વચનામૃતના સંદર્ભો

ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે ઉપદેશ આપ્યો છે તે સનાતન અને લોક માન્ય શાસ્ત્રોમાંથી આપ્યો છે. સર્વાવતારી ભગવાન હોવાં છતાં, સમગ્ર શાસ્ત્રોનો અભ્યાસ કરીને પોતાના ઉપદેશમાં પ્રતીતિ લાવવા માટે જ શાસ્ત્રનો આધાર લીધો છે. અહીં દર્શાવેલ જે ગીતામાંથી શ્લોકો ટાંકીને બોધ વચનો કહ્યાં છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અનેકજન્મસંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્ ।

(ગીતા: ૬/૪૫) [ગ. પ્ર. ૧૫, સા. ૧૧, ગ. મ. ૧, ગ. મ. ૮, ગ. મ. ૧૬]

શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા ૧૬માં આ શ્લોકનો અર્થ કરે છે: ‘અનેક જન્મે કરીને સંસિદ્ધ થયો જે યોગી તે જે તે પરમપદને પામે છે.’ ભગવાનના ભક્તને લેશ પણ વાસના રહી જાય તો યોગભ્રષ્ટ થાય છે. દેવમાંથી મનુષ્ય થાય અને મનુષ્યમાંથ દેવ થાય પણ જ્યારે વાસના-મુક્ત થશે ત્યારે જ ભગવાનના પરમ અક્ષરધામને પામશે. આમ અનેક જન્મ ધરીને પરમ પદને પામે છે. ગ. મ. ૧૬માં શ્રીજી મહારાજ કહે છે કે ‘શ્રદ્ધાવાન લભતે જ્ઞાનં...’ - જે ભક્તને તીવ્ર શ્રદ્ધા હોય તે તત્કાળ પરમ પદને પામે છે. માટે, “કલ્યાણને અર્થે જેને યત્ન કરવો હોય તેને વિષયમાંથી આસક્તિ ટાળવી, એને વિષે આકળા થઈને અકળાઈ જવું નહીં.” (મ. ૧)

 

અવજાનન્તિ માં મૂઢા માનુષીં તનુમાશ્રિતમ્ ।

પરં ભાવમજાનન્તો મમ ભૂતમહેશ્વરમ્ ॥

(ગીતા: ૯/૧૧) [લો. ૧૮, પં. ૭]

શ્રીજી મહારાજ લો. ૧૮માં કહે છે, “માટે જે મૂઢ છે તે ભગવાનના એવા પરમભાવને જાણ્યા વિના ભગવાનને વિષે પોતાના જેવા મનુષ્યના ભાવને પરઠે છે.” પછી મનુષ્યભાવનો અર્થ કરે છે, “તે મનુષ્યભાવ તે શું? તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે; તથા હાડ, ચામ, મળ, મૂત્રાદિક તથા જન્મ, મરણ, બાળ, યૌવન, વૃદ્ધ એ સર્વે દેહના ભાવ છે, ઇત્યાદિક જે મનુષ્યભાવ તે સર્વે ભાવને ભગવાનને વિષે પરઠે છે.”

પં. ૭માં પણ મનુષ્યભાવ ન પરઠવા વીશે અને ભગવાન જીવના કલ્યાણ અર્થે મનુષ્ય દેહ ધરે છે છતાંય, જેમ ધામની મૂર્તી દિવ્ય છે તેમ પૃથ્વી પર વિચરતું ભગવાનનું મનુષ્ય સ્વરૂપ દિવ્ય છે તેમ સમજવું - આ વાત ભારપૂર્વક સમજાવે છે.

 

અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ ।

પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ્ ॥

(ગીતા: ૧૫/૧૪) [પં. ૪]

આ શ્લોકનો અર્થ છે: “હું વૈશ્વાનર (જઠરાગ્નિ) રૂપે થઈને સર્વ પ્રાણીઓના દેહમાં પ્રવેશ કરીને પ્રાણીઓએ જમેલા ચાર પ્રકારના (ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, ચોષ્ય) અન્નને પ્રાણાપાનવૃત્તિના ભેદરૂપે થઈને પચાવું છું.” આ શ્લોક પ્રયોજીને શ્રીજી મહારાજ કહે છે, અગ્નિને પણ શાસ્ત્રમાં નારાયણ કહ્યા છે; પરંતુ અગ્નિ જોઈને કોઈને પોતાના કલ્યાણની પ્રતીતિ આવતી નથી. તેમ જ સૂર્ય વગેરે દેવતાઓ વતી મોક્ષની પ્રતીતિ થતી નથી. મોક્ષની પ્રતીતિ કેવળ ભગવાન અથવા ભગવાનના સંત મનુષ્ય દેહ ધારણ કરે છે અને ભક્ત તેમનું શરણું ગ્રહણ કરે છે ત્યારે જ થાય છે.

 

આર્તો જિજ્ઞાસુરર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ! ।

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ॥

(ગીતા: ૭/૧૬-૧૭) [લો. ૭, પં. ૩]

અર્થ: “અધિકારથી પડી ગયેલો અને ફરી પામવાને ઇચ્છે તે આર્ત, આત્મસ્વરૂપને જાણવાને ઇચ્છે તે જિજ્ઞાસુ, ઐશ્વર્ય પામવાને ઇચ્છે તે અર્થાર્થી, પોતાના આત્માને ત્રિગુણાત્મક માયાથી જુદો બ્રહ્મરૂપ માનીને ભગવાનને પામવાની ઇચ્છા કરનાર જ્ઞાની. આ ચારેયમાં જ્ઞાની પોતાના આત્માને બ્રહ્મસ્વરૂપ માની નિરંતર પરમાત્મામાં જોડાયેલ છે અને એકમાત્ર પરમાત્માની ભક્તિની જ ઇચ્છા રાખે છે, તેથી અધિક છે.”

લો. ૭માં શ્રીજી મહારાજ જ્ઞાનીની વ્યાખ્યા કરે છે તે જે ભગવાનને ઇન્દ્રિયો, અંતઃકરણ, અને અનુભવથી જાણે છે તે જ જ્ઞાની છે - તેવો જ્ઞાની આ ગીતા શ્લોકમાં શ્રેષ્ઠ કહ્યો છે. પોલા પાણાના વચનામૃતમાં મહારાજ કહે છે કે જ્ઞાની ભક્ત બ્રહ્મસ્વરૂપે વર્તે છે - એટલે કે અનાદિ પુરુષોત્તમ ભગવાનનું ધામરૂપ અક્ષર છે તે પોતાનું સ્વરૂપ માની પોતાના આત્માને બ્રહ્મભાવ પામીને પુરુષોત્તમની ભક્તિ કરે છે - માટે એવા જ્ઞાનીને કોઈ કામના રહેતી નથી. અને બીજા ત્રણ ભક્ત - આર્ત, જીજ્ઞાસુ, અને અર્થાર્થી - એ ત્રણમાં ભગવાન વિના બીજી કામના રહી જાય છે માટે જ્ઞાની બરોબર નથી થતા.

 

કર્મણો હ્યપિ બોદ્ધવ્યં બોદ્ધવ્યં ચ વિકર્મણઃ ।

અકર્મણશ્ચ બોદ્ધવ્યં ગહના કર્મણો ગતિઃ ॥

(ગીતા: ૪/૧૭) [લો. ૭]

શ્રીજી મહારાજ આ શ્લોકનું નિરૂપણ કરે છે: “અકર્મ જે જ્ઞાન તેને વિષે પણ જાણવું રહ્યું છે, તે શું? તો જે, બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે.” લો. ૭ના વચનોમાં શ્રીજી મહારાજનો ભાવાર્થ એ છે કે ભક્તિ વિના કેવળ જ્ઞાન શોભતું નથી. માટે મહારાજ કહે છે કે જે બ્રહ્મરૂપ થાય છે તે પણ પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરે છે. આત્યંતિક કલ્યાણની વ્યાખ્યા એ જ છે કે બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. પુરુષોત્તમ નારાયણ સંગાથે સ્વામી-સેવકભાવ ક્યારેય ટળતો નથી. વળી, અહીં મહારાજ પ્રત્યક્ષ ભગવાનનો ઉલ્લેખ કરે છે: “તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન, પુષ્પ, શ્રવણ, મનનાદિકે કરીને કરે.” અહીં સ્પષ્ટ થાય છે કે પોતાના આશ્રિતોને પોતાની જ ભક્તિ કરવાનો આદેશ મર્મમાં કરે છે.

 

કર્મણ્યકર્મ યઃ પશ્યેદકર્મણિ ચ કર્મ યઃ ।

સ બુદ્ધિમાન્મનુષ્યેષુ સ યુક્તઃ કૃત્સ્નકર્મકૃત્ ॥

(ગીતા: ૪/૧૮) [ગ. મ. ૧૧]

શ્રીજી મહારાજ પોતે અર્થ કરે છે: “ભગવાનનો ભક્ત હોય તે ભગવાનની પ્રસન્નતાને અર્થે જે જે કર્મ કરે છે તે કર્મને વિષે અકર્મ જે જ્ઞાન તેને જે દેખે છે અને વિમુખ હોય તે નિવૃત્તિમાર્ગ પકડીને અકર્મપણે રહેતો હોય તો પણ તેને કર્મમાં બૂડ્યો છે એમ જે દેખે છે, તે દેખનારો સર્વે મનુષ્યને વિષે બુદ્ધિમાન છે ને તે જ્ઞાની છે તથા તે યુક્ત છે કહેતાં મોક્ષને યોગ્ય છે અને ‘કૃત્સ્નકર્મકૃત્’ કહેતાં સર્વ કર્મનો કરનારો છે.”

જીવ મનુષ્ય દેહ ધારીને જન્મે છે તે દેહ થકી કર્મ કર્યા વગર રહેવાતું નથી. ખાવું, પીવું, જોવું, સૂઘવું, હરવું, ફરવું, વગેરે સ્થૂળ દેહનાં કર્મો છે. વળી, કામ, ક્રોધ, લોભાદિકના ઘાટ તે સૂક્ષ્મ દેહના કર્મો છે. આ સર્વ કર્મો ત્રિગુણાત્મક છે માટે કર્મનું ફળ માયા પરનું હોતું નથી. અહીં મહારાજ સમજાવે છે કે એના એ જ કર્મો જો ભગવાનની પ્રસન્નાર્થે થાય તો નિર્ગુણ થઈ જાય છે અને મોક્ષ ઉપયોગી બને છે. માટે સર્વ ક્રિયામાં ભગવાનને પ્રસન્ન કરવાનો વિચાર કરવો તો સર્વ કર્મ મોક્ષરૂપી નિવડે છે.

 

જન્મ કર્મ ચ મે દિવ્યમેવ યો વેત્તિ તત્ત્વતઃ ।

ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોઽર્જુન! ॥

(ગીતા: ૪/૯) [ગ. મ. ૧૦, વર. ૧૮]

શ્રીજી મહારાજ આ શ્લોકનો અર્થ પોતે કરે છે: “હે અર્જુન! મારાં જન્મ ને કર્મ તે દિવ્ય છે. તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે.” મહારાજ ભગવાનનાં મનુષ્ય ચરિત્રમાં દિવ્યભાવ પરઠવાનો આદેશ દૃઢાવે છે.

 

તેનૈવ રૂપેણ ચતુર્ભુજેન સહસ્રબાહો ભવ વિશ્વમૂર્તે!

(ગીતા: ૧૧/૪૬) [લો. ૧૮]

અર્થ: “હે સહસ્રબાહો! હે વિશ્વમૂર્તે! તેના તે જ ચતુર્ભુજરૂપે તમે થાઓ.” આ શ્લોકનું એ જ પ્રયોજન છે કે જીવને ભગવાનનાં ઐશ્વર્ય જોવાનું તાન વિશેષ રહે છે અને પોતે એમ માને છે કે ઐશ્વર્ય દેખાય તો જ ભગવાન સાચા. પણ ઐશ્વર્ય જોઈને ભગવાન વિશે પ્રેમ થતો નથી. અહીં અર્જુન ભગવાનનું વિશ્વરૂપ જોઈને ભયભીત થઈ ગયો અને ભગવાનને પ્રાર્થના કરી કે તમે જે પહેલા મનુષ્ય સરખા હતા તેવા જ થઈ જાઓ. ભગવાન મનુષ્ય રૂપ ધારીને સજાતી થાય છે ત્યારે જ ભક્તોને ભક્તિ, પ્રેમ કર્યાનું સુખ આવે છે.

 

તેષાં જ્ઞાની નિત્યયુક્ત એકભક્તિર્વિશિષ્યતે ।

પ્રિયો હિ જ્ઞાનિનોઽત્યર્થમહં સ ચ મમ પ્રિયઃ ॥

ઉદારાઃ સર્વ એવૈતે જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ્ ॥

(ગીતા: ૭/૧૭-૧૮) [પં. ૩, ગ. મ. ૧]

 

અર્થ: “આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની એ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે; કેમ કે તે દ્રઢપણે મારામાં જ જોડાયેલો છે અને એક મારે વિષે જ ભક્તિવાળો છે, બીજા ત્રણ તેવા નથી. વળી, જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું અને મને તે જ્ઞાની અત્યંત પ્રિય છે. અન્ય ત્રણ પ્રકારના ભક્તો ઉદાર (મોટા) છે. જ્ઞાની તો મારો આત્મા જ છે એટલે મારા આત્માની જેમ તે મને પ્રિય છે એમ હું માનું છું.”

આ બે વચનામૃતમાં શ્રીજી મહારાજ જ્ઞાનીનું લક્ષણ કહે છે કે જ્ઞાની વિષયમાંથી મન ઉખેડીને ભગવાનનમાં જ પ્રીતિ કરે છે. જેને વિષયમાં પણ ભેદ રહે છે - આ સારું રૂપ છે અને આ નથી સારું, આ સારો સ્પર્શ છે અને આ સ્પર્શ નથી સારો - વગેરે વિષયોમાં સમ દૃષ્ટિ નથી તેને જ્ઞાન નથી. ખરા જ્ઞાનીને સારા કે નરસા વિષયમાં સમભાવ હોય છે. એવી દૃષ્ટિ રાખીને એક ભગવાનમાં પ્રીતિ રાખે છે તેવો જ્ઞાની ભગવાનને અતિ પ્રિય છે.

દૃષ્ટ્વેદં માનુષં રૂપં તવ સૌમ્યં જનાર્દન ।

ઇદાનીમસ્મિ સંવૃત્તઃ સચેતાઃ પ્રકૃતિં ગતઃ ॥

(ગીતા: ૧૧/૫૧) [પં. ૪]

અર્થ: “હે જનાર્દન! અતિ સૌમ્ય આ તમારા મનુષ્યરૂપનાં દર્શન કરીને હમણાં જ હું પ્રસન્નતા અને સ્વસ્થતાને પામ્યો છું.” આ શ્લોક ઉલ્લેખવાનું કારણ અગાઉ શ્લોક ‘તેનૈવ રૂપેણ...’માં કહ્યા મુજબ અર્જુને શ્રીકૃષ્ણને પોતા જેવા મનુષ્યરૂપ ધારવા પ્રાર્થના કરી ત્યારે સુખ થયું તે મહારાજ કહેવા માગે છે. ભગવાન મનુષ્ય રૂપ ધારે છે ત્યારે ભક્તને સુખ થાય છે, પરંતુ તે મનુષ્ય સ્વરૂપમાં દિવ્યભાવ રાખવો જ ઘટે.

 

દૈવી હ્યેષા ગુણમયી મમ માયા દુરત્યયા ।

મામેવ યે પ્રપદ્યન્તે માયામેતાં તરન્તિ તે ॥

(ગીતા: ૭/૧૪) [લો. ૧૩, વર. ૫]

અર્થ: “મારી આ ગુણમયી દૈવી માયા દુસ્તર છે, પરંતુ જેઓ મારું જ શરણ લે છે તેઓ આ માયાને તરી જાય છે.” વરતાલ ૫માં શ્રીજી મહારાજ એક ગજબની વાત કરે છે. દરેક જીવ પંચભૂતના દેહ, ઇન્દ્રિયો, અને અંતઃકરન સોતા હોય છે જે માયાનું કાર્ય છે. જ્યારે જીવ ભગવાનનો નિશ્ચય કરે છે, ત્યારે તે ભગવાન તો માયા પર છે. માટે, ભલે એ ભક્તને માયાના કર્યરૂપી ઉપાધિ વળગી છે; તે ભક્તને ભગવાનનો નિશ્ચય છે તો તે માયાને તરી ગયો કહેવાય. આ ભગવાનની અકારણ કરૂણા છે કે જીવ પોતાના શરણે આવે છે અને ભગવાનપણાનો નિશ્ચય કરે છે તો ભગવાન તે જીવને માયા પર કરી દે છે.

 

ધ્યાયતો વિષયાન્ પુંસઃ સંગસ્તેષૂપજાયતે ।

સંગાત્સંજાયતે કામઃ કામાત્ક્રોધોઽભિજાયતે ॥

ક્રોધાદ્ ભવતિ સંમોહઃ સંમોહાત્સ્મૃતિવિભ્રમઃ ।

સ્મૃતિભ્રંશાદ્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્પ્રણશ્યતિ ॥

(ગીતા: ૨/૬૨-૬૩) [ગ. મ. ૧]

અર્થ‌: “વિષયોનું ધ્યાન કરનારા પુરુષને વિષયમાં આસક્તિ વધે છે. તે આસક્તિમાંથી તે વિષય પ્રાપ્ત કરવાની પ્રબળ ઇચ્છારૂપ કામ ઉત્પન્ન થાય છે. આ પ્રબળ ઇચ્છા પૂર્ણ કરવાના પ્રયત્નમાં અવરોધ કરનાર વ્યક્તિ પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે, અર્થાત્ કામ ક્રોધરૂપે પરિણમે છે. ક્રોધ વધતાં, કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય કાર્યનો વિવેક નાશ થાય છે, અર્થાત્ મોહ ઉત્પન્ન થાય છે. તેથી ન કરવાનાં પાપકર્મ કરે છે. મોહ વધતાં ઇન્દ્રિયોના વિજય માટેની સાવધાનતા નાશ પામે છે, અર્થાત્ સ્મૃતિભ્રંશ થાય છે. સ્મૃતિભ્રંશ થવાથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેનું તમામ જ્ઞાન નાશ પામે છે અને જ્ઞાનરહિત અજ્ઞાની જીવાત્મા વારંવાર જન્મમરણરૂપ સંસારમાં પડે છે. મતલબ કે આત્માનો જ નાશ થાય છે. ”

 

ન તદ્‌ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ ।

યદ્‌ગત્વા ન નિવર્તન્તે તદ્‌ધામ પરમં મમ ॥

(ગીતા: ૧૫/૬) [ગ. મ. ૧૩]

અર્થ‌: “જે ધામને પામીને ફરી જન્મ-મરણને પામતા નથી, જે ધામને સૂર્ય, ચંદ્ર અને અગ્નિ પ્રકાશિત કરી શકતા નથી, તે મારું પરમ ધામ છે.” આ શ્લોકથી શ્રોતાજનોને મહારાજ સમજાવવા માગે છે જેવા ભગવાન અક્ષરધામમાં દિવ્યમૂર્તિ થકા વિરાજમાન છે તેવા ને તેવા અહીં પૃથ્વી પર પણ તેવા જ દિવ્ય અને તેવી જ સામર્થી યુક્ત છે. એટલે કે જે આ સભામાં પ્રત્યક્ષ મહારાજનાં દર્શન કરે છે તે જ ભગવાન છે જે અક્ષરધામના પતિ છે, પૂર્ણ પુરુષોત્તમ છે. મનુષ્ય દેહ ધારણ કરવાથી તેમની સામર્થી ન્યૂન થતી નથી.

 

પશ્ય મે પાર્થ! રૂપાણિ શતશોઽથ સહસ્રશઃ ।

નાનાવિધાનિ દિવ્યાનિ નાનાવર્ણાકૃતીનિ ચ ॥

(ગીતા: ૧૧/૫) [લો. ૭, પં. ૬]

અર્થ: “હે પાર્થ! મારાં અનેક પ્રકારનાં તથા અનેક વર્ણ અને આકૃતિવાળાં સેંકડો અને હજારો દિવ્ય રૂપો તું જો.”

 

બહવો જ્ઞાનતપસા પૂતા મદ્‌ભાવમાગતાઃ ।

(ગીતા: ૪/૧૦) [કા. ૧]

 

બ્રહ્મભૂતઃ પ્રસન્નાત્મા ન શોચતિ ન કાંક્ષતિ ।

સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્‌ભક્તિં લભતે પરામ્ ॥

(ગીતા: ૧૮/૫૪) [લો. ૭, પં. ૨, ગ. અં. ૩]

અર્થ: “જે બ્રહ્મરૂપ થયો છે અને પ્રસન્ન મન છે એટલે ક્લેશ કર્માદિક દોષથી જેનું મન કલુષિત નથી અને કોઈનો પણ શોક કરતો નથી, તેમ કોઈ પદાર્થને ઇચ્છતો નથી, સર્વ ભૂતોમાં સમભાવથી રહેતો, કશાની આકાંક્ષા નહીં કરનારો, તે પુરુષ મારે વિષે પરાભક્તીને પામે છે - અર્થાત્ જેને આત્માનો ‘બ્રહ્મરૂપે’ સાક્ષાત્ અનુભવ થયો હોય તેને જ પરાભક્તિમાં અધિકાર પ્રાપ્ત થાય છે.”

 

ભૂમિરાપોઽનલો વાયુઃ ખં મનો બુદ્ધિરેવ ચ ।

અહંકાર ઇતીયં મે ભિન્ના પ્રકૃતિરષ્ટધા ॥

અપરેયમિતસ્ત્વન્યાં પ્રકૃતિં વિદ્ધિ મે પરામ્ ।

જીવભૂતાં મહાબાહો! યયેદં ધાર્યતે જગત્ ॥

(ગીતા: ૭/૪-૫) [લો. ૭]

અર્થ: “પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, મન આદિ ઇન્દ્રિયો, મહત્તત્ત્વ અને અહંકાર આ આઠ પ્રકારે જગતની પ્રકૃતિ પરિણામ પામી છે તે પ્રકૃતિ મારી છે એમ જાણ, અર્થાત્ હું અચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું. (ગીતા: ૭/૪). અર્થ: આ મારી અપરા (અપ્રધાનભૂતા) પ્રકૃતિ છે. આ અચેતન પ્રકૃતિથી વિલક્ષણ આકારવાળી, પરા (પ્રધાનભૂતા) અને ચેતનરૂપ એવી પ્રકૃતિ છે તે મારી છે એમ જાણ. જે ચેતન પ્રકૃતિએ આ અચેતન સમગ્ર જગત ધારણ કરેલું છે, અર્થાત્ હું ચેતન પ્રકૃતિથી વિલક્ષણ છું.” (ગીતા: ૭/૫). આ પરા પ્રકૃતિ વચનામૃત ગ. મ. ૬૬ના વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નના શ્રીજીમહારાજે કરેલા ઉત્તરના સંદર્ભ પ્રમાણે અક્ષરબ્રહ્મ છે.

 

મત્તઃ પરતરં નાન્યત્કિંચિદસ્તિ ધનંજય! ।

મયિ સર્વમિદં પ્રોતં સૂત્રે મણિગણા ઈવ ॥

(ગીતા: ૭/૭) [લો. ૭]

અર્થ: “હે અર્જુન! મારા સિવાય કોઈ પણ પર નથી. જેમ દોરામાં મોતીઓ ગૂંથાયેલા છે, તેમ આ જડ-ચેતન સમગ્ર જગત મારે વિષે આશ્રિત છે.”

 

મમ સાધર્મ્યમાગતાઃ ।

(ગીતા: ૧૪/૨) [લો. ૧૩]

અર્થ: “મારા સમાન રૂપ વગેરે ગુણોને પામેલા.” અહીં નિત્યાનંદ સ્વામી મહારાજને પૂછે છે કે જ્યારે જીવ પુરુષોત્તમનું સાધર્મ્યપણું પામે છે, ત્યારે પુરુષોત્તમના જેવાં ઐશ્વર્ય, શક્તિ, સર્વજ્ઞતા, વગેરે પામે છે, તો પુરુષોત્તમને અને પુરુષોત્તમના સાધર્મ્યને પામ્યા જે મુક્તો - આ બન્ને વચ્ચે કેવો ભેદ રહે છે?

વાસ્તવિકમાં તો શાસ્ત્રમાં ‘ભગવાનનું સાધર્મ્ય’ કહ્યું છે પણ પુરુષોત્તમનું સાધર્મ્ય તો પમાતું જ નથી, પરંતુ જીવો અક્ષરબ્રહ્મનું સાધર્મ્યપણું પામીને અક્ષરરૂપ થાય છે અને અક્ષરે સહિત મુક્તો પુરુષોત્તમની ઉપાસના કરે છે. આ વાત બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આફ્રિકા વસતા ભક્તોને પત્ર દ્વારા જવાબમાં સમજાવેલી. જુઓ ‘બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ - ભાગ ૧’, પત્ર ૨, પૃષ્ઠ ૬૬૭.

 

મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ ।

મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ ॥

(ગીતા: ૧૫/૭) [ગ. મ. ૮]

અંશ એટલે ભગવાનનો ભક્ત, બીજા આચાર્યોએ કરેલા આ શ્લોકના નિરૂપણથી અહીં શ્રીજીમહારાજે કરેલું નિરૂપણ વધારે શુદ્ધ, તર્કયુક્ત તથા નૂતન છે: “આ સંસારને વિષે ભગવાનના અંશ જે જીવ છે તે તો મને સહિત જે પંચ જ્ઞાનઇન્દ્રિયો તેને પંચવિષય થકી ખેંચીને પોતાને વશ રાખે છે; અને જે ભગવાનના અંશ નથી તેને તો ઇન્દ્રિયો ખેંચીને જ્યાં પોતાની ઇચ્છા હોય ત્યાં લઈ જાય છે.”

 

યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ ।

તત્ર શ્રીર્વિજયો ભૂતિર્ધ્રુવા નીતિર્મતિર્મમ ॥

(ગીતા: ૧૮/૭૮) [ગ. પ્ર. ૭૦]

શ્રીજી મહારાજ પોતે અર્થ કરે છે: “જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે, ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચળ નીતિ છે.”

 

યસ્માત્ક્ષરમતીતોઽહમક્ષરાદપિ ચોત્તમઃ ।

અતોઽસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ ॥

(ગીતા: ૧૫/૧૮) [લો. ૭, પં. ૬]

અર્થ: “પૂર્વ શ્લોકમાં કહેલા સ્વભાવથી જીવ-ઈશ્વરોને હું અતીત છું એટલે તેના દોષોનો સ્પર્શ મને નથી અને અક્ષરબ્રહ્મ થકી કહેલ હેતુઓથી અતિશય ઉત્કૃષ્ટ છું.”

 

યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી ।

યસ્યાં જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ ॥

(ગીતા: ૨/૬૯) [ગ. પ્ર. ૫૦, ગ. મ. ૨૦]

શ્રીજી મહારાજ ગ. પ્ર. ૫૦માં અર્થ કરે છે: “ભગવાનનું ભજન કરવું તેમાં તો સર્વ જગતના જીવની બુદ્ધિ રાત્રિની પેઠે અંધકારે યુક્ત વર્તે છે કહેતાં ભગવાનનું ભજન નથી કરતા; અને જે જે ભગવાનના ભક્ત છે તે તો તે ભગવાનના ભજનને વિષે જાગ્યા છે કહેતાં નિરંતર ભગવાનનું ભજન કરતાં થકાં વર્તે છે. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ જે પંચવિષય તેને વિષે જીવમાત્રની બુદ્ધિ જાગ્રત વર્તે છે, કહેતાં વિષયને ભોગવતાં થકાં જ વર્તે છે; અને જે ભગવાનના ભક્ત છે તેની બુદ્ધિ તો તે વિષયભોગને વિષે અંધકારે યુક્ત વર્તે છે, કહેતાં તે વિષયને ભોગવતા નથી.”

ગ. મ. ૨૦માં અર્થ કરે છે: “જેને વિષે ભૂતપ્રાણીમાત્ર સૂતાં છે તેને વિષે સંયમી પુરુષ જાગ્યા છે અને જેને વિષે ભૂતપ્રાણીમાત્ર જાગ્યાં છે તેની કોરે સંયમી પુરુષ સૂતા છે.”

 

વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ ।

રસવર્જં રસોઽપ્યસ્ય પરં દૃષ્ટ્વા નિવર્તતે ॥

(ગીતા: ૨/૫૯) [લો. ૧૦, ગ. અં. ૩૨]

અર્થ: “કાન, આંખ વગેરે ઇન્દ્રિયોના આહારરૂપ સાંભળવું, જોવું વગેરે ક્રિયાઓને બંધ કરી દેતાં, શબ્દ-રૂપ વગેરે વિષયો આત્મા સુધી પહોંચી શકતા નથી, પરંતુ જે તે વિષયો પ્રત્યેની આસક્તિ વિષયના દૂર થવાથી ટળી જતી નથી; વિષયો પ્રત્યેની આસક્તિ અથવા સૂક્ષ્મ રાગ તો પરમાત્માનો સાક્ષાત્કાર થાય તો જ ટળે છે.”

 

વિષ્ટભ્યાહમિદં કૃત્સ્નમેકાંશેન સ્થિતો જગત્ ।

(ગીતા: ૧૦/૪૨) [લો. ૭]

અર્થ: “આ જડચિદાત્મક સમગ્ર જગતને મારા એક અંશથી ધારણ કરીને રહ્યો છું.”

 

શ્રદ્ધાવાન્ લભતે જ્ઞાનં તત્પરઃ સંયતેન્દ્રિયઃ ।

જ્ઞાનં લબ્ધ્વા પરાં શાન્તિમચિરેણાધિગચ્છતિ ॥

(ગીતા: ૪/૩૯) [ગ. મ. ૧૬]

શ્રીજી મહારાજ પોતે અર્થ કરે છે: “નિયમમાં છે ઇન્દ્રિયો જેનાં ને શ્રદ્ધાવાન એવો જે પુરુષ તે જ્ઞાનને પામે છે ને જ્ઞાનને પામીને તત્કાળ પરમ પદને પામે છે.”

 

સમલોષ્ટાશ્મકાંચનઃ ।

(ગીતા: ૧૪/૨૪) [ગ. મ. ૧]

અર્થ: “જેને ધૂળનું ઢેફું, પથ્થર અને સુવર્ણ સમાન છે...” સંપૂર્ણ શ્લોક: સમદુઃખસુખઃ સ્વસ્થઃ સમલોષ્ટાશ્મકાઞ્ચનઃ । તુલ્યપ્રિયાપ્રિયો ધીરસ્તુલ્યનિન્દાત્મસંસ્તુતિઃ ॥

 

સર્વધર્માન્ પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ ।

અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ ॥

(ગીતા: ૧૮/૬૬) [ગ. મ. ૯, ગ. મ. ૧૭, વર. ૫]

શ્રીજી મહારાજ પોતે અર્થ કરે છે: “હે અર્જુન! સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ્ય, તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં.” આ શ્લોક વરતાલ ૫ પ્રમાણે આશરાનું બળ જણાવતો શ્લોક છે. મધ્ય ૯માં મહારાજ સ્વરૂપનિષ્ઠાનું બળ રાખવા કહે છે. સ્વરૂપનિષ્ઠામાં ધર્મનિષ્ઠા સહેજે જ આવી જાય છે. ધર્મનિષ્ઠા દેશકાળાદિક અનુસાર મંદ પડી જાય પરંતુ જો સ્વરૂપનિષ્ઠા પરિપક્વ હોય તો ભગવાન રક્ષા કરે છે. જો કે ભગવાનનો ભક્ત જાણીને ક્યારેય ધર્મ લોપ કરે જ નહિ. મહારાજ પોતે મધ્ય ૯માં કહે છે કે કદાચ દેશકાળ વિષય હોય અને ધર્મ લોપ થઈ જાય, પણ ભક્ત પોતે જાણીને તો ધર્મ લોપ કરે જ નહિ. અહીં સ્વરૂપનિષ્ઠામાં શ્રીજી મહારાજને સર્વ અવતારનું કારણ અવતારી સમજવા અને સર્વથી પર સર્વોપરી ભગવાન સમજવા, કારણ કે મહારાજ ‘પ્રત્યક્ષ’ શબ્દ પ્રયોજીને પોતાની વાત કરે છે.

 

સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત્ ।

(ગીતા: ૨/૪૦) [ગ. મ. ૯]

અગાઉ ‘સર્વધર્માન્...’ શ્લોક મુજબ સ્વરપનિષ્ઠા પાકી હોય તો મહારાજ કહે છે: “ભગવત્સ્વરૂપના બળનો લેશમાત્ર હોય તે પણ મોટા ભય થકી રક્ષાને કરે છે.”

અધ્યાય

વચનામૃત સંદર્ભો

१. अथ प्रथमोऽध्यायः । अर्जुनविषादयोगः

२. अथ द्वितीयोऽध्यायः । साङ्ख्ययोगः

३. अथ तृतीयोऽध्यायः । कर्मयोगः

४. अथ चतुर्थोऽध्यायः । ज्ञानकर्मसंन्यासयोगः

५. अथ पञ्चमोऽध्यायः । संन्यासयोगः

६. अथ षष्ठोऽध्यायः । आत्मसंयमयोगः

७. अथ सप्तमोऽध्यायः । ज्ञानविज्ञानयोगः

८. अथ अष्टमोऽध्यायः । अक्षरब्रह्मयोगः

९. अथ नवमोऽध्यायः । राजविद्याराजगुह्ययोगः

१०. अथ दशमोऽध्यायः । विभूतियोगः

११. अथैकादशोऽध्यायः । विश्वरूपदर्शनयोगः

१२. अथ द्वादशोऽध्यायः । भक्तियोगः

१३. अथ त्रयोदशोऽध्यायः । क्षेत्रक्षेत्रज्ञविभागयोगः

१४. अथ चतुर्दशोऽध्यायः । गुणत्रयविभागयोगः

१५. अथ पञ्चदशोऽध्यायः । पुरुषोत्तमयोगः

१६. अथ षोडशोऽध्यायः । दैवासुरसम्पद्विभागयोगः

१७. अथ सप्तदशोऽध्यायः । श्रद्धात्रयविभागयोगः

१८. अथाष्टादशोऽध्यायः । मोक्षसंन्यासयोगः