home share

કીર્તન મુક્તાવલી

ઇતિહાસ

(૧) ગિરનારી સિદ્ધોએ અમને ગાથા - ગુણાતીત યશગાથા

દેવેન્દ્ર પટેલ

ગુણાતીત ગાથા

ભગવાન સ્વામિનારાયણના અનુગામી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની દ્વિશતાબ્દીએ તેઓની દિવ્ય કથા વર્ણવતી, દેવેન્દ્ર પટેલ દ્વારા રચિત કાવ્ય રચના ‘ગુણાતીત ગાથા’ પર એક મનન...

શારદી ચંદ્ર ઉદય થયો, વરસ્યાં અમૃત નીર,

આનંદ ઉચ્છવ છાઈ રહ્યો, ઊંડ નદીને તીર.

મૂળ અક્ષર મૂળજી થઈ, પ્રગટ્યા ભાદરા ગામ,

ત્યાગી થૈ જૂનાગઢ રહ્યા, ધર્યું ગુણાતીતાનંદ નામ.

ગિરનારી સિદ્ધોએ અમને, ગાથા દિવ્ય સુણાવી’તી,

ગુણાતીતાનંદ સ્વામીએ અહીં, બ્રહ્મધૂણી ધખાવી’તી... ગિરનારી

કવિ માઘે જેને સાહિત્યસૃષ્ટિમાં પોતાની અમર કૃતિ ‘શિશુપાલ વધ’ દ્વારા પ્રસિદ્ધ કરેલો છે એવો પુરાણપવિત્ર રૈવતાચળ આજે જૂનાગઢમાં ગિરનાર નામે વાદળથી વાતુ કરતો ઊભો છે. દર વર્ષે પ્રબોધિની એકાદશીથી પૂર્ણિમા સુધી તેની લીલી પરિક્રમામાં લાખો ભાવિકો ભાગ લે છે. કેટલાક ભક્તિમાન ભક્તો દંડવત્ કરતાં કરતાં પણ પ્રદક્ષિણા કરે છે. તેની ટૂકે ટૂકે અલખને આરાધતા સિદ્ધોનાં બેસણાં છે. દુર્ગમ ગુફાઓમાં કેટલાય અઘોરી સિદ્ધોની ધૂણીઓ ધખે છે. શિખર અને ગુફાઓનાં આ દર્શન ઝંખનારા ઘણી વાર તળેટીની રમણીયતા વિસરી જાય છે!

આ ગિરનારની તળેટીમાં કાળવા નદીને કાંઠે અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીએ પણ ચાલીશ ચાલીશ વર્ષ સુધી ધૂણી ધખાવી હતી. ‘બમ બમ ગિરનારી’ કહી ધુમાડાના ગોટેગોટા કાઢતી, હાથ હાથ ઊંચી ઊઠતી જ્વાળાઓવાળી ગિરનારી બાવાઓની ગાંજાની-ચલમની આ ધૂણી નહોતી, આ ધૂણી હતી બ્રહ્મધૂણી. આ ધૂણીમાં સ્વામી ભક્તોનાં કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, અહંકાર, લૌકિક પંચવિષય, વ્યસન, વહેમ આદિ હિવ હોમી દોષોનાં બીજને ભસ્મીભૂત કરી મુમુક્ષુઓને મુક્ત બનાવતા હતા. આ ધૂણીમાં ધખીને બ્રહ્મરૂપ થયેલાને સંસાર અડતો નહિ. આ ધૂણીમાં ધૂમિલ મલિનતા નહોતી પણ સહજાનંદી સદ્‌ધર્મની શ્વેતિમા પ્રકાશતી હતી. તમાકુ, ગાંજો કે ચરસની બદબો નહિ પણ તેમાં પરબ્રહ્મની પરાભક્તિની ફોરમ પ્રસરતી હતી!

ગિરનારની ઉત્તુંગ ટૂકો ઉપર બિરાજેલા સિદ્ધોએ તળેટીમાં ધખતી અને વિશાળ વ્યોમમાં વ્યાપી રહેલી આ બ્રહ્મણીની પાવક જ્વાળાઓ જોઈ હતી, અનુભવી હતી. આ ગિરિવરના શૃંગે શૃંગે અને ગહ્વરે ગહ્વરે તળેટીના આજન્મસિદ્ધ યોગી ગુણાતીતની ગાથાઓ ગવાતી હતી. ગિરનારના ઊંચે શિખરે બેઠેલા સિદ્ધોને લાગતું કે: “ભલે આપણે ઊંચે બેઠા છીએ પણ તળેટીમાં ધૂણી ધખાવીને બેઠેલો ‘બાવો’ આપણાથી ઘણે જ ઊંચે છે! એની ધૂણી નિરાળી છે!”

જે આરુરુક્ષુઓ આ ચિરાયુ સિદ્ધોને મળતા તેમને તેઓ એકવાર પણ ગિરનાર ચડ્યા વગર તેનાથી ઘણે ઊંચે વિહરતા જૂનાગઢના આ ચિરંજીવી જોગીની દિવ્ય ગાથા ગૌરવભેર સંભળાવતા હતા અને કહેતા હતા: “ઊંચે જવું છે? તો ઉ૫૨ ક્યાં આવ્યા? નીચે કાળવાને કાંઠે જાવ. નીચેથી સીધું ઊંચે ઊડાય છે, આટલે ઊંચે ચડવાની જરૂર નહોતી. વિમાનો પર્વતના શિખરેથી નહિ પણ જમીનની સપાટીએથી ઊડાણ આદરે છે.”

તેમની આ વાત સાચી છે. એટલે જ તો ઊંચે સ્વર્ગે વસતા દેવો એથીયે ઊંચે – અક્ષરધામમાં જવા માટે – મોક્ષ માટે સ્વર્ગનાં સુખ ભોગવવાનું પુણ્ય પડ્યું મૂકીને પણ નીચે મૃત્યુલોકની કર્મભૂમિ ઉપ૨ આવવા માટે ઇચ્છતા હોય છે.

એ સિદ્ધો આજે પણ કહે છે: “સાંભળો, આ ધૂણી ઉઝેરાઈ ગઈ નથી. તેને કાળનો સપાટો લાગ્યો નથી. અક્ષરબ્રહ્મે ધખાવેલી આ અખંડધૂણી આજે પણ અવિચ્છિન્નપણે અક્ષરબ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી જલતી રાખી રહ્યા છે. એમાં એનાં એ જ હવિ સીંચાય છે, ત્યાં જાવ.”

ગિરનારી સિદ્ધોના ગળે આ ગાથા ગવરાવીને કવિએ સિદ્ધોમાં ગુણાતીતાનંદ સ્વામીની સર્વશ્રેષ્ઠતા અને અદ્યાવધિ તેમનું ચિરંજીવીપણું અપૂર્વ કાવ્યકૌશલ્યથી નિરૂપ્યું છે.

સ્વામીના સૌ સત્સંગીના, આદર્શો લેવાયા,

બ્રહ્મવિદ્યાના ગુરુકુળમાં, લાખો તો રંગાયા;

બ્રહ્મસ્વરૂપ એ ભગતજી, સ્વામીના વારસ કા’વ્યા,

બ્રહ્મમો’લ જાવાની નોબત, સ્વામીએ ગગડાવી’તી... ગિરનારી

ચિરંજીવ રહ્યા છે સ્વામી, ભલેને ખોળિયું બદલાયું,

ભગતજી શાસ્ત્રીજીના પગલે, યોગીએ શોભાવ્યું;

પ્રમુખસ્વામીની સાધુતાએ, સકલ જગત ડોલાવ્યું,

અક્ષર જ્યોતિ અખંડ રહી, જે શ્રીજીએ પ્રગટાવી’તી... ગિરનારી

આવો, આવો, આપણે પણ નરવા ગળે ગવાતી, ગિરનારે ગુંજતી અને ગગનમાં ગાજતી આ ગાથાને સરવા કાને સાંભળીએ અને બીજાને સંભળાવીએ.

(સ્વામિનારાયણ પ્રકાશ, ફેબ્રુઆરી ‘૮૦)

History

(1) Girnārī siddhoe amne gāthā - Guṇātīt Yashgāthā

Devendra Patel

An essay by Pujya Viveksagardas Swami appeared in Swaminarayan Prakash in 1980 on the Gunatit Yashgatha written by Devendra Patel. The full essay is presented here in Gujarati. Below is a short summary in English.

Gunatit Yashgatha

Devendra Patel wrote the ‘Gunatit Yashgatha’ on the occasion of Aksharbrahman Gunatitanand Swami’s bicentennial celebration.

The Poet Magh wrote the glory of the mountain Raivatāchal in the poem ‘Shishupāl Vadh’. This mountain still stands today in Junāgadh by the name Girnār. Every year on the day of Prabodhini Ekādashi to Purnimā, hundreds of thousands of people circumambulate the mountain, reveling in the greenery that surrounds it.

In the valley of Mount Ginnar, on the banks of River Kālavā, Aksharmurti Gunatitanand Swami resided for 40 years and started a constant fire that was unlike the hookahs of the ascetics who lived in Girnar. The symbolic fire Swami started was a sacrificial flame in which the devotees sacrificed their lust, anger, greed, hatred, jealousy, arrogance, desires for materialism, addictions, belief in superstitions, etc. Swami burned the seeds of these vices and liberated them, elevating them to the brahmic state.

Event the elevated souls sitting high in the mountain thought: “Even though we sit high, the ascetic (Gunatitanand Swami) sitting in the valley is even higher than us. His constant fire is unparalleled.”

If one wants to fly high in the sky, one has to start from the ground, just as an airplane takes off from the ground. Similarly, if one wants to reach Akshardham, one must start from the valley (ground). Even the deities enjoying the bliss of swarg-lok yearn for the human birth so they can be liberated.

This yash gatha pays homage to the forty years Gunatitanand Swami spent in Junagadh delivering discourses and transforming people’s life.

 

Selection

ઇતિહાસ

નિરૂપણ

પ્રસંગ

Translation

VAKTA

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

સાધુ ભદ્રેશદાસ

REFERENCE

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૧

અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી: ભાગ ૨

જેવા મેં નિરખ્યા રે - ભાગ ૧

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

પ્રશ્નોત્તરી

બ્રહ્મના સંગે

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૫

બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૬

બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ: ભાગ ૧

બ્રહ્મસ્વરૂપ શ્રી પ્રાગજી ભક્ત

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૧

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૨

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૩

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૪

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૫

ભગવાન સ્વામિનારાયણ: ભાગ ૬

યોગીજી મહારાજની બોધ કથાઓ

યોગીજી મહારાજની સત્સંગ કથાઓ

સ્વામીની વાતો

હરિલીલામૃત

Go

Type: Keywords Exact phrase