share

॥ સ્વામીની વાતો ॥

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી: જીવન પરિચય

 

સૌરાષ્ટ્રમાં જામનગર જિલ્લામાં જોડિયા બંદર પાસે ભાદરા નામનું રળિયામણું ગામ છે. ગામને પાદર પવિત્ર ઊંડ નદી વહે છે. નદીને કિનારે આંબા, આંબલી, વડ, પીપળા, જાંબુ વગેરે સુંદર વૃક્ષોનું એક વન છે. એ ગામમાં ભોળાનાથ શર્મા અને સાકરબાઈ નામનું પવિત્ર બ્રાહ્મણ દંપતી રહેતું હતું. ભોળાનાથ - જેવું તેમનું નામ તેવા જ સ્વભાવે ભોળા અને ધર્મિષ્ઠ. સાકરબાઈ પણ જેવું તેમનું નામ તેવાં જ સ્વભાવે મધુર અને ભક્તિવાળાં. આ દંપતી સૌરાષ્ટ્રના પ્રખર સંત આત્માનંદ સ્વામીનાં શિષ્ય. એક વખત આત્માનંદ સ્વામીએ ભવિષ્યકથન કરતાં તેમને કહ્યું હતું, “તમારે ત્યાં તો સાક્ષાત્ અક્ષરબ્રહ્મ પુત્રરૂપે જન્મશે.”

ત્યારપછી થોડા સમયે સંવત ૧૮૪૧ના આસો સુદિ પૂનમ - શરદ પૂર્ણિમાની રાત્રે ભોળાનાથને ત્યાં તેજસ્વી પૂર્ણિમાની પૂર્ણ કાંતિ ધરાવતા એક પુત્રરત્નનો જન્મ થયો. આત્માનંદ સ્વામીના શિષ્ય રામાનંદ સ્વામીએ ભોળાનાથના આ પુત્રનું નામ ‘મૂળજી’ પાડ્યું.

બાળવયથી જ મૂળજી ભક્તના પ્રત્યેક ચરિત્રમાં દિવ્યતા છલકાતી હતી.

મૂળજી ચાર વર્ષના થયા ત્યારે એક દિવસ તેમની માતાને કહે, “મા! મા! મને દૂધ આપો ને!”

માતાએ કહ્યું, “ઊભા રહો, ઠાકોરજીને ધરાવીને હમણાં આપું છું.”

એટલે મૂળજીએ તરત કહ્યું, “અમે પીએ છીએ તે ભેળા ઠાકોરજી પણ પીએ છે,” એમ કહી મૂળજી બધું દૂધ પી ગયા. તે વખતે માતાને ઠાકોરજીના મુખારવિંદ ઉપર દૂધની આછી રેખાનાં દર્શન થયાં. મૂળજીની પરમાત્મા સાથેની આ એકતા માતાને માટે અગમ્ય હતી.

માત્ર આ એક અવસર નહીં, નિત્ય અનેક પ્રસંગોએ માતાને અને સૌને લાગતું કે મૂળજીને ભગવાનનું નિરંતર અનુસંધાન છે, ભગવાન સાથે એમને અનન્ય એકત્વભાવ છે.

એક દિવસ સવારે મૂળજીએ તેમની માતાને કહ્યું, “મા! આજે જનોઈનાં ગીત ગાઓ ને!”

આશ્ચર્યચકિત થઈને માતાએ પૂછ્યું, “કેમ? આજે શા માટે?”

મૂળજી કહે, “ઘનશ્યામ પ્રભુ પૃથ્વી પર પ્રગટ્યા છે અને આજે અયોધ્યામાં ધર્મદેવને ઘેર ઘનશ્યામ પ્રભુને જનોઈ દેવાય છે. માટે તમે જનોઈનાં ગીત ગાઓને!”

માતા સાકરબાઈ તો આ સાંભળી આશ્ચર્યચકિત થઈ ગયાં.

બાલ્યાવસ્થાથી જ તેઓની તપ-ત્યાગની રુચિ અજોડ હતી. અપ્રતિમ વૈરાગ્ય સાથે ભગવદ્‌ભક્તિના રંગે પણ તેઓ એટલા જ રંગાયેલા હતા. આથી, કોઈ કોઈ વાર મૂળજીના પિતાશ્રી મૂળજીને કહેતા, “મૂળજી! ભક્તિ તો ઘરડા થઈએ ત્યારે કરીએ. તમે તો હજુ બહુ નાના છો. માટે રમો, ખેલો, કૂદો, ખાઈ-પીને મજા કરો.”

ત્યારે મૂળજી જવાબ આપતા કે, “આપણે ક્યારે મરી જઈશું તેની ક્યાં કોઈને ખબર છે? માટે ભગવાનનું નામ બાળપણથી લેવું જોઈએ.”

માતા સાકરબાઈ ઘણી વાર મૂળજીને નાના ભાઈ સુંદરજીનું પારણું હીંચકાવવા કહેતાં ત્યારે પારણું હીંચકાવતાં હીંચકાવતાં મૂળજી કહેતા, “મા! મારે તો સાધુ થવું છે ને આ સુંદરજી પણ સાધુ થશે.”

આષાઢી વિક્રમ સંવત ૧૮૪૯માં અષાઢ સુદ દશમે પિતા ભોળાનાથે દેહત્યાગ કર્યો. તે જ દિને અયોધ્યાથી બાળવયના ભગવાન સ્વામિનારાયણે નીલકંઠ વર્ણી વેશે ગૃહત્યાગ કરી વનવિચરણ આદર્યું હતું. મૂળજી ભક્તે ત્યારે તેનું પ્રત્યક્ષ દર્શન કરતાં સૌને કહ્યું હતું, “આજે પિતા ધામમાં ગયા અને ધામના ધણી વનમાં પધાર્યા.”

આષાઢી વિક્રમ સંવત ૧૮૪૯માં જેઠ સુદિ પાંચમે મૂળજીને યજ્ઞોપવીત અપાઈ. તે વખતે બ્રાહ્મણે પૂછ્યું, “કાશીએ ન ગયા?”

ત્યારે મૂળજીએ કહ્યું હતું, “કોટિ કાશી જેનાં ચરણમાં રહે છે તે પ્રભુ થોડા દિવસમાં અહીં પધારશે.”

આમ, હસ્તામલકવત્ શ્રીહરિની મૂર્તિનું નિરંતર દર્શન-અનુસંધાન તેમને સહજ હતું.

ગૃહત્યાગ બાદ નીલકંઠ વર્ણી તરીકે વિચરતા ભગવાન સ્વામિનારાયણને આષાઢી વિક્રમ સંવત ૧૮૫૮માં રામાનંદ સ્વામીએ પીપલાણામાં દીક્ષા આપી ત્યારે તેમની સાથે મૂળજીનો સર્વ પ્રથમ વખત મેળાપ થયો. પ્રથમ મેળાપમાં જ બ્રહ્મ-પરબ્રહ્મની એ યુગલ જોડીનું સંધાન થઈ ગયું હતું.

ત્યારપછી આષાઢી વિક્રમ સંવત ૧૮૬૦ અને ૧૮૬૪માં ભગવાન સ્વામિનારાયણ ભાદરા પધાર્યા ત્યારે સૌને પ્રસંગે પ્રસંગે મૂળજી ભક્તનો અપાર મહિમા સમજાવતાં કહ્યું હતું, “આ મૂળજી તો અમારા સાક્ષાત્ અક્ષરધામનો અવતાર છે, અમારા અનન્ય સેવક છે.”

શ્રીહરિના અહીંના આ નિવાસ દરમ્યાન ભાદરાના હરિભક્તોએ શ્રીજીમહારાજને જમાડવાના વારા કર્યા હતા. એક વખત મૂળજીને ત્યાં શ્રીહરિ જમવા પધાર્યા ત્યારે સાકરબાએ તેમને કહ્યું, “હે મહારાજ! આ મૂળજી તો અખંડ તમને જ જોયા કરે છે અને તમ વિના બીજા કોઈની સામું જોતા પણ નથી.”

તે સાંભળી મંદ મંદ હસતાં શ્રીહરિએ કહ્યું, “મા! આ મૂળજી જે તમારા પુત્ર રૂપે પ્રગટ થયા છે, તે તો અમારે રહેવાનું અક્ષરધામ સાક્ષાત્ છે. વેદો અને શાસ્ત્રોમાં જેને બ્રહ્મ કહ્યા છે એ જ આ મૂળજી છે. એ તો તમારા ગર્ભમાં આવ્યા પહેલાં, ગર્ભમાં આવ્યા ત્યારે અને હમણાં પણ અમારી મૂર્તિને ત્રણે અવસ્થામાં તૈલધારાવત્ અખંડ દેખે છે. અમારી મૂર્તિને એ ધારી રહ્યા છે. મનુષ્યોને તો ઠીક, પણ મોટા મોટા દેવોને પણ એ પ્રાપ્ત થવા દુર્લભ છે.”

ભાદરાના સૌ હરિભક્તોને પણ શ્રીહરિના આ વચનમાં દૃઢ પ્રતીતિ હતી, કારણ કે મૂળજીનું જીવન એવું અધ્યાત્મમય અને જગતથી નિર્લેપ હતું. ખેતીનું જરૂરી વ્યાવહારિક કાર્ય કરી તુરત જ મૂળજી ભક્ત પ્રભુભક્તિમાં રત થઈ જતા. કથાવાર્તા કરવા-સાંભળવાનો તો અનન્ય ઉત્સાહ. કામકાજથી પરવારી રોજ રાત્રે તેઓ ભાદરાથી લગભગ સાત ગાઉ ચાલી એક મહાદેવની દેરીએ જતા. અહીં શેખપાટથી લગભગ આટલી જ મજલ કાપીને લાલજી સુથાર (પાછળથી સદ્‌ગુરુ નિષ્કુળાનંદ સ્વામી) પણ ત્યાં આવતા. બંને ભેગા મળી પરોઢિયા સુધી સતત સત્સંગ-ભક્તિનો આનંદ લૂંટતા.

સંસારથી સદા અસંગી મૂળજી ભક્ત ગૃહત્યાગ માટે શ્રીહરિના દિવ્ય આદેશની જાણે પ્રતીક્ષા કરતા હતા અને એ અવસર આવી ગયો.

એક દિવસ ખેતરમાં શેરડીના વાઢમાં મૂળજી કામ કરતા હતા, ત્યાં શ્રીજીમહારાજે દર્શન દીધાં અને કહ્યું, “આ જગતમાં બ્રહ્મતેજ તો સુકાઈ ગયું છે, હવે ચાલી નીકળો.”

અને તે જ ક્ષણે તેમણે ગૃહત્યાગ કર્યો, ભગવાનની સેવામાં ચાલી નીકળ્યા.

થોડા વખત પછી આષાઢી વિક્રમ સંવત ૧૮૬૬માં પોષ સુદ ૧૫ને દિવસે શ્રીજીમહારાજે ડભાણમાં મહાયજ્ઞ કરીને મૂળજી ભક્તને સાધુની દીક્ષા આપી, ‘ગુણાતીતાનંદ સ્વામી’ નામ પાડ્યું અને સૌ સભાજનોને જણાવ્યું કે, “આ મૂળજી શર્મા એ અનંત કોટિ મુક્તો સહિત અમને ધારી રહેલ સાક્ષાત્ અક્ષરધામ છે. તેને દીક્ષા આપતાં અમને ખૂબ આનંદ થાય છે.”

સાધુ થયા પછી તેમનાં તપ-વૈરાગ્ય-ભક્તિ, આજ્ઞાપાલનમાં તત્પરતા વગેરે અનેક સદ્‌ગુણોથી પાંચસો પરમહંસોમાં તેમનું સ્થાન અદ્વિતીય બની રહ્યું. દિવસે-દિવસે સદ્‌ગુણોના સાગર સમી તેઓની ગુણાતીત પ્રતિભાનો સૌને વિશેષ અનુભવ થતો ગયો. શ્રીજીકથિત પંચવર્તમાન - નિષ્કામ, નિર્લોભ, નિઃસ્વાદ, નિઃસ્નેહ, નિર્માનમાં તેઓ મેરુસમ અડગ હતા. સુરતની બજારમાં દિવસો સુધી ઝોળી માગવા છતાં તેઓને સ્ત્રી-દર્શનના પ્રાયશ્ચિત્તરૂપે કરવો પડતો ઉપવાસ લાગ્યો નહોતો, એવો તેમનો દૃષ્ટિનો સંયમ હતો!

પંચવ્રતે પૂરા શૂરા તેઓની શ્રીજીમહારાજ પ્રત્યેની પરાભક્તિ પણ અનન્ય હતી. એક વખત વરતાલમાં અઢાર માંદા સાધુઓની ગોદડીઓ ધોઈને, તેને ખભા પર નાખીને તેઓ આવી રહ્યા હતા. ત્યારે તેમને જોતાં જ શ્રીહરિને શરીરે એકદમ ખૂબ પરસેવો વળ્યો ને તેઓએ ભગુજીને કહ્યું, “આ સાધુના ખભા પર ભાર છે, તે ભાર મને લાગે છે. માટે એ ગોદડીઓ ઉતારો ત્યારે મને શાંતિ થશે.” પછી ભગુજીએ તેમ કર્યું ત્યારે શ્રીહરિને ઠીક લાગ્યું.

ત્યારબાદ મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વગેરે પરમહંસોને સ્વામીનો મહિમા કહેતાં તેમણે કહ્યું, “જેમ સાણસામાં સાપ પકડ્યો હોય, તેમ આ ગુણાતીતાનંદ સ્વામીએ ત્રણેય અવસ્થામાં પોતાના આત્માને વિશે અમારી મૂર્તિને અખંડ પકડી છે; અને આજ જેટલા માણસ અમારી કેડે ફરે છે, તેટલા માણસ તેમની કેડે ફરશે; અને તે અમારે રહેવાનું સાક્ષાત્ અક્ષરધામ છે.

આવા અનેક પ્રસંગોએ સૌએ શ્રીહરિના મુખેથી આ મહાન સંતનો મહિમા સાંભળ્યો હતો.

આષાઢી વિક્રમ સંવત ૧૮૬૮માં સારંગપુરમાં રાઠોડ ધાધલને ત્યાં હુતાશનીનો સમૈયો કરીને રાસોત્સવ ખેલતાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને કહ્યું હતું:

‘કોટિ કૃષ્ણ જોડે હાથ, કોટિ વિષ્ણુ નમે માથ;

કોટિ બ્રહ્મા કથે જ્ઞાન, કોટિ શિવ ધરે ધ્યાન,

સદ્‌ગુરુ ખેલે વસંત...’

એવા સદ્‌ગુરુ તો આ ગુણાતીતાનંદ સ્વામી છે, તે મૂળ અક્ષર છે અને અમે તો પુરુષોત્તમ નારાયણ છીએ.”

એક પ્રસંગે વડતાલમાં સભામાં શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું હતું, “સ્વામી! આ ગુણાતીતાનંદ સ્વામી તો અનાદિના મોટા છે. માતાના ગર્ભમાં આવતાં પહેલાં, ગર્ભમાં આવ્યા ત્યારે અને અત્યારે નિરંતર અમારી મૂર્તિ ધારી રહ્યા છે.”

શ્રીહરિની મૂર્તિને રોમેરોમમાં અખંડ ધારવાની આ પરાભક્તિ, સ્વામીની અનન્ય વિલક્ષણતા હતી. તેઓ કહેતા, “જેમ માછલું જળમાં હાલે-ચાલે બધી ક્રિયા કરે ને જળનો વિયોગ થાય તો તરફડીને મરે, તેમ ક્ષણ વાર જો અમારે મૂર્તિ ભુલાય તો તાળવું ફાટી જાય!”

આવી અનન્ય અને અખંડ પ્રીતિ તેમને શ્રીહરિ સાથે સહજ હતી.

આષાઢી વિક્રમ સંવત ૧૮૮૪માં ભગવાન સ્વામિનારાયણે જૂનાગઢમાં મંદિર કરી મૂર્તિપ્રતિષ્ઠા કરી, ત્યારે ગુણાતીતાનંદ સ્વામીને આ મંદિરના મહંતપદે નિયુક્ત કરીને સૌને સંબોધતાં કહ્યું હતું, “આ મંદિરના મહંત સદ્‌ગુરુ શ્રીગુણાતીતાનંદ સ્વામી અમારા અક્ષરધામનો અવતાર છે. તેમનો સંબંધ જો મન, કર્મ, વચને રાખશો તો બ્રહ્મરૂપ થઈ અક્ષરધામના અધિકારી થશો. સૌ સદ્‌ગુરુઓ, સંતો અને સમગ્ર સત્સંગના તમામ હરિભક્તોને અમે આજ્ઞા કરીએ છીએ કે દર વર્ષે એક માસ આ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવા માટે અહીં જૂનાગઢ આવવું. અહીં સ્વામીનો સમાગમ કરવા જે આવશે તેની કરોડ જન્મની કસર હું એક જન્મમાં ટાળી નાખીશ.”

એટલું કહીને પછી સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામીને કહ્યું હતું, “સ્વામી! તમારે પણ દર વરસે એક માસ અહીં આવીને તેમનો સમાગમ કરવો અને કદાચ એક વરસ ન અવાયું તો બીજે વરસે આવીને એક સામટા બે માસ રોકાવું.”

આષાઢી વિક્રમ સંવત ૧૮૮૬માં શ્રીહરિએ સ્વધામ પધારવા સંકલ્પ કર્યો. શ્રીહરિએ ઘેરો મંદવાડ ગ્રહણ કર્યો. કોઈનેય મળવાની તેમણે અનિચ્છા વ્યક્ત કરી દીધી. એ અંતિમ અવસ્થામાં તેઓ માત્ર ગુણાતીતાનંદ સ્વામીને મળવા ઝંખી રહ્યા હતા અને સ્વામીને ખાસ જૂનાગઢથી ગઢપુર બોલાવ્યા હતા. સ્વામી ગઢપુર પહોંચ્યા, ત્યારે તેમને મળતાં ભાવવિભોર થઈને શ્રીહરિ કીર્તન ગાવા લાગ્યા:

“મીઠા વહાલા કેમ વિસરો મારું, તમથી બાંધેલ તન હો,

તરસ્યાને જેમ પાણીડું વહાલું, ભૂખ્યાને ભોજન હો.”

આ શબ્દો સાથે શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામી સાથેની પોતાની અનન્ય એકતાનો પરિચય આપીને થોડા જ દિવસોમાં આષાઢી વિક્રમ સંવત ૧૮૮૬, જેઠ સુદ ૧૦ના દિને સ્વતંત્ર થકા દેહત્યાગ કરી દીધો.

શ્રીહરિની ઉત્તરક્રિયા બાદ વિરહભીના સ્વામી ગઢપુરમાં લક્ષ્મીવાડીએ ચાલ્યા આવતા હતા ત્યાં ધોરિયાના કાંઠા ઉપર કોમળ લીલી ધ્રો જોઈ તેઓને વિચાર થયો, “આ ધ્રોનું જીવન જળ છે, તેમ આપણું જીવન તો મહારાજ હતા. તે તો ગયા!” આ વિચાર આવતાં જ તેઓ મૂર્છાવશ થઈ પૃથ્વી પર ઢળી પડ્યા. તે જ ક્ષણે દિવ્ય દેહે પ્રગટ થઈ શ્રીહરિએ સ્વામીને જાગ્રત કર્યા ને કહ્યું, “સ્વામી! આ શું? હું ક્યાં ગયો છું? હું તો તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું!” એમ કહી તેઓ અંતર્ધાન થઈ ગયા.

શ્રીહરિનું આ વચન સમસ્ત વિશ્વ પર એક વરદાનરૂપ બની રહ્યું. ગુણાતીત સંત દ્વારા એમના અખંડ પ્રગટપણાનું એ વરદાન હતું. ગુણાતીતાનંદ સ્વામી એ વરદાનના પ્રથમ વાહક હતા.

શ્રીહરિના પ્રગટ સ્વરૂપ તરીકે અનેક ભક્તોનાં હૈયે તેમણે દિવ્ય સુખ આપ્યું.

શ્રીજીમહારાજે જૂનાગઢના મહંતપદે સ્વામીને નિયુક્ત કર્યા હતા ત્યારે સોરઠ દેશના હરિભક્તોને કહ્યું હતું, “અમે આ સોરઠ દેશને અમારું સુખ આપી શક્યા નથી, તે અમારું સુખ ગુણાતીતાનંદ સ્વામી આપશે. તે અમારું સાક્ષાત્ અક્ષરધામ છે. તે અમે તમને બક્ષિસ આપીએ છીએ.”

અને સાચે જ, શ્રીહરિના અંતર્ધાન થયા બાદ ગુણાતીતાનંદ સ્વામીએ અહોરાત્ર કથાવાર્તા-સત્સંગની એવી ઝડી વરસાવી કે સૌનાં હૈયે દૃઢ અનુભૂતિ થતી હતી, “શ્રીહરિ અંતર્ધાન થયા જ નથી.” શ્રીજીમહારાજના સાંનિધ્યમાં જેવો દિવ્ય આનંદ અને ભક્તિભાવનો હિલોળ હતો, તેવો જ સૌને સ્વામીના સાંનિધ્યમાં અનુભવાતો. એ દિવ્ય અનુભવ તેમના દ્વારા શ્રીહરિ પ્રગટ બિરાજતા હતા તેની દૃઢ પ્રતીતિ કરાવતો હતો.

જૂનાગઢના મહંતપદે રહીને તેમણે વ્યવહાર અને આધ્યાત્મિકતાના સુમેળનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ સદાને માટે પૂરું પાડ્યું. ચાલીસ-ચાલીસ વર્ષ સુધી જૂનાગઢ મંદિરના મહંતપદે રહેવા છતાં તેઓ સંપૂર્ણ નિર્લેપ રહ્યા. નાની-શી વસ્તુનો સંગ્રહ પણ તેઓની ઝોળીમાં થયો નહોતો. મોટા મંદિરના મહંત છતાં કાયમ તેઓ રોટલો ને છાશ જ જમતા. સારા પદાર્થોમાં તેઓને સહજ વૈરાગ્ય હતો. મહંત થઈને પણ તેઓ મંદિરનો ચોક નિત્ય વાળવાની સેવા કરતા.

તેઓની બ્રહ્મચર્યવ્રતની દૃઢતા જોઈ જૂનાગઢના નાગર બ્રાહ્મણો ઘણી વાર કહેતા કે, “સ્વામી! આપનું બ્રહ્મચર્ય જોઈ અમારાં કાળજાં તૂટી જાય છે.”

ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના જીવનકાળ દરમ્યાન સોરઠમાં ખૂબ સત્સંગ વિકાસ કર્યો. સોરઠ પ્રદેશમાં ગામોગામ તેઓ વર્ષમાં ફરી વળતા; જીવનના અંત સુધી તેમણે ૮૨ વર્ષ સુધી પધરામણીઓ કરી; હરિભક્તોનાં અનાજને પણ ઓળખે તેટલી આત્મીયતા ભક્તો સાથે કેળવી; અનેક વિકટ પરિસ્થિતિઓમાં જૂનાગઢના મંદિરનો વિકાસ કર્યો; મંદિરની સઘળી પ્રવૃતિઓ સતત ચાલીસ ચાલીસ વર્ષ સુધી ચલાવી... આટલા પ્રવૃત્તિશીલ રહ્યા છતાં તેઓ શ્રીજીમહારાજની મૂર્તિમાં અહોરાત્ર સ્થિર હતા. તેઓ કહેતા, “અમારે તો હજારો ક્રિયા કરાવવી પડે પણ આંખ મીંચીને ઉઘાડીએ એટલી પળ જો ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય... જેમ માછલું છે તે જળમાં હાલેચાલે ને ક્રીડા કરે છે, તેમ અમે બોલીએ-ચાલીએ ને ક્રિયા કરીએ, પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં.”

સ્વામીની ગુણગાથા ગાતાં સદ્‌ગુરુ ગોપાળાનંદ સ્વામી પણ એક વાર ગઢડામાં બોલી ઊઠ્યા હતા કે, “મહારાજે જુદા જુદા મંદિરના મહંત નીમ્યા, પણ ખરો વહેવાર તો જૂનાગઢના મહંત ગુણાતીતાનંદ સ્વામીને આવડ્યો કહેવાય. કેમ જે, એમણે નાગરોની આટલી ઉપાધિમાં પણ મંદિર પૂરું કર્યું, મંદિરનો વહેવાર સુધાર્યો, આખા સોરઠ દેશમાં સત્સંગ ફેલાવ્યો, સાધુઓને ધર્મ-નિયમમાં વર્તાવ્યા, સાથે સાથે અખંડ કથાવાર્તા કરીને એક ક્ષણ પણ મહારાજની મૂર્તિને ભૂલ્યા નથી. માટે એવા સદ્‌ગુરુ તો આખા સત્સંગમાં નથી. એ તો સર્વજ્ઞ છે, સર્વદક્ષ છે, ધન્વંતર વૈદ્ય છે.”

શ્રીહરિએ ગુણાતીતાનંદ સ્વામીને આજ્ઞા કરી હતી કે, “તમારે વાતું કરવી.” એ આજ્ઞાને શિરોધાર્ય ગણીને સ્વામીએ ચાલીસ-ચાલીસ વર્ષો સુધી વેદો-ઉપનિષદોના બ્રહ્મ-પરબ્રહ્મના પડછંદા સર્વત્ર ગુંજાવ્યા હતા. સદ્‌ગુરુ નિત્યાનંદ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને અહોરાત્ર ‘વાતું’ કરતાં જોઈને બોલી ઊઠ્યા હતા, “અહોહો! સ્વામી કેટલા બળથી ઉપદેશ કરે છે! આવું બીજાથી ન બોલાય. પંડનું વર્તન સારું ન હોય તો શું બોલી શકે? અને કદાચ બોલે તો કોઈને ભાર ન પડે. સ્વામીનું તો વર્તન તેવી જ વાણી... આખો સોરઠ ધ્રુજાવી દીધો છે.”

આચાર્ય વિહારીલાલજી મહારાજ લખે છે:

‘સ્વરૂપે તો પોતે ત્રિગુણ પર વૃત્તિ ધરિ રહે,

કરે વાર્તા એવી સુણિ કદિ નહીં સંશય રહે;

જુઓ જીતી જેણે મન્મથ અમર્ષાદિક ચમૂ,

ગુણાતીતાનંદં સકળગુણકંદં નમું નમું’

પુરુષોત્તમચરિત્રમાં અભયસિંહજી લખે છે:

‘વંદુ ગુણાતીતાનંદ સ્વામી, જેહિ પર રીઝે અંતજામી;

ભગવદ્‌વાર્તા સતત કરહી, ધ્યાન ધર્મનંદન કો ધરહી.’

અચિંત્યાનંદ બ્રહ્મચારી લખે છે:

‘यदुक्तां सद्वार्तां भवभयहरां श्रोतुमनिशम्

समायन् सद्व्राता बहुजनपदेभ्यो हरिजनाः ।

मराला भूयांसः समुदमिव सन्मानससरो

गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम् ॥’

અર્થાત ‘જેમ હંસોનાં ટોળેટોળાં અતિ આનંદ સાથે ઉત્તમ માનસ સરોવર પર કાયમ આવ્યાં કરે છે, તેમ સંસારનો ભય હરનારી જેમણે કહેલી શ્રેષ્ઠ વાતો સાંભળવા સજ્જનોના સમુદાયો, અનેક દેશોમાંથી જેમની સમીપે નિરંતર હર્ષપૂર્વક આવ્યા કરતા હતા, તે મુનિવર શ્રીગુણાતીતાનંદ સ્વામીને હું નિત્ય નમન કરું છું.’

શ્રીહરિની પરાવાણીને જેમણે મન ભરીને માણેલી તેવા સદ્‌ગુરુ શુકાનંદ સ્વામી પણ એક વાર બોલી ઊઠ્યા હતા, “ગુણાતીતાનંદ સ્વામીની વાતોથી મહારાજની વાતો જેટલો સમાસ થાય છે.”

કેવળ શ્રીજીમહારાજની મૂર્તિમાં જ વૃત્તિ પરોવીને સ્વામીએ પોતાની વાતો દ્વારા અનુભવનો જે અમૃતલાભ વહેંચ્યો છે, તેનાં મૂલ્ય અમૂલ્ય છે. આધ્યાત્મિક જગતમાં, વચનામૃત પછી, સાધક કે મુમુક્ષુ માટે માર્ગદર્શન આપતી આટલી સચોટ અને અનુભવસિદ્ધ વાણી ક્યાંય ઉપલબ્ધ નથી થઈ.

ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસનાના ઉદ્‌ગાતા સ્વામીએ સર્વોપરી વાતો કરવામાં દિવસ-રાત જોયાં નહીં. સ્વામીનાં તાતાં તીર જેવા પ્રત્યેક શબ્દને આચરણની ધાર હતી, એટલે જ તે વાતો પળમાં અનેકના અનંત સંશયો ભેદી શકતી, નિર્મળ કરી શકતી. સ્વામીએ જ સ્વયં પોતાની ‘વાતું’ની ઓળખ આપતાં કહ્યું છે, “આ વાતુમાંથી તો બ્રહ્મરૂપ થવાશે ને બાળ, જોબન ને વૃદ્ધ એ ત્રણ પ્રકારની ત્રિયું ને કચરો ને કંચન એ સર્વે સરખું થઈ જાશે ને કાંઈ દીઠું નહીં ગમે એવું થાશે...’ (૧/૩૩)

અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની આ વાણી ‘સ્વામીની વાતો’ તરીકે આજે સમગ્ર સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે, જે શાશ્વત કાળ સુધી વિશ્વના કરોડો લોકો માટે શાશ્વત શાંતિનો રાજમાર્ગ બની રહેશે!

 

સ્વધામગમન

ગુણાતીતાનંદ સ્વામીએ ચાલીસ વર્ષ સુધી જૂનાગઢના મંદિરમાં રહી શ્રીહરિના અલૌકિક મહિમા અને પ્રતાપની વાતોની ઝડી વરસાવી, સમગ્ર સત્સંગ સમુદાયમાં સર્વોપરિ નિષ્ઠા અને સર્વોત્તમ વર્તનની સોડમ પ્રસરાવી દીધી. અનેકને બ્રહ્મવિદ્યા ભણાવીને ૮૨ વર્ષની વયે તેમણે અંતર્ધાન થવાનો સંકલ્પ કર્યો.

આષાઢી વિક્રમ સંવત ૧૯૨૪ના ભાદરવા વદિ ત્રીજને દિવસ, સવારના પહોરમાં પોતાને હાથે સર્વ સંતને તથા સર્વ હરિજનને કાકડીની પ્રસાદી આપીને તેમણે જૂનાગઢથી વિદાય લીધી ત્યારે તેઓ સહજતાથી આર્ષવાણી ઉચ્ચારતાં બોલ્યા હતા, “ચાલીસ વર્ષ, ચાર મહિના ને ચાર દિવસ આ મંદિરમાં રહ્યા. હવે ફરવા જઈએ છીએ; તે હવે સત્સંગમાં ફરશું અને મહુવા જઈને રહીશું.” મહુવાના પ્રાગજી ભક્ત દ્વારા પ્રગટ રહેવાનો તેમાં નિર્દેશ હતો.

વિચરણ કરતાં કરતાં આષાઢી વિક્રમ સંવત ૧૯૨૪ના આસો સુદિ નવમીને દિવસે સવારમાં તેઓ ગોંડલ મંદિરમાં પધાર્યા. આસો સુદિ ૧૩ને ગુરુવારની રાત્રિએ બાર ઉપર પોણા કલાકે સ્વામી સ્વસ્તિક આસન વાળીને ભગવાનનું ધ્યાન ધરવા બેઠા. ધ્યાન કરતાં બાર ઉપર પોણો કલાક થયો, તે વખતે અક્ષરધામમાંથી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અસંખ્ય મુક્તો લઈને સ્વામીને તેડવા પધાર્યા. એટલે સ્વામી આ લોકમાંથી દેહત્યાગ કરીને અંતર્ધાન થઈ ગયા.1

ગુણાતીત ગુરુપરંપરા દ્વારા પરબ્રહ્મ પરમાત્માની આ પૃથ્વી પર સદા પ્રગટ અનુભૂતિ કરાવવાનું અભયદાન આપનાર ગુણાતીતાનંદ સ્વામી, સંપ્રદાયના આદિ ગુણાતીત ગુરુ તરીકે અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના અનન્ય આદર્શ બની રહ્યા છે.

તેમની અનુગામી ગુણાતીત પરંપરામાં બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત, બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ, બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પછી વર્તમાનકાળે પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એ ગુણાતીત ધુરાને શોભાવી રહ્યા છે.

1. સ્વામીના દેહને અગ્નિસંસ્કાર કરેલી જગ્યા ઉપર આષાઢી વિક્રમ સંવત ૧૯૨૪માં શ્રીજીમહારાજનાં ચરણારવિંદ પધરાવીને તે ઉપર વિમાન આકારની સુંદર છત્રી કરાવી હતી. ‘અક્ષર દેરી’ તરીકે પ્રસિદ્ધ આ સ્થાન પર વિક્રમ સંવત ૧૯૮૮માં બ્રહ્મસ્વરૂપ સ્વામીશ્રી શાસ્ત્રીજી મહારાજે સુંદર મંદિર બંધાવ્યું છે. તે આજે ‘અક્ષર મંદિર’ તરીકે પ્રસિદ્ધ છે.

Vat Selection

sort Prakarans Categories
Go to: arrow_circle_right
loading