પ્રકાશકીય
મહાપૂજા એટલે ભારતની યજ્ઞ-પરંપરામાંથી ઊતરી આવેલી એક એવી પૂજાવિધિ, જેમાં પરમાત્મા અને પરમાત્માના ઉત્તમ ભક્તની ષોડશોપચાર સહિત પૂજા કરવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહાપૂજાનો વિધિવત્ પ્રારંભ કરાવવાનો યશ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જાય છે. સંવત ૧૯૦૧માં એક વખત જૂનાગઢમાં અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા પધારેલા યોગીરાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું હતું, “સત્સંગીઓના દેશકાળ સારા થાય, તેમનાં દુઃખ-દારિદ્ર દૂર થાય અને સૌને સત્સંગ-ભક્તિ જીવમાં દૃઢ થાય તે માટે તમે વેદોક્તવિધિ મુજબ મહાપૂજા કરાવો.”
તેઓની ઇચ્છા મુજબ, સન ૧૮૪૫ના જેઠ મહિનાની સુદ એકાદશી એટલે કે ભીમ એકાદશીના પવિત્ર દિવસે સંપ્રદાયમાં મહાપૂજા કરવાનો વિધિવત્ આરંભ થયો. ગુણાતીતાનંદ સ્વામીએ મહાપૂજાનો અપાર મહિમા કહીને, મહાપૂજા કરાવનારના સર્વે શુભ સંકલ્પો સિદ્ધ થાય તેવા આશીર્વાદ વરસાવ્યા.
આ રીતે સંપ્રદાયમાં મહાપૂજા ધીમે ધીમે પ્રચલિત થઈ ને આજ પર્યંત ચાલી રહી હતી.
ભારતીય વૈદિક ભક્તિપરંપરાનું નિરૂપણ કરતાં શાસ્ત્રોની સંપૂર્ણ રીતિને અનુસરીને આ મહાપૂજા બાબતે ગુણાતીત ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે એક વિશિષ્ટ સંકલ્પ કર્યો. જેમ વિભિન્ન દેવો-અવતારોની મહાપૂજા થાય છે, એ જ રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાનની એમના સર્વોત્તમ ભક્ત અક્ષરબ્રહ્મ સાથે એટલે કે અક્ષર સહિત પુરુષોત્તમની - અક્ષરપુરુષોત્તમ મહારાજની મહાપૂજા થવી જોઈએ. વળી, મહાપૂજામાં વિધિ દરમ્યાન ઉચ્ચારાતા શ્લોકોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલું દિવ્ય તત્ત્વજ્ઞાન અને ભગવાનના સર્વોપરી મહિમાનો સમાવેશ થઈ જાય તો મહાપૂજા વધુ સાર્થક બની જાય. આથી, ભગવાન શ્રી સ્વામિનારાયણે આપેલા સિદ્ધાંત અને તત્ત્વજ્ઞાન - અક્ષરપુરુષોત્તમ દર્શન મુજબ સંપ્રદાયનું એક ભક્તિશાસ્ત્ર રચાય તેવો સંકલ્પ કર્યો અને તેના ભાગરૂપે મહાપૂજાની અદ્ભુત પરંપરાનું સંમાર્જન થાય તેવો પણ સંકલ્પ કર્યો. એ સંકલ્પને સાકાર કરવા માટે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પ્રસ્થાનત્રયી ભાષ્યકાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીને તેઓએ આજ્ઞા આપી માર્ગદર્શન આપ્યું. સન ૨૦૧૮ની શરદ પૂર્ણિમાએ ગુણાતીતાનંદ સ્વામીના પ્રાગટ્યોત્સવે ગુણાતીત તીર્થ ગોંડલ - અક્ષરદેરીમાં જ આ આજ્ઞા કરી. ભદ્રેશદાસ સ્વામીએ આઠ દિવસમાં અક્ષરદેરીના સાંનિધ્યમાં જ મહાપૂજાની શ્લોકરચના પૂર્ણ કરી. સાથે સાથે મહંત સ્વામી મહારાજે આપેલ આજ્ઞા-માર્ગદર્શન મુજબ તેઓએ સહજાનંદ નામાવલિ અને સ્વામિનારાયણ આરતીને પણ શબ્દદેહ આપ્યો.
કાર્તિક વદિ પ્રતિપદાની પવિત્ર તિથિએ, એટલે કે ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વેદોક્ત અક્ષરપુરુષોત્તમ દર્શનના પ્રવર્તન માટે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વરતાલથી પ્રસ્થાન કર્યું હતું. સન ૨૦૧૮ની આ જ ઐતિહાસિક તિથિએ, બોચાસણ ખાતે, શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ સમક્ષ, નવરચિત મહાપૂજા કરીને પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે શ્રી સ્વામિનારાયણ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ આરતી અને શ્રી સહજાનંદ નામાવલિ શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજને અર્પણ કરી. સાથે સાથે તેમણે અસંખ્ય આબાલવૃદ્ધ હરિભક્તો-સંતોને આજ્ઞા પણ કરી કે, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મ જયંતી મહોત્સવના પવિત્ર પર્વથી આ નવરચિત શ્રી સ્વામિનારાયણ મહાપૂજા, શ્રી સ્વામિનારાયણ આરતી અને શ્રી સહજાનંદ નામાવલિનું સૌએ અનુસરણ કરવું.
તેઓના આશીર્વાદથી હજારો વર્ષો સુધી આ મહાપૂજા, આરતી અને સહજાનંદ નામાવલિને અનુસરીને સૌ કોઈ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણની તેમના અનન્ય ભક્ત અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી સાથે આરાધના કરી શ્રીહરિનો અનન્ય રાજીપો પ્રાપ્ત કરશે. આ વિધિ દ્વારા સૌ કોઈ શ્રીહરિ દ્વારા પ્રબોધિત દિવ્ય તત્ત્વજ્ઞાન, સર્વોપરી મહિમા અને સાધનાની પ્રેરણા દૃઢ કરતાં કરતાં જીવનને ધન્ય બનાવશે. સાચા હૃદયથી ભક્તિભાવપૂર્વક કરાયેલી આ મહાપૂજા સૌના શુભ સંકલ્પો પૂર્ણ કરશે એ નિશ્ચિત્ત છે, કારણ કે તેમાં ગુણાતીત ગુરુહરિના દિવ્ય આશીર્વાદનો અનોખો પ્રભાવ છવાયેલો છે.
આવા અનન્ય મહિમાસભર મહાપૂજાની વિધિના એક ભાગરૂપે આ પ્રકાશન આપના હાથમાં મૂકતાં હર્ષ અનુભવાય છે.
- સ્વામિનારાયણ અક્ષરપીઠ
માગશર સુદ આઠમ, પ્રમુખસ્વામી મહારાજ જન્મ જયંતી મહોત્સવ,
રાજકોટ, ૧૫ ડિસેમ્બર, સન ૨૦૧૮.