શિક્ષાપત્રી ભાષા

શ્લોક ૧૬૭ થી ૨૧૨

દોહા

ધન જો તનનિર્વાહથી,1 હોય અધિક પોતાની પાસ ॥

શક્તિ પ્રમાણે વાવરો, ધર્મમાં કરી ઉલ્લાસ ॥૨૧૧॥

એહ વચન માની વિધવા, વળી આહાર કરવો એક વાર ॥

સદાય સૂવું ભૂમિયે, કરી મનમાંહી વિચાર ॥૨૧૨॥

મૈથુન યુક્ત શશ મૃગાદિ, જોવા નહિ પ્રાણીજન ॥

સંન્યાસિની વૈરાગિની સુવાસિની, તેનો વેષ ન ધરવો તન ॥૨૧૩॥

જેવો ન હોય નિજ કુળમાં, વળી દેશમાં પણ વેશ ॥

તેવો ન ધરવો વેશ વિધવા, માની મારો ઉપદેશ ॥૨૧૪॥

ચોપાઈ

ગર્ભઘાતકી પાતકી2 નારી રે, તેનો સ્પર્શ ન કરવો વિચારી રે ॥

નર રસ શૃંગારની વાણી રે, ન કહેવી ન સુણવી સયાણી3 રે ॥૨૧૫॥

હોય વિધવા યુવાન તન રે, હોય નર નિજ સંબંધી જોબન4 રે ॥

આપત્તિ વિના એકાંત સ્થળ રે, ન રહેવું વિધવાએ કોઈ પળ રે ॥૨૧૬॥

આપત્કાળમાં દોષ ન જાણો રે, એમ વિધવા સહુ પ્રમાણો રે ॥

હોળી ખેલ ખૂબી5 નહિ કરો રે, અંગે આભૂષણ નહિ ધરો રે ॥૨૧૭॥

ઝીણાં જરિયાની જે વસન રે, વિધવાએ ન પહેરવાં તન રે ॥

સધવા વિધવા સુણી લેવું રે, વસ્ત્ર પહેર્યા વિના ન ન્હાવું રે ॥૨૧૮॥

ન સંતાડો નિજ રજ6 કોઈ રે, ધરે ગર્ભશંકા જન જોઈ રે ॥

સધવા વિધવા રજસ્વળા રે, સુણો રીત સર્વે અબળા રે ॥૨૧૯॥

ન કરો મનુષ્ય ને વસ્ત્રનો સ્પર્શ રે, રહો અણઅડે ત્રણ દિવસ રે ॥

ચોથે દિવસ નાહી શુદ્ધ થઈ રે, વર્તો સહુ સહુની રીત માંઈ રે ॥૨૨૦॥

નારી નર આશ્રિત અમારા રે, કહ્યા વિશેષધર્મ તમારા રે ॥

કહું આચાર્ય ને તેની પત્ની રે, એમ જાણજો રીત આપની રે ॥૨૨૧॥

કાં જે ગૃહસ્થ છો માટે તમે રે, રહેજ્યો એમ જેમ કહ્યું અમે રે ॥

હવે મારા આશ્રિત બ્રહ્મચારી રે, ધર્મ વિશેષ રીત તમારી રે ॥૨૨૨॥

તજો નારીને અષ્ટ પ્રકારે રે, ન અડો ન બોલો એ શું ક્યારે રે ॥

જાણી નારી ન જોવી ન કળવી7 રે, એની વાત ન કહેવી સાંભળવી રે ॥૨૨૩॥

જે સ્થળે નારીનો પગફેર રે, વર્ણી ન જાવું ત્યાં કોઈ વેર8 રે ॥

દેવ પ્રતિમા વિના પૂતળી રે, ચિત્ર કાષ્ઠ પાષાણાદિની વળી રે ॥૨૨૪॥

સ્પર્શ દર્શને તેને પરહરવી રે, નારી પ્રતિમા વર્ણીએ ન કરવી રે ॥

નારી પહેરેલ વસ્ત્ર ન છોવું9 રે, મૈથુનયુક્ત પ્રાણીને ન જોવું રે ॥૨૨૫॥

નારી વેષધારી નર હોય રે, તેને ન જુવો ન અડો કોય રે ॥

નારીને સંભળાવવા જાણી રે, કથા કીર્તન ન કહેવી વાણી રે ॥૨૨૬॥

થાય બ્રહ્મચર્ય વ્રતનો પાત રે, એવી ગુરુની પણ ન માનો વાત રે ॥

રહેવું વર્ણીએ ધીરજવાન રે, રાખો સંતોષ ને નિરમાન રે ॥૨૨૭॥

નારી આવે સમીપ કોઈ જોર10 રે, કરી તિરસ્કાર કરવી દૂર રે ॥

કોઈ એવો આપત્કાળ આવે રે, ત્રિયના વા પોતાના પ્રાણ જાવે રે ॥૨૨૮॥

ત્યારે અડે બોલે જો ઊગરો રે, થાય જીવની રક્ષા એમ કરો રે ॥

વળી તેલ મર્દન11 ન કરવું રે, વર્ણીને આયુધ ન ધરવું રે ॥૨૨૯॥

ન ધરવો ભયંકર વેશ રે, જિહ્વા ઇન્દ્રિય જીતવી હંમેશ રે ॥

જો દ્વિજ ઘરે પીરસે નારી રે, ત્યાં ન જમવું જઈ બ્રહ્મચારી રે ॥૨૩૦॥

જ્યાં પુરુષ હોય પીરસનાર રે, ત્યાં ભિક્ષા લેવી બ્રહ્મચાર રે ॥

વેદ શાસ્ત્ર ભણવાં અભ્યાસે રે, ગુરુસેવા કરવી ઉલ્લાસે રે ॥૨૩૧॥

વળી નારી ને નારીના યાર12 રે, તે શું રાખવો નહિ વ્યવહાર રે ॥

ચર્મવારિ13 વિપ્રને ન પીવું રે, લસણ ડુંગળી તે તજી દેવું રે ॥૨૩૨॥

સંધ્યા સ્નાન ગાયત્રી જપિયે રે, પ્રીતિ સહિત વિષ્ણુને પૂજિયે રે ॥

વૈશ્વદેવ14 કર્યા વિના જન રે, વિપ્ર વર્ણીને ન લેવું અન્ન રે ॥૨૩૩॥

એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી રે, રહો વિશેષધર્મને ધારી રે ॥

હવે સાધુના જે વિશેષધર્મ રે, એનો કહી સમજાવું મર્મ રે ॥૨૩૪॥

મારા આશ્રિત સંત સુજાણ રે, રહો નૈષ્ઠિકવર્ણી પ્રમાણ રે ॥

નારી નારીના સંગીને તજી રે, અંતઃશત્રુ જીતો હરિ ભજી રે ॥૨૩૫॥

સર્વ ઇન્દ્રિયનું કારણ એક રે, જિહ્વા જીતવી કરી વિવેક રે ॥

ધન ન રાખો ને ન રખાવો રે, એમ રહો તો અમને ભાવો15 રે ॥૨૩૬॥

ન રાખવી કોઈની થાપણ રે, ન મેલવી ધીરજતા પણ રે ॥

જે જગા રહેતા હો તમે જન રે, નારી નાવે ત્યાં કોઈ દન રે ॥૨૩૭॥

સંગ વિના ન ચાલવું રાત રે, આપત્કાળ તણી નહિ વાત રે ॥

એકાએક16 ન ચાલવું સંત રે, આપત્ પડ્યા વિના બુદ્ધિવંત રે ॥૨૩૮॥

વસ્ત્ર બહુમૂલાં વિચિત્ર ભાત રે, કસુંબી દુશાલ બહુ જાત રે ॥

આવે અણઇચ્છ્યાં તોય ન લેવું રે, લેવું તો તર્ત વિપ્રને દેવું રે ॥૨૩૯॥

ભિક્ષા કે સભા વિના સંત રે, કેને ઘેર ન જવું બુદ્ધિવંત રે ॥

હરિની ભક્તિ નવધા અવલ રે, તે કર્યા વિના ન ખોઈયે પલ રે ॥૨૪૦॥

રાંધેલ અન્ન પીરસે નર રે, નારી માત્ર ન આવે નજર રે ॥

એવું ગૃહસ્થતણું ઘર હોય રે, ત્યાં જવું સંત સહુ કોય રે ॥૨૪૧॥

નહિ તો માગી લેવું કાચું અન્ન રે, કરો પાક હાથે મારા જન રે ॥

કરી હરિને નૈવેદ્ય જમો રે, હરિભક્તિમાં દિન નિગમો રે ॥૨૪૨॥

મોરે ઋષભસુત જે ભરત રે, ભૂમે જડવિપ્ર જે સુવ્રત રે ॥

જેવી રીત્યે એ વરત્યા વળી રે, તેમ વર્તો સંત મારા મળી રે ॥૨૪૩॥

મારા આશ્રિત વર્ણી જે સંત રે, ત્યાગો વ્યસનાદિક અત્યંત રે ॥

ભાંગ્ય તાંબુલ તમાલ જેહ રે, ત્યાગો અફીણ આદિક તેહ રે ॥૨૪૪॥

સુણો બ્રહ્મચારી સંત જન રે, ક્યારે ન ખાવું દૂષિત અન્ન રે ॥

ગર્ભાધાન આદિક સંસ્કાર રે, તેનું અન્ન ન જમો નિર્ધાર રે ॥૨૪૫॥

એકાદશ દ્વાદશનું અન્ન રે, પ્રેતશ્રાદ્ધ કહે સહુ જન રે ॥

તે ન ખાવું વર્ણી સંત કોયે રે, આપત વિના દિવસે ન સૂયે રે ॥૨૪૬॥

ગ્રામ્યવાર્તા કે દી ન કરીએ રે, કોઈ કરે તો કાને ન ધરીએ રે ॥

ત્યાગીએ વણરોગે ન સૂવું માંચે17 રે, સાધુ આગળ વર્તો મન સાચે રે ॥૨૪૭॥

વળી મારે કોય ગાળ ભાંખે રે, કોય કુમતિ અપવાદ નાંખે રે ॥

તે તો ત્યાગીએ સર્વે સહીજે રે, તેનું સારું થાય તેમ કીજે રે ॥૨૪૮॥

દૂતકર્મ18 કેનું ન કરિયે રે, હેરુ19 ચાડીયાપણું પરહરિયે રે ॥

નિજદેહમાં અહંતા ન ધારો રે, કુટુંબ નિમિત્ત મમત વિસારો રે ॥૨૪૯॥

એમ સંક્ષેપે સર્વના ધર્મ રે, કહ્યા ત્યાગી ગૃહસ્થના પર્મ રે ॥

ઇચ્છો ધર્મ સુણવા વિસ્તારે રે, તો છે સંપ્રદાય ગ્રંથે અમારે રે ॥૨૫૦॥

સત્શાસ્ત્ર સહુનું આ છે સાર રે, બુદ્ધિમાંહી મેં કરી વિચાર રે ॥

પછી શિક્ષાપત્રી લખી સારી રે, મનવાંછિત ફળ દેનારી રે ॥૨૫૧॥

રહો એ રીતે સહુ મારા જન રે, મનગમતું ન કરો કોઈ દન રે ॥

એમ રહો પુરુષ ને વામ રે, પામો ધર્મ અર્થ મોક્ષ કામ રે ॥૨૫૨॥

ચારે પુરુષાર્થની થાય સિદ્ધિ રે, ત્યાગી ગૃહસ્થ રહો એહ વિધિ20 રે ॥

એમ ન રહે જે નરનાર રે, તે તો અમારા સંપ્રદાય બા’ર રે ॥૨૫૩॥

એમ સમજી મારા આશ્રિત રે, કરો શિક્ષાપત્રી પાઠ નિત્ય રે ॥

ભણ્યા ન હો તો ભાવે સુણજો રે, વાંચનાર ન હોય તો પૂજજો રે ॥૨૫૪॥

મારી વાણી તે મારું સ્વરૂપ રે, માનો આદરે સહુ અનુપ રે ॥

દૈવી સંપત્તિવાળા જે નર રે, તેને દેજો આ પત્રી સુંદર રે ॥૨૫૫॥

આસુરી સંપત્તિવાળા જે જન રે, તેને દેવી નહીં કોઈ દન રે ॥

સંવત અઢાર વર્ષ બ્યાસી રે, મહા સુદિ પંચમી સુખરાશી રે ॥૨૫૬॥

તે દી પત્રી લખી પ્રમાણ રે, જેથી થાય સહુનું કલ્યાણ રે ॥

આશ્રિતની પીડા ટાળનાર રે, ધર્મ સહિત ભક્તિ પાળનાર રે ॥૨૫૭॥

નિજભક્તવાંછિત સુખદેણ રે, એવા શ્રીકૃષ્ણ કમળનેણ રે ॥

કરો સર્વે અમારાં તે કાજ રે, મંગળમૂરતિ શ્રીમહારાજ રે ॥૨૫૮॥

સહજાનંદ ગુરુએ એ વિધિ રે, શિક્ષાપત્રી અનુપમ કીધી રે ॥

પત્રી ગીર્વાણ એ કહેવાતી રે, તે પર ભાષા કરી ગુજરાતી રે ॥૨૫૯॥

પત્રી ચોપાઈ બસેં ને સાઠ રે, કહે રહે સુણે કરે પાઠ રે ॥

તેહ પામે અખંડ આનંદ રે, ઘણું શું કહે નિષ્કુળાનંદ રે ॥૨૬૦॥

 

ઇતિ શ્રીનિષ્કુળાનંદમુનિ વિરચિતા શિક્ષાપત્રીભાષા સંપૂર્ણા ।

 

શિક્ષાપત્રીભાષા સમાપ્તા

શ્લોક 🏠 home ગ્રંથ મહિમા શ્લોક ૧ થી ૩૯ શ્લોક ૪૦ થી ૯૨ શ્લોક ૯૩ થી ૧૨૯ શ્લોક ૧૩૦ થી ૧૬૬ શ્લોક ૧૬૭ થી ૨૧૨