શિક્ષાપત્રી ભાષા

શ્લોક ૧ થી ૩૯

દોહા

મંગળકારી મૂરતિ, શ્રીસહજાનંદ સુખધામ ॥

ભક્તિધર્મસુત ભાવશું, રહ્યા અંતરમાં ઘનશ્યામ ॥ ૧ ॥

એવા ઇષ્ટ એહ માહેરા, તેના ઇષ્ટ તે શ્રીકૃષ્ણ ॥

જેને વામ1 રાધા ઉર રમા,2 વૃન્દાવનરમણ મન પ્રસન્ન ॥ ૨ ॥

એવા ઇષ્ટને ઉર ધરી, બોલ્યા તે સહજાનંદ ॥

મુજ આશ્રિત ત્યાગી ગૃહી, સુણો નર ત્રિય વૃન્દ3 ॥ ૩ ॥

શિક્ષાપત્રી સુંદર અતિ, તમે સાંભળજ્યો મુજ જન ॥

લખું વસી વરતાલમાં, આ છે છેલાં વચન ॥ ૪ ॥

ચોપાઈ

બહુ બહુ કરી મેં વાત રે, તે સાંભળી તમે સાક્ષાત રે ॥

હવે છેલ્લી વાત છે આ મારી રે, તમે સહુ લેજ્યો હૈયે ધારી રે ॥ ૫ ॥

દેશ પ્રદેશમાં જે રહેનાર રે, મારાં આશ્રિત જે નરનાર રે ॥

તમ પ્રત્યે શિખામણ મારી રે, સુખદાયક છે અતિ સારી રે ॥ ૬ ॥

ધર્મપુત્ર પવિત્ર બે ભાઈ રે, મારા વીર4 જન સુખદાઈ રે ॥

મોટા ભાઈ છે રામપ્રતાપ રે, નાનાભાઈ ઇચ્છારામ આપ રે ॥ ૭ ॥

તેના પુત્ર બે ગુણ ગંભીર રે, અવધપ્રસાદ ને રઘુવીર રે ॥

તેને દત્તપુત્ર5 કરી સ્થાપ્યા રે, મંદિર દેશ વહેંચીને આપ્યા રે ॥ ૮ ॥

કર્યા સાધુ સતસંગી અમે રે, તેના આચાર્ય છોજી તમે રે ॥

હવે સાંભળો મુજ આશ્રિત રે, મારાં વચનમાં દઈ ચિત્ત રે ॥ ૯ ॥

વર્ણી મુકુંદ આદિ સમસ્ત રે, ભટ્ટ મયારામ આદિ ગૃહસ્થ રે ॥

સધવા વિધવા નારી સુભાગી રે, સુણો મુક્તાનંદ આદિ ત્યાગી રે ॥૧૦॥

એવા સતસંગી મુનિરાજ રે, તમારી ધર્મરક્ષાને કાજ રે ॥

શાસ્ત્રપ્રમાણ જનસુખ કરણ રે, જેમાં શ્રીનારાયણ સ્મરણ રે ॥૧૧॥

એવાં આશિષનાં જે વચન રે, સહુ અંતરે ધારજ્યો જન રે ॥

શિક્ષાપત્રી લખ્યાનું કારણ રે, કરજ્યો એકાગ્ર મને ધારણ રે ॥૧૨॥

સર્વ જીવને છે સુખકારી રે, એવી શિક્ષાની6 પત્રી અમારી રે ॥

શ્રીમદ્‌ભાગવતાદિ જે ગ્રંથ રે, સતશાસ્ત્ર કહ્યાં મોક્ષપંથ રે ॥૧૩॥

તેણે પ્રતિપાદન કર્યા જેહ રે, સર્વ જીવ હિતકારી તેહ રે ॥

એવા અહિંસાદિ સદાચાર રે, પાળે પળાવે જે નરનાર રે ॥૧૪॥

તે આ લોક પરલોક માંય રે, મોટા સુખને પામે સદાય રે ॥

સદાચાર ઉલ્લંઘી જે વર્તે રે, મેલી મર્યાદ મનને મતે રે ॥૧૫॥

તે તો કુબુદ્ધિવાળા કહેવાય રે, લોક પરલોકે તે દુઃખી થાય રે ॥

માટે મારા શિષ્ય સહુ પ્રીતે રે, વર્તો આ શિક્ષાપત્રીની રીતે રે ॥૧૬॥

હવે વર્ત્યાની રીત છે જેહ રે, સર્વે સત્સંગી સુણજ્યો તેહ રે ॥

નાનાં મોટાં જેહ જીવ પ્રાણી રે, તેને મારવા નહિ ક્યારે જાણી રે ॥૧૭॥

ચાંચડ માંકડ જૂ જંતુ લહિ રે, તેની હિંસા તે કરવી નહિ રે ॥

દેવપિતૃયજ્ઞ કર્મ સારુ રે, મૃગ મીન શશ7 ને બાકરું8 રે ॥૧૮॥

એહ આદિ ન મારવા પ્રાણી રે, અહિંસાદિ ધર્મ મોટો જાણી રે ॥

એમ સચ્છાસ્ત્રમાંહી કહે છે રે, મારી પણ શિક્ષા તમને એ છે રે ॥૧૯॥

દામ9 વામ10 મળે માલ મહી11 રે, તોય મનુષ્ય મારવો નહીં રે ॥

તેમ તીર્થમાં જઈ કોઈ જન રે, આત્મઘાત ન કરો કોઈ દન રે ॥૨૦॥

ક્રોધ કરી ન તજવું તન રે, એહ માનો શિક્ષાનાં વચન રે ॥

અયુક્ત12 કર્મ થાય જો કાંઈ રે, તોયે મરવું નહિ મૂંઝાઈ રે ॥૨૧॥

વિષ ફાંસી કૂવે પડી તન રે, નહિ મરવું ભેરવજપે13 જન રે ॥

યજ્ઞશેષ14 પ્રસાદી જે માંસ રે, તે ન ખાવું કે દી મારા દાસ રે ॥૨૨॥

મદ્ય કીધું વિધ અગિયાર રે, સુરા તે પણ ત્રણ પ્રકાર રે ॥

દેવ નૈવદ્યનું ભલે હોય રે, મારા જનોએ ન લેવું તોય રે ॥૨૩॥

આપોઆપથી15 આચરણ અયોગ્ય રે, થઈ જાય કોઈ કર્મ ભોગ રે ॥

તોય શસ્ત્રાદિકે કરી તન રે, આપોઆપનું ન કરવું છેદન રે ॥૨૪॥

ક્રોધે કરી ન કરવો દાસ રે, નિજ પરના પિંડનો નાશ રે ॥

સુણો સર્વ શિષ્ય વાત મારી રે, ધર્મ સારુયે ન કરો ચોરી રે ॥૨૫॥

કાષ્ઠ આદિક ફળ ફૂલ પાતી16 રે, જે કોઈ વસ્તુ હોય ધણિયાતી રે ॥

તે તો ધણી આપે તો જ લેવી રે, અમારી તો આજ્ઞા છે એવી રે ॥૨૬॥

વળી મારા આશ્રિત નરનાર રે, તેણે કરવો નહિ વ્યભિચાર રે ॥

દ્યુતાદિક વ્યસનને મેલી રે, ત્યાગો કેફ થાવું નહિ ફેલી રે ॥૨૭॥

ગાંજા ભાંગ્ય મફર માજમને રે, ચડે કેફ તે તજો કહું તમને રે ॥

જેનાં અન્ન જળે હોય વટાળ17 રે, તે ન ખાવું પીવું કોઈ કાળ રે ॥૨૮॥

હરિપ્રસાદી ને ચરણામૃત રે, જાતિ વટાળે તજવું તર્ત રે ॥

જગન્નાથપુરીને માંહિ રે, હરિપ્રસાદનો દોષ નહિ રે ॥૨૯॥

આપ સ્વાર્થને સિદ્ધ કરવા રે, ખોટાં કલંક કોઈને ન ધરવાં રે ॥

જેમ ન નાખવી જૂઠી આળ રે, તેમ ન દેવી કોઈને ગાળ રે ॥૩૦॥

દેવ તીર્થ સતી સંત જાણો રે, વિપ્ર વેદવચન પ્રમાણો રે ॥

તેની નિંદા કેદિયે ન કરવી રે, કોઈ કરે તો કાને ન ધરવી રે ॥૩૧॥

જગમાં જે દેવતા આગળે રે, પૂજે માંસ મદિરા ને જળે રે ॥

વળી પશુહિંસા થતી હોય રે, તેની પ્રસાદી ન લેશો કોય રે ॥૩૨॥

વાટે જતાં શિવાલય આવે રે, બીજા દેવનાં સ્થાનક કહાવે રે ॥

તેને નમસ્કાર કરી જન રે, કરવું આદર સહિત દર્શન રે ॥૩૩॥

પોતાનો જે વર્ણ આશ્રમ રે, તેનો તજવો નહિ કે દી ધર્મ રે ॥

પરધર્મમાં પગ ન ભરવો રે, પાખંડી18 કલ્પિત19 પરહરવો20 રે ॥૩૪॥

કૃષ્ણભક્તિ જે પોતાનો ધર્મ રે, તેમાં મોળા પાડે જે બેશર્મ રે ॥

તેનાં મુખથી હરિકથા જ્ઞાન રે, કે દી ન સાંભળો દઈ કાન રે ॥૩૫॥

એહ સાંભળ્યામાં નહિ સારું રે, માટે કરું છું તમને વારું21 રે ॥

જેણે હોય નિજ પારકો નાશ રે, એવું સત્ય ન બોલીએ દાસ રે ॥૩૬॥

કૃતઘ્નીનો સંગ નવ કીજે રે, કેની લાંચ ભાડ્ય22 નવ લીજે રે ॥

પાપી પાખંડી વ્યસની ચોર રે, પરત્રિયલંપટ જે નિઠોર23 રે ॥૩૭॥

વળી ધુતારા એ ષટ ખળ24 રે, તેનો ન કરો સંગ કોઈ પળ રે ॥

ભક્તિ જ્ઞાન તણી ઓથ લઈ રે, ત્રિય ધન રસ વશ રહ્યા થઈ રે ॥૩૮॥

એને અર્થે પાપ કરનારા રે, તેનો સંગ તજો શિષ્ય મારા રે ॥

કૃષ્ણ કૃષ્ણ અવતાર કહીએ રે, તેનું ખંડન કરે જે યુક્તિએ રે ॥૩૯॥

એવાં શાસ્ત્ર ન સુણવા કાને રે, હોય નાસ્તિક તે એને માને રે ॥

ઘૃત દૂધ પાણી ગળી પીવું રે, ઝીણાં જંતુ જળે ન ન્હાવું રે ॥૪૦॥

મદ્ય માંસ જે ઔષધે ભળે રે, તે ન ખાવું પીવું કોઈ પળે રે ॥

આપે ઔષધ વૈદ અજાણ્યો રે, તે ન લેવું સમજીને સુજાણો રે ॥૪૧॥

મળ મૂત્ર ત્યાગ કર્યા સારુ રે, કર્યું લોકશાસ્ત્રે જ્યાં વારુ રે ॥

તે તો જીર્ણ દેવાલય જાણો રે, નદી તળાવ તટ પ્રમાણો રે ॥૪૨॥

વાવ્યું ક્ષેત્ર વાટી વૃક્ષ છાંય રે, ફૂલબાગ બગીચાદિ માંય રે ॥

ત્યાં મળમૂત્ર ત્યાગ ન કરીએ રે, થૂંકવું નહિ મનમાં ડરીએ રે ॥૪૩॥

ચોર માર્ગે ન આવીએ જયે25 રે, જો સદા કુશળને ચાહિયે રે ॥

જે ધણિયાતી જાયગા હોય રે, પૂછ્યા વિના ન ઉતરો કોય રે ॥૪૪॥

જ્ઞાન વારતા નારીવદન રે, મારા જન ન સુણો કોઈ દન રે ॥

નારી નૃપ નૃપજન આદે રે, તેશું બોલવું નહિ વિવાદે રે ॥૪૫॥

ગુરુ વળી જે મોટા મનુષ્ય રે, લોકે માન્યા એવા જે પુરુષ રે ॥

શસ્ત્રધારી વળી વિદ્યાવાન રે, એનું કરવું નહિ અપમાન રે ॥૪૬॥

કરવું કાર્ય કરીને વિચાર રે, ધર્મ કાર્યમાં કરવી ન વાર રે ॥

ભણી વિદ્યા ભણાવવી વળી રે, કરવો સંત સમાગમ મળી રે ॥૪૭॥

દેવ ગુરુ નરેશની પાસ રે, ઠાલે26 હાથે જવું નહિ દાસ રે ॥

વિશ્વાસઘાત તજી તે દેવો રે, પોતે પોતાનો યશ ન કે’વો રે ॥૪૮॥

ઝીણું પાખું વસ્ત્ર જે કુઢંગ27 રે, તે ન પે’રવું દેખાય જેણે અંગ રે ॥

ધર્મ રહિત હરિની ભક્તિ રે, તે કે દી ન કરવી સુમતિ રે ॥૪૯॥

મૂર્ખ મનુષ્યની નિંદા સાંભળી રે, કૃષ્ણસેવા ન તજવી વળી રે ॥

સર્વે વચન એ સંભારી રાખો રે, માંહો માંહી પ્રેમભાવ ભાખો રે ॥૫૦॥

શ્લોક 🏠 home ગ્રંથ મહિમા શ્લોક ૧ થી ૩૯ શ્લોક ૪૦ થી ૯૨ શ્લોક ૯૩ થી ૧૨૯ શ્લોક ૧૩૦ થી ૧૬૬ શ્લોક ૧૬૭ થી ૨૧૨