એક વાર કથા પ્રસંગમાં સ્વામીશ્રીએ કીર્તન ગાયું: ‘ભાગ્ય જાગ્યાં રે આજ જાણવાં...’ તેમાં કડી આવી: ‘મળ્યા હરિ મુખોમુખ...’
તરત જ સ્વામીશ્રીએ હરિપ્રસાદ ચોકસીને પૂછ્યું, “એ, ચોકસી સાહેબ! મળ્યા હરિ મુખોમુખ શું? પાંચસો પરમહંસને મળ્યા હતા એમ ને?” પછી સ્વામીની વાતો દૃષ્ટાંતો સાથે લાક્ષણિક અલમસ્તાઈમાં સમજાવવા લાગ્યા. “મહારાજનું પ્રગટપણું સંત દ્વારા અખંડ છે” તે વાત કરી, ‘શાંતિ પમાડે તેને સંત કહીએ...’ એ કીર્તન ગાયું. નિરૂપણ પણ એવી રીતે કર્યું, જેમાં સંતનો અપાર મહિમા આવે. આખી સભા દિંગ થઈ સાંભળી રહી હતી.
સભા પછી મોહનલાલ શ્રીજીના અને અભેચંદ ગાંધી સ્વામીશ્રી પાસે આવી પહોંચ્યા. કહે, “મહારાજના સમયમાં પાંચસો પરમહંસોની ખુમારી અને ભગવાન મળ્યાનો આનંદ આપણે સાંભળ્યો છે. તેવો આનંદ, સ્વામી! આપની પાસે આજે મૂર્તિમાન જણાય છે.”
[બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ: ભાગ ૩/૯૮]
