શિક્ષાપત્રી ભાષા

શ્લોક ૪૦ થી ૯૨

દોહા

ઉત્સવ અથવા નિત્ય પ્રતિ, આવે કૃષ્ણ મંદિર નરનાર ॥

પરસ્પર અડવું નહિ, મારા જનને નિરધાર ॥૫૧॥

મંદિરમાંથી નીસરી, રહેવું પોતે પોતાની રીત ॥

વળી કહું એક વારતા, સહુ સાંભળો દઈ ચિત્ત ॥૫૨॥

ધર્મવંશી ગુરુ થકી, શ્રીકૃષ્ણની દીક્ષા લહી ॥

દ્વિજ ક્ષત્રિય વૈશ્ય ત્રણેની, રીત દેખાડું હું કહી ॥૫૩॥

કંઠે તુલસી માળા બેવડી, લલાટ હૃદય બે હાથ ॥

ઊર્ધ્વપુંડ્ર1 તિલક કરીને, સદા રહેવું સનાથ2 ॥૫૪॥

ચોપાઈ

સુંદર તિલક ગોપીચંદને રે, કરવું અમારા આશ્રિત જને રે ॥

અથવા હોય હરિની પ્રસાદિ રે, કુંકુમ કેસર ચંદન આદિ રે ॥૫૫॥

સુંદર તિલક કરવું તેનું રે, મધ્યે બિંદુ3 પણ કરવું એનું રે ॥

કાં તો કરો ચાંદલો કુંકુમે રે, એમ કરો તિલક જન તમે રે ॥૫૬॥

તે કુંકુમ પ્રસાદી કરેલ રે, રાધાલક્ષ્મીજીનું ધરેલ રે ॥

વળી પોતાના ધર્મમાં રહ્યા રે, શૂદ્ર શ્રીકૃષ્ણના ભક્ત થયા રે ॥૫૭॥

એવા સતશૂદ્ર જે સઘળા રે, કંઠે રાખો તુલસીની માળા રે ॥

ઊર્ધ્વપુંડ્ર તિલક કરો એવું રે, પ્રથમ ત્રિવર્ણને કહ્યું તેવું રે ॥૫૮॥

તેથી ઊતરતા જાતે જન રે, રાખો માળા કાષ્ઠ જે ચંદન રે ॥

બાંધો બેવડી કંઠમાં સારી રે, હરિપ્રસાદીની સુખકારી રે ॥૫૯॥

કેવળ ચાંદલો કરવો લલાટ રે, તિલક કરવા મૂકવો ઘાટ રે ॥

દ્વિજ આદિ સુણો સહુ ચિત્તે રે, રાખવું ત્રિપુંડ્ર4 રુદ્રાક્ષ પ્રીતે રે ॥૬૦॥

નિજ કુળતણી રીત હોય રે, મારા આશ્રિત ન તજો કોય રે ॥

નારાયણ5 અને શિવજી એક રે, એમ સમજવો સૌને વિવેક રે ॥૬૧॥

હરિ6 હર7 બે બ્રહ્મસ્વરૂપ રે, તેનાં કહ્યાં છે વેદમાં રૂપ રે ॥

કહ્યો શાસ્ત્રમાંહી આપદ્ધર્મ8 રે, તેને સાંભળી સમજવો મર્મ રે ॥૬૨॥

થોડાં દુઃખમાંહી પણ એને રે, કહું મુખ્ય ન કરવો કેને રે ॥

અર્ક9 ઉદય પે’લા સહુ જાગી રે, હરિ સમરો સહુ સુભાગી રે ॥૬૩॥

હરિકૃષ્ણ કૃષ્ણ મુખે ગાવું રે, પછી દેહક્રિયા કરવા જાવું રે ॥

દાતણ કરવું બેસી એક સ્થળે રે, પછી નહાવું નિર્મળ જળે રે ॥૬૪॥

ધોયાં વસ્ત્ર સુંદર બે સાથે રે, એક પહેરો ઓઢો એક માથે રે ॥

શુદ્ધ આસન ને શુદ્ધ જાગ રે, બેસવું જોઈ મોકળે માગ રે ॥૬૫॥

પૂર્વ કે ઉત્તર મુખે રે, બેસી કરવું આચમન સુખે રે ॥

પુરુષમાત્ર તણી એહ રીત રે, કરો તિલક ચાંદલા સહીત રે ॥૬૬॥

સુવાસિની નારી સુણી લીજે રે, કુંકુમ ચાંદલો કપાળે કીજે રે ॥

ચાંદલો અથવા જે તિલક રે, વિધવાને ન કરવું એક રે ॥૬૭॥

કરો સત્સંગી માનસી સેવ10 રે, ચંદન પુષ્પે પૂજો કૃષ્ણદેવ રે ॥

પછી ચિત્રની મૂરતિ સારી રે, રાધાકૃષ્ણ તણી સુખકારી રે ॥૬૮॥

તેનું આદરે દર્શન કરી રે, કરવો નમસ્કાર ભાવ ભરી રે ॥

જપો આપણી શક્તિ પ્રમાણ રે, અષ્ટાક્ષર મંત્ર સુજાણ રે ॥૬૯॥

કૃષ્ણમંત્ર જપી નરનાર રે, પછી કરવો પોતાનો વ્યવહાર રે ॥

આત્મનિવેદી જે મારા જન રે, રાજા અંબરીષ જેવા પાવન રે ॥૭૦॥

પ્રથમ કહ્યું અનુક્રમે જેવું રે, કરો માનસીપૂજા લગી તેવું રે ॥

પછી કૃષ્ણની પ્રતિમા જેહ રે, હોય ધાતુ પાષાણની તેહ રે ॥૭૧॥

અથવા શાળગ્રામ સુખકારી રે, તેને પૂજવા પ્રેમ વધારી રે ॥

નિત્ય જોઈ દેશ કાળ જેવો રે, શક્તિ પ્રમાણે પૂજાપો લેવો રે ॥૭૨॥

ચંદન પુષ્પ ફળ જળ આદિ રે, પૂજો પ્રભુને તજી ઉપાધિ રે ॥

પછી કૃષ્ણમંત્ર અષ્ટાક્ષર રે, તેને જપવો આનંદભર રે ॥૭૩॥

પછી કૃષ્ણસ્તોત્ર પાઠ કરવા રે, કાં તો ગ્રંથ વાંચી વિચારવા રે ॥

જે ભણ્યા ન હોય ગીર્વાણ11 રે, તે જપો હરિનામ સુજાણ રે ॥૭૪॥

કરી હરિનું નૈવેદ્ય12 નિત્ય રે, લેવી પ્રસાદી તે જન પ્રીત્ય રે ॥

આત્મનિવેદીએ સદાકાળ રે, પ્રીતે સેવવા કૃષ્ણ દયાળ રે ॥૭૫॥

માયિક ગુણ રહિત શ્રીકૃષ્ણ રે, તેના સંબંધી એવા તમે જન રે ॥

આત્મનિવેદી ભક્ત જે તમે રે, ક્રિયાસહિત નિર્ગુણ જાણું અમે રે ॥૭૬॥

મળે જળ ફળાદિ જમ્યા જેવું રે, કૃષ્ણપ્રસાદી વિના ન લેવું રે ॥

આવે અંગે રોગ વૃદ્ધપણું રે, આપત્કાળતણું દુઃખ ઘણું રે ॥૭૭॥

તેમાં ન શકો મૂરતિ સેવી રે, ત્યારે બીજા તે ભક્તને દેવી રે ॥

એમ સમજી સર્વે સુજાણ રે, વર્તો પોતાની પહોંચ પ્રમાણ રે ॥૭૮॥

કૃષ્ણમૂર્તિ આચાર્યે જે આપી રે, અથવા તેણે હસ્તે કરી સ્થાપી રે ॥

કરો એ બે સ્વરૂપની સેવા રે, બીજે નમસ્કાર કરી લેવા રે ॥૭૯॥

સંધ્યાકાળે સહુ જન મળી રે, જવું હરિમંદિરમાં વળી રે ॥

ઉચ્ચ સ્વરે કરો ત્યાં કીર્તન રે, હેતે હરિના નામનું ભજન રે ॥૮૦॥

કથા વાર્તા ત્યાં કૃષ્ણની નિત્ય રે, કહેવી સુણવી આદર સહિત રે ॥

તાલ મૃંદગે કૃષ્ણકીર્તન રે, ગાવાં જન ઉત્સવને દન રે ॥૮૧॥

મારા જન કહ્યું જે મેં આગે રે, એવી રીતે રાખો અનુરાગે13 રે ॥

ભાષા ગીર્વાણના ગ્રંથો દાસ રે, કરો બુદ્ધિ પ્રમાણે અભ્યાસ રે ॥૮૨॥

જે જનથી થાય કામ જેવું રે, તેને કામ બતાવવું તેવું રે ॥

તે પણ પ્રથમ વિચારી લેવું રે, પછી કામ કરવા સોંપી દેવું રે ॥૮૩॥

જે જે જનના જે હોય દાસ રે, તેની રખાવવી બરદાસ14 રે ॥

અન્ન વસ્ત્ર શક્તિ પ્રમાણ રે, આપી સુખી રાખવા સુજાણ રે ॥૮૪॥

જેવા ગુણવાળો જન જેહ રે, તેવે વચને બોલાવવો તેહ રે ॥

દેશ કાળ અનુસારે એને રે, અયોગ્ય રીતે ન બોલાવવો તેને રે ॥૮૫॥

ગુરુ ભૂપ વૃદ્ધ ત્યાગી હોય રે, વિદ્યાવાન તપસ્વી એ છોય રે ॥

એને આવતાં આદર કીજે રે, ઊઠી મીઠું બોલી માન દીજે રે ॥૮૬॥

ગુરુદેવ સભા જ્યાં ભૂપતિ રે, ત્યાં બેસવું મર્યાદાએ અતિ રે ॥

પગ પર પગ ન ચઢાવવો રે, પગ પટે15 કરી ન બાંધવો રે ॥૮૭॥

નિજ આચાર્યને અનુસરવું રે, તેની સાથે વિવાદ ન કરવું રે ॥

સર્વ પોતાની શક્તિ પ્રમાણ રે, પૂજવા અન્ન ધન વસ્ત્રે સુજાણ રે ॥૮૮॥

આચાર્યને આવતા સાંભળી રે, જવું સન્મુખ ઉતાવળું વળી રે ॥

ચાલે આપણા ગામથી જ્યારે રે, જવું વળાવવા ગામ બા’રે રે ॥૮૯॥

બહુ ફળવાળું હોય કર્મ રે, પણ ન હોય જો તેમાં ધર્મ રે ॥

એવું કર્મ તેને તજી દેવું રે, ધર્મ રાખતાં સુખને લેવું રે ॥૯૦॥

માટે ફળલોભે કરી જન રે, ધર્મ ત્યાગવો નહિ કોઈ દન રે ॥

પૂર્વે મોટા ઋષિ મુનિમાંઈ રે, થયો હોય અધર્મ જો કાંઈ રે ॥૯૧॥

તે અધર્મની ઓટ્ય ન લહીએ રે, તેણે ધર્મ કર્યો તે ગ્રહીએ રે ॥

છાની વાત જો કોઈની હોય રે, તેની છતી કરશો મા કોઈ રે ॥૯૨॥

જગમાંહી હોય જીવ જેવો રે, તેને તેવો સનમાન દેવો રે ॥

સર્વમાં સમદૃષ્ટિ ન આરોપવી રે, મોટાની મર્યાદા ન લોપવી રે ॥૯૩॥

નિ’મ અધિક ચોમાસામાં ધારી રે, સમરો શ્રીકૃષ્ણ દેવ મોરારી રે ॥

શક્તિ ન હોય તો એક માસ રે, રાખો નિયમ શ્રાવણમાં દાસ રે ॥૯૪॥

નિયમ અધિક તે સુણી લઈએ રે, કૃષ્ણકથા સાંભળી કહીએ રે ॥

કીર્તન મહાપૂજા કરીએ રે, જપી મંત્ર ને સ્તોત્ર ઉચ્ચરીએ રે ॥૯૫॥

પ્રેમે કરી પ્રદક્ષિણા દીજે રે, તેમ સાષ્ટાંગ દંડવત કીજે રે ॥

એહ આઠ નિયમમાંથી એક રે, રાખો જન હૃદય ધારી ટેક16 રે ॥૯૬॥

સર્વ એકાદશી સુખકારી રે, કરવું વ્રત પ્રીતે નરનારી રે ॥

કૃષ્ણ જન્મદિન શિવરાતે રે, કરો ઉપવાસ ઉત્સવ ખાંતે17 રે ॥૯૭॥

કરી વ્રત સૂવું નહિ દિવસ રે, સૂવે તો વ્રત પામે તર્ત નાશ રે ॥

ભાંગે વ્રત કરે નારીસંગ રે, તેમ દિવસે સૂતે વ્રતભંગ રે ॥૯૮॥

વૈષ્ણવરાજ વલ્લભાચારજ રે, તેના સુત વિઠ્ઠલજી મહારાજ રે ॥

વ્રત ઉત્સવ કહ્યાં એણે જેમ રે, તમે કરજ્યો જન સહુ તેમ રે ॥૯૯॥

વ્રત ઉત્સવ કરવાં એવાં રે, એની રીતે કરો કૃષ્ણસેવા રે ॥

તીર્થ દ્વારિકા આદિ સુજાણ રે, કરવાં વિધિએ શક્તિ પ્રમાણ રે ॥૧૦૦॥

પોતપોતા તણી શક્તિ ભર18 રે, રાખો દયા દીનની ઉપર રે ॥

વળી વિષ્ણુ શિવ પાર્વતી રે, સૂર્યદેવ તથા ગણપતિ રે ॥૧૦૧॥

એહ પંચદેવ પ્રમાણ રે, પૂજો મારા આશ્રિત સુજાણ રે ॥

ઉપદ્રવ આવે કોઈ અંગે રે, ભૂત પ્રેત આદિ પ્રસંગે રે ॥૧૦૨॥

તેને ઇચ્છો જો ટાળવા આપ રે, કરો નારાયણકવચ જાપ રે ॥

કાં તો હનુમાન મંત્ર જપ જપીજે રે, ક્ષુદ્રદેવ મંત્ર ન પ્રતીજે19 રે ॥૧૦૩॥

થાય શશી સૂર્ય ગ્રહણ જ્યારે રે, ક્રિયા તજી દેવી સર્વ ત્યારે રે ॥

થઈ શુદ્ધ સહુ જન આપ રે, કરો શ્રીકૃષ્ણમંત્રનો જાપ રે ॥૧૦૪॥

મટે ગ્રહણ ત્યારે જઈ ન્હાવું રે, વસ્ત્રે સહિત નાહી શુદ્ધ થાવું રે ॥

ગૃહસ્થે દાન દેવું શક્તિ જેવી રે, ત્યાગીએ સુખ લેવું કૃષ્ણ સેવી20 રે ॥૧૦૫॥

ચારે વર્ણના મનુષ્ય જે કા’વે રે, જન્મ મરણ સૂતક તેને આવે રે ॥

તે તો સંબંધી સહુનું પાળો રે, શાસ્ત્રમર્યાદા કોઈ મા ટાળો રે ॥૧૦૬॥

શમ દમ ક્ષમાદિ સુંદર રે, રહો સંતોષી સહુ વિપ્રવર રે ॥

ક્ષત્રિય વર્ણે રહેવું અતિ ધીર રે, કામ પડ્યે થવું શૂરવીર રે ॥૧૦૭॥

ગાયો ધન વેપાર ખેતી વ્યાજ રે, વર્તો વૈશ્ય કરી એવું કાજ રે ॥

વિપ્ર આદિ ત્રણ વર્ણ એવા રે, વર્તો શૂદ્ર કરી તેની સેવા રે ॥૧૦૮॥

ગર્ભાધાન આદિ સંસ્કાર રે, નિત્યકર્મ શ્રાદ્ધ નિરધાર રે ॥

પોતાના ગૃહ્યસૂત્ર21 પ્રમાણ રે, કરો દ્વિજ જન તે સુજાણ રે ॥૧૦૯॥

જેવો અવસર ને જેવું ધન રે, કરવું શક્તિ પ્રમાણે એ જન રે ॥

જાણે અજાણે કરીને આપ રે, થાય નાનું મોટું કોઈ પાપ રે ॥૧૧૦॥

શ્લોક 🏠 home ગ્રંથ મહિમા શ્લોક ૧ થી ૩૯ શ્લોક ૪૦ થી ૯૨ શ્લોક ૯૩ થી ૧૨૯ શ્લોક ૧૩૦ થી ૧૬૬ શ્લોક ૧૬૭ થી ૨૧૨