ગુણ ગાવા અને ભીડો વેઠવો એ જ સેવા
મે ૧૯૫૫. પૂનમ દિન. આફ્રિકા પ્રવાસ દરમ્યાન સ્વામીશ્રી મંગળ પ્રવચનમાં યુવકોને સંબોધતાં કહે:
“આફ્રિકા દેશમાં મહારાજ, સ્વામી અને શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે સત્સંગ ઘણો વધ્યો છે. હજુ પણ વધશે. ગામડે ગામડે સ્વામિનારાયણ મંદિરો થશે...
“નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે, ‘મિટ ગયા સર્વે ચાળા.’ તે ચાળા શું? એવા સંતપુરુષોના સંબંધથી આપણા અવળા સ્વભાવ સવળા થાય ત્યારે ચાળા મટ્યા કહેવાય. એવો સમાગમ થાય ત્યારે અવયવ ફરી જાય.
“એક પટેલ બહુ મજબૂત ને ડિલમાં જાડા હતા. પાંચ માણસને એકલે હાથે ઠેકાણે કરે એવા. તે ઢોર લઈને ગિરમાં રહેવા ગયા. તે ચોમાસાનું પાણી એવું લાગી ગયું કે તાવ ભરાણો ને શક્તિ ન રહી. પાશેરની વાડકીએ ન ઉપાડાય. ને હાથ-પગ દોરડી થઈ ગયા. પેટ ફૂલી ગયું. એમ અવયવો ફરી ગયાં.
“એક દી’ એનાં બૈરાં પાણી ભરવા ગયાં, તે કૂતરું હાંકવાનું કહેતાં ગયાં અને લાકડી આપી. થોડીવારમાં કૂતરું આવ્યું, ઝૂંપડી ખુલ્લી જોઈ એટલે અંદર આવી ઘંટીના થાળામાંથી લોટ ખાવા મંડી પડ્યું. પટેલ લાકડીથી બીક બતાવે તો કૂતરું જાય. પણ હાથેથી લાકડી ઉપાડવાનીય શક્તિ નહીં. તેથી મોઢેથી કહે, ‘હડ રે હડ, મારા ઘરનું માણસ આવશે તો તારી કેડ ભંગાવીશ.’ પણ તે ક્યારે આવે ને ક્યારે કેડ ભંગાવે? કૂતરું તો બશેર લોટ ખાઈને વયું ગયું. આવું પાણી લાગી ગયેલું.
“આમ, સત્સંગનું પાણી લાગી જાય તો નિર્દોષ થઈ જવાય. વિચારો બદલાઈ જાય અને જીવન શાંતિમય થઈ જાય.
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૨/૬]
