શિક્ષાપત્રી ભાષા
શ્લોક ૯૩ થી ૧૨૯
દોહા
તેનો દોષ નિવારીએ, પોતાની શક્તિ પ્રમાણ ॥
ત્યાર પછીની વારતા, કહું સુણો સર્વ સુજાણ ॥૧૧૧॥
વ્યાસસૂત્ર વેદ વળી, શ્રીમદ્ભાગવત સુખરૂપ ॥
વિષ્ણુસહસ્રનામ ભારતે,1 શ્રી ભગવદ્ગીતા જે અનુપ ॥૧૧૨॥
વિદુરનીતિ ને સ્કંદપુરાણે, વૈષ્ણવખંડમાં સાર ॥
વાસુદેવમાહાત્મ્ય કહ્યું, અતિ સુંદર જ્ઞાન ઉદાર ॥૧૧૩॥
યાજ્ઞવલ્ક્ય ઋષિ સ્મૃતિ, ધર્મશાસ્ત્રમાંહી જેહ ॥
સચ્છાસ્ત્ર આઠ એ કહ્યાં, અમારે ઇષ્ટ છે અતિ એહ ॥૧૧૪॥
ચોપાઈ
મારા શિષ્ય સુણો દઈ ચિત્ત રે, તમે ઇચ્છો તમારું જો હિત રે ॥
સત્શાસ્ત્ર આઠ એ અનુપ રે, સહુએ સાંભળવા સુખરૂપ રે ॥૧૧૫॥
મારા આશ્રિત વિપ્ર એને ભણી રે, કરો કથા તે શાસ્ત્રતણી રે ॥
એ આઠમાં કહ્યો જે સદાચાર રે, દોષનિવારણ2 ને વ્યવહાર રે ॥૧૧૬॥
એનો નિર્ણય કરવા હિત રે, મિતાક્ષરા ટીકાએ સહિત રે ॥
એવી યાજ્ઞવલ્ક્યની જે સ્મૃતિ રે, તેનું ગ્રહણ કરો મહામતિ રે ॥૧૧૭॥
વળી શ્રીમદ્ભાગવત મધ્ય રે, દશમ પંચમ જે બે સ્કંધ રે ॥
કૃષ્ણમાહાત્મ્ય જાણવા એને રે, સહુથી અધિક માનવા તેને રે ॥૧૧૮॥
દશમ પંચમ જે દુઃખહરણ રે, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ એ ત્રણ રે ॥
એ છે શાસ્ત્ર ભક્તિ યોગ ધર્મ રે, તેનો કરી સમજાવું મર્મ રે ॥૧૧૯॥
દશમસ્કંધ ભક્તિશાસ્ત્ર કહિયે રે, પંચમસ્કંધ યોગશાસ્ત્ર લહીએ રે ॥
યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ છે જેહ રે, ધર્મશાસ્ત્ર એ જાણજો તેહ રે ॥૧૨૦॥
શારીરકસૂત્ર3 સુણો દાસ રે, જેનું કર્યું રામાનુજે ભાષ્ય રે ॥
વળી ભગવદ્ગીતા જે પુનિત રે, રામાનુજના ભાષ્ય સહિત રે ॥૧૨૧॥
એ બે શાસ્ત્ર જાણવાં સારાં રે, અધ્યાત્મશાસ્ત્ર છે એ અમારાં રે ॥
સતશાસ્ત્ર એ સર્વ અનુપ રે, તેમાં વચન જે છે સુખરૂપ રે ॥૧૨૨॥
કૃષ્ણસ્વરૂપ ને ધર્મ વળી રે, ભક્તિ વૈરાગ્ય એ ચાર મળી રે ॥
એની મોટ્યપ કહી છે જેહ રે, સહુ કરતાં મુખ્ય માનો તેહ રે ॥૧૨૩॥
કૃષ્ણભક્તિ કરો ધર્મે સહિત રે, એ છે શાસ્ત્રનું સાર પુનિત રે ॥
શ્રુતિ સ્મૃતિએ કહ્યો સદાચાર રે, તે તો ધર્મ જાણો નિરધાર રે ॥૧૨૪॥
માહાત્મ્યજ્ઞાન સહિત હેત અતિ રે, એનું નામ જાણવી ભક્તિ રે ॥
કૃષ્ણ વિના બીજું જેને આગ્ય4 રે, એનું નામ જાણજો વૈરાગ્ય રે ॥૧૨૫॥
જીવ માયા ઈશ્વરનું રૂપ રે, શુદ્ધ5 જાણો એ જ્ઞાન અનુપ રે ॥
હૃદયે વસ્યો સૂક્ષ્મ અણુ જેવો રે, જ્ઞાતા6 ચૈતન્યરૂપ છે એવો રે ॥૧૨૬॥
જ્ઞાનશક્તિએ કરી નિજદેહ રે, નખશિખા વ્યાપ્યો છે તેહ રે ॥
અજર અમર ને ન ભેદાય રે, ઇત્યાદિ ગુણે જીવ કે’વાય રે ॥૧૨૭॥
ત્રિગુણાત્મક તમરૂપ જાણો રે, પ્રભુની શક્તિ માયા પ્રમાણો રે ॥
જીવ દેહ ને દેહના સંબંધી રે, જેણે અહંમમતે રાખ્યા બંધી રે ॥૧૨૮॥
એહ જાણજો માયાનું રૂપ રે, હવે કહું ઈશ્વરનું7 સ્વરૂપ રે ॥
જેમ હૃદયમાં જીવ રહ્યા રે, તેમ જીવમાં ઈશ્વર રહ્યા રે ॥૧૨૯॥
અંતર્યામી સ્વતંત્ર આધાર રે, જીવના કર્મફળ દેનાર રે ॥
તેને ઈશ્વર શ્રીકૃષ્ણ પ્રમાણો રે, પરબ્રહ્મ પુરુષોત્તમ જાણો રે ॥૧૩૦॥
તે શ્રીકૃષ્ણ છે આપણા ઇષ્ટ રે, સદા ઉપાસના યોગ્ય અભીષ્ટ8 રે ॥
સુંદર મૂરતિ અતિ સારી રે, સર્વે અવતારના અવતારી રે ॥૧૩૧॥
જ્યારે રાધા સહિત એ રહે રે, ત્યારે રાધાકૃષ્ણ એને કહે રે ॥
રુક્મિણી સહિત સોહાવે9 રે, ત્યારે લક્ષ્મીનારાયણ કા’વે રે ॥૧૩૨॥
જ્યારે અર્જુન સહિત રહે શ્યામ રે, ત્યારે નરનારાયણ નામ રે ॥
જ્યારે રહે બળભદ્રાદિ સંગે રે, નામ કે’વાય તે તે પ્રસંગે રે ॥૧૩૩॥
ક્યારેક રાધા આદિક હરિજન રે, ડાબે પડખે હોય પાવન રે ॥
ક્યારેક રાધાદિ શ્રીકૃષ્ણ માંઈ રે, અતિ સ્નેહે રહે છે સમાઈ રે ॥૧૩૪॥
ત્યારે કૃષ્ણ કે’વાય છે એક રે, એમ સમજી લેવો વિવેક રે ॥
માટે કૃષ્ણના સ્વરૂપ માંય રે, ભેદ સમજવો નહિ સદાય રે ॥૧૩૫॥
ચાર ભુજ અષ્ટ ભુજ જેહ રે, સહસ્રાદિ ભુજ કા’વે તેહ રે ॥
તે તો દ્વિભુજમૂર્તિ જે શ્રીકૃષ્ણ રે, તેહની ઇચ્છાએ જાણજો જન રે ॥૧૩૬॥
એવા કૃષ્ણદેવ જે મુરારી રે, તેની ભક્તિ સદા સુખકારી રે ॥
પૃથ્વીમાં રહ્યા જે મનુષ્ય રે, તે સર્વેએ કરવી અવશ્ય રે ॥૧૩૭॥
ભક્તિથી બીજું કલ્યાણકારી રે, નથી સાધન લેવું વિચારી રે ॥
વિદ્યાવાન ગુણીજન10 જેહ રે, તેના ગુણનું શુભ ફળ એહ રે ॥૧૩૮॥
કરવી કૃષ્ણની ભક્તિ અભંગ રે, નિત્યે રાખવો સંતનો સંગ રે ॥
ન હોય સત્સંગ ન હોય ભક્તિ રે, એવો પંડિત તોય અધોગતિ રે ॥૧૩૯॥
કૃષ્ણ ને કૃષ્ણઅવતાર રે, અથવા કૃષ્ણપ્રતિમા સાર રે ॥
ધ્યાન કરવા યોગ્ય છે એહ રે, ધરો ધ્યાન કરી તેમાં સ્નેહ રે ॥૧૪૦॥
તે વિના મનુષ્યાદિ દેવતા રે, કૃષ્ણભક્ત હોય બ્રહ્મવેત્તા11 રે ॥
તોય ન કરવું તેનું ધ્યાન રે, એમ સમજવું બુદ્ધિવાન રે ॥૧૪૧॥
સ્થૂળ સૂક્ષ્મ કારણ દેહ રે, તેથી પર નિજ આત્મા જેહ રે ॥
તેમાં બ્રહ્મભાવ આણી અતિ રે, કરો અહર્નિશ કૃષ્ણ ભક્તિ રે ॥૧૪૨॥
દશમસ્કંધ ભાગવત માંય રે, તેનું કરો શ્રવણ સદાય રે ॥
કાં તો વર્ષો વર્ષ વાર એક રે, સાંભળો સહુ સહિત વિવેક રે ॥૧૪૩॥
પંડિતે વાંચવો નિત્યે પ્યારે12 રે, નહિ તો વર્ષમાં એક વારે રે ॥
વાંચો સાંભળો પૂરણ પ્રીતે રે, મારા આશ્રિત આદર સહિતે રે ॥૧૪૪॥
દશમનો પાઠ શુભ સ્થળે રે, કરવો નિજ સામર્થી બળે રે ॥
વિષ્ણુસહસ્રનામ આદિ જપીજે13 રે, અથવા જપ કરાવી ફળ લીજે રે ॥૧૪૫॥
મનુષ્ય દેવથી આપત્તિ આવે રે, અથવા રોગાદિ પીડા કહાવે રે ॥
તેમાં પર પોતાનું રક્ષણ રે, શક્તિ ભર કરો તતક્ષણ રે ॥૧૪૬॥
એમાં જતન થાય તે કીજે રે, પણ વર્તો નહિ રીત બીજે રે ॥
એક આચાર બીજો વ્યવહાર રે, ત્રીજો પાપ ટાળવા વિચાર14 રે ॥૧૪૭॥
તે તો દેશ કાળ વય15 દેખી રે, સામર્થી દ્રવ્ય જાતિને પેખી16 રે ॥
એટલાને જાણી અનુસરવું રે, જેને જેમ ઘટે તેમ કરવું રે ॥૧૪૮॥
મત અમારો વિશિષ્ટાદ્વૈત રે, ધામ ગોલોક પ્યારું પુનિત રે ॥
કૃષ્ણ સેવો બ્રહ્મરૂપ થઈ રે, મુક્તિ એ જ માની બીજી નઈ રે ॥૧૪૯॥
પ્રથમ ધર્મ કહ્યા અમે જેહ રે, સહુ જનને સાધારણ તેહ રે ॥
મારા આશ્રિત ત્યાગી ને ગૃહસ્થ રે, બાઈ ભાઈ સત્સંગી સમસ્ત રે ॥૧૫૦॥
કહ્યા ધર્મ સહુના સામાન્ય રે, પાળો સરખા થઈ સાવધાન રે ॥
હવે વિશેષધર્મ છે જેહ રે, કહું જુદા જુદા કરી તેહ રે ॥૧૫૧॥
ધર્મવંશી આચાર્ય પુનિતા રે, તેની પત્નીઓ બન્ને પતિવ્રતા રે ॥
તેના ધર્મ કહું છું વિશેષ રે, અથ ઇતિ પર્યંત અશેષ રે ॥૧૫૨॥
મોટા નાના બે ભાઈ અમારા રે, તેના સુત સુંદર બેઉ સારા રે ॥
અવધપ્રસાદ ને રઘુવીર રે, તમે સાંભળો બેઉ સુધીર રે ॥૧૫૩॥
નિજ સંબંધ વિના બાઈયો તેને રે, મંત્ર ઉપદેશ ન દેવો કેને રે ॥
વળી ન અડવું કોઈ દન રે, તેશું બોલવું નહિ વદન રે ॥૧૫૪॥
કોઈ ઉપર ન રહેવું ક્રૂર રે, ન રાખવી થાપણ જરૂર રે ॥
કોઈના વ્યવહારમાં જમાન રે, ન થવું સાંભળો બુદ્ધિવાન રે ॥૧૫૫॥
પડે આપત્કાળ જો તમારે રે, ભિક્ષા માગી ખાવું તે વારે રે ॥
એમ આપત્કાળ ઊતરવું રે, પણ કોઈનું કરજ ન કરવું રે ॥૧૫૬॥
શિષ્યે આપ્યું ધર્મ અર્થ અન્ન રે, તેને વેચવું નહિ કોઈ દન રે ॥
થાય જીર્ણ તો દેઈ નવું લેવું રે, તે તો અન્ન વેચ્યું નવ કે’વું રે ॥૧૫૭॥
ભાદ્ર સુદિ તિથિ ચતુરથી રે, તે દી ગણપતિ પૂજો પ્રેમથી રે ॥
આસો વદિ ચૌદશ આવે રે, તે દી પૂજો હનુમાન ભાવે રે ॥૧૫૮॥
વળી સત્સંગી મારા આશ્રિત રે, તેના ધર્મ રખાવવા હિત રે ॥
તેના ગુરુપદે સ્થાપ્યા બેહુને રે, આપો કૃષ્ણની દીક્ષા તેહુને રે ॥૧૫૯॥
તે મારા આશ્રિત જે કે’વાય રે, રાખો આપ આપણા ધર્મમાંય રે ॥
માનો સંતને કરી શું ઉલ્લાસ રે, કરો સતશાસ્ત્રનો અભ્યાસ રે ॥૧૬૦॥