TEXT OPTIONS
AUDIO OPTIONS
Show audio player
Auto play audio
Auto advance audio
Auto scroll to audio
Auto advance to next page
॥ સ્વામીની વાતો ॥
અચિન્ત્યાનન્દવર્ણિવિરચિતમ્
શ્રીગુણાતીતાનન્દ-મહિમ્નસ્તોત્રમ્
યદ્રોમવિવરે લીના અંડાનાં કોટ્યઃ પૃથક્ ।
તદક્ષરં ગુણાતીતં ગુણાતીતં નમામ્યહમ્ ॥૧॥
અર્થ: જેમના એક એક રોમછિદ્રમાં કરોડો બ્રહ્માંડો અલગ અલગ રહ્યાં છે અને સત્ત્વ, રજસ્ તથા તમસ્ એ ત્રણ ગુણોથી જે રહિત છે, અર્થાત્ જે સર્વકાળ ત્રણ ગુણોથી પર છે, તે મૂળ અક્ષરમૂર્તિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર નમસ્કાર કરું છું. ॥૧॥
મહાધ્યાનાભ્યાસં વિદધતમજસ્રં ભગવતઃ
પવિત્રે સંપ્રાપ્તં સ્થિતિમતિવરૈકાન્તિકવૃષે ।
સદાનન્દં સારં પરમહરિવાર્તાવ્યસનિનં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૨॥
અર્થ: નિરંતર ભગવાનનું ધ્યાન કરવાનો જેમને અભ્યાસ છે; અતિશય શ્રેષ્ઠ અને પવિત્ર એકાંતિક ધર્મમાં જેમની સારી રીતે દૃઢ સ્થિતિ છે; સર્વકાળ બ્રહ્માનંદનો જેમને અનુભવ છે, છતાં શ્રીહરિની સર્વોત્તમ વાર્તાઓ કરવાનું જ જેમને વ્યસન છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિત્ય સ્તુતિ કરું છું. ॥૨॥
પરં માયોપાધેર્વિશદહૃદયે સ્વે પ્રતિદિનં
નિજાત્માનં શાન્તસ્ફુરદુરુમહોમણ્ડલવૃતમ્ ।
પ્રપશ્યન્તં શુદ્ધાક્ષરમતિતરાનન્દનિલયં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૩॥
અર્થ: પોતાના અતિશય નિર્મળ હૃદયમાં, માયારૂપ ઉપાધિથી પર અને પ્રકાશમાન મોટા તેજના મંડળની વચ્ચે રહેલા એવા પોતાના શાંત આત્માનો જેમને નિરંતર સાક્ષાત્કાર છે અને સર્વોત્કૃષ્ટ પરમાનંદનું જે પરમ આશ્રયસ્થાન છે, તે શુદ્ધ અર્થાત્ મૂળ અક્ષરમૂર્તિ મુનિશ્રેષ્ઠ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિત્ય નમું છું. ॥૩॥
શુભાવિર્ભાવાનાં સ્વહૃદિ સહજાનન્દમનિશં
નિદાનં પશ્યન્તં પ્રકૃતિપુરુષાદેરધિપતિમ્ ।
હરિં તૈલાસારપ્રતિનિભમથાગ્રે નિજદ્રશો -
ર્ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૪॥
અર્થ: જે પ્રકૃતિ તથા પુરુષ આદિના અધિપતિ છે અને સર્વે ઉત્તમ અવતારોના આદિ કારણ છે; તે ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને નિરંતર પોતાની બન્ને ચક્ષુની સન્મુખ તેલની અસ્ખલિત ધારાની પેઠે અખંડ જોયા કરે છે એટલે જેમને શ્રીહરિનો અખંડ સાક્ષાત્કાર રહે છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર વંદન કરું છું. ॥૪॥
હરિર્યસ્યોદારપ્રણયરશનાબદ્ધચરણો
યતો નૈતિ પ્રેષ્ઠાત્ ક્વચિદપિ પૃથગ્ભાવમજિતઃ ।
યથા શબ્દાદર્થો નિજવિમલચિત્તાદપિ વિયત્
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૫॥
અર્થ: ભગવાન શ્રીહરિ તો અજિત – ક્યાંય કદી જિતાયા નથી કે કોઈને કદી વશ થયા નથી, છતાં જે ગુણાતીતાનંદ સ્વામીના સર્વશ્રેષ્ઠ પ્રેમપાશથી અત્યંત સ્નેહરૂપી દોરડી વડે તે શ્રીહરિનાં ચરણો સર્વ તરફથી બંધાયેલ રહે છે અને એ જ કારણે શબ્દથી જેમ અર્થ છૂટો પડતો નથી અથવા નિર્મળ ચિત્તથી આકાશ જેમ અલગ થતું નથી, તે જ પ્રમાણે તે શ્રીહરિ - ભગવાન શ્રી સહજાનંદ સ્વામી - પોતાને અતિશય પ્રિય એવા શ્રી ગુણાતીતાનંદ સ્વામીથી કદી કોઈ કાળે પણ અલગ સ્થિતિ કે વિખૂટાપણું પામતા નથી, સર્વકાળે તેમની સમીપે જ રહે છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું સર્વકાળે નમું છું. ॥૫॥
સ્થિતો માતુર્ગર્ભે હરિમવિરતં યોઽક્ષરપરં
ચિદાનન્દાકારં લલિતવસનાલઙ્કૃતિધરમ્ ।
અપશ્યત્પુણ્યાક્ષં વિધુમિવ ચકોરઃ શુચિરુચિં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૬॥
અર્થ: શ્રી ગુણાતીતાનંદ સ્વામી જ્યારે માતાના ગર્ભમાં હતા, ત્યારે પણ ચકોર જેમ ચંદ્રને જુએ છે, તેમ અક્ષરથી પર, સચ્ચિદાનંદસ્વરૂપ અને સુંદર વસ્ત્રાલંકાર ધારણ કરતા શ્રીહરિનાં અવિછિન્ન-અખંડ દર્શન કર્યા કરતા હતા; તે જ કારણે જેમનાં નેત્રો અથવા જેમની સર્વ ઇન્દ્રિયો પવિત્ર જ રહે છે, તે ઉજ્જવળ કાન્તિવાળા મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિરંતર સ્તવું છું. ॥૬॥
અનાકૃષ્ટાત્મા યો ભુવનવિષયૈરપ્યતિવરૈ -
રલિપ્તત્વેનાસ્થાદિહ મતિમુષસ્તાનધિગતઃ ।
યથા વાયુશ્ચાભ્રં વડવદહનો વાર્ધિનિલયો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૭॥
અર્થ: ત્રિલોકના અતિ શ્રેષ્ઠ વિષયોથી પણ જેમનું ચિત્ત આકર્ષાયું નથી અને વાયુ જેમ આકાશમાં નિર્લેપ જ રહે છે અથવા સમુદ્રનો અગ્નિ-વડવાનલ તે સમુદ્રમાં જ રહ્યો છે, છતાં તે સમુદ્રના જળથી સર્વકાળ નિર્લેપ જ રહે છે, તેમ બુદ્ધિને મોહ પમાડે તેવા એ શ્રેષ્ઠ વિષયોને જેમણે પ્રાપ્ત કર્યા છે, છતાં તે વિષયોથી જે લિપ્ત થયા વિના જ - એ વિષયોની વચ્ચે પણ જે નિર્લેપ જ રહે છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીના નિરંતર હું ગુણાનુવાદ ગાઉં છું. ॥૭॥
જનૌઘેષ્વેકાન્તં વૃષમખિલદોષાર્તિશમનં
સુભદ્રં સચ્છાસ્ત્રપ્રતિભણિતનિર્વાણસરણીમ્ ।
તતાનાતિપ્રેષ્ઠં પુરુકરુણયા મોહદલનં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૮॥
અર્થ: જે એકાંતિક ધર્મ સમગ્ર દોષોને તથા દુઃખોને શમાવનાર, અત્યંત કલ્યાણકારી તથા સત્શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા મોક્ષના એકમાત્ર માર્ગરૂપ છે, તે આત્મપ્રિય તથા મોહનાશક એકાંતિક ધર્મનો જેમણે લોકોના અનેક સમૂહમાં ઘણી જ દયાથી પ્રચાર કર્યો છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિત્ય સ્તવું છું. ॥૮॥
સ્ફુરત્સ્ફારજ્ઞાનામૃતવિપુલવૃષ્ટ્યાતિસુખદો
દુરાપૈર્યુક્તો યઃ શ્રુતિનિગદિતૈઃ સદ્ગુણગણૈઃ ।
વિધું નિન્યે લજ્જાં જનવિવિધતાપોપશમને
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૯॥
અર્થ: અતિશય પ્રકાશમાન અને વિશાળ જ્ઞાનરૂપ અમૃતની પુષ્કળ વૃષ્ટિ કરીને (લોકોને) જે અત્યંત સુખ આપી રહ્યા છે. વેદોમાં વર્ણવેલા દુર્લભ સદ્ગુણોના સમુદાયોથી જે યુક્ત છે અને લોકોના વિવિધ સંતાપોને શમાવવામાં ચંદ્રને પણ જેમણે શરમાવ્યો છે - ચંદ્રમા કરતાં અતિ અધિક શાન્તિને જે આપે છે, તે મહામુનિ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું. ॥૯॥
જનાજ્ઞાનધ્વાન્તક્ષપણકરણાત્તીક્ષ્ણકિરણં
હ્રિયં નિન્યે સ્વેક્ષાદુરિતદલનો યો મૃદુમનાઃ ।
મહૈશ્વર્યૈર્યુક્તો હરિપરતરાનુગ્રહતયા
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૦॥
અર્થ: જેણે લોકોના અજ્ઞાનરૂપ અંધકારનો નાશ કરી સૂર્યને શરમાવ્યો છે, જેમણે પોતાનાં કેવળ દર્શનમાત્રથી જ લોકોનાં પાપોનો નાશ કર્યો છે, શ્રીહરિના સર્વોત્કૃષ્ટ અનુગ્રહને લીધે જે મોટાં ઐશ્વર્યોથી યુક્ત છે, છતાં જેમનું મન અતિશય કોમળ છે, અહંકારથી રહિત જ છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિત્ય સ્તુતિ કરું છું. ॥૧૦॥
પ્રસંગં યસ્યૈત્યાજગતિ નનુ જાતા જનગણા
બૃહદ્રૂપા ભૂપા હરિપુરુતરધ્યાનનિરતાઃ ।
વિરક્તા રાજ્યાદૌ શુભગુણયુતાશ્ચાતિસુખિનો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૧॥
અર્થ: જેમના પ્રસંગમાં આવી જગતની સર્વ બાજુના અનેક લોકોના સમુદાયો, સર્વાધિક રૂપવાન રાજાઓ વગેરે પણ પોતાનાં રાજ્ય આદિ વૈભવોથી વૈરાગ્ય પામ્યા છે; તેમ જ શ્રીહરિના શ્રેષ્ઠ ધ્યાનમાં અત્યંત આસક્ત અને પવિત્ર ગુણોથી યુક્ત થઈ ઘણા જ સુખિયા થયા છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું. ॥૧૧॥
યદુક્તાં સદ્વાર્તાં ભવભયહરાં શ્રોતુમનિશં
સમાયન્ સદ્વ્રાતા બહુજનપદેભ્યો હરિજનાઃ ।
મરાલા ભૂયાંસઃ સમુદમિવ સન્માનસસરો
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૨॥
અર્થ: જેમ હંસોનાં ટોળેટોળાં, અતિ આનંદ સાથે, ઉત્તમ માનસ સરોવર પર કાયમ આવ્યાં કરે છે, તેમ સંસારનો ભય હરનારી જેમણે કહેલી શ્રેષ્ઠ વાતો સાંભળવા, સજ્જનોના સમુદાયો, અનેક દેશોમાંથી જેમની સમીપે નિરંતર હર્ષપૂર્વક આવ્યા કરતા હતા, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું નિત્ય સ્તવું છું. ॥૧૨॥
યદાવાસે મારપ્રણયરસલોભાદિરિપવઃ
પ્રવેષ્ટું નો શેકુર્વિજિતવિધિમુખ્યા બહુમદાઃ ।
મુનીન્દ્રૈસ્તં માન્યં શુભસકલતીર્થાસ્પદપદં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૩॥
અર્થ: બ્રહ્મા આદિ મુખ્ય દેવોને જેણે ખાસ જીત્યા છે અને તે જ કારણે જે અત્યંત ગર્વિષ્ઠ છે, તે કામદેવના પ્રેમરસ અથવા કામ, સ્નેહ, રસાસ્વાદ તથા લોભાદિક શત્રુઓ, જેમના નિવાસસ્થાનમાં પ્રવેશ કરવા કદી સમર્થ થયા જ ન હતા, શ્રેષ્ઠ મુનિઓને પણ માન્ય અને જેમનાં ચરણો પવિત્ર સર્વ તીર્થોનું એક સ્થાન છે, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું. ॥૧૩॥
મહાશ્રદ્ધોપેતં મુનિગુરુવરં સ્વક્ષરતનું
હરેર્ભક્ત્યાદૌ દ્રાગ્ભવભયમિદં સ્વેક્ષણકૃતામ્ ।
પ્રશાન્તં સાધુત્વાવધિમતુલકારુણ્યનિલયં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૪॥
અર્થ: શ્રીહરિની ભક્તિ આદિમાં અત્યંત શ્રદ્ધાવાળા, મુનિઓના પણ ઉત્તમ ગુરુ, સુંદર અક્ષર દેહધારી અર્થાત્ અક્ષરમૂર્તિ અને પોતાનાં દર્શન કરનારાઓના જન્મ-મરણરૂપ સંસારના ભયને તત્કાળ હરનારા, અત્યંત શાંત, સાધુપણાની અવધિરૂપ તથા અપાર કરુણાના એક આશ્રયસ્થાન તેવા મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીને હું પ્રણામ કરું છું. ॥૧૪॥
મુહુર્યસ્મૈ પ્રાદાપુરુમુદમિતો યદ્વરગુણૈ-
ર્હરિર્હારાન્ પૌષ્પાન્નિજતનુધૃતાનંગદમુખાન્ ।
સ્વભુક્તં સદ્ભોજ્યં વરવસનમુખ્યં સ્વવિધૃતં
ગુણાતીતાનન્દં મુનિવરમહં નૌમિ સતતમ્ ॥૧૫॥
અર્થ: જેમના શ્રેષ્ઠ ગુણોથી ભગવાન શ્રી સહજાનંદ સ્વામી અત્યંત પ્રસન્ન થતા અને તે જ કારણે પોતાના શરીર પર ધારણ કરેલા પુષ્પના હાર તથા બાજુબંધ વગેરે, તેમ જ પોતે જમેલ પ્રસાદી તથા પોતે ધારણ કરેલાં પ્રસાદીભૂત શ્રેષ્ઠ વસ્ત્રો વગેરે પણ જેમને અર્પણ કરતા હતા, તે મુનિવર શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું નિરંતર સ્તુતિ કરું છું. ॥૧૫॥
અનેકેભ્યઃ સદ્ભ્યો વિમલહરિવિજ્ઞાનરસદં
ભુવિ બ્રાહ્મીં વિદ્યાં હરિવચનરૂપાં ચ દદતમ્ ।
હરિધ્યાનાસક્તં શુભગુણમનાદ્યક્ષરમહં
ગુણાતીતાનન્દં સકલગુરુમીડે મુનિવરમ્ ॥૧૬॥
અર્થ: અનેક સત્પુરુષોને પણ શ્રીહરિના સ્વરૂપનો ઉત્તમ જ્ઞાનરસ અર્પણ કરતા, તેમ જ શ્રીહરિના વચનામૃતરૂપ બ્રહ્મવિદ્યાનો આ પૃથ્વી ઉપર પ્રચાર કરતા શ્રીજીમહારાજના ધ્યાનમાં આસક્ત અને શુભ ગુણોથી યુક્ત અને સર્વ મુનિઓમાં શ્રેષ્ઠ હોઈ સર્વના ગુરુ, અનાદિ અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીની હું સ્તુતિ કરું છું. ॥૧૬॥
ઇતિ શ્રી અચિન્ત્યાનન્દવર્ણિવિરચિતં
શ્રીગુણાતીતાનન્દમહિમ્નસ્તોત્રં સમાપ્તમ્ ।