એક સમયે શ્રીજી મહારાજ વરતાલમાં આંબાના વૃક્ષ હેઠળ વીરાજ્યા હતા. સંતો-ભક્તો સભા કરીને તેમની સમક્ષ બેઠા હતા. એક મતપંથી બાવો ત્યાં આવી પહોંચ્યો અને સભામાં મહારાજને પ્રશ્ન કર્યો, “મેં સાંભળ્યું છે કે તમે જીવનમુક્તા કહેવાઓ છો. તમે મોક્ષ વહેંચો છો અને સમાધિ કરાવો છો. શું શાશ્વત શાંતિ અને મોક્ષ રસ્તામાંથી જડે તેવાં સુલભ છે? પૂર્વે મોટા મોટા મુનિઓએ કેટલું તપ કર્યું તો પણ મોક્ષ પ્રાપ્ત કર્યો નથી. અહીં શાકભાજીની જેમ તમે મોક્ષને વહેંચવા મૂક્યો હોય તેમ વહેંચો છો. શું મોક્ષ એટલો સસ્તો છે?”
શ્રીજી મહારાજ આ પ્રશ્ન સાંભળી પ્રસન્ન થયા અને બોલ્યા, “આજે પૃથ્વી ઉપર પૂર્ણ પુરુષોત્તમનારાયણ સાક્ષાત્ બિરાજે છે. માનવીએ કેવળ તેમની ઓળખાણ કરીને તેમની ભક્તિ કરવાની છે. અમારા ભક્તો અને સાધુઓ અમારા નિયમો પ્રમાણે વર્તે છે. જે જન તેમનો ગુણ લેશે તેનો પણ મોક્ષ થશે. એટલા માટે આ કળિકાળમાં આજે મોક્ષ સુલભ થયો છે.”
આ વાત કર્યા પછી મહારાજે બાવાને ખરા ત્યાગીનો માર્ગ ચીંધ્યો અને સમાધિનું સુખ અર્પ્યું. સમાધિમાં પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવી. આ પ્રસંગ દરમ્યાન પ્રેમાનંદ સ્વામી હાજર હતા. પછવાડેથી પ્રેમાનંદ સ્વામીએ મહારાજની મોક્ષ ભાવના નિહાળીને કીર્તનો લખી દીધાં.
