મનગંજન
દોહા
સહુ પે’લાં સમરિયે, આદ્ય1 પુરુષ2 અવિનાશ ॥
સોયે વપુ ધરી વિચરે, જેનો જક્તપ્રકાશ ॥૧॥
જનઉદ્ધારણ જનમ જગ, કરણ કોટી કલ્યાણ ॥
સોયે સહજાનંદ મૂરતિ, પ્રગટ પ્રભુ પ્રમાણ ॥૨॥
સ્વામી સહજાનંદને, સદા રહિયે શરણ ॥
લાભ અલભ્ય સો લીજિયે, જાય જનમ ને મરણ ॥૩॥
સ્વામી સહજાનંદનું, નામ જપે નર કોય ॥
વિઘન ભવ વ્યાપે નહિ, સદાય સુખિયો હોય ॥૪॥
સ્વામી સહજાનંદને, જે શરણે સોંપે શીશ ॥
જુએ ન અવગુણ જીવના, કરે ગુહ્ના બક્ષિસ ॥૫॥
સુણી બિરુદ એવું સદા, આવ્યો હું શરણ અનાથ ॥
ગ્રહો બાંહ્ય ગુરુદેવજી, નાથ સુણો મમ ગાથ ॥૬॥
દેહ નગર3 દીવાન દોય, નિજ4 પરતક5 મન નામ ॥
બને ન બંધવ બેઉને, ઠઠેરાડ્યનું6 ઠામ ॥૭॥
કોય કોયના કેણને, માને નહિ મહાવીર ॥
બળભર બાધે બાકરી,7 સળગ્યું વેર શરીર ॥૮॥
પરતક મન કે’ પરહરી, નીકળ્ય નિજમન બા’ર ॥
વડાશું વાદ ન કીજિયે, આપણો જીવ ઉગાર ॥૯॥
નિજમન કહે તું નરેશ નહિ, કાલી ન કીજિયે વાત ॥
ખરી પળે તે ખમશે, જેને માથે જાત ॥૧૦॥
પરતકમન ઉવાચ
જાત કારણ નવ જાણિયે, માટીપણું8 પડ્યું મેદાન ॥
એહ અંજસ9 નવ આણિયે, નિજમન નર નિદાન ॥૧૧॥
નિજમન કે’ મન મેલિયે, હાલવું પોલે10 હાથ ॥
શીશ સાટાની સાયબી,11 વેર વડાંને સાથ ॥૧૨॥
મન12 તેં દેહ દોરગમાં,13 કર્યા અનેરા કાજ ॥
પ્રભુ તણા પરતાપશું, રહે ન તોરુ રાજ ॥૧૩॥
કાઢું કાયા કોટથી, મનવા મૂળ ઉખેડ્ય ॥
તસ્કર રાયના14 તખતમાં,15 પ્રજા પામે બહુ પિડ્ય ॥૧૪॥
મોંઘો દેહ મનુષ્યનો, મળે ન મૂલ્યને માટ ॥
હરિભજન વિન હારિયો, દુરમતિ વાળી ડાટ ॥૧૫॥
સ્વાર્થ તારો સારિયો, હારિયો હીરો હાથ ॥
નીકળ્ય હવે તું નગ્રથી, સંગ લઈ તારો સાથ ॥૧૬॥
કહે મન કેમ કાઢી શકે, પંચ જોદ્ધા16 મુજ પાસ ॥
ટકે નહિ પગ તાહરો, ઘાલીશ મુખમાં ઘાસ ॥૧૭॥
શબ્દ સ્પર્શ રૂપ રસ, ગંધ ગણી જે પંચ ॥
તેહ આગળ્ય કોયે ટકવા, રે’વા ન પાવે રંચ ॥૧૮॥
જનનીએ કોય જાયો17 નહિ, પંચ વિષયની પાર ॥
શીદ વાયક18 વખાણિયે, હમણાં પામીશ હાર ॥૧૯॥
જીત્યો ન દીઠો જક્તમાં, આગળ્ય મુજ અમીર ॥
ખરી પડે સહુ ખળભળે, ધરે નહિ કોઈ ધીર ॥૨૦॥
નિજમન કહે નથી મળ્યો, ખરો જો ખેધકું19 કોય ॥
ભાળ્યા સહુ તે ભાગતા, પણ જીત્ય આજ તો જોય ॥૨૧॥
બાળક નહિ જે બી મરે, જપ્ય નામનો જાપ ॥
ડેડક20 બહુ તે ડાંભિયાં,21 પણ મળ્યો ન મણિધર સાપ ॥૨૨॥
પડશે પરતક પારખું, મુજ તુજનું મેદાન ॥
રણમાં પગ રોપી રહે, નર શો શૂર નિદાન ॥૨૩॥
હોય સચેત હવે સાબધો, સજી સરવ સમાજ ॥
લડી ભૂમિ સો લીજિયે, રીઝે ન મળે રાજ ॥૨૪॥
મન કહે ફોજ માહેરી, વર્ણવી સુણાવું વીર ॥
કામ ક્રોધ લોભ મોહ, અડગ જોધ અમીર ॥૨૫॥
આશા તૃષ્ણા ઈરષા, નિંદા અવિદ્યા નાર ॥
કુટિલ કુમતિ કુબુદ્ધિ, એવી ફોજ અપાર ॥૨૬॥
રાગ દ્વેષ રહે સદા, હાનિ વૃદ્ધિ ને હેત ॥
શોક હર્ષના સેનમાં,22 ખળ છળ ખેધુ23 ખેત24 ॥૨૭॥
સંકલ્પ વિકલ્પ સંકેત વિન, નિર્ભય ને નિરધાર ॥
પંચ વિષય પ્રપંચ ભડ, વણગણ્ય25 વિષય વિકાર ॥૨૮॥
ભિન્ન ભિન્ન ચહાય ભોગને, નાનાવિધ નિરવાણ ॥
રાત દિવસ રાચ્યો રહે, એમ હોય જન્મ હેરાણ ॥૨૯॥
હારજીતના હેતશું, મેલે ન કદિયે મરોડ26 ॥
ચાલે ચાડે27 ચોગણાં, કરે ઉપાસન ક્રોડ ॥૩૦॥
જેત્તાં પદારથ જક્તમાં, તેત્તાં ઉપર તાન ॥
અનેક ઇચ્છા ઉરમાં, ઠરે નવ રતી ઠાન28 ॥૩૧॥
દેખ્યું દિલ મન દુષ્ટનું, ભયંકર ભયભીત ॥
નિર્લજ નગારાં ગડગડે, ફરે હરે ધ્વજા ફજીત ॥૩૨॥
ઉત્થાન29 અશ્વની ઉપરે, ચઢ્યો મન લઈ ચાપ30 ॥
નિજમન કાયા નગ્રથી, કાઢું આજ ઉથાપ31 ॥૩૩॥
નિજમન નીકળ્ય બાહેરો, કાં સજ્જ હો લઢવા સંગ ॥
આજ તું નવ ઊગરે, જીતું હું રણ જંગ ॥૩૪॥
કહે કટક32 તારો કેટલો, નિજમન લે હવે નામ ॥
સેના તાહરી સુણવા, હૈયે તે મારે હામ ॥૩૫॥
નિજમન કહે મનમાં વળી, જોધ તું જબર જોરાણ33 ॥
તુજ આગે મુજ સેનનું, કઈ પેર કરું વખાણ ॥૩૬॥
દેહદર્શીના દિલમાં, ઘડ્યે ન બેસે ઘાટ ॥
કહું કાંયેક તુંજ આગળે, તેં પૂછિયું તે માટ ॥૩૭॥
શીલ સંતોષ દો સેનમાં, વળી વિવેક વિચાર ॥
ધીરજ ધર્મધુરંધરા, ક્ષમા દયા દો નાર ॥૩૮॥
ત્યાગ વૈરાગ્ય ત્યાં રહે, શમ દમ શ્રદ્ધા સોય ॥
જ્ઞાનગરીબી ભગતિ, દીન દાસા પણ દોય ॥૩૯॥
ભાવ ભજન ભરપૂર રહે, શુભ ગુણ શાંતિ સોય ॥
જક્ત વિરક્ત ભક્ત ભયે, દાસ ઉદાસી હોય ॥૪૦॥
પંચવ્રત પર પ્રીત હય, નિઃસ્પૃહી નિષ્કામ ॥
નિર્લોભી નિર્માનિતા, નિઃસ્વાદી એહ નામ ॥૪૧॥
વચન પ્રમાણે વર્તવું, એહ હમારી ટેક ॥
નિરવૈર રહે સહુ નગ્રમાં, છાંડી34 છળ બળ છેક ॥૪૨॥
માંહોમાંહી મળી રહે, હૈયે ઘણેરું હેત ॥
કરે ન કૂડ કપટ કછું, એહ અમારી રીત ॥૪૩॥
મન કહે મર્મ મેં લહ્યો, દેખી તાહેરું દળ ॥
એવા સેના સાહેબા,35 બહુ ન કીજે બળ ॥૪૪॥
નૂર36 વિના શાં સૂરમા,37 અણમણતાં38 હોય અંગ ॥
પૂછી પૂછી પગ ભરે, તે જીતે ન કદિયે જંગ39 ॥૪૫॥
જોયા તારા જોધને, જીતી ન કરે જુહાર40 ॥
લાલચ્ય મેલ્ય લડવા તણી, માગ્ય હવે ધર્મદ્વાર41 ॥૪૬॥
હોય હજી જો હામ હૈયે, તો વીર ન કીજે વેલ્ય42 ॥
લિયો લડાઈ લીજીએ, નહિ તો નગર તું મેલ્ય ॥૪૭॥
નિજમન કહે નવ કીજીએ, મનવા મોટી વાત ॥
શૂરા તણા સંગ્રામમાં, લાજ હરિને હાથ ॥૪૮॥
આવ્ય ચડી ચોગાનમાં, સેના લઈ સંગ શૂર ॥
આગળ આછા પાતળા, હાજર છું હજૂર ॥૪૯॥
સજ્જ થયા દો શૂરમા, વઢવા કારણ ભાવ ॥
હુવા સિંધુડા સેનમાં, ઘાલ્યા નગારે ઘાવ ॥૫૦॥
પરતકમન ઉવાચ
વઢવા સમે વાણી વદે, અડીખંભ મન આકૂત43 ॥
પાડું પ્રભુપદ પોં’ચતાં, તો માન્ય માયાનો પૂત ॥૫૧॥
સુત તું શ્રી ભગવાનનો, દલમાં હશે તુંને ડોડ ॥
માંડી તેં જો મુજશું, તો કરીશ પૂરો કોડ ॥૫૨॥
મુજ તુજનો મામલો, કાહા44 કટકશું કાજ ॥
જીત્યો દલ45 જબ જાણિયે, જો જીત્યો રણરાજ46 ॥૫૩॥
જાળવજ્યે હવે જુદ્ધમાં, બાણ મારું બળવાન ॥
સુણી શબ્દ સોયામણા, ધરીશ કયી પેર ધ્યાન ॥૫૪॥
સ્પર્શ શીત ઉષ્ણનો, રૂપ રૂપાળે નેણ ॥
ખટ રસ દેખી ખળભળે, સુગંધ સરાયે47 સેણ48 ॥૫૫॥
પંચ બાણ પરતક મને, મેલ્યાં નિજમન માથ ॥
રહ્યો આખી અણિયે એહથી, શિરપર હરિનો હાથ ॥૫૬॥
શી પેર શબ્દ ન લાગ્યો, શી પેર તજિયો સ્પર્શ ॥
શી પેર ન રાચ્યો રૂપમાં, શી રીત જીત્યો ગંધ રસ ॥૫૭॥
નિજમન ઉવાચ
શબ્દ જેતા સંસારમાં, એક આકાશનો ભાગ ॥
હરિજશ સુણી હુલસું,49 તે વિન સરવે ત્યાગ ॥૫૮॥
સ્પર્શ શીત ઉષ્ણનો, વાયુ તણો વિકાર ॥
ભેટું હરિ હરિજનને, અવર લાગે અંગાર ॥૫૯॥
રૂપ રતી તન તેજની, તા પર તૂટે ન તાન ॥
રૂપ હૃદે ધરી રામનું, ધરિયે નિત્ય પ્રત્યે ધ્યાન ॥૬૦॥
ગંધવતી જે પૃથવી, ચડે ન તા પર ચિત્ત ॥
ગંધમાં હાર ગોવિંદના, નિર્મળ50 પરિમલ51 પર પ્રીત ॥૬૧॥
સર્વે રસ સંસારમાં, ખટ રસ પોષણ ખાન ॥
દેહ નિભાવન દીજિયે, ન કરું સ્વાદ નિદાન ॥૬૨॥
એમ પાંચ બાણ પરતકનાં, નિષ્ફળ ગયાં નિદાન ॥
જાય ન ગાજ્યો52 જક્તમાં, ભેરુ53 જેને ભગવાન ॥૬૩॥
વળતો મન વિચારી કહે, મેલું મોહનું બાણ ॥
અનેક પદારથ ઉપરે, જડી પ્રીત જોરાણ ॥૬૪॥
કસી બાણ મન કામનું, સાંધુ નિજ મન શિર ॥
જેથી વાધે જલ્પના,54 ધરે ન અંતર ધીર ॥૬૫॥
લોભ લુવાંગ્ય55 લઈ કરી, તાકી હણી તૈયાર ॥
અણી જેની આગળે, સબ વેંધ્યો સંસાર ॥૬૬॥
લથબથ હુવા લઢવા સમે, કર ધરી ક્રોધ કરવાળ56 ॥
બચે ન આયો વડજમાં,57 ઝબક અગનની ઝાળ ॥૬૭॥
નાંખી નિજમન ઉપરે, નિદ્રા ફાંસી નેક ॥
આળસ કટારી58 અંગમાં, છાની વાઢે છેક ॥૬૮॥
લોહ એટલા લઈ કરી, ઘાલ્યાં નિજ પર ઘાવ ॥
ભેદ્યા નહિ કોય ભીતરે, ખેલ્યો ખૂબ જ દાવ ॥૬૯॥
મોહબાણ સો મરોડિયું, પરહરી સબશું પ્રીત ॥
નિઃસ્પૃહી વ્રત પાળતાં, હુઈ જગતમાં જીત ॥૭૦॥
ધન દારા નિજદેહ ગેહ, પુત્ર પશુ પરિવાર ॥
ભાગ્ય ભુવન ગણે ભાગસી,59 એહ નિઃસ્નેહી ઉદાર ॥૭૧॥
અશન વસન ભૂષનસે, મોહ ન પામે મન ॥
ચહે ન પ્રભુ વિના ચિત્તમાં, ધન્ય નિસ્પૃહી જન ॥૭૨॥
મર્યો નહિ મોહ બાણથી, નિજમન જન નરેશ ॥
સદા ઉદાસ સંસારથી, હરિશું પ્રીત હમેશ ॥૭૩॥
કામબાણ સો કાઢિયું, નહિ નારીશું સ્નેહ ॥
ચૌદ લોક જે ચતુરધા, ઇચ્છ્યા ન ઉરમાં એહ ॥૭૪॥
અનંગ60 બાણ કરડું અતિ, જાતે61 બચે ન જીવ ॥
સુરાસુર નર નાગ મુનિ, ભાગ્યે બ્રહ્મા શિવ ॥૭૫॥
કામરૂપ સો કામિની, મૂર્તિમાન એહ મેન62 ॥
તાશું ભૂલ્યે ન ભાષણ કીજિયે, ના નીરખો કોય નેન ॥૭૬॥
મન ઉવાચ
સ્પર્શામાં કાહા પાપ હે, જોયામાં કાહા જાત ॥
ચિત્ત સાબુત63 ચાહિયે, ક્યાં વણસે64 કર્યે વાત ॥૭૭॥
એ પણ વિચારી આતમા, હરિ ભજવા હોય હોંસ ॥
બીજી વાતે બાધ છે, પણ જ્ઞાનમાં65 કાહા દોષ ॥૭૮॥
એહ જ નર અધુરિયા, વળી ન સમજ્યા બાત ॥
નર નારી સો ન ટળી, ભલી રહી એહ ભ્રાંત ॥૭૯॥
નિજમન ઉવાચ
રે’ રે’ બેસી રાંડના, બેખબર શું બોલ્ય ॥
શાસ્ત્ર વિરોધી શું લવે,66 તું મૂરખ વણ તોલ્ય ॥૮૦॥
ઇન્દ્ર ચંદ્ર એકલશ્રૃંગી, સૌભરી નારદ શિવ ॥
અજ થકી અધિકો થયો, જોજ્યો ભાઈયો જીવ ॥૮૧॥
લાજ લઈ ત્રિલોકની, નારે67 કાપેલ નાક ॥
સુધ બુધ હરી સહુ તણી, વળી ચઢાવ્યા ચાક68 ॥૮૨॥
કાગદ-કરિણી69 દેખતાં, હસ્તી મરે હજાર ॥
મૂર્તિવંતી માનિની, કેમ પોં’ચાડે પાર ॥૮૩॥
નર પ્રાણી પતંગ70 સમ, નારી દીપક ઝાળ ॥
મોહ પામી મરત તેમ, નારી નરનો કાળ ॥૮૪॥
વિષ વેરી સમ વૈતરી,71 નાગણ વાઘણ નાર ॥
ડાકણ સાકણ દુષ્ટણી, સ્વપ્ને ન હો વ્યવહાર ॥૮૫॥
દેહે કરી દૂર રહિયે, અષ્ટ પ્રકારે આપ ॥
તો અંતર ઇચ્છા નહિ રહે, પ્રભુ તણો પ્રતાપ ॥૮૬॥
ભક્ત અભક્ત માનીને, ના ચિંતવો કોય નાર ॥
લેતાં લીંબુ નામને, વદને આવે વાર72 ॥૮૭॥
અભાવ ઉલટા73 અન્ન સમ, સ્વભાવે સડેલું ઊંટ ॥
નીરખે એવી નારને, તે ખાટે74 ચ્યારે ખૂંટ75 ॥૮૮॥
કામબાણ કટકા કરી, નિર્ભય ભયો નિજમન ॥
લોભ લુવાંગ્ય લાગી નહિ, કહો કેણી પેર તન ॥૮૯॥
પરતકમન ઉવાચ
લોભ લુવાંગ્ય ઝીણી અણી, લાગી સરવે શીર ॥
દેવ દાનવ માનવ મુનિ, પાડે76 પંડિત પીર ॥૯૦॥
કામ થકી કરડી ઘણી, માને ન માસી માત ॥
બહેન ફુઈ બેટી સંગે, લોભ કરાવે ઘાત ॥૯૧॥
એવી અતિશે આકરી, લોભ તણી લુવાંગ્ય ॥
નિજમન કેમ લાગી નહિ, સોય શરીરે સાંગ્ય77 ॥૯૨॥
નિજમન ઉવાચ
લોભ મૂર્ત78 દ્રવ્ય લેખિયે, એહમાં અનંત વિકાર ॥
કૂડ કપટ છળ હિંસા, કરે અનર્થ નર નાર ॥૯૩॥
ધાતુ સપ્ત પ્રકારની, અડ્યે પડે અપવાસ ॥
હીરા મોતી કાચથી, હરિજન રહે ઉદાસ ॥૯૪॥
મન ઉવાચ
દામ વિના દુઃખી સર્વે, દામ કરે બહુ કામ ॥
દોષ કાહા હે દામમેં, નિજમન લે તું નામ ॥૯૫॥
રામ તણું કરી રાખીએ, અશન વસન ઘર નાર ॥
ધણી ન થાયે ધનના, તો બાધ નહિ લગાર ॥૯૬॥
નિજમન ઉવાચ
મ બોલ્ય એવું મનવા, વણ વિચારે વાત ॥
એવું મુખ તે ઓચરે,79 જેને ઘટમાં ઘાત80 ॥૯૭॥
એહ લાવણ્યતા લોભની, પિંડમાં કર્યો પ્રવેશ ॥
પેચે81 પાપી પેસિયો, રોળી દેવા82 રેશ ॥૯૮॥
ઉપદેશ એનો ઓળખી, તરત કરીજે ત્યાગ ॥
લોભ સમો નહિ લોંઠિયો,83 જેમ તેમ જુવે જાગ ॥૯૯॥
પ્રસાદી પ્રભુ તણી, ધન કંચન દઈ ઘાત ॥
ત્યાગી લેવાને તાકે, તો બીજાની સઈ વાત ॥૧૦૦॥
લોભ લુવાંગ્ય લાગી નહિ, ત્યાગી ધનની ધાંખ84 ॥
ઇચ્છા ન રહી અંતરે, અસત્ય ઓળખ્યું આંખ્ય ॥૧૦૧॥
તીખો ક્રોધ તરવાર સમ, વેણ નેણમાં વાટ ॥
નિર્માની એક નર વિના, ઘડી ન ઝાલે ઘાટ ॥૧૦૨॥
પોં’ચે ત્યાં પરાભવ કરે, અણપોં’ચે અમાન85 ॥
રૂઠી ન બોલે રાંકશું, નર સોયે નિરમાન ॥૧૦૩॥
ક્રોધ કરવાલ કાહા કરે, નિરમાની નિજમન ॥
હસી નમાવે શીશને, પિયુ હોયે પ્રસન્ન ॥૧૦૪॥
નાવે નિદ્રા નયણે, શૂળી પર કોય સોય ॥
મીટે દેખે મોતને, હાય મૂવો એમ હોય ॥૧૦૫॥
આળસ અંગે કેમ ઉપજે, અલ્પ આયુષ્યની માંય ॥
નિશદિન નામ નારાયણનું, સમરે હૃદે સદાય ॥૧૦૬॥
સદા સમરણ શ્યામનું, આળસ ઊંઘ નિવાર ॥
બોલે જક્ત શું બાવરું,86 હરિ ભજવે હુશિયાર ॥૧૦૭॥
કુશળ રહ્યો મન કોપથી, નિજમન નર નિરવાણ ॥
લડે લેશ ન લોપિયો, ગયાં બે કામે બાણ ॥૧૦૮॥
ખીજ્યો મન તબ ખેધકું, રુતો87 રણની માંય ॥
આવ્ય નિજ આઘેરડો, જેમ લખ્યું તેમ થાય ॥૧૦૯॥
બેઉ જોધ બરાબરી, રોપ્યા રણમાં પાવ ॥
લડે ભડે કોય લડથડે, દોનું ખેલે દાવ ॥૧૧૦॥
વડચડ88 વેડ વખાણિયે, ખડભડ હુવો જે ખેદ ॥
દડવડ89 આયે દો જણા, અડવડ હુવો ઉમેદ ॥૧૧૧॥
ટણણણ ટંકારવ હવા, ચણણણ ચલે ચૂક90 બાણ ॥
તણણણ ત્રાંસાં ત્રણસે, ધણણણ બજે ઘંટાણ ॥૧૧૨॥
હણણણ હય91 ઘણું હાવલે,92 બણણણ બોલે બાણ ॥
ગણણણ ગાજે ગોળિયું, ભણણણ પડે ભંગાણ ॥૧૧૩॥
ગરરર ગોળા નાળ્યના, તરરર બોલે તૂર93 ॥
અરરર કરે અધમૂવા, ભરરર ભાગે ભૂર ॥૧૧૪॥
ફરરર નેજા ફરહરે, ઘરરર નગારાં ઘૂર ॥
થરરર કંપે કાયરાં, ડરરર ભાગે દૂર ॥૧૧૫॥
ધણણણ ધ્રુજે ધરતી, ઝણણણ હુવા ઝણકાર ॥
ઠણણણ ઠમકા હો રહ્યા, રણણણ હુવા રણકાર ॥૧૧૬॥
ઝલલલ ઝબકે બરછિયું, ઢળળળ ઢળકે ઢાલ ॥
બલલલ બર્કી94 બોલતો, તે ગલલલ બોલિયો ગાળ ॥૧૧૭॥
હડડડ આયો હાકલી,95 ફડડડ ભાગી ફોજ ॥
કડડડ પાડ્યો કારમો, મડડડ માર્યો મનોજ ॥૧૧૮॥
પડતો મન પોકારિયો, નિજમન સુણિયે નાથ ॥
જોજે મા મારે જીવથી, આવ્યો હું શરણ અનાથ ॥૧૧૯॥
કાંયક કરુણા કીજિયે, દીજિયે જીવિત દાન ॥
અનાથ ઉપર એવડી, ન ઘટે નાથ નિદાન ॥૧૨૦॥
ઇન્દ્રિ સહિત હું આશરે, કરીશ રાજ્યનું કાજ ॥
દાસ દાસનો દાસ હું, તું તાત મુજ શિરતાજ96 ॥૧૨૧॥
ભજું ન કદી ભોગને, રચું ન કદિયે રાડ97 ॥
વાંછું ન વિષય સુખને, નિજમન મોય નિભાડ98 ॥૧૨૨॥
નિજમન કહે આવે નહિ, પ્રતીત તોરી પતલેલ99 ॥
આજ રહે આખી અણિયે, તો કાલ્ય અખેલાં ખેલ100 ॥૧૨૩॥
ઝીણોય કણિકો ઝેરનો, કરે કાયાનો નાશ ॥
વ્યાળ વેરી વહનિ, એ છોટે વડી વણાસ101 ॥૧૨૪॥
હોય ન હેતુ કોયના, મન ભોરંગ102 વિષ વાઘ ॥
વળતાં જેથી વિચારિયે, તેહનો કીજે ત્યાગ ॥૧૨૫॥
બને ન કેદિયે બેહુને, ત્યાગી રાગી તાય ॥
એક ચહાય અરણ્યને, દુજો શહેર સરાય ॥૧૨૬॥
તુજ મુજના તાનને, વર્ણવી કહું વિવેક ॥
છેટું જમી અસમાનનું, કે દિ ન મળે એક ॥૧૨૭॥
છંદ મોતીદામની ચાલ
ભજે મન ભાવ સદા ભવભોગ,103 રચે104 નહિ રંચ ગણે નિજ રોગ ॥
ખુશી મન ખૂબ ખટ રસ ખાન, તૂટે ન કદી નિજતા પર તાન ॥૧૨૮॥
ઇચ્છે મન અંબર સુંદર અંગ, અજાણે એ નિજ ન કરે ઉમંગ ॥
ચહે મન ભૂષણ સુવર્ણ ચિત્ત, પેખે નહિ નિજ કરે નહિ પ્રીત ॥૧૨૯॥
દેખે મન દેહ રિઝે જો રૂપાળ, ઝાંખી105 નિજ નેણ ઊઠે અંગ ઝાળ ॥
દેખે મન મુખ લેહી દરપણ, ન જુવે જો નિજ નિરાશી નરપણ ॥૧૩૦॥
નીરખે જો મન છાયા છબી નિત, ઇચ્છે નહિ નિજ અસત અનિત ॥
નિહાળે જો મન નારી નખશિખ, વદે નિજ તાયે106 હલાહલ વિખ ॥૧૩૧॥
શ્વાનની સાણ્યે મન જો સરાયે, નિજમન તાયે નિકટ ન જાયે ॥
ગમે મન ગાન વિષે રસ ગીત, ચહે નહિ નિજ ચળે નહિ ચિત્ત ॥૧૩૨॥
સદા મન સુખ સરાયે સંસાર, ઇચ્છે નહિ નિજ ગણે જો અસાર ॥
દેખે મન સજ્જન દુર્જન દોય, સદા સમ ભાવ ધરે નિજ સોય ॥૧૩૩॥
ભજે નહિ મન કે દિ ભગવાન, ધરે નિત્ય નિજ ધણીનું ધ્યાન ॥
પાછે મન પગ કરે પ્રવેશ, લોપે નહિ નિજ વચનને લેશ ॥૧૩૪॥
ભજનમાં મન પાડે જો ભંગાણ, સમરે સો નિજ સદાય સુજાણ ॥
ઘડે મન ઘાટ ઘણા ઘટમાંયે, કરે નહિ નિજ સંકલ્પ કાંયે ॥૧૩૫॥
હિસે107 મન હેતે કરવાને હાસ, અતિ નિજ રહે સદાયે ઉદાસ ॥
રહે મન રાજી બણેઠણે રૂપ, કરે નિજ તાયે સદાયે જો કોપ ॥૧૩૬॥
ચલે મન ચંચળ ચપળ ચાલ્ય, હળવી નિજમન દુવણ108 હાલ્ય ॥
કરે નવ રંગ અંગે કંઈ મન, તૂટે ફૂટે પટ રહે નિજ તન ॥૧૩૭॥
કરે ગુરુ આગ્યામાં જુગતિ કાંઈ, સમઝે સો સદા સુખદાઈ ॥
રખે મન ઇન્દ્રિય દેહશું રત,109 અતિ નિજ એહને જાણે અસત્ય ॥૧૩૮॥
દેખે મન વિષય ડગી જાય દલ, પેખે નિજ પાપ ખોળે નહિ પળ ॥
એવા ગુણ મનતણા જો અનેક, લખતાં તે લખ્યે ન આવે જો છેક ॥૧૩૯॥
દોહા
કેત્તાક લખિયે કાગળે, પરતક મનના પેચ ॥
ભૂંડાથી ભૂંડો સરે, નીચ થકી પણ નીચ ॥૧૪૦॥
મનવા તું તો મશકરો, તુજ કપટ ન કળે કોય ॥
હેતુ110 થઈ તું હેત કરે, પણ કાંયક કપટ તો હોય ॥૧૪૧॥
જ્ઞાની થઈ તું જ્ઞાન કરે, ધ્યાની થઈ ધરે ધ્યાન ॥
ત્યાગી થઈ તું ત્યાગ કરે, તું રઝળાવે રાન111 ॥૧૪૨॥
તપસી થઈ તું તપ કરે, વળી રહે ઉદાસી રંચ ॥
અન્ન પરહરે પયપાન કરે, પણ સબ તોરો પરપંચ112 ॥૧૪૩॥
ત્રય લોક નચાવ્યા તેં ખરા, નર મર્કટને ન્યાય ॥
ભેખ સરીખો ભળી રહી, ભાંડઈ113 કરી ભવમાંય ॥૧૪૪॥
અધમ અપરાધી એક તું, ભડવો ભૂલેલ ભાંડ ॥
કપટી કુટિલ કુમતિ, દુર્મતિ દુષ્ટમન દાંડ ॥૧૪૫॥
ચોર ઠગારો ફાસિયો, ડુમ114 ઢેઢ જારની જાત ॥
લંપટ લોભી લાજ વિન, ઘણી રચાવણ ઘાત ॥૧૪૬॥
શ્વાન શિયાળ સર્પનો, ઘૂડ ગર્દભનો ગુણ ॥
કાગ બલાઈ કપટ મન, કરે ભરોંસો કુણ ॥૧૪૭॥
ભૂત પ્રેત પિશાચનાં, એવાં લક્ષણ લાખ ॥
અવર અશુભ ઉપમા, તે સર્વે દેવા શાખ115 ॥૧૪૮॥
જેત્તા અવગુણ જક્તમાં, તેત્તા તુજમેં હોય ॥
રાખ્યો ઘટે નહિ રાજમાં, માર્યો ઘટે નહિ મોય ॥૧૪૯॥
કંગાલ થઈ તું કરગરે, ઘાલી મુખમાં ઘાસ ॥
પડ્યો રહે મર પિંજરે,116 પણ મેલું ન મોકળી રાસ117 ॥૧૫૦॥
તન નગરમાં તસ્કરી, જો કરશો કોય જન ॥
ગોતું ન કે દી ગોલાણને,118 મેલી મન રાજન ॥૧૫૧॥
જાણું છું હું જરા જરી, સરવે તારો સાથ ॥
કુમાર્ગે કોય ચાલશે તો, મન પડશે તુજ માથ ॥૧૫૨॥
ઇચ્છ્યું નહિ મળે આજથી, ભજે119 નહિ મળે ભોગ ॥
રહે તો એવી રીતશું, સાધી શરીરે જોગ ॥૧૫૩॥
દેહદશાએ સર્વનું, કરવાને એહ કામ ॥
રહે પડ્યો હવે રાજમાં, ગાળી ગર્વ ગુલામ ॥૧૫૪॥
જીત્યો નિજમન ફોજને, રાખ્યો મન એહ રીત ॥
નિર્ભય નોબત ગડગડી, થઈ જગતમાં જીત ॥૧૫૫॥
જાચક120 જશ મુખ ઉચ્ચરે, ભલોભલો નિજ ભડ121 ॥
તોલે ના’વે તાહરી, તેં મરડ્યો મન અકડ ॥૧૫૬॥
મોટા મહાજન મળી કરી, પૂછે કરી અતિ પ્રેમ ॥
જીત્યો નિજમન જંગમાં, મહાબળી મન કેમ ॥૧૫૭॥
નિજમન કહે નહિ અચરજ, ભેરુ જેને ભગવાન ॥
રાઈનો સો મેરુ કરે, અને મેરુનો સો રાઈ સમાન ॥૧૫૮॥
સત્સંગના પ્રતાપશું, સરે જો સઘળાં કાજ ॥
અવર બીજે ઉપાય શું, રહે ન કદિયે લાજ ॥૧૫૯॥
સંત સદ્ગુરુ સહાયથી, હરિકૃપા પણ હોય ॥
પંગુ ઉલ્લંઘે પરવત, કહે ન આશ્ચર્ય કોય ॥૧૬૦॥
જીત્યા પાર્થ122 રણસંગમાં, શૂર ભીષ્મ સંગ્રામ ॥
સહાય જેની શ્રીહરિ, તેથી કોણ ન સરે કામ ॥૧૬૧॥
વાસવ123 તણા વિરોધથી, ધરી ગિરિ બચાવ્યો વ્રજ ॥
તે પ્રતાપે જીતિયે, એની સઈ અચરજ ॥૧૬૨॥
જે જીત્યો તે હારશે, એહ અનાદિ રીત ॥
સરવે કારણ સદ્ગુરુ, નહિ હાર જીત પર પ્રીત ॥૧૬૩॥
સુણી વચન સહુ નિજનાં, વળતા વદિયા વાણ ॥
ધન્ય ધન્ય નિજ ઘટે ઘણું, પણ સુણો નાથ સુજાણ ॥૧૬૪॥
નગરમાંહી નરેશ વિન, રહે ન અમથું રાજ ॥
તખતે બિરાજો આપ તમે, માનો વચન મહારાજ ॥૧૬૫॥
સુખ હોય સહુ શહેરને, અદલ124 ફરે એક આણ125 ॥
પીડે નહિ કોય કોયને, રહે ન ખેંચાતાણ ॥૧૬૬॥
હરિજન હરિના હેતથી, નિજમન હુવો નરેશ ॥
કપટી કાઢ્યા કોટથી, લંપટ રહ્યા ન લેશ ॥૧૬૭॥
નિરવૈર રહે સહુ નગ્રમાં, પ્રજા પામી સુખ ॥
એક હરિજન હોયે રહ્યા, વેરી ગયા વિમુખ ॥૧૬૮॥
અખંડ રહો આ શહેરમાં, નિજ રાયનું રાજ ॥
ચલે ન ચોરી ચોરની, રહે નહિ દગાબાજ ॥૧૬૯॥
નિજમન બેઠો રાજ પર, જય જય હુવો જયકાર ॥
નિર્ભય નેજા રોપિયા, હરિજશ હુવા ઉચ્ચાર ॥૧૭૦॥
એક અમલ126 વિના અવનિ, હોયે રૈયત હેરાન ॥
દોય ધણીના દેશમાં, મીટે નહિ ખેંચાતાણ ॥૧૭૧॥
ભજો જે કોય ભગવાનને, તે તજો સબે મનસંગ127 ॥
માનો નહિ શીખ મનની, જો ઇચ્છો સુખ અભંગ ॥૧૭૨॥
કોટિ ઉપાય જો કરતાં, જીત્યો મન નવ જાય ॥
જીતે તે જન જક્તમાં, જેહને સદ્ગુરુ સહાય ॥૧૭૩॥
સોય સદ્ગુરુ સેવિયે, જેથી મન જીતાય ॥
જીત્યા મન વિન જે કરે, તે સરવે જૂઠો ઉપાય ॥૧૭૪॥
સદ્ગુરુ એક સંસારમાં, શિષ્ય હરણ સંતાપ ॥
વિત્ત હરે જે વિશ્વનું, તે ગુરુ ગણીજે પાપ ॥૧૭૫॥
ગુરુ શબ્દ સો ગરિષ્ઠ128 હે, સબ પર સોયે સરિષ્ઠ129 ॥
સો ગુરુ સહજાનંદજી, એક ઉર મમ ઈષ્ઠ ॥૧૭૬॥
ઇચ્છે જે કોઈ અંતરે, કષ્ટ મિટાવા કોય ॥
એક અચળ એ આશરો, સહજાનંદ પ્રભુ સોય ॥૧૭૭॥
દાસ જેની દયા થકી, જીત્યા મન જોરાણ ॥
કાન સુણી કે’તો નથી, નજર દીઠી નિર્વાણ ॥૧૭૮॥
જીત્યે મન સબ જીતિયા, જીત્યા કામ ને ક્રોધ ॥
લોભ મોહ લૈયે લોપિયા, જબર હતા જે જોધ ॥૧૭૯॥
રાજા જેનો રોળિયો, પકડી નાખ્યો પાસ130 ॥
નોકર તેના નાસિયા, ઘાલી મુખમાં ઘાસ ॥૧૮૦॥
અનમી131 નર નમાવિયા, જે મા’લતા મગરુર132 ॥
તે ના’વે જોતાં નજરે, જેમ ઊડ્યાં આકતૂર133 ॥૧૮૧॥
ભાર ઉતાર્યો ભૂમિનો, મારી મનની ફોજ ॥
રહ્યો ન વેરી રાજમાં, તબ પાયો નિજ મોજ ॥૧૮૨॥
સાચો સેવક શ્યામનો, નિજમન જેનું નામ ॥
ભલો લડ્યો ભારતમાં,134 ન કર્યો લૂણ હરામ ॥૧૮૩॥
નીતિ ચલાવી નગ્રમાં, અનીતિ કરી ઉથાપ135 ॥
પાપી કાઢ્યા પુરથી, સબે ગયો સંતાપ ॥૧૮૪॥
પ્રભુ તણા પ્રતાપથી, મનનું કાઢ્યું મૂળ ॥
સહજાનંદની સહાયથી, નિજે136 કર્યો નિષ્કુળ ॥૧૮૫॥
મન નિજમનના રૂપને, ઓળખાવા આ છંદ ॥
હરિજનને હિત એહ છે, કહે નિષ્કુળાનંદ ॥૧૮૬॥
સંવત અઢાર એકોતેરો, શ્રાવણ સપ્તમી ચંદ137 ॥
એકસો સત્યાશી સત્ય છે, સરવાળે સહજાનંદ ॥૧૮૭॥
ઇતિ શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે મન-નિજમન સંવાદે મનગંજનં સંપૂર્ણમ્ ।
મનગંજનં સમાપ્તમ્