Pachhī sānje dhūnya karī, Hari beṭhā pote ḍholiye;
Āpī santne āganyā, halisapad have bolie. 38
Gātā vātā vīte rajanī, sundar sukh āpyā ghaṇā;
Jugatye jan jamāḍiyā, koī rīte nav rākhī maṇā. 39
Sundar sāro karyo samaiyo, Bhādarvā vadi ṣhaṣhṭhamī;
Te di Gaḍhaḍe karī līlā, kahī kathā me ras amī. 40 Iti Shrīmad Ekāntikadharma pravartak Shrī Sahajānand Swāmī shiṣhya Niṣhkuḷānand Muni virachite Bhaktachintāmaṇi madhye 'Shrī Haricharitre Kapilā-Chhaṭhyano Utsav Karyo' e nāme aḍsaṭhyamu prakaraṇ. 68