વચનના ચટકા ખમે તો ગુણ આવે
“‘સંત વિના રે સાચી કોણ કહે...’
“શાસ્ત્રીજી મહારાજ આ કીર્તન બહુ ગવરાવતા. જ્યારે સારંગપુરમાં પોઢ્યા હોય, ત્યારે સનાતન સ્વામી કીર્તન ગાય. સ્વામી માળા ફેરવતા હોય. આ પ્રસાદીનું કીર્તન છે. આ કીર્તન નિષ્કુળાનંદ સ્વામીએ મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી ઉપર જ કર્યું છે. આમાં જે સંતની વાત લખી છે તે ગુણાતીતની જ છે.
“પોતાનો રંગ આપવા માટે સત્પુરુષ કઠણ વચન કહે છે. ટોકણી કરે, વઢે. ઇયળનું અંગ બદલાવી ભમરી છત્રીસ ચટકા ભરે છે. સત્પુરુષના વચનરૂપી ચટકા ખમે તો ગુણ આવે. સભામાં ટોકે, બહાર ટોકે, પણ ખોટું લાગવું ન જોઈએ. અપમાન કરે તોય મનમાં ઝાંખપ ન આવે.
“ભાયલીના નીલકંઠ સ્વામી હતા. સ્વામી ટોકે, નિર્ગુણ સ્વામી ટોકે, તોય ખોટું ન લાગે. એક વાર ખાનદેશ ગયા. તે એવી કથાવાર્તા કરે ને એવાં કીર્તન ગાય તે બધાં રાજી થઈ જાય. રાગ પણ એવો સુંદર. ઝાલાવાડમાં મોજીદડ, ચચાણા, અડવાળ બધે ફરતા. અડવાળના બાપુભાને એવો રંગ ચડાવી દીધો કે સ્વામીને તેમણે કહ્યું, ‘આપની સાથે આમને જ લાવજો.’ ગોંડલમાં રસોઈ કરતા. મગજ શેકે. સામેથી સ્વામીને પૂછવા જાય કે બતાવો. સ્વામી પણ તેમને ઘણું સાચવે. તેઓ સ્વામીને ઘડી ઘડી તુંબડું લઈ પાણી પાવા જાય. નિર્માનીપણું ઘણું. સ્વામી પાણી માગે ને આપે એમ નહીં, એની મેળે જ જાય. સાધુ થયા પછી પાંચ-છ વરસ જ જીવ્યા, પરંતુ કોઈનોયે અવગુણ ન આવ્યો. બધામાં દિવ્યભાવ! નિર્ગુણ સ્વામી તો સભામાં ત્રાટકે, પણ ઝાંખપ નહીં. તેઓ ધામમાં વહ્યા ગયા તોય તેમના ગુણ ગવાય છે. તેમને યાદ કરીએ છીએ.
“સંત તો આખા દેશના ને દુનિયાના સગા છે. તેમને તારું-મારું હોય નહીં. તો તેઓ ટોકે છે શાથી? જીવને આગળ વધારવા સારું ટોકે છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૪]
