હરિસ્મૃતિ
૨. થાળ ચિંતામણિ
દોહા
ભોજન બહુ રસે ભર્યાં, જુગતે કરિયાં જેહ ॥
આણ્યાં ચોકી1 ઉપરે, તાજાં જમવા તેહ ॥૧॥
પાક બહુ પ્રકારના, વિધવિધના વ્યંજન ॥
પુર્યા કટોરા પ્રેમશું, જુગતે જમે જીવન ॥૨॥
ચોપાઇ ધ્રુવપદી
મોદક મગદળ ને મોતિયા, જમતાં જોયા છે ।
લાખણસાઈ2 ને સેવૈયા,3 જમતાં જોયા છે ॥
તળિયા બળિયા માંય તેજાના, જમતાં૦ । કાજુ કળીયા મનમાન્યા, જમતાં૦ ॥૩॥
પેંડા પતાસાં ને પૂરી, જમતાં૦। સૂતરફેણી ને સાબુડી,4 જમતાં૦ ॥
શક્કરપારા સેવ સુંવાળી,5 જમતાં૦ । પૂરી કચોરી રૂપાળી, જમતાં૦ ॥૪॥
હલવો હરિસો6 રસાળો, જમતાં૦ । ગેબર ગુંદરપાક રૂપાળો, જમતાં૦ ॥
ગગન7 ગાંઠિયા ગુંદવડી,8 જમતાં૦ । ગળાસાટા ગળપાપડી,9 જમતાં૦ ॥૫॥
શીરો સાથુ સાકર ચણા, જમતાં૦ । મુરકી મુરબો મેસુબ ઘણા, જમતા૦ ॥
માલપુડા સાકરતણા, જમતાં૦ । બરફી બીરંજ એલચીદાણા, જમતાં૦ ॥૬॥
બાટી બાજરા ઘઉંની, જમતાં૦ । ઘણા ઘીમાં બોળી ઉની, જમતાં૦ ॥
ખાજાં ખીર ખુરમા ગોળા, જમતાં૦ । દૂધપાક દહીંથરાં10 બો’ળા, જમતાં૦ ॥૭॥
માખણ મહી દહીંવડાં, જમતાં૦ । ચૂરમું લાપસી બે રૂડાં, જમતાં૦ ॥
કંસાર બાસુંદિયો ભલી, જમતાં૦ । કેરી રસ રૂડી રોટલી, જમતાં૦ ॥૮॥
પૂડલા ને પૂરણપોળી, જમતાં૦ । રેવડી પકોડી બોળી, જમતાં૦ ॥
ગુલાબ ટોપરાંના પાક, જમતાં૦ । જલેબી ને સુંદર શાક, જમતાં૦ ॥૯॥
જાર બાજરી બાવટ11 પોળી,12 જમતાં૦ । ઘીમાં ઘઉંની ઝબોળી, જમતાં૦ ॥
મઠ જવના રોટલા, જમતાં૦ । ચીણા ચણાના બહુ ભલા, જમતાં૦ ॥૧૦॥
સુગંધી ભાત ને ખીચડી, જમતા૦ । કોદરી કાંગવું13 ને કડી,14 જમતાં૦ ॥
જાર બાજરાનું ધાન, જમતા૦ । સામો બંટીનું નિદાન, જમતાં૦ ॥૧૧॥
રોટલી ને ગળવાણું,15 જમતાં૦ । અવલપાક આંબલવાણું,16 જમતાં૦ ॥
રાતાં મરચાં ને રોટલા, જમતાં૦ । મગ ચણાના પૂડલા, જમતાં૦ ॥૧૨॥
અડદ મગ ચણાની દાળ, જમતાં૦ । તુવેર મેસુરની દયાળ, જમતાં૦ ॥
વાલ મઠ ને વટાણા, જમતાં૦ । કાજુ કળથી ચોળા દાણા, જમતાં૦ ॥૧૩॥
વૃંતાક વાલોળ વળી, જમતાં૦ । સારાં સૂરણ ઘીમાં તળી, જમતાં૦ ॥
સારા શક્કરિયાનાં શાક, જમતાં૦ । વઘાર્યા હાથે શું વૃંતાક, જમતાં૦ ॥૧૪॥
રૂડાં રતાળું પતાળું,17 જમતાં૦ । પરવર પાપડી દયાળું, જમતાં૦ ॥
કેરાં કારેલાં કંકોડા, જમતાં૦ । કોળા ચીકણ18 ને ચીભડાં, જમતાં૦ ॥૧૫॥
ગલકાં ગવાર ને ઘિસોડા, જમતાં૦ । શાક સાંગરીયોનાં19 રૂડા, જમતાં૦ ॥
ભીંડાફળી વળી ડોડા, જમતાં૦ । ચોળાફળી ને ચીચોડાં,20 જમતાં૦ ॥૧૬॥
નઈ21 દૂધિયાં ને ટીંડોરા, જમતાં૦ । કાજુ કરેલ તે કોરા, જમતાં૦ ॥
ભરથ22 ભર્યાં ઘણા ઘીનાં, જમતા૦ । રૂડાં રાઈતાં રાઈનાં, જમતાં૦ ॥૧૭॥
કોમળ કૂબી ને કોચલાં,23 જમતાં૦ । શાક એક એકથી ભલાં, જમતાં૦ ॥
તાજાં તરબૂચ પંડોળાં, જમતાં૦ । શાક સારા સુંદર બો’ળા, જમતાં૦ ॥૧૮॥
રસે ભર્યાં રૂડાં કહિયે, જમતાં૦ । સીમા શાક તણી ન લહિયે, જમતાં૦ ॥
ભર્યા હળદર હવેજે, જમતાં૦ । વળી બહુ મસાલે બીજે, જમતાં૦ ॥૧૯॥
ટાંકા તાંદળિયાની ભાજી, જમતાં૦ । સારા સુવા તલવણી તાજી, જમતાં૦॥
મેથી મોરણની પણ સારી, જમતાં૦ । ભીંડા ડોડીની વઘારી, જમતાં૦ ॥૨૦॥
મૂળા કરલીની પણ કરી, જમતાં૦ । વળી મીઠું ને મોગરી, જમતાં૦ ॥
લૂણી ચીલ ને ચણેચી, જમતાં૦ । જમે પોતે આપે વેં’ચી, જમતાં૦ ॥૨૧॥
ભાજી તાજી રાઈ સારી, જમતાં૦ । ઘણે ઘી જીરે વઘારી, જમતાં૦ ॥
અજમો પોઈ પત્રવેલાં, જમતાં૦ । ભજીયા અળવીનાં કરેલાં, જમતાં૦ ॥૨૨॥
કોળાં વૃંતાક ને આદુ, જમતાં૦ । ભજિયા રતાળુંનાં સ્વાદુ, જમતાં૦ ॥
ભર્યાં હવેજે ભજિયા, જમતાં૦ । કંઈ કહ્યા મેં કંઈ રહ્યા, જમતાં૦ ॥૨૩॥
ફાફડા ને વડાં વડી, જમતાં૦ । કળી24 ગાંઠિયા ફૂલવડી, જમતાં૦ ॥
પાપડ અડદ ને મગના, જમતાં૦ । ઝીણા લોટની સગના, જમતાં૦ ॥૨૪॥
જાર બાજરાના સારા, જમતાં૦ । જમતાં પાપડ લાગે પ્યારા, જમતાં૦ ॥
માસુખ મઠનાં મઠિયાં, જમતાં૦ । લાગે ફરસાં25 ન જાય કહ્યાં, જમતાં૦ ॥૨૫॥
ચણા વાલના લીલવા, જમતાં૦ । પય સાકર ને પૂંવા, જમતાં૦ ॥
વળી અવલ જો અથાણાં, જમતાં૦ । ધર્યાં વાટકામાં ઘણાં, જમતાં૦ ॥૨૬॥
કેરી રાયતી રૂપાળી, જમતાં૦ । બીજી બોળેલ રસાળી, જમતાં૦ ॥
લીંબુ બીલીનાં બનાવ્યાં, જમતાં૦ । લીલી હળદીનાં મન ભાવ્યાં, જમતાં૦ ॥૨૭॥
કેરાં કરપટાં26 કર્મદાં, જમતાં૦ । ગરમર વાંસનાં રાઈજાદાં,27 જમતાં૦ ॥
આરિયાં28 આમળાં ને આદુ, જમતાં૦ । ખરાં ખારેકનાં સ્વાદુ, જમતાં૦ ॥૨૮॥
મરચાં ગુંદાં ને સેલરા,29 જમતાં૦ । કાજુ મૂળ કંદ કેરાં, જમતાં૦ ॥
વૃંતાક પતાળુનાં વળી, જમતાં૦ । બાવળ ગુવારની ફળી, જમતાં૦ ॥૨૯॥
કોઠીંબાની30 જે કાચલિયો, જમતાં૦ । બીજી હળદી તેલે ભરિયો, જમતાં૦ ॥
લીંબુ રસ રૂડા નાંખી, જમતાં૦ । સુંદર સારી આગે રાખી, જમતાં૦ ॥૩૦॥
આંબુવાનાં31 જે અથાણાં, જમતાં૦ । બોળ્યાં સરસિયામાં ઘણાં, જમતાં૦ ॥
મૂળ સર્ગવાનાં સ્વાદે, જમતાં૦ । ઉત્તમ અથાણાં એ આદે, જમતાં૦ ॥૩૧॥
મેથી લવિંગ ને મરિયાં, જમતાં૦ । લીંબુ ખારેકમાં ભરિયાં, જમતાં૦ ॥
મીઠું હળદર ને ધાણા, જમતાં૦ । ભેળાં આથેલ અથાણાં, જમતાં૦ ॥૩૨॥
આથ્યાં અદ્રક ને કટેરાં,32 જમતાં૦ । વળી ચટણી વેરમવેરા,33 જમતાં૦ ॥
એવાં અથાણાં અનેક, જમતાં૦ । વિધવિધના વિષેક, જમતાં૦ ॥૩૩॥
કુર34 કરમલડો35 કરિયાં,36 જમતાં૦ । તલસાંકળી જાજરિયાં,37 જમતાં૦ ॥
ઘૃત દૂધ દહીંની તર, જમતાં૦ । શ્વેત ભાત ને સાકર, જમતાં૦ ॥૩૪॥
સાકર રાબ સાકર પાણી, જમતાં૦ । મગજળ ઘી તીખાં વખાણી, જમતાં૦ ॥
લીંબુરસ મરિયાં વારિ, જમતાં૦ । સાંઠા શેરડિયો પણ સારી, જમતાં૦ ॥૩૫॥
ઉભા દર્શન કરવા દાસ, જમતાં૦ । આપ્યા મહાસુખ મુખવાસ, જમતાં૦ ॥
લાવ્યા લવિંગ સોપારી, જમતાં૦ । જાયફળ એલચી સારી, જમતાં૦ ॥૩૬॥
કાથો ચૂનો પાકાં પાન, જમતાં૦ । બીડી સમારી સમાન, જમતાં૦ ॥
સુવા સૂંઠ્ય ને સંચળ, જમતાં૦ । મરી અજમો જે અવલ, જમતાં૦ ॥૩૭॥
બુંદ38 આદુ ને વરિયાળી, જમતાં૦ । તજ જાવંત્રી તમાલી, જમતાં૦ ॥
આપ્યા મુખેથી મુખવાસ, જમતાં૦ । પામ્યા તંબોળ તે દાસ, જમતાં૦ ॥૩૮॥
પછી આણ્યાં સુંદર ફળ, જમતાં૦ । અતિ સ્વાદુ ને નિર્મળ, જમતાં૦ ॥
લાવી દાસે પાસે ધરિયાં, જમતાં૦ । રૂડાં રૂપાળાં રસભરિયાં, જમતાં૦ ॥૩૯॥
જાંબુ લીંબુ પાકી કેરી, જમતાં૦ । સારાં કેળાં જે સોનેરી, જમતાં૦ ॥
દેખી દાડમ બેદાણે,39 જમતાં૦ । સ્વાદુ સીતાફળ વખાણે, જમતાં૦ ॥૪૦॥
જામફળ જોયા જેવાં, જમતાં૦ । રામફળ પણ એવાં, જમતાં૦ ॥
રાણ્યો સુડિયાં40 ને બોર, જમતાં૦ । સારાં જમે ધર્મકિશોર, જમતાં૦ ॥૪૧॥
પીલું શેતૂ તરસાળું,41 જમતાં૦ । બીલાં નારંગી દયાળુ, જમતાં૦ ॥
ડોડાં અંજીર અનુપ, જમતાં૦ । ખારેક ખજૂર રસરૂપ, જમતાં૦ ॥૪૨॥
ટોપરાં ને કાજુકળિયા, જમતાં૦ । દ્રાક્ષ નીલવા42 જે ગળિયા, જમતાં૦ ॥
રૂડાં બદામ સિંગોડા, જમતાં૦ । મગ ચારોળી જે રૂડાં, જમતાં૦ ॥૪૩॥
કમળનાળ કુંણા જોઈ, જમતાં૦ । ગુલાબ ગુલસુબા ફુલ43 સોઈ, જમતાં૦ ॥
શ્રૃંગીવિષતરુનાં44 પાન, જમતાં૦ । જેઠીમધ45 ડોડી નિદાન, જમતાં૦ ॥૪૪॥
ચણેચી ચીભડાં ને ચોળા, જમતાં૦ । રાઈ મોગરી ને મૂળા, જમતાં૦ ॥
મેથી મૂળાની ડાંડલિયો, જમતાં૦ । કૂણી નર્મ કાજું ભલિયો, જમતાં૦ ॥૪૫॥
મીઠું મરી જીરૂં તાજું, જમતાં૦ । જમે કાકડિયો જોઈ કાજું, જમતાં૦ ॥
દાળ દાળિયા ને મમરા, જમતાં૦ । ધાણી બાજરી તલ ખરા, જમતાં૦ ॥૪૬॥
પોંક બાજરા ઘઉંનો, જમતાં૦ । ચણા ગુદલીનો46 ઉનો, જમતાં૦ ॥
મકાઈ ને બહુ મેવા, જમતાં૦ । પ્રદેશી મગ ચણા કેવા, જમતાં૦ ॥૪૭॥
કાજુ કરા ટાઢા હીમ, જમતાં૦ । કોમળ નિર્મળ લૈલિમ, જમતાં૦ ॥
પાકાં ચીભડાં રસાળું, જમતાં૦ । પાકી આંબલી દયાળું, જમતાં૦ ॥૪૮॥
ફણસ બિજોરાંના કળિયા, જમતાં૦ । લાગે અન્નાસના ગળિયા, જમતાં૦ ॥
ગુંદાં કર્મદાં ટીંબરવાં, જમતાં૦ । પીપર મધ કોઠાં ને મરવા,47 જમતાં૦ ॥૪૯॥
મીંઢી આવળ મરચાં રાતાં, જમતાં૦ । કઠણ બહુ કસ્તુરી ખાતાં, જમતાં૦ ॥
થેગ કંદ48 ચંદ પોળી, જમતાં૦ । જાય નિષ્કુળાનંદ ઘોળી,49 જમતાં૦ ॥૫૦॥
ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે દ્વિતીયઃ ચિંતામણિઃ ॥૨॥