વૃત્તિવિવાહ

પદ ૧

રાગ: ધોળ (‘કુંદનપુર વિવા’ રચ્યો’ – એ ઢાળ)

લાગું પાયે પરબ્રહ્મને, સોયે સદ્‌ગુરુ શ્યામ ॥

સંતવેષે શ્રીહરિ, એક રૂપ ને ત્રય1 નામ ॥ ૧ ॥

મંગળ ઇચ્છે જો મનમાં, તો સોંપે શરણે શીશ ॥

અખંડ સુખને પામવા, ગાઉં ગુણ હરિના હમિશ ॥ ૨ ॥

વિવા’ તે નામે વધામણું, માંહી વર કન્યાની વાત ॥

વૃત્તિ તે નામ વનિતા, વર શ્રીહરિ સાક્ષાત ॥ ૩ ॥

વરે વર્યાની ઇચ્છા કરી, સોંપ્યું શ્રીફળ બૃહદવૈરાગ્ય2

ઓઢી છે અવલ3 ઘાટડી,4 મારા સ્વામી તણો જે સુવાગ5 ॥ ૪ ॥

સ્વાગણ થઈ છે સુંદરી, પામી અખંડ એવાતણ6

આવો સખી સરવે મળી, ગાઈએ ગોવિંદજીના ગુણ ॥ ૫ ॥

ધન્ય ધન્ય જન્મ માહેરો, થયું સગપણ શ્યામને સાથ ॥

ઇચ્છા તે વર મુજને મળ્યો, નિષ્કુળાનંદનો નાથ ॥ ૬ ॥

 

પદ ૨

રાગ: ધોળ (‘સજનીને સુપના અંતર લાધું રે’ – એ ઢાળ)

ઇચ્છ્યા અલબેલો વર મળિયા રે,

  ભય તો ભવસાગરના ટળિયા રે;

અતિ એક અમૂલ્ય ઘાટડી રે,

  તે તો અમને અલબેલે જો ઓઢાડી રે. ॥ ૧ ॥

ઘાટડી તો ઘણી મૂલી કે’વાય રે,

  તે તો અબળા વિના ન ઓઢાય રે;

ઘાટડી તો શુકદેવે શોભાડી રે,

  ઓઢીને ઋષભદેવે દેખાડી રે. ॥ ૨ ॥

ઘાટડી તો ઓઢી છે પ્રહલાદે રે,

  ઓઢી બીજે અનેક જને આદે7 રે;

ઘાટડી તો ઓઢી છે ગોપીચંદે રે,

  ઘાટડી તો ઓઢી છે શાહા બાજન્દે રે. ॥ ૩ ॥

ઘાટડી તો ભરથરીને ઘણી ભાવી રે,

  ઘાટડી તો કદરજે શોભાવી રે;

કંઈક તો વણ ઓઢ્યે ફરે ફૂલ્યા રે,

  નિષ્કુળાનંદ કહે તે તો ભૂલ્યા રે. ॥ ૪ ॥

 

પદ ૩

રાગ: ધોળ (‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’ – એ ઢાળ)

શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી રે,

  ચુંદડી રંગે દીસે છે રૂપાળી રે... શોભે꠶ ॥ ૧ ॥

ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુનિ રે,

  દેખી અંક8 અલૌકી અનુપ રે... શોભે꠶ ॥ ૨ ॥

ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણું રે,

  ચુંદડી સરાયે સુર નર ભૂપ રે... શોભે꠶ ॥ ૩ ॥

ચુંદડી નયણા ભરીને નીરખી નારદે રે,

  સનકાદિકે કર્યો સતકાર રે... શોભે꠶ ॥ ૪ ॥

ચુંદડી વલ્લભ9 ઘણી છે વ્યાસને રે,

  વાલમિકે વખાણી વારમવાર રે... શોભે꠶ ॥ ૫ ॥

ચુંદડી શેષ વખાણે શારદા રે,

  નવ પામે તે પોતનો10 પાર રે... શોભે꠶ ॥ ૬ ॥

ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશે રે,

  તેને સ્વપને નહિ ગમે સંસાર રે... શોભે꠶ ॥ ૭ ॥

ચુંદડી સારી સોયામણી રે,

  કર્યાં અનેક જનના જો કાજ રે... શોભે꠶ ॥ ૮ ॥

મળ્યા નિષ્કુળાનંદનો નાથજી રે,

  દયા કરીને આપી અમને આજ રે... શોભે꠶ ॥ ૯ ॥

 

પદ ૪

રાગ: ધોળ (‘વર લાડીલો આવ્યા તોરણે’ – એ ઢાળ)

ધન્ય ધન્ય દિન રળિયામણો, ધન્ય અવસર આજ રે;

લગન લાડીલી મોકલે, વે’લા આવો મહારાજ રે. ॥ ૧ ॥

વા’લાજી વિલંબ ન કિજિયે રે, દિજે દરશન દાન રે;

ભૂધર તમને ભેટતાં, વળે11 અમારા વાન રે. મન રે ॥ ૨ ॥

ઇચ્છે છે મળવા, નયણા જોવાને નાથ રે;

શ્રવણ ઇચ્છે છે સુણવા, વા’લા મુખની વાત રે. ॥ ૩ ॥

સર્વે અંગે સ્વામી તમને, સ્પરશી પાવન કરું રે;

પિયુજી વેલેરા પધારજો, આવો અંક12 જ ભરું રે. ॥ ૪ ॥

અવગુણ મારા અનેક છે, રખે તે સામું જોતા રે;

અધમઉદ્ધારણ બિરુદ છે, રખે તે તમે ખોતા રે. ॥ ૫ ॥

બિરુદ સામુ જોઈ શ્યામળા, કરજ્યો અમારાં કાજ રે;

શું કહીને સંભળાવીએ, સર્વે જાણો મહારાજ રે. ॥ ૬ ॥

થોડે લખ્યે ઘણું જાણજ્યો, દયા કરજો દયાળુ રે;

જેમ જાણો તેમ જાણજ્યો, છૈયે તમારા પાળુ13 રે. ॥ ૭ ॥

છોડતાં છેક છૂટો નહિ, તે કેમ છાંડો મહારાજ રે;

નિષ્કુળાનંદના નાથજી, બાંય ગ્રહ્યાની લાજ રે. ॥ ૮ ॥

 

પદ ૫

રાગ: ધોળ (‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’ – એ ઢાળ)

શુદ્ધ વિચારથી સાબદા થાઓ રે,

  ચલી14 ચાલીને ચિદાકાશમાં15 જાઓ રે;

જિયાં રે વસે છે જદુપતિ નાથ રે,

  કે’જ્યો જઈ વિનતિ જોડી બેઉ હાથ રે. ॥ ૧ ॥

વે’લા પધારે હો વિશ્વાધાર રે,

  વાટ કોઈ જુવે છે વિરહવતી નાર રે;

સર્વે સખાને તે તેડજ્યો સાથ રે,

  ઓપે16 આંગણિયું અમારું હો નાથ રે. ॥ ૨ ॥

મારાં કુટુંબી બો’ળા છે બહુ રે,

  હાંસી જો કરવા આવશે સહુ રે;

તે તો તમ થકી પામશે હાર રે,

  લવલવ કરતાં રહેશે નરનાર રે. ॥ ૩ ॥

એક અમે તમે અંક જ ભરશું રે,

  મનના મનોરથ પૂરા કરશું રે;

સુખનો સમાજ સંગે લાવજ્યો રે,

  નિષ્કુળાનંદના સ્વામી આવજ્યો રે. ॥ ૪ ॥

 

પદ ૬

રાગ: ધોળ (‘મારી સાર લેજ્યો અવિનાશી રે’ – એ ઢાળ)

જઈ કહી વિનતિ વિચારે રે,

  સુણી સર્વે સુંદરવર તે વારે રે;

કીધું છે કાંઈ જાદવકુળમાં જાણ રે,

  વાજે છે અનહદ17 નાદ નિશાણ18 રે. ॥ ૧ ॥

માનિની તે મળીને મંગળ ગાય રે,

  ઉછરંગ19 આનંદ અંગે ન માય રે;

આવી સર્વે મળ્યો સખાનો જો સાથ રે,

  આજ્ઞા તેને આપે અનાથનો નાથ રે. ॥ ૨ ॥

સજ્જ સર્વે થાઓ તે સખા સહિત રે,

  જાવું છે જાનમાં કરવી છે જિત રે;

કોઈ જો મ આવશો કાયર કાચા રે,

  દુઃખિયા દુર્બળ વળજ્યો પાછા રે. ॥ ૩ ॥

બુઢા ને બાળક રહેજ્યો બેસી રે,

  દુર્મતિ દેખીને કરશે હાંસી રે;

જન બીજા અનેક મળીને જોશે રે,

  દુરમતિ વણ વાંકે વગોશે રે. ॥ ૪ ॥

આપણ સહુ આનંદ માંહી રહેજ્યો રે,

  વચન તે કોઈને કટુ20 મ કે’જ્યો રે;

આવજ્યો અજિત સર્વે અંગે રે,

  નિષ્કુળાનંદના સ્વામીને સંગે રે. ॥ ૫ ॥

 

પદ ૭

રાગ: ધોળ (‘મારી સાર લેજ્યો અવિનાશી રે’ – એ ઢાળ)

સુણી સજ્જ થયો વૈરાગ, જેને તન મન ધનનો છે ત્યાગ ॥

આવ્યો સંતોષ મહા શૂરવીર, જેથી ધરે મુનિવર ધીર ॥ ૧ ॥

આવ્યો શીલ21 મહા જો સુભટ,22 જેથી પળાય કામના કોટ23

સજ્જ થઈ ક્ષમા અડીખંભ,24 જેથી ક્રોધ ન કરે આરંભ ॥ ૨ ॥

દયા દીસે છે દલની દયાળ, સર્વે જીવતણી પ્રતિપાળ ॥

ભક્તિ અદીનતા ધરી ધીર, માંહી જ્ઞાન વિજ્ઞાન ગંભીર ॥ ૩ ॥

સમદૃષ્ટિ સદા સુખકારી, એક આત્મા રહે ભાવ ધારી ॥

શુભ ગુણ વિવેક વિચાર, એવાં કે’તાં તે ના’વે પાર ॥ ૪ ॥

એક એક થકી છે અનુપ, સર્વે સંતને છે સુખરૂપ ॥

સર્વે મળીને શોભે છે જાન, માંહી વર દીસે કોડીલો કાન ॥ ૫ ॥

પછી આવ્યા છે પુરને પાસ, દેખી દુર્મતિ પામ્યા છે ત્રાસ ॥

એક કહે છે બુઢાને બાર, વર આવ્યા છે પુર મોઝાર ॥ ૬ ॥

ત્યારે કુબુદ્ધિ કરે છે વિચાર, નાસી નીસરો પુરની બાર ॥

હરિએ આવી કર્યો છે મુકામ, સર્વે ટાળ્યા અવિદ્યાના ઠામ ॥ ૭ ॥

હાર્યો અહંકાર થઈ છે હાર, ત્યારે વરે સજ્યો શણગાર ॥

વર સુંદરવર વનમાળી, કહે નિષ્કુળાનંદ નિહાળી ॥ ૮ ॥

 

પદ ૮

રાગ: ધોળ (‘દીવા કેરી સગ્ય પુન્યમ કેરો ચંદ વિ’વા કેરી વ્રધ કે વર આવી મળ્યા રે’ – એ ઢાળ)

વર નિરગુણ રે થયા સગુણ રૂપ, ઓપે છે અનુપ ભૂપોશિર ભૂપ,

    જોઈ જન રૂપ કે નીરખે નાથને રે;

વર દીસે છે દિલના દયાળ,દીન પ્રતિપાળ ભૂપના ભૂપાળ,

    કાળશિર કાળ સુખદાયી સાથમે રે. ॥ ૧ ॥

વરે પે’ર્યો છે સુંદર સુરવાળ, ઝગે25 જામાચાળ કંઠે મોતીમાળ,

    દીસે છે વિશાળ કે ભલેરા26 ભાવની રે;

વરે પેર્યો છે જામો જરકશી, કમર લઈ કસી મુખે રહ્યા હસી,

    જનમન વસી કે મૂરતિ માવની રે. ॥ ૨ ॥

વરને કરે શોભે વેઢ વીંટી, પોંચી પે’રી દીઠી કડે જોત્ય27 કોટી,

    લીધી શોભા લૂંટી કે લોક ત્રણની રે;

સોના સાંકળાં શોભે સુચંગ,28 બાંયે બાજુબંધ કુંડળ ઉતંગ,29

    અતિ શોભા અંગ કે અશરણશરણની રે. ॥ ૩ ॥

વરને શિરપર સોનેરી પાગ, શું કહે શેષનાગ કે’વા નહિ લાગ,

    અમારા જો ભાગ્ય કે હેતે મળ્યા હરિ રે;

કેશર તિલક ભાલને વચ્ચ, પાઘડીને પેચ શોભે શિરપેચ,

    લાગી છે લાલચ કે કલંગી કેવી ધરી રે. ॥ ૪ ॥

નખશિખ શોભા તે કહી ન જાય, કવિ કંઈ ગાય તે થાપ30 ન થાય,

    મોટો છે મહિમાંય કે અકળ એ નાથ છે રે;

વરે કરમાં લીધી લાલ છડી, પાયે જો મોજડી મોતીએ તે જડી,

    વર ઘોડે ચડી કે સંગે સખા સાથ છે રે. ॥ ૫ ॥

પરમહંસ બ્રહ્મરસના ભોગી, સંગે સાંખ્યયોગી અંતરે અરોગી,31

    જે સંત સંયોગી કે સંગે સહજાનંદને રે;

નિષ્કુળાનંદના સ્વામીને જોઈ, મન રહ્યું મોઈ હૈયે સુખ હોઈ,

    ભવદુઃખ ખોઈ કે પામ્યા આનંદને રે. ॥ ૬ ॥

 

પદ ૯

રાગ: ધોળ (‘પીઠી ચોળો પીઠી ચોળો પિતરાણી રે’ – એ ઢાળ)

સુંદર વર તોરણે પધાર્યા રે,

  જનમન નવલા નેહ વધાર્યા રે;

વાજિંત્ર વાજે છે બહુવિધ રે,

  પિયુ મારો પધારિયા પ્રસિદ્ધ રે. ॥ ૧ ॥

પોંખણું લઈને આવે પનોતી32 રે,

  વર પોંખી વળી વધાવે છે મોતી રે;

સાપટિયાં33 સુખ દુઃખના ભાંગ્યાં રે,

  પિંડલિયા34 તે પાપ પુન્યના ત્યાગ્યા રે. ॥ ૨ ॥

અંતરપટ35 પરુ36 લઈ લીધું રે,

  દયા કરી દયાળે દર્શન દીધું રે;

પછી પિયુ પ્રેમે પધાર્યા છે પાટે રે,

  મહાસુખ મુજને આપવા માટે રે. ॥ ૩ ॥

ધન્ય ધન્ય અવસર આવ્યો છે આજ રે,

  મે’ર ઘણી કરી પધાર્યા મહારાજ રે;

અમ ઉપર આજ અઢળ હરિ ઢળિયા રે,

  નિષ્કુળાનંદનો સ્વામીજી મળિયા રે. ॥ ૪ ॥

 

પદ ૧૦

માયરે બેઠા છે દેવ મોરાર રે,

  સુંદરીએ સજ્યો છે શણગાર રે;

પહેર્યા છે આનંદના અણવટ37 રે,

  અજિત અડગ ને અમટ38 રે. ॥ ૧ ॥

ઝાંઝર પ્રેમનાં નેમનાં કા’વે રે,

  ઉતરી ઉર હરિ એક ભાવે રે;

માળા માદળિયા સાંકળી હાર રે,

  શમ દમ આદિ વિવેક વિચાર રે. ॥ ૨ ॥

પે’ર્યો છે અખંડ વરનો ચૂડો રે,

  સુંદરી સુંદર વર પામી રૂડો રે;

નાકે તે પે’ર્યા નિર્મળા મોતી રે,

  સજ્જ થઈ પિયુને મળવા પનોતી રે. ॥ ૩ ॥

ચાંદલિયો અવિચળ વરનો ચોડ્યો રે,

  સંશય તે સર્વે અવર બીજો તોડ્યો રે;

મેલ્યો છે નિઃશંકનો શિરમોડ39 રે,

  દેખી વાલો રાજી થયા રણછોડ રે. ॥ ૪ ॥

ઘાટડી વૈરાગ્યની ઘણી સારી રે,

  સખી40 એવે શણગારે શણગારી રે;

પધરાવ્યા પછી પિયુને પાસ રે,

  ટાળી છે લોકલાજ તનત્રાસ રે. ॥ ૫ ॥

બની છે સુંદર સરખી જોડી રે,

  બાંધી છે ગાંઠ્ય41 ન છૂટે છોડી રે;

વર કંઠે આરોપી વરમાળ રે,

  પ્રભુ અમે દીન તમે પ્રતિપાળ રે. ॥ ૬ ॥

તન મન સોંપ્યું છે હરિ તમને રે,

  તમ સંગે શોભા આવી છે અમને રે;

ત્યારે હરિએ હેતે કરી સાયો42 હાથ રે,

  સખી તારે થશે જો સનાથ રે. ॥ ૭ ॥

નિઃશંક નિર્ભય થઈ સર્વે અંગે રે,

  સુંદર શ્યામળિયા વર સંગે રે;

સુંદરી સર્વે અંગે સુખ પામી રે,

  મળિયા છે નિષ્કુળાનંદનો સ્વામી રે. ॥ ૮ ॥

 

પદ ૧૧

રાગ: ધોળ (‘મારી સાર લેજ્યો અવિનાશી રે’ – એ ઢાળ)

ચોરી43 સ્તંભ રચ્યા તિયાં ચાર રે, રહે વ્રતમાને નર નાર રે ॥

પિયુ સ્પરશી પ્રદક્ષિણા કરે રે, તે તો ભવમાં તે ફેરા ન ફરે રે ॥ ૧ ॥

ધન્ય સખી સુંદર વર પરણે રે, તન મન સોંપી હરિશરણે રે ॥

કામ ક્રોધના જવ તલ બાળ્યા રે, સંશય શોક સર્વે તિયાં ટાળ્યા રે ॥ ૨ ॥

પિયુ પરણીને પાવન થયાં રે, સુખ મુખે ન જાય તે કહ્યાં રે ॥

હરિહાથે જમ્યા જે કંસાર રે, તેને સ્વપને ન ગમે સંસાર રે ॥ ૩ ॥

ફેરા ફરીને આજ ઊતર્યા રે, સર્વે કાજ અમારાં તે સર્યા રે ॥

પ્રેમ નેમ ને ભક્તિ ભાવે રે, સખી ચાર મળીને વધાવે રે ॥ ૪ ॥

વર વધાવી વારણે44 જાય રે, નાથ નીરખતા તૃપ્ત ન થાય રે ॥

નાથ નીરખીને લોભ્યા છે નેણ રે, મુખ જોઈ મન થયાં મેણ45 રે ॥ ૫ ॥

મુખ જોઈ મેલ્યું નવ જાય રે, રહેજ્યો અખંડ અંતર માંય રે ॥

વા’લા વા’લપ્ય આવે છે હૈયે રે, જાણું અંગે આલિંગન લૈયે રે ॥ ૬ ॥

પૂરું મનોરથ મારા મનના રે, ખંગ46 વાળું હું ખોયલા47 દનના રે ॥

સખી પૂરણ પુણ્યે હું પામી રે, વર નિષ્કુળાનંદનો સ્વામી રે ॥ ૭ ॥

 

પદ ૧૨

રાગ: ધોળ (‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’ – એ ઢાળ)

છબીલા વાલા છોડો દેવાધિદેવ દોરડો રે,

  દીસે દોરડીયે દશ ગાંઠ રે... છબીલા꠶ ॥ ૧ ॥

ગાંઠ અનેક જનમની આવરી રે,

  તેને લાગશે લગારેક વાર રે... છબીલા꠶ ॥ ૨ ॥

કળે કળે કરીને છોડજ્યો રે,

  નહિ તો તૂટી જાશે નિરધાર રે... છબીલા꠶ ॥ ૩ ॥

અહં દેહ અભિમાન દોરડો રે,

  મહાવિકટ છે વિપરીત રે... છબીલા꠶ ॥ ૪ ॥

તમે તોડવાને તો તૈયાર છો રે,

  કાંઈ રાખજ્યો છોડવાની રીત રે... છબીલા꠶ ॥ ૫ ॥

પડી ગાંઠ્ય ઘૂંચાઈ ઘણા દિનની રે,

  માંહી અનેક રહ્યા છે ઉત્થાન48 રે... છબીલા꠶ ॥ ૬ ॥

નથી કાળીનાગ જે નાથશો રે,

  નથી દાવાનળ જે કરો પાન રે... છબીલા꠶ ॥ ૭ ॥

વા’લા આકળે49 અરથ સરે નહિ રે,

  ધરી ધીરજ કરો વિચાર રે... છબીલા꠶ ॥ ૮ ॥

વા’લા ગાંઠ્ય છોડ્યે તમે છૂટશો રે,

  આંટી કાઢી જોઈશે આણી વાર રે... છબીલા꠶ ॥ ૯ ॥

તે તો તમારે હાથે હરિ છૂટશે રે,

  એમાં નથી અમારો કાંઈ દોષ રે... છબીલા꠶ ॥૧૦॥

દયા કરીને છોડજ્યો દોરડો રે,

  રખે રાંક જાણી કરો રોષ રે... છબીલા꠶ ॥૧૧॥

તમે અનેક જુગતિ આદરી રે,

  વિધ્યે વિધ્યે કરો છો વિચાર રે... છબીલા꠶ ॥૧૨॥

સ્વામી નિષ્કુળાનંદના સમર્થ છો રે,

  જો છોડો તો સઈ50 છે વાર રે... છબીલા꠶ ॥૧૩॥

 

પદ ૧૩

રાગ: ધોળ (‘એેવા ધામને પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યો’ – એ ઢાળ)

અહો આજ અમારા હો ભાગ્ય, અમર વર વરિયા રે;

વર સુંદર શ્યામ સુજાણ, નીરખીને નયણાં ઠરિયાં રે. ॥ ૧ ॥

વર નિરગુણ ને નિર્લેપ, સગુણ થયા સ્વામી રે;

વર અખંડ ને અવિનાશ, અકળ અંતરજામી રે. ॥ ૨ ॥

વર અતોલ ને રે અમાપ, થાય ન થાપ રતિ રે;

વર હરિ51 હર અજના આધાર, પ્રકૃતિ પુરુષના પતિ52 રે. ॥ ૩ ॥

વર પંડ્યે બ્રહ્માંડને પાર, અકળ ન જાય કળ્યા રે;

નેતિ નેતિ કહે જેને વેદ, તે તો આજ અઢળ ઢળ્યા રે. ॥ ૪ ॥

વર ગુરુવા53 ગુણને પાર, તે તો કેમ જાય કહ્યા રે;

વર અજર છે જો અજિત, પ્રીતે પ્રગટ થયા રે. ॥ ૫ ॥

વાલે ધર્યુ મનુષ્ય શરીર, જન હેત કારણે રે;

જેને દરશે સ્પરશે પાપ જાય, વારી જાઉં વારણે રે. ॥ ૬ ॥

મારા પુણ્ય તણો નહિ પાર, ભેટ્યા આજ ભાવે હરિ રે;

મળ્યા નિષ્કુળાનંદનો નાથ, મને સનાથ કરી રે. ॥ ૭ ॥

 

પદ ૧૪

રાગ: ધોળ (‘આવ્યા આવ્યા દાદાને પરણાવા નાથ રે’ – એ ઢાળ)

ત્યારે બોલી સખીની સાહેલી રે, મુખની મરજાદ પરી54 મેલી રે;

મારે કે’વું છે કાંઈ કેણ રે, બોલીશ વાંકા વસમાં વેણ રે. ॥ ૧ ॥

આ જો આશ્ચર્ય સરખી વાત રે, દીસે નાનડીઓ55 ઘણી ઘાત રે;

એને જગમાં કોઈ ન જાણે રે, એ તો પોતે પોતાને વખાણે રે. ॥ ૨ ॥

એ તો આજ કાલ્યનો નહિ કાળો રે, જાણું છું જાત્ય નંદજીનો લાલો રે;

શીખ્યો કામણ ટૂમણ કાંઈ રે, મંત્ર મોરલીમાં નિત્ય ગાઈ રે. ॥ ૩ ॥

એ તો ફોગટ ફૂલ્યો ફરે રે, એ તો અબળા તણા મન હરે રે;

એ તો ધરનો56 છે ધુતારો રે, એને કોણ કહે છે સારો રે. ॥ ૪ ॥

સહુ કોઈ રહ્યું છે સામું જોઈ રે, મુખપર કહી નથી શકતું કોઈ રે;

કામણ મોરલીમાં કાંઈ કર્યું રે, તેણે અબળાનું મન હર્યું રે. ॥ ૫ ॥

તેણે લાગ્યો હરિજીશું હેડો57 રે, વળી તેનો કા’ન ન મૂકે કેડો રે;

ગોપી ભૂલી ઘરનાં કાજ રે, મેલી લોક કુટુંબની લાજ રે. ॥ ૬ ॥

આપ ઇચ્છાએ હરિવર વરી રે, હવે બેઠી ઠેકાણે ઠરી રે;

એને મનમાન્યો વર મળ્યો રે, હશે હેત તે પ્રીતે પળ્યો58 રે. ॥ ૭ ॥

એમાં અમારું શિયું59 ગયું રે, ભલે સુખ જો સખીને થયું રે;

એને અભાવ થયો છે અમારો રે, નિષ્કુળાનંદનો સ્વામી એને સારો રે. ॥ ૮ ॥

 

પદ ૧૫

રાગ: ધોળ (‘મારી અવિચળ ચૂંકને રાખજો’ – એ ઢાળ)

એવું સુણીને બોલી છે સુંદરી, સખી સાંભળ તો કહું વાત,

      હો બેની એમ ન કહ્યે એહને

વળી વિચાર વિના જે બોલવું, તે તો જીવ જણાવે જાત્ય.60 હો꠶ ॥ ૧ ॥

સખી બોલીને કેમ બગાડીએ, બોલ્યું અણબોલ્યું કેમ થાય. હો꠶ ॥

જે કોઈ વચન નીસરે મુખથી, તે તો પાછું કેમ સમાય. હો꠶ ॥ ૨ ॥

તું ન જાણીશ નંદજીનો લાડીલો, એ છે અખિલ ભુવનનો આધાર. હો꠶ ॥

સખી શેષ મહેશ ને શારદા, એનો કોઈ ન પામે પાર. હો꠶ ॥ ૩ ॥

એનો બ્રહ્મા તે ભેદ જાણે નહિ, વળી વેદ ન પામે પાર. હો꠶ ॥

સખી અનેક જનને ઉદ્ધારવા આવી, લીધો છે આ અવતાર. હો꠶ ॥ ૪ ॥

તમે જાણો છો એમ તો એ નથી, એ છે પંચવિષયને પાર. હો꠶ ॥

જેને વચને તે વિકાર વામીએ,61 તેને કેમ વળગે વિકાર. હો꠶ ॥ ૫ ॥

એ તો ચૈતન્ય ઘનમય62 મૂરતિ, એને સ્પરશે નહિ પંચભૂત. હો꠶ ॥

એનું પૂરણકામ જો નામ છે, વળી કા’વે અખંડ અચ્યુત. હો꠶ ॥ ૬ ॥

દીન જાણી દયાળે દયા કરી, થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ. હો꠶ ॥

એ છે કોટી કલ્યાણની મૂરતિ, એ છે કોટી કૃપાનું રૂપ. હો꠶ ॥ ૭ ॥

હાથ જોડીને હરિ આગળે, રહિયે દીન આધીન એમ. હો꠶ ॥

સખી નિષ્કુળાનંદના નાથને, કટું વચન જો કૈ’યે કેમ. હો꠶ ॥ ૮ ॥

 

પદ ૧૬

રાગ: ધોળ (‘કંકુ છાંટી કંકોતરી મોકલી’ – એ ઢાળ)

મારા બોલ્યા સામું જોઈ શ્યામ રે, રોષ રખે ધરતા તે રામ રે;

કોઈ નવ સરે જો કામ કે, આવીને આ ભવમાં રે; ॥ ૧ ॥

મોટા મન ધરજ્યો ધીર રે, ગુણવંત ગુણના ગંભીર રે;

ઊનું ટાઢું થાય થોડું નીર કે, તવાઈને63 તવ્યમાં64 રે. ॥ ૨ ॥

અમારા છે અવગુણિયા અનેક રે, હરિ હૈયે આણશો મા એક રે;

અધમ ઉદ્ધારણ જે ટેક કે, પાળજ્યો તે પ્રીતશું રે; ॥ ૩ ॥

વડાને નવ લાગે વિકાર રે, જેની મતિ અપરમપાર રે;

નવ થાય કેણે નિરધાર કે, આદેશ અજિતશું રે. ॥ ૪ ॥

વજ્રને જેમ વીંધ્યું નવ જાય રે, વેંધતલ સામું વીંધાય રે;

અનેક જો કરીએ ઉપાય કે, નિશ્ચે નિષ્ફળ છે રે; ॥ ૫ ॥

શશી જેમ શીતળ આપ રે, તેને તન લાગે નહિ તાપ રે;

સ્પરશે નહિ પુણ્ય ને પાપ કે, નાથ નિરમળ છે રે. ॥ ૬ ॥

દીસો છો કાંઈ દિલના દયાળ રે, દીનબંધુ દીનપ્રતિપાળ રે;

નટવર નંદ ગોવાળ કે, નીરખી નયણાં ઠર્યા રે; ॥ ૭ ॥

નિષ્કુળાનંદના સ્વામી રે, અલબેલા અંતરજામી રે;

તમને નીરખી સુખ પામી કે, સર્વે કારજ સર્યા રે. ॥ ૮ ॥

 

પદ ૧૭

રાગ: ધોળ (‘મારી અવિચળ ચૂંકને રાખજો’ – એ ઢાળ)

જી રે સજ્જ થાઓને સુંદરી,

  મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી. ॥

જી રે પ્રીત તજો રે પ્યારની,65 ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર꠶ ॥ ૧ ॥

જી રે પંનર નવને66 પરહરી, તજો પંચ વિષયની રે પ્રીત કે; સુંદર꠶ ॥

જી રે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર꠶ ॥ ૨ ॥

જી રે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર꠶ ॥

જી રે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર꠶ ॥ ૩ ॥

જી રે મોટાં ભાગ્ય કરી માનજ્યે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર꠶ ॥

જી રે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર꠶ ॥ ૪ ॥

 

પદ: ૧૮

રાગ: ધોળ (‘ગોપીનાથ આવો મારે આંગણે’ – એ ઢાળ)

સખી આજ આનંદ વધામણા,

  મારે હૈડે રે સખી હરખ ન માય કે… આજ꠶

દીન દયાળે દયા કરી,

  બળવંતે રે મારી ગ્રહી છે રે બાંયે કે... આજ꠶ ॥ ૧ ॥

સખી નેહ67 જણાવ્યો નયણમાં,

  જાણી વાલપ્ય રે સુણી મુખનાં વેણ કે... આજ꠶ ॥ ૨ ॥

સખી કરુણા રસમય મૂરતિ,

  નાથ નીરખી રે કાંઈ ઠરિયા છે નેણ કે... આજ꠶ ॥ ૩ ॥

સખી છબી68 છબીલાની જોઈને,

  મન મોહ્યું રે જોઈ વાલાનું મુખ કે... આજ꠶ ॥ ૪ ॥

ચિત્ત ચોરી લીધું લાલ લટકે,

  વણ દીઠે રે નવ થાય જો સુખ કે... આજ꠶ ॥ ૫ ॥

સખી નટવર કુંવર નીરખી,

  ઘણું હરખી રે મારા હૈડા માંય કે... આજ꠶ ॥ ૬ ॥

સખી પૂરણ પુણ્યે તે પામીએ,

  ભાગ્ય મોટા રે મુખ કહ્યાં ન જાય કે... આજ꠶ ॥ ૭ ॥

સખી ધન્ય ધન્ય અવસર આજનો,

  આજ પ્રગટ્યો રે અતિ નવો આનંદ કે... આજ꠶ ॥ ૮ ॥

મારું જીવિત69 સફળ કરી જાણિયું,

  રાજી થયા રે સ્વામી સહજાનંદ કે... આજ꠶ ॥ ૯ ॥

મુને વિસારી નહિ મારે વાલમે,

  સહજાનંદે રે મારી કરી છે સાર કે... આજ꠶ ॥૧૦॥

સખી નિષ્કુળાનંદના નાથને,

  જાઉં વારણે રે હું તો વારમવાર કે... આજ꠶ ॥૧૧॥

 

પદ ૧૯

રાગ: ધોળ (‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’ – એ ઢાળ)

જેનાં પુણ્ય હશે તે એ વર પામશે રે,

તે તો વામશે તનડાના તાપ રે; અખંડ વર એક છે રે.

મનવાંછિત મહાસુખ માણશે રે,

  વળી જાણશે જે પિયુના પ્રતાપ રે... અખંડ꠶ ॥ ૧ ॥

સખી વરીએ તો અમર એ વરને રે,

  જેનું એવાતણ અખંડ અભંગ રે... અખંડ꠶ ॥ ૨ ॥

સખી સુખ અલ્પ આ સંસારનાં રે,

  તેનો સમજુ ન કરે કે દી સંગ રે... અખંડ꠶ ॥ ૩ ॥

સખી મૂર્ખ મનુષ્યની મંડળી રે,

  તે તો સંસારનાં સુખ સરાય70 રે... અખંડ꠶ ॥ ૪ ॥

સખી વિવેકી રહે છે તેથી વેગળા રે,

  તેનો સ્વપનામાં સંગ ન ચા’ય રે... અખંડ꠶ ॥ ૫ ॥

સખી સનકાદિકે શુકે શું કર્યું રે,

  દત્ત ભરત રહ્યા છે જેથી દૂર રે... અખંડ꠶ ॥ ૬ ॥

સખી નિષ્કુળાનંદના સ્વામી વિના રે,

  બીજું અન્ય ભજે71 જાણો ભૂર72 રે.. અખંડ ॥ ૭ ॥

 

પદ ૨૦

રાગ: ધોળ (‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’ – એ ઢાળ)

અહો ધન્ય ધન્ય ભાગ્ય આ ભૂમિના રે,

અહો ધન્ય ધન્ય વૃક્ષ વેલી વન રે; અલોકી રીત આજની રે.

અહો ધન્ય ધન્ય સર સરિતા સિંધુ રે,

  સ્પરશી હરિપદ થયાં છે પાવન રે... અલોકી꠶ ॥ ૧ ॥

અહો ધન્ય ધન્ય ખગ મૃગ જાતને રે,

  જેનો આરે સમામાં અવતાર રે... અલોકી꠶ ॥ ૨ ॥

અહો ધન્ય ધન્ય અશ્વ તે એહને રે,

  જેને ઉપર છે હરિ અસવાર રે... અલોકી꠶ ॥ ૩ ॥

અહો ધન્ય ધન્ય સતસંગી સંતને રે,

  જે કોઈ સદાય રહે છે હરિ સાથ રે... અલોકી꠶ ॥ ૪ ॥

જેને અરસ પરસ રહે એકતા રે,

  હરિ હેતે જમે છે જેને હાથ રે... અલોકી꠶ ॥ ૫ ॥

અહો ધન્ય ધન્ય સુર નર નાગને રે,

  જે કોઈ વસિયા આ બ્રહ્માંડે વાસ રે... અલોકી꠶ ॥ ૬ ॥

તે તો અંતરે ઇચ્છે છે તન ધારવા રે,

  થાવા ચરણકમળના દાસ રે... અલોકી꠶ ॥ ૭ ॥

તે તો કોણ જાણે જે કેમે હશે રે,

  તેનો મર્મ જાણે છે મહારાજ રે... અલોકી꠶ ॥ ૮ ॥

શમ દમ આદિ જે આગે કહ્યા રે,

  તે તો તન ધરી રહ્યા આજ રે... અલોકી꠶ ॥ ૯ ॥

સર્વે સમાજ સહિત પધારિયા રે,

  સંતજનને તે આપવા સુખ રે... અલોકી꠶ ॥૧૦॥

અહો ધન્ય ધન્ય સર્વે એ જનને રે,

  મોટાં ભાગ્ય ન જાય કહ્યાં મુખ રે... અલોકી꠶ ॥૧૧॥

કહ્યું નથી જાતું રે સુખ મુખથી રે,

  જેવું આપ્યું છે અલબેલે આજ રે... અલોકી꠶ ॥૧૨॥

મારા અંતરમાં બેસીને બોલિયા રે,

  હતું કે’વાનું જેટલું કાજ રે... અલોકી꠶ ॥૧૩॥

વિવા’ વરણવ્યો પદ છંદ વિશમાં રે,

  કહ્યું સંક્ષેપે સર્વેનું રૂપ રે... અલોકી꠶ ॥૧૪॥

વર નર તો એક નારાયણ છે રે,

  બીજા સર્વે છે સખીને સ્વરૂપ રે... અલોકી꠶ ॥૧૫॥

એવું નિશ્ચે જાણી રે જન સર્વેને રે,

  રે’વું સખી સ્વરૂપે સર્વે અંગ રે... અલોકી꠶ ॥૧૬॥

વર નિષ્કુળાનંદનો નાથ છે રે,

  રાખો હેત પ્રીત સ્વામીને સંગ રે... અલોકી꠶ ॥૧૭॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતઃ વૃત્તિવિવાહઃ સંપૂર્ણઃ ।

વૃત્તિવિવાહઃ સમાપ્તઃ

SELECTION 🏠 home ગ્રંથ મહિમા પદ ૧ પદ ૨ પદ ૩ પદ ૪ પદ ૫ પદ ૬ પદ ૭ પદ ૮ પદ ૯ પદ ૧૦ પદ ૧૧ પદ ૧૨ પદ ૧૩ પદ ૧૪ પદ ૧૫ પદ ૧૬ પદ ૧૭ પદ ૧૮ પદ ૧૯ પદ ૨૦