પોતાનું માહાત્મ્ય ગાય એ સંત નથી
આ વખતના સારંગપુરના નિવાસ દરમ્યાન બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ સવારે ચોસઠ-પદી ગ્રંથના આધારે મનનીય કથાલાભ આપતા. આ ક્રમમાં તા. ૧૫/૩ના રોજ ‘એવા વિકારી જનની વાત...’ પદનું નિરૂપણ કરતાં તેઓએ જણાવ્યું:
“પોતાનું માહાત્મ્ય ગાય તો એ સંત નથી. સંતને તો ભગવાનનું જ માહાત્મ્ય ગાવાનું. આપણી મોટપ મોટા માણસને મળ્યા, પૈસા-ટકા, સમૃદ્ધિ, વિદ્વત્તા, પંડિતાઈથી નથી. આજ્ઞા-ઉપાસના પાળવાથી આપણી મોટપ છે. આપણે ભક્તિભાવ જોઈએ, કથા-વાર્તા જોઈએ.”
આ જ રીતે તા. ૧૯/૩ની સવારે ‘સુણો સાધુ શુકજી સરખા રે...’ પદનો બોધ સમજાવતાં સ્વામીશ્રીએ કહ્યું:
“આપણા ગુરુઓ જે થઈ ગયા છે એના જેવી સ્થિતિ ક૨વી છે, એવો વિચાર હંમેશાં રાખવો. સાધુતા રાખવાની. સાધુતાનો અર્થ સમજ્યા? સાધુતા એટલે ખમવું. માન-અપમાન, સુખ-દુઃખ બધાંની અંદર સહનશીલતા રાખવી. કોઈ દિવસ ઉતાવળા-આકળા થવું નહીં. મૂકવા આવ્યા છીએ તે મૂકવું. ક૨વા આવ્યા છીએ તે કરવું. સત્સંગમાં રુચિ થાય એવા સાધુનો જોગ રાખવો. બાહ્ય વૃત્તિ કરવા જેવી નથી. અંતર્દૃષ્ટિ હંમેશાં રાખીને સદા આનંદમાં રહેવું. એવા આશીર્વાદ છે.”
[બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ: ભાગ ૮/૧૬૨]
