ભક્તચિંતામણિ
કવિ પરિચય
ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે કે, “પોતાના ઇષ્ટદેવના જે જન્મથી કરીને દેહ મૂકવા પર્યંત ચરિત્ર તેનું જે શાસ્ત્ર તેણે કરીને સંપ્રદાયની પુષ્ટિ થાય છે.” (વચ. ગ. મ. ૫૮) શ્રીજીમહારાજના આ અભિપ્રાયને પરમહંસોએ યથાર્થરૂપમાં ઝીલ્યો હતો. વર્ષાની હેલી સમાન અઢળક ચરિત્રગ્રંથો તેઓએ રચ્યા છે. આ ચરિત્રગ્રંથોના રચયિતાઓમાં અગ્રગણ્ય છે સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી.
ભક્તોને ચિંતામણિ રૂપ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં લીલાચરિત્રનો આ ગ્રંથ શ્રીજીમહારાજના સમકાલીન અને અનુભવી વૈરાગ્યમૂર્તિ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ અપૂર્વ ભક્તિપૂર્વક લખ્યો છે. પોતે વૈરાગ્ય મૂર્તિ હતા છતાં શ્રીજીમહારાજ પ્રત્યેના ભક્તિરસનો ભાવ શબ્દે શબ્દે અને પદે પદે આ ગ્રંથમાં દેખાય છે.
નિષ્કુળાનંદ સ્વામીએ આ ગ્રંથમાં મહારાજનાં ચરિત્રો આલેખ્યાં છે, મહારાજના સર્વોપરી સ્વરૂપનું જ્ઞાન પીરસ્યું છે, મહારાજે કરેલા ઉત્સવ અને સમૈયાનું તાદૃશ્ય વર્ણન કર્યું છે અને એ રીતે શ્રીજીમહારાજની ચિંતામણિ તુલ્ય મૂર્તિ ભક્તના અંતરમાંથી એક ક્ષણ માટે પણ વેગળી ન થાય તે ખાસ દૃષ્ટિ રાખી છે.
ગ્રંથ પરિચય
શાંતિને ઇચ્છતા મનુષ્યે પથ્થરના વપરાશથી કોમ્પયુટર સુધીની શોધ કરી પણ શાંતિ ક્યાં કોઈ પામ્યું છે? જેમ જેમ વધુ ને વધુ સંશોધન થાય છે, ભૌતિક જગતનો વિકાસ થાય છે, તેમ તેમ ભગવાન વિના શાંતિનું સ્થાન બીજું કોઈ નથી તે પુરવાર થાય છે. મન સ્થિર કરવા ભગવાનનાં લીલાચરિત્રનું ગાન કે શ્રવણ, સુલભ અને શ્રેષ્ઠ માધ્યમ છે. તેથી જ આધુનિક યુગમાં શ્રીમદ્ ભાગવત કે રામાયણ જેવા ગ્રંથનો મહિમા જનસમુદાયમાં વધ્યો છે.
ભક્તચિંતામણિ ભગવાન સ્વામિનારાયણનાં લીલાચરિત્રોનો ગ્રંથ છે. પૂર્વે રચાયેલા મહાગ્રંથોમાં ભક્તચિંતામણિ ગ્રંથ જુદી જ ભાત પાડે છે. ભાગવતની શરૂઆત વેદવ્યાસની અશાંતિથી થાય છે. જ્યારે રામાયણમાં ક્રોંચવધનું કરુણ દૃશ્ય જોયા બાદ કવિને પ્રેરણા મળે છે. ભક્તચિંતામણિ ગ્રંથની શરૂઆત જ આનંદથી થાય છે. શોકનું સમાધાન મેળવવા નહીં, પણ ઉમંગને વહાવવા આ ગ્રંથની રચના થઈ છે.
સ્વામીને ઇષ્ટદેવનાં ચરિત્રો સંભળાવવાની એટલી બધી ઉત્કટતા છે કે અન્ય ગ્રંથોની જેમ કાંડ, સર્ગ કે પર્વ જેવા વિભાગ કરવા પણ રોકાયા નથી. સમગ્ર ગ્રંથમાં એક પછી એક પ્રકરણમાં ચરિત્રગાન થયા જ કરે છે. ચોપાઈ, પૂર્વછાયો, સામેરી જેવા રાગો પણ સરળ છે. શબ્દો પણ રોજબરોજના બોલચાલના છે. કેવળ ભક્તિથી આ ગ્રંથની રચના થઈ છે. ભાવપ્રવાહ, આનંદમસ્તી જ આ ગ્રંથમાં મુખ્ય બની રહ્યાં છે.
આ ચરિત્રો સામાન્ય નથી. જો કોઈ જાણે-અજાણ્યે સાંભળશે તેનાં જન્મમરણ તાપ ટળશે. અને જો શ્રીજીમહારાજનું સ્વરૂપ સમજશે તો જરૂર અક્ષરરૂપ થશે. આ લોકના સુખ માટે ફાંફા મારતા મનુષ્યને અક્ષરબ્રહ્મનું અખંડ, અવિનાશી સુખ સુલભ થયું. કારણ કે સર્વોપરી પુરુષોત્તમનારાયણ પધાર્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ ટાંકેલા શ્રીજીમહારાજના પોતાના જ શબ્દોમાં તેમનો મહિમા સમજીએ:
પછી બોલિયા પ્રાણજીવન, તમે સાંભળજ્યો સહુ જન;
તમને જે મળી છે મૂરતિ, તેને નિગમ કહે નેતિ નેતિ.
અતિ અપાર અક્ષરાતીત, થઈ તમારે તે સાથે પ્રીત;
ભક્ત જક્ત માંહિ છે જો ઘણા, ઉપાસક અવતાર તણા.
જે જે મૂરતિ જનને ભાવે, તે મૂર્તિ નિજધામ પહોંચાવે;
પણ સર્વે પાર જે પ્રાપતિ, તે છે તમારે કહે પ્રાણપતિ.
એવાં સુણી વાલાનાં વચન, જન કહે પ્રભુ ધન્ય ધન્ય;
સહુ અંતરે આનંદ પામ્યા, ગયો શોક સંશય સહુ વામ્યા.
(પ્રક. ૭૯, ૩૮-૪૧)
પ્રગટની પ્રાપ્તિથી જ કલ્યાણ થાય છે. તે જ માર્ગ નિર્વિઘ્ન છે. પ્રત્યક્ષ ચરિત્ર તે જ નિર્ગુણ કરનારા છે. તે વાત આ ગ્રંથની શરૂઆતથી અંતિમ પ્રકરણ સુધી થઈ છે. પ્રગટ પ્રભુનો મહિમા કઈ રીતે સમજવો? તેનું સુખ કઈ રીતે લેવું? તેમાં જાતને કઈ રીતે જોડવી? કઈ રીતે દોષરહિત થવું? તેની શીખ આ ગ્રંથમાંથી મળી રહે છે. પ્રગટના કાર્યની વાત, પ્રગટના મહિમાની વાત આ ગ્રંથમાં જે રીતે સ્પષ્ટતાથી થઈ છે, તેવું બીજા ગ્રંથમાં નથી.
આશા છે કે આપને ભક્તચિંતામણિ વાંચી અને સાંભળીને આનંદ થાય અને પોતાના મોક્ષનું કાર્ય પણ સિદ્ધ કરવા બળ અને બુદ્ધિ મળે. આ ગ્રંથ ખૂબ જ વિશાળ હોવાથી ‘ચિંતામણિ સાર’નો પણ સંગ્રહ કર્યો છે જેમાં મુખ્ય પ્રચલીત પ્રકરણો ટાંકવામાં આવ્યાં છે.
Chintamani Sar - ચિંતામણિ સારભક્તચિંતામણિ
પ્રકરણ ૪૧: મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો
તે સુણી મુક્તાનંદજી, અતિ કરે છે ઉચાટ. ૧
આવા ત્યાગી તપસ્વી, નિરમોહી વૈરાગ્યવાન;
નિસ્પૃહપણું જોઈ જાણે, રખે જાતા રહે નિદાન. ૨
કોઈક ઉપાય કરું, જેણે રહે વરણીઇન્દ્ર;
પછી મીઠી વાણીએ, બોલ્યા તે મુક્તાનંદ. ૩
વૈશાખ સુદિનો વાયદો, તે નહિ પડે ખોટો નાથ;
તિયાં લગી તમે રહો, કહું કરગરી જોડી હાથ. ૪ ચોપાઇ તમને કહીએ છીએ અમે એહ, તે તો જોઈને તમારું દેહ;
તપે કરી તન છે દુબળું, નહીં પોંચાય શહેર છે વેગળું. ૫
ખારા સમુંદરની છે ખાડી, તે તો ભુજ જાતાં આવે આડી;
નથી સીધી જાવા પગવાટ, અમે કહીએ છીએ તેહ માટ. ૬
હમણાં રહો જાળવીને પળ, હું મેલું છું લખીને કાગળ;
તેનો વળતો ઉત્તર આવે, કરવું સહુને જેમ સ્વામી કાવે. ૭
તેની આગન્યા વિના નવ જાવું, અમને તો જણાય છે આવું;
ત્યારે બોલ્યા હરિ તેહ પળ, સારું લખો સ્વામીને કાગળ. ૮
પછી મુક્તાનંદજી મહારાજ, બેઠા કાગળ લખવા કાજ;
સ્વસ્તિ શ્રી ભુજનગર માંઈ, સ્વામી રામાનંદ સુખદાઈ. ૯
દીનબંધુ પતિતપાવન, ભક્તજનને મનભાવન;
પુણ્ય પવિત્ર પ્રૌઢ પ્રતાપ, શરણાગતના શમાવો તાપ. ૧૦
કૃપાનિધિ કરુણાના ધામ, પતિતપાવન પૂરણકામ;
દયાસિંધુ દિલના દયાળ, નિજ જન તણા પ્રતિપાળ. ૧૧
અનાથના નાથ અધમોદ્ધાર, તમને કરું છું નમસ્કાર;
કલ્યાણકારી જે અનેક ગુણ, તેણે કરી તમે છો પૂરણ. ૧૨
સિદ્ધ સિદ્ધ્યો સર્વે કહેવાય, તે તો સેવે છે તમારા પાય;
શુદ્ધ ભક્ત જે લાખું કરોડી, તે તમને નમે કર જોડી. ૧૩
આપ ઈચ્છાએ મનુષ્યાકૃતિ, તમે ધરી પ્રભુ અમ વતી;
એવા તમે જન સુખકારી, પ્રભુ વાંચજ્યો વિનતિ મારી. ૧૪
અત્ર લોજથી લખ્યો કાગળ, તમ કૃપાએ સુખી સકળ;
તમારા સુખના સમાચાર, લખજ્યો મારા પ્રાણ આધાર. ૧૫
બીજું લખવા કારણ જેહ, સ્વામી સાંભળજ્યો તમે તેહ;
કોશળ દેશથી આવ્યા છે મુનિ, કહું વાત હવે હું તેહુની. ૧૬
દેહ માંહિ જેટલી છે નાડી, દેખાય છે તે સર્વે ઉઘાડી;
ત્યાગ વૈરાગ્ય તને છે અતિ, જાણું આપે તપની મૂરતિ. ૧૭
નીલકંઠ નામે નિદાન છે, શિવ જેવા વૈરાગ્યવાન છે;
મેઘ જેવા સહુના સુખધામ, દેખી દર્પ હરે કોટિ કામ. ૧૮
વર્ણીવેષ દ્રષ્ટિ અનિમેષ, બ્રહ્મસ્થિતિમાં રહે છે હમેશ;
ઉદાર મતિ અચપળતા, પાસળે કાંઈ નથી રાખતા. ૧૯
કિશોર અવસ્થાને ઉતરી, આવ્યા અત્ર તીરથમાં ફરી;
સુંદર મુખ ને માથા ઉપર, કેશ નાના ભૂરા છે સુંદર. ૨૦
બોલે છે સ્પષ્ટ વાણી મુખ, નારીગંધથી પામે છે દુઃખ;
માન મત્સર નથી ધારતા, પ્રભુ વિના નથી સંભારતા. ૨૧
જીર્ણ વલકલ ને મૃગછાળા, હાથ માંહિ છે તુલસી માળા;
સરલ ક્રિયામાં સદા રહે છે, મુનિના ધર્મને શીખવે છે. ૨૨
રાખે છે ગુરુભાવ અમમાં, વૃત્તિ લાગી રહી છે તમમાં;
રસ રહિત જમે છે અન્ન, તેહ પણ બીજે ત્રીજે દન. ૨૩
ક્યારેક ફળ ફૂલ નિદાન, ક્યારે કરે વારિ વાયુપાન;
ક્યારે અયાચ્યું અન્ન આવ્યું લીએ, ક્યારે મળ્યું પણ મૂકી દીએ. ૨૪
ક્યારેક મરચાં મીંઢીઆવળ્ય, જમે એજ એકલું કેવળ;
ખારું ખાટું તીખું તમતમું, રસ નીરસ બરોબર સમું. ૨૫
ટંક ટાણાની ટેવ જ નથી, અતિનિસ્પૃહ રહે છે દેહથી;
જે જે ક્રિયાઓ કરે છે એહ, તન ધારીએ ન થાય તેહ. ૨૬
ગ્રીષ્મ પ્રાવૃટ ને શરદ ઋતુ, હેમંત શીત ને વળી વસંતું;
છોયે ઋતુમાં વસવું વને, વહાલું લાગે છે પોતાને મને. ૨૭
મેડી મોલ આવાસમાં રહેવું, તે જાણે છે કારાગૃહ જેવું;
ઉનાળે તો તાપે છે અગનિ, ચોમાસે સહે ધારા મેઘની. ૨૮
શિયાળે બેસે છે જળ માંઈ, તેણે તન ગયું છે સુકાઈ;
કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત. ૨૯
બાળપણે સિદ્ધદશા જોઈ, અમે સંશય કરું સહુ કોઈ;
એના તપના તેજને માંઈ, અમારું તપ ગયું ઢંકાઈ. ૩૦
જેમ દિનકર આગળ્ય દિવો, એ પાસે ત્યાગ અમારો એવો;
એની વાત તો એ પ્રમાણે છે, સર્વ યોગકળાને જાણે છે. ૩૧
તોય શિષ્ય થઈને રહ્યા છે, જેની અતિ અપાર ક્રિયા છે;
કેણે થાતો નથી નિરધાર, જાણું પામ્યા છે શાસ્ત્રનો પાર. ૩૨
પૂછે છે પ્રશ્ન અલપ કાંઈ, તેમાં પંડિત રહે છે મૂંઝાઈ;
સભા માંહિ વાદ પ્રતિવાદે, બોલે છે પોતે શાસ્ત્ર મર્યાદે. ૩૩
ત્યારે પંડિતના તર્ક સર્વ, થાય બંધ ને ન રહે ગર્વ;
પૂછે પ્રશ્ન કોઈ પોતા પાસ, ત્યારે બહુ રીત્યે કરે સમાસ. ૩૪
ત્યારે સંશય કરે એમ મન, આ શું આવ્યા પોતે ભગવન;
બેસું ધ્યાને જ્યાં જ્યાં મન જાય, તેને દેખે છે સાક્ષીને ન્યાય. ૩૫
દુરિજન વચનનાં બાણ, સહેવા પોતે વજ્ર પ્રમાણ;
એવા ક્ષમાવંત મહામતિ, પરદુઃખે પીડાય છે અતિ. ૩૬
કોમળતા કહી નથી જાતિ, ઉપમા પણ નથી દેવાતી;
સર્ષપ ફૂલ માખણ ને કંજ, જાણું પામ્યા કોમળતા રંજ. ૩૭
સર્વે સાધુતા જે જે કહેવાય, તે તો રહી છે જાણું એહ માંય;
તમ વિના એવા ગુણ બીજે, નથી સાંભળ્યા સાચું કહીજે. ૩૮
એનાં ચરિત્ર જોઈને અમે, જાણું દ્રઢતા જોવા આવ્યા તમે;
વળી તમારાં દર્શન કાજ, અતિ આતુર રહે છે મહારાજ. ૩૯
તેને રોકીને રાખ્યા છે આંઈ, કહો તો આવે તમ પાસે ત્યાંઈ;
યાની વાત મેં લખી જણાવી, રાજી હો તેમ મૂકજ્યો કહાવી. ૪૦
લખ્યું છે મારી બુદ્ધિ પ્રમાણ, સર્વે જાણી લેજ્યો સુજાણ;
ઓછું અધિકું જે લખાણું હોય, કરજ્યો ક્ષમા અપરાધ સોય. ૪૧
દયા કરીને વાંચજ્યો પત્ર, ઘટે તેમ લખાવજ્યો ઉત્ર;
તેની જોઈ રહ્યા છીએ વાટ, આવ્યે ઉત્તર ટળશે ઉચાટ. ૪૨
વારે વારે વિનતિ મહારાજ, કરું છું હું આ વર્ણી કાજ;
હશે તેમને ગમતું તે થાશે, બીજા ડાહ્યાનું ડહાપણ જાશે. ૪૩
થોડે લખ્યે બહુ માનજ્યો નાથ, રાખજ્યો દયા પ્રભુ મુજ માથ;
એવો પત્ર લખ્યો મુક્તાનંદે, વાંચ્યો સાંભળ્યો સહુ મુનિવૃંદે. ૪૪
કહે મુનિ ધન્ય છો મહારાજ, અતિ રૂડો પત્ર લખ્યો આજ;
વાંચી આવશે વહેલા દયાળ, પ્રભુ લેશે આપણી સંભાળ. ૪૫
પછી બોલ્યા એમ મુક્તાનંદ, સુણો નીલકંઠ મુનિઇન્દ;
લખ્યો સ્વામી પ્રત્યે પત્ર અમે, કાંઈક લખોને કહું છું તમે. ૪૬
સુણી મુક્તાનંદનાં વચન, વિચાર્યું છે વરણીએ મન;
હું શું લખી જણાવું સ્વામીને, કહ્યું ન ઘટે અંતર્યામીને. ૪૭
જાણે મનની વારતા તેને, સર્વે લોક હસ્તામળ જેને;
એથી અજાણ્યું નથી લગાર, જાણે સર્વે અંતર માંહિ બાર. ૪૮
એ આગે કરવી ચતુરાઈ, તે વિચારી લેવું મન માંઈ;
અમારે તો નથી એવો ઘાટ, લખું તમે કહો છો તેહ માટ. ૪૯
એમ કહીને બેઠા એકાંત્ય, લખવા કાગળ કરી છે ખાંત્ય;
કાજુ કાગળ લીધો છે કર, માંડી પાટી ગોઠણ ઉપર. ૫૦
જમણા કરમાં કલમ લીધી, લખવા પત્રિકાની ઇચ્છા કીધી;
પ્રથમ કરી મને વિચાર, માંડ્યા લખવા શુભ સમાચાર. ૫૧ ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો એ નામે એકતાલીશમું પ્રકરણ. ૪૧
Prakaran 41: Muktānand Swāmīe Patra Lakhyo
Te suṇī Muktānandjī, ati kare chhe uchāṭ. 1
Āvā tyāgī tapasvī, nirmohī vairāgyavān;
Nispṛuhpaṇu joī jāṇe, rakhe jātā rahe nidān. 2
Koīk upāy karu, jeṇe rahe Varaṇī-Indra;
Pachhī mīṭhī vāṇīe, bolyā te Muktānand. 3
Vaishākh sudino vāydo, te nahi paḍe khoṭo nāth;
Tiyā lagī tame raho, kahu kargarī joḍī hāth. 4 Chopāi Tamane kahīe chhīe ame eh, te to joīne tamāru deh;
Tape karī tan chhe dubaḷu, nahī pochāy shaher chhe vegaḷu. 5
Khārā samundarnī chhe khāḍī, te to Bhuj jātā āve āḍī;
Nathī sīdhī jāvā pagvāṭ, ame kahīe chhīe teh māṭ. 6
Hamaṇā raho jāḷavīne paḷ, hu melu chhu lakhīne kāgaḷ;
Teno vaḷato uttar āve, karavu sahune jem swāmī kāve. 7
Tenī āganyā vinā nav jāvu, amane to jaṇāy chhe āvu;
Tyāre bolyā Hari teh paḷ, sāru lakho swāmīne kāgaḷ. 8
Pachhī Muktānandjī mahārāj, beṭhā kāgaḷ lakhavā kāj;
Swasti Shrī Bhujnagar māī, Swāmī Rāmānand sukhdāī. 9
Dīnbandhu patitpāvan, bhaktajanne manbhāvan;
Puṇya pavitra prauḍh pratāp, sharaṇāgatnā shamāvo tāp. 10
Kṛupānidhi karuṇānā dhām, patitpāvan pūraṇkām;
Dayāsindhu dilnā dayāḷ, nij jan taṇā pratipāḷ. 11
Anāthnā nāth adhamoddhār, tamane karu chhu namaskār;
Kalyāṇkārī je anek guṇ, teṇe karī tame chho pūraṇ. 12
Siddha siddhyo sarve kahevāy, te to seve chhe tamārā pāy;
Shuddha bhakta je lākhu karoḍī, te tamane name kar joḍī. 13
Āp īchchhāe manuṣhyākṛuti, tame dharī prabhu am vatī;
Evā tame jan sukhkārī, prabhu vānchajyo vinati mārī. 14
Atra Lojthī lakhyo kāgaḷ, tam kṛupāe sukhī sakaḷ;
Tamārā sukhnā samāchār, lakhajyo mārā prāṇ ādhār. 15
Bīju lakhavā kāraṇ jeh, swāmī sāmbhaḷjyo tame teh;
Koshaḷ deshthī āvyā chhe muni, kahu vāt have hu tehunī. 16
Deh māhi jeṭalī chhe nāḍī, dekhāy chhe te sarve ughāḍī;
Tyāg vairāgya tane chhe ati, jāṇu āpe tapnī mūrati. 17
Nīlkanṭh nāme nidān chhe, Shiv jevā vairāgyavān chhe;
Megh jevā sahunā sukhdhām, dekhī darpa hare koṭi kām. 18
Varṇīveṣh draṣhṭi animeṣh, brahmasthitimā rahe chhe hamesh;
Udār mati achpaḷatā, pāsaḷe kāī nathī rākhatā. 19
Kishor avasthāne utarī, āvyā atra tīrathmā farī;
Sundar mukh ne māthā upar, kesh nānā bhūrā chhe sundar. 20
Bole chhe spaṣhṭa vāṇī mukh, nārīgandhthī pāme chhe dukh;
Mān matsar nathī dhāratā, prabhu vinā nathī sambhārtā. 21
Jīrṇa valkal ne mṛugchhāḷā, hāth māhi chhe tulasī māḷā;
Saral kriyāmā sadā rahe chhe, muninā dharmane shīkhave chhe. 22
Rākhe chhe gurubhāv ammā, vṛutti lāgī rahī chhe tammā;
Ras rahit jame chhe anna, teh paṇ bīje trīje dan. 23
Kyārek faḷ fūl nidān, kyāre kare vāri vāyupān;
Kyāre ayāchyu anna āvyu līe, kyāre maḷyu paṇ mūkī dīe. 24
Kyārek marachā mīnḍhī-āvaḷya, jame ej ekalu kevaḷ;
Khāru khāṭu tīkhu tam-tamu, ras nīras barobar samu. 25
Ṭank ṭāṇānī ṭev ja nathī, atinispṛuh rahe chhe dehthī;
Je je kriyāo kare chhe eh, tan dhārīe na thāy teh. 26
Grīṣhma Prāvṛuṭ ne Sharad ṛutu, Hemanta Shīt ne vaḷī Vasantu;
Chhoye ṛutumā vasavu vane, vahālu lāge chhe potāne mane. 27
Meḍī mol āvāsmā rahevu, te jāṇe chhe kārāgṛuh jevu;
Unāḷe to tāpe chhe agani, chomāse sahe dhārā meghnī. 28
Shiyāḷe bese chhe jaḷ māī, teṇe tan gayu chhe sukāī;
Kiyā bāḷpaṇānī ramat, kiyā pāmavo siddhono mat. 29
Bāḷpaṇe siddhadashā joī, ame sanshay karu sahu koī;
Enā tapnā tejne māī, amāru tap gayu ḍhankāī. 30
Jem dinakar āgaḷya divo, e pāse tyāg amāro evo;
Enī vāt to e pramāṇe chhe, sarva yogkaḷāne jāṇe chhe. 31
Toy shiṣhya thaīne rahyā chhe, jenī ati apār kriyā chhe;
Keṇe thāto nathī nirdhār, jāṇu pāmyā chhe shāstrano pār. 32
Pūchhe chhe prashna alap kāī, temā panḍit rahe chhe mūnzāī;
Sabhā māhi vād prativāde, bole chhe pote shāstra maryāde. 33
Tyāre panḍitnā tark sarva, thāy bandh ne na rahe garva;
Pūchhe prashna koī potā pās, tyāre bahu rītye kare samās. 34
Tyāre sanshay kare em man, ā shu āvyā pote Bhagwan;
Besu dhyāne jyā jyā man jāy, tene dekhe chhe sākṣhīne nyāy. 35
Durijan vachannā bāṇ, sahevā pote vajra pramāṇ;
Evā kṣhamāvant mahāmati, pardukhe pīḍāy chhe ati. 36
Komaḷtā kahī nathī jāti, upmā paṇ nathī devātī;
Sarṣhap fūl mākhaṇ ne kanj, jāṇu pāmyā komaḷtā ranj. 37
Sarve sādhutā je je kahevāy, te to rahī chhe jāṇu eh māy;
Tam vinā evā guṇ bīje, nathī sāmbhaḷyā sāchu kahīje. 38
Enā charitra joīne ame, jāṇu draḍhatā jovā āvyā tame;
Vaḷī tamārā darshan kāj, ati ātur rahe chhe Mahārāj. 39
Tene rokīne rākhyā chhe āī, kaho to āve tam pāse tyāī;
Yānī vāt me lakhī jaṇāvī, rājī ho tem mūkajyo kahāvī. 40
Lakhyu chhe mārī buddhi pramāṇ, sarve jāṇī lejyo sujāṇ;
Ochhu adhiku je lakhāṇu hoy, karajyo kṣhamā aparādh soy. 41
Dayā karīne vānchajyo patra, ghaṭe tem lakhāvjyo utra;
Tenī joī rahyā chhīe vāṭ, āvye uttar ṭaḷashe uchāṭ. 42
Vāre vāre vinati mahārāj, karu chhu hu ā Varṇī kāj;
Hashe temane gamatu te thāshe, bījā ḍāhyānu ḍahāpaṇ jāshe. 43
Thoḍe lakhye bahu mānajyo nāth, rākhajyo dayā prabhu muj māth;
Evo patra lakhyo Muktānande, vānchyo sāmbhaḷyo sahu munivṛunde. 44
Kahe muni dhanya chho mahārāj, ati rūḍo patra lakhyo āj;
Vānchī āvashe vahelā dayāḷ, prabhu leshe āpaṇī sambhāḷ. 45
Pachhī bolyā em Muktānand, suṇo Nīlkanṭh muni-ind;
Lakhyo swāmī pratye patra ame, kāīk lakhone kahu chhu tame. 46
Suṇī Muktānandnā vachan, vichāryu chhe Varaṇīe man;
Hu shu lakhī jaṇāvu swāmīne, kahyu na ghaṭe antaryāmīne. 47
Jāṇe mannī vāratā tene, sarve lok hastāmaḷ jene;
Ethī ajāṇyu nathī lagār, jāṇe sarve antar māhi bār. 48
E āge karavī chaturāī, te vichārī levu man māī;
Amāre to nathī evo ghāṭ, lakhu tame kaho chho teh māṭ. 49
Em kahīne beṭhā ekāntya, lakhavā kāgaḷ karī chhe khāntya;
Kāju kāgaḷ līdho chhe kar, mānḍī pāṭī goṭhaṇ upar. 50
Jamaṇā karmā kalam līdhī, lakhavā patrikānī ichchhā kīdhī;
Pratham karī mane vichār, mānḍyā lakhavā shubh samāchār. 51 Iti Shrīmad Ekāntik Dharma-Pravartak Shrī Sahajānand Swāmī shiṣhya Niṣhkuḷānand Muni virachite Bhaktachintāmaṇi madhye 'Muktānand Swāmīe Patra Lakhyo' e nāme ektālīshmu prakaraṇ. 41