હરિસ્મૃતિ

૭. મૂર્તિ ચિંતામણિ

દોહા

અલૌકિક મૂર્તિ આજની, ધરી ધર્મકુમાર ॥

જોતાં નાવે જોડ્યમાં, આ સમ અન્ય અવતાર ॥૧॥

સમર્થ મૂર્તિ સુખ ભરી, ધરી ન ધરશે કોય ॥

સર્વોપરિ છે શ્રી હરિ, સહજાનંદ પ્રભુ સોય ॥૨॥

ચોપાઇ ધ્રુવપદી

પ્રગટ પ્રબળ મૂર્તિ, અચરજકારી છે ।

જેને નેતિ નેતિ કહે શ્રુતિ, અચરજકારી છે ॥

અકળ અનુપ અમાપ, અચ૦ । કોય કરી શકે નહી થાપ,1 અચ૦ ॥૩॥

અગમ અતોલ અપાર, અચ૦ । નિગમે ન થાય નિરધાર, અચ૦ ॥

શિવ બ્રહ્મા સરખા કહે છે, અચ૦ । તોય અતિ અપાર રહે છે,2 અચ૦ ॥૪॥

પ્રગટ મૂર્તિનો મહિમાય, અચ૦ । સર્વે સુખતણી સીમાય, અચ૦ ॥

મોટ્યપ હરિમૂર્તિની અતિ, અચ૦ । કે’તા કહેવાય નહીં કોયવતી, અચ૦ ॥૫॥

જે જે હરિ મૂર્તિથી થયું, અચ૦ । તે તે મેં ન જાય કહ્યું, અચ૦ ॥

બહુ બહુ થાય ચમત્કાર, અચ૦ । તેને કહેતાં ન આવે પાર, અચ૦ ॥૬॥

જે કોય કેદી ન સૂણ્યું કાન, અચ૦ । તે તો દેખાડ્યું ભગવાન, અચ૦ ॥

અલૌકિક વસ્તુ આવે લોકે, અચ૦ । તે તો જન સહુ અવલોકે, અચ૦ ॥૭॥

અશન3 વસન સુંદર માળા, અચ૦ । પ્રસાદી દાળ્ય રોટા રૂપાળા, અચ૦ ॥

તલલાડું તોરા હાર, અચ૦ । ફળ ફૂલ અમૂલ્ય અપાર, અચ૦ ॥૮॥

પામે સમાધિયે તે દાસ, અચ૦ । જાગે જ્યારે ત્યારે રહે પાસ, અચ૦ ॥

જે જે આપે સમાધિ માંયે, અચ૦ । તે તે લઈ આવે જન આંયે, અચ૦ ॥૯॥

અમાયિક માયિકમાં આવે, અચ૦ । એથી અન્ય આચરજ શું કા’વે, અચ૦ ॥

વળી અનેક પરચા આપે, અચ૦ । પામે જન પ્રગટ પ્રતાપે, અચ૦ ॥૧૦॥

તે તો કે’તા ન કે’વાયે, અચ૦ । મોટો હરિમૂર્તિ મહિમાયે, અચ૦ ॥

જે જે આ સમાની વાત, અચ૦ । તે દીઠી મેં સાક્ષાત, અચ૦ ॥૧૧॥

સંતદાસ પ્રગટ પ્રતાપે, અચ૦ । ગયા જળમાં ના’વા આપે, અચ૦ ॥

દીધી જળમાં4 ડૂબકી દાસે, અચ૦ । નીસર્યા નરનારાયણ પાસે,5 અચ૦ ॥૧૨॥

તિયાં દોઢ માસ રઈ, અચ૦ । ત્યાંની ખબર આવ્યા લઈ, અચ૦ ॥

તે તો આચરજ વાત કહેવાય, અચ૦ । આ દેહે એમ જવાય, અચ૦ ॥૧૩॥

વળી ફરી મેલ્યા મહારાજે, અચ૦ । હીમાળો6 ઉલ્લંઘ્યો મુનિરાજે, અચ૦ ॥

આવી પથરા7 નદી ત્યાંયે, અચ૦ । ઉતર્યા શ્રી હરિની ઇચ્છાયે, અચ૦ ॥૧૪॥

નાહ્યા માનસરોવર ઘાટે, અચ૦ । કૈકૈ કારજ કીધાં વાટે, અચ૦ ॥

એહ સામર્થી સ્વામીની, અચ૦ । બીજી કહું બહુનામીની, અચ૦ ॥૧૫॥

એક સચ્ચિદાનંદ સંત, અચ૦ । મહામોટા સાધુ અત્યંત, અચ૦ ॥

તેને રૂંધ્યા ઘરમાં ઘાલી, અચ૦ । રાખી ચોકી તાળાં આલી, અચ૦ ॥૧૬॥

તેમાંથી નીસરી ગયા, અચ૦ । તાળાં તેમનાં તેમ રહ્યાં, અચ૦ ॥

ભૌતિક દેહ અભૌતિક થયું, અચ૦ । એહ કારણ હરિનું કહ્યું, અચ૦ ॥૧૭॥

વળી હરિમૂરતિ પ્રતાપે, અચ૦ । સુખિયા થયા સાધુ આપે, અચ૦ ॥

એક વ્યાપકાનંદ મુનિ, અચ૦ । તે પર મે’ર મોટી પ્રભુની, અચ૦ ॥૧૮॥

સદા રહે મૂર્તિમાંઈ, અચ૦ । હરે ફરે હરિ ઇચ્છાઈ, અચ૦ ॥

વળી જે જે બોલે જિહ્વાય, અચ૦। તે તો તેમનું તેમ થાય, અચ૦ ॥૧૯॥

એક મૂઈ જીવાડી ઘોડી, અચ૦ । એહ વાત નહિ કાંયે થોડી, અચ૦ ॥

વળી વાડવસુત8 જીવાડ્યો, અચ૦ । પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો, અચ૦ ॥૨૦॥

તે સામર્થી સહજાનંદની, અચ૦ । કહિ કેમ જાય આનંદકંદની,9 અચ૦ ॥

વળી વ્યાપકાનંદે એક, અચ૦ । કાપી કષ્ટ ઉગાર્યો વણિક, અચ૦ ॥૨૧॥

એવાં અનેક અલૌકિક કાજ, અચ૦ । કર્યાં સંત દ્વારે મહારાજ, અચ૦ ॥

વળી સંત સ્વરૂપાનંદ, અચ૦ । જેને અંતર સદા આનંદ, અચ૦ ॥૨૨॥

કરી સમાધિ સંયમિની10 ગયા, અચ૦ । દીઠા જીવ દુઃખિયા તિયાં, અચ૦ ॥

નરક કુંડમાં નરનાર, અચ૦ । પાપી પીડાતાં અપાર, અચ૦ ॥૨૩॥

તેને દેખી દયા આવી, અચ૦ । બોલ્યા હરિમૂર્તિ બળ લાવી, અચ૦ ॥

નીસરો નરક થકી સહુ બા’ર, અચ૦ । પ્રગટ પ્રતાપે નરનાર, અચ૦ ॥૨૪॥

કાઢી જીવ કીધા કુંડ ખાલી, અચ૦ । જેને જમે નાખ્યા’તા ઝાલી, અચ૦ ॥

તે નીસર્યા હરિ પ્રતાપે, અચ૦ । એ તો અતોળ11 વાત અમાપે, અચ૦ ॥૨૫॥

એક હરિજન પર્વતભાઈ, અચ૦ । સદા રહે હરિમૂર્તિમાંઈ, અચ૦ ॥

એક દિન વિચાર્યું એવું, અચ૦ । વરાહરૂપ હશે વળી કેવું, અચ૦ ॥૨૬॥

ત્યાં તો રૂપ રૂડાં ચોવિશે, અચ૦ । ઊભાં આગળ નજરે દિશે, અચ૦ ॥

એક એકથી અનૂપ, અચ૦ । ચિત્તચોર ચોવિશે રૂપ, અચ૦ ॥૨૭॥

વળી પ્રગટ મૂર્તિ પાસે, અચ૦ । ઊભી દીઠી તે પણ દાસે, અચ૦ ॥

સર્વે રૂપ સમાણાં તેમાં, અચ૦ । પ્રગટ મૂર્તિ સુખની સીમા, અચ૦ ॥૨૮॥

તે તો પર્વતભાઈ પાસ, અચ૦ । સદા રહે છે શ્રી અવિનાશ, અચ૦ ॥

એવી વાત આજ દિન પે’લી, અચ૦ । નથી શ્રવણે સાંભળેલી, અચ૦ ॥૨૯॥

વળી એહ મૂર્તિના બળે, અચ૦ । થયું કામ કહું એક પળે, અચ૦ ॥

એક ભક્ત રૂડો રતનો, અચ૦ । કરે ધ્યાન ધંધો ઘરનો, અચ૦ ॥૩૦॥

તેને ઘેર દિવ્ય સ્વરૂપે, અચ૦ । આવ્યા નાથ રથ અનુપે, અચ૦ ॥

હતો રથ હાલો હાલ્યે,12 અચ૦ । વળગ્યો રથને રતનો વાલ્યે, અચ૦ ॥૩૧॥

પોહોત્યો પલમાં જુગ જોજને,13 અચ૦ । બેઠા બાંધે બાર સદને,14 અચ૦ ॥

તે તો દિધું હતું દોકાન,15 અચ૦ । તેમાં મૂકી ગયા ભગવાન, અચ૦ ॥૩૨॥

ભૌતિકભાવ રહ્યો નહીં રતિ, અચ૦ । પામ્યા દિવ્ય દેહની ગતિ, અચ૦ ॥

એવાં અનંત ચમતકાર, અચ૦ । પ્રગટ મૂર્તિમાં અપાર, અચ૦ ॥૩૩॥

વળી એક મેઘ હલવાઈ, અચ૦ । સદા રહે સમાધિમાંઈ, અચ૦ ॥

કરે કંદોઈનું કાજ, અચ૦ । પળ ભૂલે નહીં મહારાજ, અચ૦ ॥૩૪॥

તપાવે તેલ અતિ તાવડે, અચ૦ । તેમાંથી કળી16 કાઢે કર વડે, અચ૦ ॥

તેમાં રતિ ન દાઝે આપે, અચ૦ । તે તો હરિમૂર્તિ પ્રતાપે, અચ૦ ॥૩૫॥

વળી એક ડોસો યવન,17 અચ૦ । તેને થયું હરિનું દર્શન, અચ૦ ॥

રહી મૂર્તિ અંતરમાંઈ, અચ૦ । ભૂલ્યો દેહ દીસે નહિ કાંઈ, અચ૦ ॥૩૬॥

તેને બાપે બાંધ્યો બંધે,18 અચ૦ । રોક્યો ઘરમાં ઘાલી સંબંધે, અચ૦ ॥

આપ્યાં કમાડ દીધાં તાળાં, અચ૦ । બેઠાં બારણે રખવાળાં, અચ૦ ॥૩૭॥

તેમાંથી દેહ અદર્શ થઈ, અચ૦ । નીસર્યો બાર ગાઉ પર19 જઈ, અચ૦ ॥

ત્યાં પણ બંધ કર્યો વળી બીજે,20 અચ૦ । ત્યાંથી નીસરી ગયો ત્રીજે, અચ૦ ॥૩૮॥

આવરણ એક આડું નવ રહ્યું, અચ૦ । ભૌતિક દેહ અભૌતિક થયું, અચ૦ ॥

તે તો જાણે છે જન મનમાં, અચ૦ । એહ સામર્થી ભગવાનમાં, અચ૦ ॥૩૯॥

એવી કેટલીક વાતો કરિયે, અચ૦ । પ્રગટ મૂર્તિની વૈખરિયે,21 અચ૦ ॥

ઘણી વાત થોડામાં કહી, અચ૦ । બીજી ઘણી ગ્રંથોમાં રહી, અચ૦ ॥૪૦॥

સર્વે વાત સંભારી કહેવા, અચ૦ । નથી આ જગમાં કોઈ એવા, અચ૦ ॥

જોયું અંતર ઊંડુ ખોળી, અચ૦ । સામર્થ્ય વાલામાં વણતોળી, અચ૦ ॥૪૧॥

આ મૂર્તિની જે મોટાઈ, અચ૦ । નાવે નાવે કહ્યાંમાંઈ, અચ૦ ॥

આ મૂર્તિ સહુથી ન્યારી, અચ૦ । શું હું કહું વડાઈ વિસ્તારી, અચ૦ ॥૪૨॥

આ મૂર્તિ સહુથી નોખી, અચ૦ । ચોક્કસ વાત કહું છું ચોખ્ખી, અચ૦ ॥

આ મૂર્તિ નહીં અન્ય જેવી, અચ૦ । હરિ ધરી ન ધરશે એવી, અચ૦ ॥૪૩॥

આ મૂર્તિ છે અલૌકી, અચ૦ । માનો માન મનનું મૂકી, અચ૦ ॥

આ મૂર્તિ નહીં કોય સરખી, અચ૦ । જુવો અંતર ઊંડુ નીરખી, અચ૦ ॥૪૪॥

આ મૂર્તિનો મહિમાય, અચ૦ । કોટિ કવિયે કેમ કહેવાય, અચ૦ ॥

આ મૂર્તિનું પરમાણું,22 અચ૦ । લખતાં કેણે ન લખાણું, અચ૦ ॥૪૫॥

કૈક કહી કહી કે’ છે ઘણું, અચ૦ । બળ બહુ દેખાડે બુદ્ધિતણું, અચ૦ ॥

તોય જથારથ જાણવા, અચ૦ । નથી કોય જૂના નવા, અચ૦ ॥૪૬॥

એવી મૂર્તિ છે આજની, અચ૦ । હરિજનના સુખ સાજની,23 અચ૦ ॥

સહુને24 પાર આવ્યા છે પોતે, અચ૦ । જન સુખિયા થાય સહુ જોતે, અચ૦ ॥૪૭॥

એહ મૂર્તિના પ્રસંગે, અચ૦ । કૈક સુખિયા થયા અંગે, અચ૦ ॥

એવી મૂર્તિ સુખમય સારી, અચ૦ । તે તો દ્વિજ ધર્મ ઘર ધારી, અચ૦ ॥૪૮॥

ધન્ય ધન્ય દ્વિજ ધર્મકુમાર, અચ૦ । કર્યા બહુ જીવ ભવપાર, અચ૦ ॥

તે ગણતાં ન ગણાય, અચ૦ । કહ્યો મૂર્તિનો મહિમાય, અચ૦ ॥૪૯॥

મોટ્યપ કહેવા મૂર્તિતણી, અચ૦ । હતી હામ હૈયામાં ઘણી, અચ૦ ॥

પૂરી થઈ પામ્યો આનંદ, અચ૦ । એમ કહે નિષ્કુળાનંદ, અચ૦ ॥૫૦॥

 

ઇતિ શ્રી નિષ્કુળાનંદ મુનિ વિરચિત હરિસ્મૃતિ મધ્યે સપ્તમઃ ચિંતામણિઃ ॥૭॥

 

હરિસ્મૃતિઃ સમાપ્તા

ચિંતામણિ 🏠 home