અરજીવિનય
છપય છંદ
જય જય મંગળરૂપ અનુપ જય જગવંદ ॥
જય જગકારણ તારણ ભવભંજન1 દુઃખદ્વંદ્વ2 ॥
જય જય મહારાજ અધિરાજ અકળ અજિતં ॥
જય જય કંદન કાળ3 દયાળ નર તન નીતં4 ॥
જય જનરંજન ભંજન ભય મંજન5 બુદ્ધિ દેણ મુદા ॥
શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ સદા ॥ ૧ ॥
જયજય વદત વેદ અભેદ વદન તે ચારે ॥
જયજય વદત શેષ મહેશ અજ સુર સારે ॥
જયજય વદત નારદ શારદ નામ તમાથા6 ॥
જયજય વદત મુનિશ હમેશ જોડી જુગ હાથા ॥
ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણિ જહિ ॥
સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ॥ ૨ ॥
ધન્ય ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા ॥
ધન્ય ધન્ય તુહારો તેજ તપ રવિ કોટ વિશેકા7 ॥
ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો ॥
ધન્ય ધન્ય તુહારો રહેશ દેશ ન રે’શે ન્યારો ॥
ધન્ય ધન્ય જગ વર્જિત8 રીત સબનસે નૌતમ ન્યારી ॥
ધન્ય ધન્ય ધન્ય ધર્મધર સાહેબ સાહેબી તુહારી ॥ ૩ ॥
ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે ॥
અદલ9 ચૂકે10 એક ન્યાય11 તાયે નિગમ નેતિ ગાવે ॥
રંક રાહોકો12 રીત ન્યાયે ઉતારણ ॥
જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ ॥
ધર્મ મગ13 ધારણ કારણ તન14 સંત સમાવણ15 સંકટ સદા ॥
એહિ રીત અનાદિ રાજ્યમેં કરત નહિ અનીતિ કદા ॥ ૪ ॥
ઇન્દ્રવિજય છંદ
સદા સુખરૂપ અનુપ એ રીતિ દ્વાર આયે કોઈ દુઃખી ન હોહૈ ॥
જન જેહિ મનવાંછિત જે ચિત્ત ભાવત પાવત સુખહિ સોહૈ ॥
ફરી ન હોય કંગાલ ક દી નર દુષ્ટ દારિદ્ર રહે નહિ કોહૈ ॥
હોય નિઃશંક રહે નહિ રંકહિ સુખ અખંડ પાવે નર ઓહૈ ॥ ૫ ॥
આનંદકંદ સદા શિવ ગાવત પાવત નાહિ સો પાર તુહારો ॥
શેષ રટે નિત સહસ્રફણામાંહિ જુગલ જિહ્વાએ કરે ઉચ્ચારો ॥
વિધિ વદે મુખ ચાર ઉચ્ચાર અપાર અપાર લહે નહિ પારો ॥
દેવ દનુજ મુનિજન નર બુદ્ધિએ કો કરે નિરધારો ॥ ૬ ॥
અગમ અગમ કહે જ્યૌ નિગમ અજ ન પાવત પાર જ્યૌ આપે ॥
અગમ અગમ ઈશ વખાનત અમર ઇન્દ્ર જ્યૌ અગમ થાપે ॥
ચંદ્ર અહીન્દ્ર16 કહે નિત અગમ સૂર જું દૂર અગમ આલાપે ॥
નારદ શારદ સો કહે અગમ નિષ્કુલાનંદ તાહેકો ન માપે ॥ ૭ ॥
અપાર અપાર પુરાણ કહેજ્યું અપાર અપાર કુરાન કાવૈ ॥
અપાર અપાર કહે સિદ્ધ ચારણ અપાર અપાર ગાંધર્વ ગાવૈ ॥
અપાર અપાર કહે સબ મુનિ અપાર અપાર સંત સરાવૈ17 ॥
અપાર અપાર કહે સબ કવિ નિષ્કુલાનંદકો પાર ન પાવૈ ॥ ૮ ॥
છંદ મોતીદામ
અપાર અપાર અપાર ગોપાળ, અપાર અપાર અપાર દયાળ ॥
અપાર અપાર અપાર અજીત, અપાર અપાર કો પાર ન લીત18 ॥ ૯ ॥
અપાર અપાર લીયે અવતાર, અપાર કિયે કંઈ સંત ઉદ્ધાર ॥
અપાર અપાર ચરિત્ર અપાર, અપાર જ્યું વેદ ન પાવત પાર ॥૧૦॥
અપાર અપાર અસુર સંહાર, અપાર વિષય વિઘન નિવાર19 ॥
અપાર ધરે ધરા તન અનંત, અપાર અપાર લહે કો ન અંત ॥૧૧॥
અપાર મત્સ્ય કચ્છ કિયે ચરિત્ર, સુણી જીયે સોયે સદાયે પવિત્ર ॥
અપાર અપાર વારાહ નૃસિંગ, અપાર અપાર રખે જનરંગ20 ॥૧૨॥
અપાર ઉદાર વામન અકળ, અપાર ફરશિધર21 બળ પ્રબળ ॥
અપાર અપાર રાયે રઘુવીર, અપાર અસુર ધસે રણધીર ॥૧૩॥
અપાર અપાર કૃષ્ણ અવતાર, કિયે રાસક્રીડા અમિત અપાર ॥
અપાર બને બુદ્ધ બળ અનંત, જેણે જગઅઘ આણ્યો સબ અંત ॥૧૪॥
અપાર કલંક નિવારણ નાથ, કલકિયે રૂપ ધરે સમરાથ ॥
લિયે કલિ ધર્મ સબે જબ લોપ, અપાર ધરે અવતાર અનોપ ॥૧૫॥
સોહિ જન ભંજન દુઃખ સદાય, સેવક અનેક હિ કરવા સા’ય ॥
અનેક અનેક લિયે અવતાર, એક જન હેત અપાર અપાર ॥૧૬॥
જય જગજીવન જે જગદીશ, જય જગકારણ જે જગઈશ ॥
જય સમરથ જય સુખરૂપ, જય સુખ દાસ સદા શ્યામ અનુપ ॥૧૭॥
જય જન ભંજન ભૂધર22 ભીડ,23 જય પ્રભુ પાવન ટાળન પીડ ॥
જય દીનબંધુ જો દીનદયાળ, જય પ્રાણનાથ જન પ્રતિપાળ ॥૧૮॥
જય કરુણાનિધિ પૂરણકામ, જય સંત સર્વેતણું સુખધામ ॥
જય દુઃખહરણ દેવ મુરાર, જય વરદેણ કરણ વાર24 ॥૧૯॥
જય દાસ તાસ25 નિવારણ દુઃખ, જય સદા સંતઉ પાવન સુખ ॥
જય સુખસાગર શ્યામ સુજાણ, જય પ્રેમી જનના જીવનપ્રાણ ॥૨૦॥
જય રસરૂપ રસિક જો રાય, જોતાં જનમન તન તાપ જાય ॥
જય રસરૂપ અનુપ જીવન, જોઈ મન મગન રહે નિત્ય જન ॥૨૧॥
જય રસરૂપ રેલાવર26 રાજ, કરે રસરૂપ નિજજન કાજ ॥
જય રસરૂપ મૂરતિ રસિક, ઠેરો27 રૂપ ઠાકુર હૃદયે ઠિક ॥૨૨॥
જય રસરૂપ કરો રસરેલ, આવી મુજ પાસ વસો અલબેલ ॥
જય રસપાન કરાવો રાજન, મહારસમાં કરો જન મગન ॥૨૩॥
અહો રસરાય પૂરો મમ આશ, અહોનિશ દરશ વિના ઉદાશ ॥
કરગરું તુજ આગે કર જોડ, હરિ રંક સાથ ન કીજિયે હોડ28 ॥૨૪॥
આયો તુંજ શરણમે હું અનાથ, હરિ કરી હેત ગ્રહો મમ હાથ ॥
આવ્યો હું અનાથ તુજ દરબાર, મે’ર મન આણી જોશે જો મોરાર ॥૨૫॥
પ્રભુ નહિ આવે ત્રછોડે29 હી પાર, શ્યામળિયા કરી જોશે હવે સાર30 ॥
છાંડે કેમ નાથ છૂટશો જો છેક, અલબેલા મુજ આધાર તું એક ॥૨૬॥
અવગુણ એક ન જોશો અમારો, તમે ગુણ નાથ ગ્રહેજો તમારો ॥
દુરબળ દાસ જોઈને દયાળ, કૃપા હવે કરી જોશે જો કૃપાળ ॥૨૭॥
પડ્યો તુંજ પલ્લે31 હું પ્રાણ આધાર, વિશ્વંભર હરિ કરો મુજ વા’ર ॥
કહો કોણ મુજ સરિખો કંગાલ, દેખ્યો નહિ તુંજ સરિખો દયાળ ॥૨૮॥
રાજ મુજ ઉપર ન કીજિયે રોષ, દયાળુ જો નાથ નિવારણ દોષ ॥
એવી સઈ અમતણી જો અભાગ્ય, ત્રિકમ ન કરો તમે રોષસે ત્યાગ ॥૨૯॥
રંક પર રાય ન કીજિયે રીસ, હોય સમોવડ્યશું32 હોડ્ય હમેશ ॥
વાદ હરિ કીજીયે જો હોય વડ્ય,33 તમારી હું નાથ નહિ તડોવડ્ય34 ॥૩૦॥
શ્યામળિયા આંટી અમારે જો સાથ, નરહરિ રાખી ન ઘટે જો નાથ ॥
અમસંગ રાજ35 કરો જૈયે એમ, કહો સુખ રહે શરીરે જો કેમ ॥૩૧॥
રાજ તમ વિના કરું કિંયા રાવ,36 માની જિયે અરજી માહેરી માવ ॥
દેખી દુઃખભંજન તું દરબાર; પીડાવંત પ્રભુ કરું હું પોકાર ॥૩૨॥
દોહા
સુણો પોકાર શ્યામળા, અમ તણી અરદાસ ॥
ભવદુઃખ ભંજન37 ભેટતાં, દુઃખી રહે કેમ દાસ ॥૩૩॥
તમે સદન છો સુખનું, મદન મૂર્તિ38 મહારાજ ॥
કષ્ટ સબ કંદન કરો, વદન દેખાડી વ્રજરાજ ॥૩૪॥
મનોહર સુંદર મૂરતિ, નખશિખા જોવા નાથ ॥
મન ઇચ્છે છે માહેરું, શ્યામ મળવા તમ સાથ ॥૩૫॥
સુંદર શોભા શ્યામળા, અજબ છબી અનુપ ॥
રે’જો હૃદિયા ભીતરે, રાજ તમારું રૂપ ॥૩૬॥
સંભારતાં સંકટ ટળે, ચિંતવતાં ચિત્ત લોભાય ॥
નયણે નીરખું નાથજી, ત્યારે તાપ સમાય ॥૩૭॥
ભાગે ભવદુઃખ ભેટતાં, મટે દિલની દાઝ ॥
શાંતિ વળે શરીરમાં, મુખ જોતાં મહારાજ ॥૩૮॥
મૂર્તિ તમારી માવજી, સુંદર સુખભંડાર ॥
વણ દીઠે વ્યાધિ વધે, અંતર જળે39 અપાર ॥૩૯॥
જ્યારે જોઉં જગપતિ, નિહાળી નિહાળી નાથ ॥
અંગોઅંગ અવલોકતાં, શ્યામ થાઉં સનાથ ॥૪૦॥
છંદ મોતીદામ
શોભે પગતળે સદા ચિહ્ન સોળ, આવે અવલોકતાં સુખ અતોલ ॥
સ્વસ્તિ અષ્ટકોણ સોયે અતિ સાર, જવ જાંબુ જોયે હોયે જયકાર ॥૪૧॥
વજર પતાક40 અંકુશ વિશેખ, આપે જો આનંદ અંબુજ41 ઊર્ધ્વરેખ ॥
દક્ષણહિ પાવ નવે ચિહ્ન દેખ, વામ પાયે સાત શોભે જો વિશેખ ॥૪૨॥
મત્સ્ય ત્રિકોણ દિયણ42 મહાસુખ, દેખી ગોપદ પલાયે43 જો દુઃખ ॥
કળશ ધનુષ વિલોકતાં વ્યોમ, સદા સુખ આપે ચિંતવતાં સોમ44 ॥૪૩॥
ચિહ્ન એહ સોળ ચિંતવતાં ચિત્ત, પળે45 સબ પાપ થાયે જો પુનિત ॥
ભજે જન અનેક ધરીને ભાવ, અધિક નીરખવા મન ઉત્સાવ ॥૪૪॥
પેખી પગ આંગળી પ્રેમ પુનિત, ચોંટે જન મન ચિંતવતાં ચિત્ત ॥
ઊર્ધ્વરેખ નખ અંગુઠે અંકિત, લલિત શોભિત ફણો જો લંકિત46 ॥૪૫॥
દેખી દોયે ઘૂંટી દિલ સુખ દેન, પેખે પળે પાપ પાતળીસિ પેંન47 ॥
કાંડાં પિંડી કોમળ પૂરણકામ, હેરિયે48 ગોઠન દોયે કરી હામ ॥૪૬॥
ડાબે પગે ચિહ્ન ચિંતવતા દોય, જાયે જો જંજાળ જંઘા દોયે જોય ॥
રજે49 રૂડું ઉદર સુંદર રૂપ, અતિ શોભે નાભિ એ ઊંડી અનુપ ॥૪૭॥
પડે વળ પેટે ત્રય પરમાણ, વિલોકિ જો ઉર કરું શું વખાણ ॥
શોભે કંઠ સુંદર કંબુ સમાન, નવ તિલ ત્યાંયે શોભે જો નિદાન ॥૪૮॥
ભજે ગજસુંઢ સરિખો જો ભુજ, તિયાં મન મોયે જોયે કોણી તુજ ॥
શોભે પોંચો પાંચ આંગળી સહિત, ચિંતવતાં નખ હરાય જો ચિત્ત ॥૪૯॥
લટકે અટકે મન નંદલાલ, નીરખી અધર થાઉં જો નિહાલ ॥
ઓપે દાંત અતિ કળી જો અનાર, અમૃત વેણ જિહ્વાએ ઉચ્ચાર ॥૫૦॥
મંદમંદ હાસે હસીને મહારાજ, દયાળુ હરો હરિ દિલની દાઝ ॥
નાસિકા નિરમળ નીરખી નેણ , દેખે દોયે ગાલ સોયે સુખદેણ ॥૫૧॥
દક્ષિણ કપોળ તિલ એક દેખ, વળી ત્રયે શીતળ શોભે વિશેખ ॥
નયણાં રસાળ વિશાળ નિહાલ, જોતાં સમ અંબુજ જાયે જંજાલ ॥૫૨॥
ભાળી જીયે ભ્રકુટિ ભ્રમર ભાલ, નળવટ50 જોયે જો હોયે નિહાલ ॥
જમણીય કોર ચિહ્ન તિયાં જોય, હરિજન જોયે હૈયે સુખ હોય ॥૫૩॥
દેખી દૃગ51 શ્રવણ સુંદર દોય, તિલ એક અવલ દેખિયે તોય52 ॥
શિર પર કેશ સુંદર શોભિત, સોહે શ્યામવર્ણ કાંયેક સફેત ॥૫૪॥
નખશિખ શોભા કહી કેમ જાય, અપાર અપાર અપાર કે’વાય ॥
મનોહર સુંદર મૂરતિ માવ, ભાળી મુજ ભીતર આવિયો ભાવ ॥૫૫॥
ચોટ્યું ચિત્ત ચિંતવ્યે ચંદ ચકોર, મળ્યું મન મેઘ મળે જેમ મોર ॥
જળ વિના મીન ન રહે જો જેમ, પ્રભુ તમ સાથે થયો મારે પ્રેમ ॥૫૬॥
બપૈયો ન લહે કેદી બીજું બુંદ, શ્વાંત વિના જો હોય સાત સમુદ્ર ॥
પકડિયે લકડી હાલર53 પાગ,54 તે તો તન જાયે ન થાયે જો ત્યાગ ॥૫૭॥
માનું રંગ ચડિયો ચોળ55 મજેઠ,56 નજરે ન દેખ્યો ઊતરતાં નેઠ57 ॥
વા’લા વળીવળી કહીએ સહી વાત, ભાળું જેમ પડી પટોળે જો ભાત ॥૫૮॥
અંતરમાં પડી આંટી હરિ એમ, કહો હવે નાથ કરિયે કેમ ॥
દિનકર પ્રગટે પશ્ચિમ દિશ, મેલું કેમ તોયે હરિ ખોટે મિશ ॥૫૯॥
સૂકે કોઈ કાળે સમુદ્ર તો સાત, વા’લા કેમ મેલાયે લીધી જો વાત ॥
હરિ તમે ગ્રહ્યો નથી એવો હાથ, નાસંતાં જે છુટાયે મારા જો નાથ ॥૬૦॥
સુખદેણ સુંદર શ્યામ સુજાણ, પ્રભુ તમે મારા છો જીવનપ્રાણ ॥
બાંધી પ્રીત તુજ સાથે બળવાન, દીજે હવે દયાળુ દર્શનદાન ॥૬૧॥
નવ રહિયે અમથી અળગા નાથ, શ્યામળિયા સદાયે રહીજે સાથ ॥
વેગળે જો રહ્યે ન વામે વરાધ,58 ઊપજે જો અંતર દુઃખ અગાધ ॥૬૨॥
પે’લી હરિ કરી તમે બહુ પ્રીત, અમ પર હેત કરિયું અમિત ॥
વિધવિધ વા’લા દેખાડી જો વા’લ, નેક રીતે જો કેમ નંદલાલ ॥૬૩॥
પરહરો પ્રભુ લહી કેમ પ્રાણ, શ્યામળિયા નાથ ન ઘટે સુજાણ ॥
તમ વિના બુઝે કેમ તનતાપ, અમારે જો અંતર રે’ છે ઉતાપ ॥૬૪॥
દીઠા વિના દિલ દાઝે જો દયાળ, જોયા વિના જીવન ન સમે ઝાળ59 ॥
પળ એક જાયે જુગ પરિમાણ, તમારી એ રહે છે અમને તાણ ॥૬૫॥
મનોરથ કરે મળવાને મન, ઝંખે નેણ નિત્ય જોવાને જીવન ॥
અંગોઅંગ ભેટું આવોને અલબેલ, રસિલાજી આવી કરો રસરેલ ॥૬૬॥
લાડીલાજી લેવરાવીએ જો લાડ, ચિત્ત મારું જોવા કરે બહુ ચાડ60 ॥
નીરખું હું નયણાં ભરી જો નાથ, શ્યામળિયા થાઉં ત્યારે હું સનાથ ॥૬૭॥
ભાગે મારી ભૂધર ભેટતાં ભુખ, દેખી દૂર થાયે દયાળુ જો દુઃખ ॥
અણ દીઠે અંતર મારું ઉદાસ, પ્રભુ હવે પ્રીતે રહો મમ પાસ ॥૬૮॥
અલબેલા સુણી મારી અરદાસ, દુઃખી દીન છિન61 દયાળુ હું દાસ ॥
આણો કેમ ઉર મારો અપરાધ, અતિ તમે ગુણગંભીર અગાધ ॥૬૯॥
જુવો જ્યારે જીવન મારું જ જોણ,62 શોધે કેમ લાધે સારો શુભ ગુણ ॥
બહુનામી પાળો પોતાનું બિરદ, દીનબંધુ દાસ નિવારણ દરદ ॥૭૦॥
વદી મુજ કર્મતણો વા’લા વાંક, રખે રીસ કરી રોળો63 રાય રાંક ॥
કોઈ જન ગ્રહે કેસરીની કોર,64 જંબુક65 ન રીસ કરી શકે તિયાં જોર ॥૭૧॥
ખીજી કોઈ અમૃત જન ખાય, જુવો ગુણ તેનો તોયે કાંયે જાય? ॥
આવી કોયે અર્કશું માગે અંધાર, દિયે ક્યાંથી દિન66 નથી જો દુવાર67 ॥૭૨॥
ચંદશું મંદ કોયે અગનિ ચા’ય, થકે સબ રીત શીતળ સો થાય ॥
કરે તેમ પ્રીત તમશું જો કોય, સદા સુખનિધિ પાવે જન સોય ॥૭૩॥
કદાચિત હોયે મુજ કઠણ કર્મ, શરણે આવ્યો શ્યામ રાખિયે શર્મ ॥
ભલા વસો ભૂધર જો મારાં ભાગ્ય, જીવન નથી તો કોયે મારી જાગ્ય ॥૭૪॥
ન કરશો નાથ એવી મુજ માથ, આવ્યો તુજ શરણ હું જ અનાથ ॥
રાખિયે રાખિયે શરણે હો રાજ, લક્ષ્મીવર તુજને છે જો લાજ ॥૭૫॥
કર્યા જેમ આગે અનેકનાં કાજ, એમ હરિ અમારું કરિયે આજ ॥
પ્રહ્લાદની જેમ કરી પ્રતિપાળ, દમ્યો હિરણ્યકશિપુ હાથે દયાળ ॥૭૬॥
અંબરીષ શાપ નિવાર્યો જો આપ, સ્થર કરી ધ્રુવે અવિચળ થાપ ॥
પ્રભુ સુણી ગજતણી જો પોકાર, આગે હરિ કર્યો અહલ્યા ઉદ્ધાર ॥૭૭॥
ભાવે કરી ખાયે ભીલડીનાં68 ફળ, કિયો હરિ ઉદ્ધાર ઢીમર69 કળ ॥
ભલીવિધે ઉદ્ધાર્યો કાગભુશંડ, અનાદિ બિરુદ જન તારે અખંડ ॥૭૮॥
દઈ લઈ લંક વિભીષણ દાત,70 ઉદ્ધારે રીંછ ભીંછ એ અખિલાત ॥
પ્રભુ કરી પક્ષ જટાયુ પ્રસિદ્ધ, ગણિકા ઉદ્ધારે ઉદ્ધારે જો ગીધ ॥૭૯॥
દુર્બળ વિદુર સુદામો દાસ, પ્રભુ અક્રૂર ઉદ્ધવ રખે પાસ ॥
વિઠ્ઠલ વ્રજજનની કરી વા’ર, નાથ વિષ નીર અગનિ નિવાર71 ॥૮૦॥
કર્યો જબ વાસવ72 વ્રજપર કોપ, ગિરિ ધરી કર રાખે ગાય ગોપ ॥
વસુદેવ દેવકીની કરી વા’ર, સોયે કંસ આદ્યે અસુર સંહાર ॥૮૧॥
કર્યું હરિ કુબજ્યા નારીનું કાજ, આપ્યું તમે ઉગ્રસેનને રાજ ॥
જુદ્ધ હરિ કરી જીતે જરાસંધ, બંધ છોડે સહસ્ર એકવિશ બંધ73 ॥૮૨॥
નરકાસુર મારી લિયે સબ નાર, આપે કિયો જય દેવનાર ઉદ્ધાર ॥
કર્યું પ્રતિપાળ જો પાંડવકુળ, પૂરે પ્રભુ પાંચાલીને પટકુળ ॥૮૩॥
રાખે ગર્ભવાસથી પરીક્ષિત રાય, સ્વામી કરે શાપથી દ્રૌપદી સહાય ॥
કર્યા જન અનેકનાં હરિ કાજ, મહા અઘવંત ઉદ્ધારે મહારાજ ॥૮૪॥
ઉદ્ધાર્યો અજામેલ કદ્રજ આપ, તમે હર્યો સ્વામી સેવકનો તાપ ॥
જુગોજુગ જનમ તારણ જન, પ્રભુ હરી પાપ કરો છો પાવન ॥૮૫॥
અવતાર લેવો કોનું એ છે કાજ, એક હરિ દેખાડો અમને આજ ॥
નહિ થાય રીત નવલી જો નાથ, હરિ કેમ મૂકો હવે ગ્રહો હાથ ॥૮૬॥
છોરું જો કછોરું હોયે કોઈ છેક, નથી કોઈ તાત તરછોડતા નેક ॥
ખરો કોય હોય હરિ ખાનાંજાત,74 ઘરનો જન જાણી ન થાય જો ઘાત ॥૮૭॥
નિભાવિયે નાથ કરિયે નજાર,75 હોયે હરિ મારા ગુન્હા જો હજાર ॥
સાંભળો સાંભળો શ્યામળા સુજાણ, બરકી બરકી76 કરું બુંબરાણ ॥૮૮॥
નાથ કેમ સાંભળો નહિ નિદાન, કેશવ બેઠા કેમ બુંદિને77 કાન ॥
એવો શિયો અમ તણો અપરાધ, અલબેલા સાંભળો નહિ આરાધ78 ॥૮૯॥
અચંબો આવે છે અમને જો એક, તમારી તમે ન સંભાળો કાં ટેક ॥
પ્રભુ હવે કરી રહ્યો હું પોકાર, વાલમ મન આવે તો કરજો વા’ર ॥૯૦॥
રાજ દરબાર કરી જો મેં રાવ, નજરમાં આવે તો કરજો ન્યાવ79 ॥
અમે કરી છૂટ્યા અમારો ઉપાય, શ્યામ હવે સૂઝે તો કરજો સહાય ॥૯૧॥
પોં’ચાડી પોકાર પ્રભુ તમ પાસ, અલબેલા અમતણી અરદાસ ॥
અરજી એ સુણી દયા દલ આણ, શ્યામળિયા સજ80 થાયે જો સુજાણ ॥૯૨॥
કવિત એકવીસો
ધાયે દ્રૌપદીકે કાજ, રાખી હે મા’રાજ લાજ, ॥
ગ્રહે જબ ગજરાજ, કાજ હરિ ધાયે હો ॥
ધાયે અજામેલ વા’ર, આયકે કિયો ઉદ્ધાર, ॥
પતિત ઉતારે પાર, વાર નહિ લાયે હો ॥
ગણિકા ગીધવ જાત, તારે હરિ કીરનાત, ॥
અહલ્યાકી કહું ક્યા બાત, શાપ જ્યાન સહાયે હો ॥
એસેહી મા’રાજ રાજ, અનેકકી રાખી લાજ, ॥
દુઃખી જન દેખી આજ, નાથ કેસે નાયે હો ॥૯૩॥
છંદ (‘ભુવનમંડલે’ એ ઢાળ છે)
જય જગવંદ કહે મુનિવૃંદ, જન ચકોર ચંદ સ્વે સુખકંદ; ॥
હરો દુઃખદ્વંદ્વ બાલમુકુંદ, શ્રીસહજાનંદ આપો આનંદ. ॥૯૪॥
સુખજ કારણં ભવતારણં, જનોદ્ધારણં ભયનિવારણં; ॥
મોહમારણં કોપતારણં, શ્રીસહજાનંદ આપો આનંદ. ॥૯૫॥
સર્વ સુખધામ સંત વિશ્રામ, કરો મમ કામ સુંદર શ્યામ; ॥
પૂરો હરિ હામ કૌ’કરભામ,81 શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૯૬॥
ભવ ભયે ભંગ શ્રીરાયે રંગ, સદા રહો સંગ તો રહે રંગ; ॥
અવલોકું અંગ આવે ઉમંગ, શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૯૭॥
જો જોઉં હું મુખ તો થાયે સુખ, જાયે દિલ દુઃખ જો દેખું રુખ;82 ॥
ભાગે ભવભૂખ થાયે સંતોખ,83 શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૯૮॥
સ્વામી કરો સા’ય મહા દુઃખમાંય, કરો વેળ્ય84 કાંય85 ગ્રહો હરિ બાંય; ॥
પ્રભુ લાગુ પાય શ્રીરંગરાય, શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૯૯॥
સુણીજે પોકાર વારમવાર , અધમ ઉદ્ધાર બિરુદ સંભાર; ॥
નોધારાં ઉધાર કા’વો મોરાર, શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૧૦૦॥
નિષ્કુળાનંદના નાથ એ સુણી ગાથ, શ્યામ રહો સાથ તો હું સનાથ; ॥
ભરીભરી બાથ મળીજે નાથ, શ્રી સહજાનંદ આપો આનંદ. ॥૧૦૧॥
દોહા
દરદ મારે દરશનનું, દીઠે દુઃખ પલાય86 ॥
દયા કરી હરિ દીજિયે, રાજી થૈને રાય ॥૧૦૨॥
નયણા ભરી નીરખશું, મોહન જ્યારે મુખ ॥
ટળશે તનતાપ તયે, જ્યારે જોશું રુખ ॥૧૦૩॥
દિલની વાતો દિલમાં, કહિયે કેની પાસ ॥
હસી બોલ્યા વિના હરિ, અંતર છે ઉદાસ ॥૧૦૪॥
માંગુ હું મગન થઈ, દીજે શ્યામ સુજાણ ॥
દિયો તો દરશન દિયો, લિયો તો લિજે પ્રાણ ॥૧૦૫॥
અરજી એહ અમ તણી, સુણી હરિ હરિજન ॥
દીન જાણીને મુજને, ઉભય87 થાવો પ્રસન્ન ॥૧૦૬॥
શુદ્ધ અશુદ્ધ સમઝું નહિ, પદ પ્રબંધ છંદ ॥
તમ પર મારી તાન છે, કહે નિષ્કુળાનંદ ॥૧૦૭॥
શું લખી સંભળાવિયે, નથી નાથ અજાણ ॥
અંતર બાહેર અમ તણી, સબ જાણો સુજાણ ॥૧૦૮॥
તમે સદા સુખધામ છો, તમે સદા સુખકંદ ॥
તમે સદા સુખરૂપ છો, જય જય સહજાનંદ ॥૧૦૯॥
ઇતિ શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતઃ
અરજીવિનયઃ સંપૂર્ણઃ ।