શિક્ષાપત્રી ભાષા

શ્લોક ૧૩૦ થી ૧૬૬

દોહા

મોટા મંદિર કરી મેં સ્થાપ્યા, લક્ષ્મીનારાયણ આદિ દેવ ॥

તેહ કૃષ્ણસ્વરૂપની, યથાવિધિયે કરજ્યો સેવ ॥૧૬૧॥

કૃષ્ણમંદિર માંહી આવે, ભૂખ્યો જો કોઈ જન ॥

આપી સનમાન આદરે, દેવું શક્તિ પ્રમાણે અન્ન ॥૧૬૨॥

વિદ્યાર્થી સારુ વિદ્યાશાળા, કરી રાખો પંડિત દ્વિજ સાર ॥

સદ્વિદ્યા ભૂમિપર વિસ્તરે, એ છે પુણ્ય અતિ અપાર ॥૧૬૩॥

અવધપ્રસાદ રઘુવીરની, પત્નીઓ તે ગુણનિધાન ॥

નિજપતિની આજ્ઞા થકી, કહે કૃષ્ણમંત્ર ત્રિય કાન ॥૧૬૪॥

ચોપાઈ

એમ વર્તે એહ અહોનિશ રે, નરને ન કરવો ઉપદેશ રે ॥

સમીપ સંબંધી વિના નર સંગ રે, કે દી ન બોલો ન અડો અંગ રે ॥૧૬૫॥

નહિ દેખાડવું વદન રે, એવી રીતે રહો નિશદન રે ॥

અવધપ્રસાદ ને રઘુવીર રે, તેની પત્નીઓ પરમ સુધીર રે ॥૧૬૬॥

કહ્યા વિશેષ ધર્મ એમ રહેજ્યો રે, મારી આજ્ઞા માની એહ લેજ્યો રે ॥

ગૃહસ્થ નર અમારા આશ્રિત રે, સુણો વિશેષ ધર્મની રીત રે ॥૧૬૭॥

સમીપ સંબંધ વિના જે વિધવા રે, નથી આજ્ઞા તેને અડવા રે ॥

માતા સુતા ભગિની યુવાન રે, તેને સંગે ન રહેવું બુદ્ધિમાન રે ॥૧૬૮॥

આપત્કાળ વિના એકાંત રે, ન રે’વું નરને એ સંઘાત રે ॥

તેમ પોતાની નારીનું દાન રે, ન કરવું કોઈને નિદાન રે ॥૧૬૯॥

વળી જે નારીનો કોઈ રીત રે, હોય નૃપશું વ્યવહાર નિત્ય રે ॥

તે નારીનો પ્રસંગ ન કરિયે રે, સર્વ પ્રકારે મનમાંહી ડરિયે રે ॥૧૭૦॥

આવે અતિથિ કોઈ આંગણે રે, પૂજો અન્નાદિ કે શક્તિ પ્રમાણે રે ॥

દેવકર્મ હોમાદિક જેહ રે, પિતૃકર્મ શ્રાદ્ધાદિક તેહ રે ॥૧૭૧॥

શક્તિ પ્રમાણે વિધિ સહિતે રે, જેમ ઘટે તેમ કરો પ્રીતે રે ॥

વળી માત પિતા ગુરુ હોય રે, અથવા રોગાતુર જન કોય રે ॥૧૭૨॥

તેની સેવા સદાય સુજાણ રે, કરો પોતાની શક્તિ પ્રમાણ રે ॥

નિજ વર્ણાશ્રમ ઘટિત1 સોઈ રે, કરો ઉદ્યમ આપશક્તિ જોઈ રે ॥૧૭૩॥

ખેડુ ગાય ધણવાળા હોય રે, રખે બળદ સમારતા2 કોય રે ॥

સામર્થીને સમય જોઈ લેવું રે, નર પશુનું ખર્ચ હોય જેવું રે ॥૧૭૪॥

તે પ્રમાણે અન્ન ધન ચારો રે, મારા જન સંગ્રહ કરો સારો રે ॥

રાખો એટલાં પશુ આંગણે રે, પાળી શકો સુખે જળ તૃણે રે ॥૧૭૫॥

ગાય બળદ ઘોડા આદિ પ્રાણી રે, ઝાઝાં રાખી દુઃખી ન કરો જાણી રે ॥

પુત્ર મિત્રાદિ સાથે વ્યવહાર રે, ધરા ધનનો કરો જે વ્યાપાર રે ॥૧૭૬॥

સાક્ષી સહિત લખાવી તે લીજે રે, એમ સમજીને વ્યવહાર કીજે રે ॥

પોતાના અને પારકા વિવાહના રે, પરઠ્યા3 હોય જે દામ દેવાના રે ॥૧૭૭॥

કરો લેખ સાક્ષીએ સહીત રે, કેવળ વાતની4 નહિ પ્રતીત5 રે ॥

પોતાની ઉપજ પ્રમાણ રે, કરવું ખરચ સહુએ સુજાણ રે ॥૧૭૮॥

થોડી ઉપજે ખરચ બહુ રે, જે કરે તે દુઃખી થાય સહુ રે ॥

ઉત્પન્ન ને ખરચ થાય જેહ રે, શુદ્ધ અક્ષરે લખવું નિત્ય તેહ રે ॥૧૭૯॥

ધન ધાન્યાદિક જે કમાઈ રે, પોતાની વૃત્તિ6 ઉદ્યમ માંઈ રે ॥

તેમાંથી દશમો ભાગ કાઢવો રે, તે શ્રીકૃષ્ણને અર્પણ કરવો રે ॥૧૮૦॥

હોય દુર્બળ દાસ જો કોય રે, આપે ભાગ તે વિશમો સોય રે ॥

એકાદશી આદિ વ્રત જેહ રે, જેને શાસ્ત્રપ્રમાણ છે તેહ રે ॥૧૮૧॥

તેને ઊજવવા7 શક્તિ પ્રમાણે રે, જેમ કહ્યું છે શાસ્ત્ર પુરાણે રે ॥

એને ઊજવ્યાનું ફળ અતિ રે, થાય મનવાંછિત પ્રાપતિ રે ॥૧૮૨॥

શ્રાવણ માસમાં શિવપૂજન રે, બીલીપત્રાદિકે કરો જન રે ॥

કરવું પોતે અતિ ઉલ્લાસે રે, નહિ તો કરાવવું કોઈ પાસે રે ॥૧૮૩॥

આચાર્ય ને શ્રીકૃષ્ણ મંદિરથી રે, ન લેવું કરજ8 કહું કથી રે ॥

આચાર્ય ને કૃષ્ણભુવન9 રે, ત્યાંથી વસ્ત્ર ઘરેણાં વાસન રે ॥૧૮૪॥

એ આદિ પોતાના કામ સારુ રે, ન માગવું એ વચન અમારું રે ॥

શ્રીકૃષ્ણ ગુરુ સાધુની પાસ રે, જ્યારે જાઓ દર્શને દાસ રે ॥૧૮૫॥

ત્યારે કોઈનું અન્ન ન ખાવું રે, એહ રીતે દર્શને જાવું રે ॥

હરિ ગુરુ સંતને સદન10 રે, ત્યાં ન લેવું જે પારકું અન્ન રે ॥૧૮૬॥

હરે પુણ્યને પારકું અન્ન રે, માટે ગાંઠનું11 ખાવું ત્યાં જન રે ॥

મજૂરની મજૂરી નિદાન રે, દેવા કહ્યું હોય ધન ધાન્ય રે ॥૧૮૭॥

કહ્યા પ્રમાણે આપવું પૂરું રે, આપિયે નહિ કેને અધૂરું રે ॥

આપ્યું કરજ ને વંશ આપણો રે, તેમ ત્રીજું કન્યાદાન ગણો રે ॥૧૮૮॥

તેને પંચમાં12 કરવું પ્રસિદ્ધ રે, છાનું રાખવું નહિ કોઈ વિધ રે ॥

દુષ્ટસંગે વ્યવહાર નવ કીજે રે, મારા દાસ સહુ સુણી લીજે રે ॥૧૮૯॥

હોય પોતાને રહેવાનું સ્થળ રે, ત્યાં આવે કઠણ કોઈ પળ રે ॥

શત્રુ રાજાથી ઉપદ્રવ થાય રે, લાજ ધન કાં તો પ્રાણ જાય રે ॥૧૯૦॥

એવા ગામ ગરાસને ત્યાગી રે, બીજા દેશમાં રહેવું સુભાગી રે ॥

તજી તર્ત જવું બીજે દેશ રે, સુખે હરિ ભજવા હમેશ રે ॥૧૯૧॥

ધનવાન સુણો દઈ ચિત્ત રે, ધર્માર્થ ધન વાવર્યાની રીત રે ॥

હિંસા રહિત વિષ્ણુસંબંધી રે, કરો યજ્ઞ યાગ13 રૂડી વિધિ રે ॥૧૯૨॥

વળી તીર્થ કે દ્વાદશી આદિ રે, હોય પર્વણી14 દિન ઇત્યાદિ રે ॥

તેમાં જમાડો બ્રાહ્મણ સંત રે, એમ પુણ્ય કરો બુદ્ધિવંત રે ॥૧૯૩॥

વળી ધનવાન જન સર્વ રે, કરો કૃષ્ણમંદિરે ઉત્સવ રે ॥

કાં તો સુપાત્ર બ્રાહ્મણ જોઈ રે, આપો બહુવિધિ દાન સોઈ રે ॥૧૯૪॥

મારાં આશ્રિત રાજા સુજાણ રે, વર્તો ધર્મશાસ્ત્ર પ્રમાણ રે ॥

નિજપુત્રસમ પ્રજા પાળો રે, સ્થાપો ધર્મ ધરામાં પાપ ટાળો રે ॥૧૯૫॥

વળી રાજા ને અંગ રાજ્યનાં રે, સાત છે સમજવા કાજનાં રે ॥

ચાર ઉપાય છ ગુણ જેહ રે, જાણવા યથાર્થપણે તેહ રે ॥૧૯૬॥

ચાર15 મૂક્યાનાં જે કોઈ સ્થાન રે, તેને જાણવાં જોઈ નિદાન રે ॥

વળી વ્યવહારના જાણનાર રે, જોઈએ સભાસદ16 નિરધાર રે ॥૧૯૭॥

જોવું મનુષ્ય દંડવા જેવું રે, જાણો મનુષ્ય ન દંડાય એવું રે ॥

એહ સર્વ લક્ષણે જાણવું રે, યથાર્થપણે પ્રમાણવું17 રે ॥૧૯૮॥

એ છે સર્વ રાજાઓની રીત રે, રાખો રાજા જે મારા આશ્રિત રે ॥

રહો સુવાસિની નારી સૌ પ્રીતે રે, નિજ વિશેષધર્મની રીતે રે ॥૧૯૯॥

જાણી પતિ ઈશ્વર સમાન રે, તેનું કરવું નહિ અપમાન રે ॥

અંધ રોગી દરિદ્ર હોય અતિ રે, હોય નપુંસક નિજપતિ રે ॥૨૦૦॥

તેને ઈશ્વર જાણી સેવવું રે, કે દી કઠણ વચન ન કે’વું રે ॥

બીજો પુરુષ રૂપાળો યુવાન રે, સારા ગુણવાળો ને સુજાણ રે ॥૨૦૧॥

તેનો પ્રસંગ સહજ સ્વભાવે રે, ન કરે પતિવ્રતા જે કા’વે રે ॥

પરપુરુષને ન દેખાડો રે, ઉર નાભિ સાથળ સંતાડો રે ॥૨૦૨॥

ઓઢ્યા વિના ઉઘાડું ન રહેવું રે, ભાંડ ભવાઈ નહિ જોવા જવું રે ॥

નિર્લજ્જ નારીનો સંગ ન કરીએ રે, નીચ નારીના સંગથી ડરીએ રે ॥૨૦૩॥

સ્વૈરિણી કામિની ને પુંશ્ચલી રે, તેનો સંગ ન કરવો વળી રે ॥

નિજપતિ જાય પરદેશ રે, વસ્ત્ર ઘરેણાં ન ધરવો વેશ રે ॥૨૦૪॥

પરઘેર જઈ ન બેસવું રે, વિનોદ વિલાસે18 ન હસવું રે ॥

સુણો વિશેષધર્મ વિધવા રે, પતિભાવે કૃષ્ણને સેવવા રે ॥૨૦૫॥

પિતા પુત્રાદિ સગાં સુમતિ રે, એની આજ્ઞામાં રહેવું અતિ રે ॥

કે દી ન રહેવું પોતાને વશ્ય19 રે, એમ વર્તવું અહોનિશ રે ॥૨૦૬॥

વળી સંબંધી વિના જે પુરુષ રે, તેનો ન કરવો કે દી સ્પર્શ રે ॥

હોય પોતે અંગે યુવાવતી20 રે, વળી યુવાન પુરુષ સંગતી રે ॥૨૦૭॥

અવશ્ય કાર્ય વિના તેહશું રે, ન બોલવું બીજા નર નેહશું રે ॥

ખોળે ધાવતો બાળક નાનો રે, તેને અડ્યાનો દોષ ન માનો રે ॥૨૦૮॥

જેવો પશુનો સ્પર્શ પ્રમાણો રે, તેવો નાના બાળકનો જાણો રે ॥

અવશ્ય કાર્યમાં વૃદ્ધ નર સાથ રે, નથી દોષ બોલ્યે અડે હાથ રે ॥૨૦૯॥

નિકટ21 સંબંધી વિના નર પાસ રે, ન કરવો વિદ્યાનો અભ્યાસ રે ॥

વ્રત ઉપવાસ કરી નિજ તન રે, કરવું વારમવાર દમન રે ॥૨૧૦॥

શ્લોક 🏠 home ગ્રંથ મહિમા શ્લોક ૧ થી ૩૯ શ્લોક ૪૦ થી ૯૨ શ્લોક ૯૩ થી ૧૨૯ શ્લોક ૧૩૦ થી ૧૬૬ શ્લોક ૧૬૭ થી ૨૧૨