વચનામૃતમાં ભાગવતના સંદર્ભો
આ પેજમાં ભાગવતના શ્લોકો ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં ઉલ્લેખ્યા છે તે રજુ કરવામાં આવ્યા છે.
અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણમૂતયઃ ।
મન્વન્તરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ ॥
(ભાગવત: ૨/૧૦/૧) [વચનામૃત વરતાલ ૧]
“વિશ્વનાં સર્ગવિસર્ગાદિક જે નવ લક્ષણ તેણે કરીને જાણ્યામાં આવે એવું આશ્રયરૂપ જે શ્રીકૃષ્ણ ભગવાનનું સ્વરૂપ તેને વિષે જે મુમુક્ષુની અચળ મતિ થઈ; જેમ આ આંબાનું વૃક્ષ છે તે એક વાર દ્રઢ કરીને જાણ્યું પછી કામ વ્યાપે, ક્રોધ વ્યાપે, લોભ વ્યાપે તો પણ કોઈ રીતે આંબાને વિષે ભ્રાંતિ ન થાય જે, ‘આંબાનું વૃક્ષ હશે કે નહીં હોય?’ તેમ જેને પ્રત્યક્ષ શ્રીકૃષ્ણ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થયો ને તેમાં કોઈ જાતનો કુતર્ક ન થાય, તો તે પુરુષના પ્રાણ લીન ન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે ને પ્રાણ લીન થયા હોય તો પણ નિર્વિકલ્પ સમાધિ છે.”
અથો વિભૂતિં મમ માયાવિનસ્તામૈશ્વર્યમષ્ટાંગમનુપ્રવૃત્તમ્ ।
શ્રિયં ભાગવતીં વાસ્પૃહ્યન્તિ ભદ્રાં પરસ્ય મે તેઽશ્નુવતે તુ લોકે ॥
(ભાગવત: ૩/૨૫/૩૭) [વચનામૃત ગઢડા પ્રથમ ૪૩]
અર્ચિરાદિ માર્ગે જવાનો આરંભ થયા પછી યોગમાયાનો સ્વામી એવો હું તે મારી પ્રસિદ્ધ એવી વિભૂતિ (બ્રહ્માના લોક પર્યંતની સંપત્તિ) તથા ભક્તિ-યોગથી પ્રાપ્ત થતું અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય તથા મંગળરૂપ એવી ભાગવતીશ્રી (વૈકુંઠાદિ દિવ્યલોકમાં રહેલી સંપત્તિ)ને મારા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો પણ સર્વથી પર એવો જે હું તે મારા ધામમાં તેને તેઓ પામે છે. ‘ભાગવતીશ્રી’ આ પદ દ્રષ્ટાંત માટે છે. એટલે ભાગવતીશ્રીને ઇચ્છતા નથી, તો માયા-વિભૂત્યાદિકને ન ઇચ્છે એમાં કહેવું જ શું? (આ શ્લોકનો ક્રમાંક વચનામૃતમાં ૩૭ બતાવ્યો છે પરંતુ ભાગવતમાં ૩૮નો શ્લોક મળતો આવે છે.)
અપરિમિતા ધ્રુવાસ્તનુભૃતો યદિ સર્વગતા-
સ્તર્હિ ન શાસ્યતેતિ નિયમો ધ્રુવ! નેતરથા ।
(ભાગવત: ૧૦/૮૭/૩૦) [વચનામૃત લોયા ૧૩]
હે નિત્ય પરમાત્મા! આપ અપરિમિત અને સર્વવ્યાપક છો. જો અસંખ્ય જીવો પણ આપની જેમ અપરિમેય અને સર્વવ્યાપક બની જાય તો આપની સમાન થઈ જાય. તો પછી કોણ નિયામક? અને કોણ નિયમ્ય? તે નિયમ તો ત્યારે જ સ્થિર રહે, જ્યારે આપ જ નિયામક હો. નહીં તો શાશ્વત નિયમનો લોપ થઈ જાય.
અહો અમી દેવવરામરાર્ચિતં પાદામ્બુજં તે સુમનઃફલાર્હણમ્ ।
નમન્ત્યુપાદાય શિખાભિરાત્મનસ્તમોઽપહત્યૈ તરુજન્મ યત્કૃતમ્ ॥
(ભાગવત: ૧૦/૧૫/૫) [વચનામૃત વરતાલ ૧૨]
અહો! આશ્ચર્યની વાત છે કે આ વૃક્ષો, જેને તમોગુણી કર્મથી આવો જન્મ મળ્યો છે તે, દેવતાએ પૂજેલાં તમારાં ચરણારવિંદને, પોતાનાં તામસી કર્મના નાશ માટે પુષ્પ-ફળાદિ સામગ્રી વડે પૂજે છે!
અહો! ભાગ્યમહો! ભાગ્યં નન્દગોપવ્રજૌકસામ્ ।
યન્મિત્રં પરમાનન્દં પૂર્ણં બ્રહ્મ સનાતનમ્ ॥
(ભાગવત: ૧૦/૧૪/૩૨) [વચનામૃત ગઢડા અંત્ય ૨૮]
પરમાનંદરૂપ, સનાતન, પૂર્ણબ્રહ્મ જેમના મિત્રરૂપે રહ્યું છે, માટે તે નંદગોપ વ્રજવાસીઓનાં અહોભાગ્ય અહોભાગ્ય છે. તેમના ભાગ્યનું વર્ણન થઈ શકે તેમ નથી.
આત્મારામાશ્ચ મુનયો નિર્ગ્રન્થા અપ્યુરુક્રમે ।
કુર્વન્ત્યહૈતુકીં ભક્તિમિત્થંભૂતગુણો હરિઃ ॥
(ભાગવત: ૧/૭/૧૦) [વચનામૃત પંચાળા ૨, વચનામૃત ગઢડા અંત્ય ૩]
આત્મારામ અને રાગદ્વેષાદિરૂપ ગ્રંથિએ રહિત એવા મુનિઓ પણ ભગવાનની નિષ્કામ ભક્તિ કરે છે, કારણ કે ભગવાનમાં કારુણ્ય, સૌશીલ્ય, વાત્સલ્યાદિક ગુણો રહ્યા છે.
આમયો યેન ભૂતાનાં જાયતે યશ્ચ સુવ્રત! ।
તદેવ હ્યામયં દ્રવ્યં ન પુનાતિ ચિકિત્સિતમ્ ॥
એવં નૃણાં ક્રિયાયોગાઃ સર્વે સંસૃતિહેતવઃ ।
ત એવાત્મવિનાશાય કલ્પન્તે કલ્પિતાઃ પરે ॥
(ભાગવત: ૧/૫/૩૩-૩૪) [વચનામૃત ગઢડા મધ્ય ૧૧]
ભાવાર્થ: જે ઘી ખાવાથી રોગ થાય છે, તે જ ઘી આયુર્વેદનાં ઓષધો સાથે, વૈદ્યના માર્ગદર્શન અનુસાર અનુપાનરૂપે લેવામાં આવે, તો તે ઘી રોગનો નાશ કરે છે. તેવી જ રીતે સાંસારિક ક્રિયાઓ મનુષ્યોનું અધઃપતન કરનાર છે, પરંતુ તે જ ક્રિયાઓ પરમાત્માની સેવામાં આવી જાય તો મોક્ષ આપનાર બને છે.
આસામહો ચરણરેણુજુષામહં સ્યાં
વૃન્દાવને કિમપિ ગુલ્મલતૌષધીનામ્ ।
યા દુસ્ત્યજં સ્વજનમાર્યપથં ચ હિત્વા
ભેજુર્મુકુન્દપદવીં શ્રુતિભિર્વિમૃગ્યામ્ ॥
(ભાગવત: ૧૦/૪૭/૬૧) [વચનામૃત ગઢડા અંત્ય ૨૮]
અહો! જે ગોપીઓ કોઈથી પણ ન ત્યાગ થઈ શકે એવા સંબંધીજનનો અને આર્યોના ધર્મમાર્ગનો ત્યાગ કરીને વેદોએ પણ ગોતવા યોગ્ય એવી મુકુંદ ભગવાનની પદવીને ભજતી હવી અર્થાત્ ભગવાનના ધ્યાનપરાયણ થતી હવી. તે આ ગોપીઓનાં ચરણરજના સ્પર્શવાળી વૃંદાવનમાં રહેલ ગુલ્મ, લતા, ઓષધી વગેરે મધ્યે હું પણ કોઈક થઉં એટલે કોઈક તૃણ કે કીટાદિરૂપે ગોપીઓનાં ચરણરેણુના સ્પર્શને યોગ્ય થઉં આવી ઇચ્છા કરું છુ.
ઇદં હિ વિશ્વં ભગવાનિવેતરો યતો જગત્સ્થાનનિરોધસંભવાઃ ।
(ભાગવત: ૧/૫/૨૦) [વચનામૃત પંચાળા ૨]
આ સમગ્ર વિશ્વ ભગવાનરૂપ છે, જો કે ભગવાન સ્વરૂપ-સ્વભાવે વિશ્વથી વિલક્ષણ છે, છતાં પણ ભગવાન થકી જગતની ઉત્પત્તિ (સ્થિતિ), પ્રલય થાય છે, માટે જગત ભગવાનરૂપ છે એમ કહેવાય છે. વસ્તુતાએ ભગવાન વિશ્વથી વિલક્ષણ છે.
એતદીશનમીશસ્ય પ્રકૃતિસ્થોઽપિ તદ્ગુણૈઃ ।
ન યુજ્યતે સદાત્મસ્થૈર્યથા બુદ્ધિસ્તદાશ્રયા ॥
(ભાગવત: ૧/૧૧/૩૮) [વચનામૃત લોયા ૧૩]
જેમ ભગવાનના ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન, ભક્તના દેહમાં રહેલા સતત પરિણામાદિક દોષથી અને જીવમાં રહેલા અવિદ્યાદિ દોષથી લેપાતું નથી, તેમ પરમેશ્વર માયા-પ્રકૃતિ અને જીવવર્ગમાં વ્યાપીને રહ્યા છે, છતાં પણ પ્રકૃતિના સત્ત્વાદિ ગુણથી અને જીવના અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષાદિ દોષથી લેપાતા નથી. આટલું જ પરમેશ્વરનું પરમેશ્વરપણું છે. અર્થાત્ ભક્તનું ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન દેહ અને આત્માના દોષથી લેપાતું નથી, તો જડ અને ચેતનમાં અંતર્યામીપણે રહેલા ભગવાન જડ અને ચેતન પ્રકૃતિના દોષથી ન લેપાય તેમાં કહેવું જ શું?
જન્માદ્યસ્ય યતઃ... યત્ર ત્રિસર્ગો મૃષા ।
ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરં ધીમહિ ॥
(ભાગવત: ૧/૧/૧) [વચનામૃત પંચાળા ૭]
આ જગતની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય જે પરબ્રહ્મ પરમાત્માથી થાય છે.
આ શ્લોકમાં આવતું વાક્ય ‘યત્ર ત્રિસર્ગો મૃષા’ સમજાવતાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ‘માયાના ત્રણ ગુણનો સર્ગ જે, પંચભૂત, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે ભગવાનના સ્વરૂપને વિષે ત્રિકાળમાં છે જ નહીં.’
તથા ‘ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ્’ વાક્ય સમજાવતાં કહે છે કે ધામ જે પોતાનું સ્વરૂપ તેણે કરીને ટાળ્યું છે એ માયાના સર્ગરૂપ કપટ જેણે એવું ભગવાનનું પરમ સત્યસ્વરૂપ છે. તે આત્યંતિક પ્રલયને અંતે અક્ષરધામને વિષે જેવું ભગવાનનું સ્વરૂપ અનંત ઐશ્વર્ય-તેજે યુક્ત છે તેવું ને તેવું જ પ્રત્યક્ષ મનુષ્યરૂપ ભગવાનને વિષે જાણવું; તેણે તત્ત્વે કરીને ભગવાનને જાણ્યા કહેવાય.
તત્સૃષ્ટસૃષ્ટસૃષ્ટેષુ કો ન્વખંડિતધીઃ પુમાન્ ।
ઋષિં નારાયણમૃતે યોષિન્મય્યેહ માયયા ॥
(ભાગવત: ૩/૩૧/૩૭) [વચનામૃત લોયા ૧૩, વચનામૃત ગઢડા અંત્ય ૩૩]
બ્રહ્માએ સર્જેલા મરીચ્યાદિક, તેમણે સર્જેલા કશ્યપાદિક, તેમણે સર્જેલા દેવ-મનુષ્યાદિક તે સર્વેમાં એક નારાયણ ઋષિ સિવાય કયો પુરુષ સ્ત્રીરૂપી માયામાં મોહ ન પામે? સૌનું મન આકર્ષણ પામે જ.
દ્યુપતય એવ તે ન યયુરન્તમાનન્તતયા ત્વમપિ
(ભાગવત: ૧૦/૮૭/૪૧) [વચામૃત લોયા ૧૦]
બ્રહ્માદિ દેવો પણ તમારા મહિમાના પારને પામતા નથી, કેમ કે અપાર છે. વધારે શું કહીએ? તમે પણ તમારા મહિમાના અંતને પામતા નથી.
નારાયણપરા વેદા દેવા નારાયણાંગજાઃ ।
નારાયણપરા લોકા નારાયણપરા મખાઃ ॥
નારાયણપરો યોગો નારાયણપરં તપઃ ।
નારાયણપરં જ્ઞાનં નારાયણપરા ગતિઃ ॥
(ભાગવત: ૨/૫/૧૫-૧૬) [વચનામૃત વરતાલ ૨]
વેદોમાં મુખ્યત્વે નારાયણનું પ્રતિપાદન છે, અર્થાત્ વેદો નારાયણપરક છે. ઇન્દ્ર, ચન્દ્ર વગેરે દેવતાઓ પણ ભગવાન નારાયણને આધીન છે. સ્વર્ગાદિક લોકના પણ અધિપતિ નારાયણ જ છે. યજ્ઞો વડે પણ આરાધના કરવા યોગ્ય નારાયણ છે. યોગ, તપ, જ્ઞાન વગેરે સાધનો વડે પ્રાપ્ત કરવા યોગ્ય પણ નારાયણ જ છે. તેથી આ તમામ નારાયણપરક જ સમજવા.
નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરેઃ ।
(ભાગવત: ૨/૧/૭) [વચનામૃત પંચાળા ૩]
નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે.
નૈષ્કર્મ્યમપ્યચ્યુતભાવવર્જિતં ન શોભતે જ્ઞાનમલં નિરંજનમ્ ।
(ભાગવત: ૧/૫/૧૨) [વચનામૃત લોયા ૭]
નૈષ્કર્મ્ય જે આત્માના યથાર્થ ઉપાસનારૂપ જ્ઞાન તે યદ્યપિ નિરંજન એટલે રાગ-દ્વેષાદિરૂપ માયાથી રહિત છે, પણ જો ભગવાનની ભક્તિએ રહિત છે તો તે અત્યંત શોભતું નથી. અર્થાત્ ભક્તિયોગ વિનાનો કેવળ જ્ઞાનયોગ શોભતો નથી.
પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્ય ઉત્તમશ્લોકલીલયા ।
ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ॥
(ભાગવત: ૨/૧/૯) [વચનામૃત પંચાળા ૨, પંચાળા ૩; વચનામૃત ગઢડા મધ્ય ૩૯; વચનામૃત ગઢડા અંત્ય ૩]
શુકદેવજી કહે છે કે, “હું નિર્ગુણ બ્રહ્મમાં સ્થિતિ કરું છું, છતાં હે રાજર્ષિ! ઉત્તમ કીર્તિવાળા ભગવાનની લીલા મારા મનને આકર્ષે છે અને તેથી જ આ ભાગવત આખ્યાન હું ભણ્યો છું.”
પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન્ ।
(ભાગવત: ૩/૫/૨૬) [વચનામૃત પંચાળા ૭]
પરમાત્માએ પુરુષરૂપે કરીને માયામાં વીર્ય ધારણ કર્યું. અહીં સ્ત્રી-પુરુષના મૈથુનીભાવનું રૂપક છે. વાસ્તવિકતામાં મહાઉત્પત્તિ સમયે સ્ત્રી-પુરુષના આકારો જ પ્રગટ થયા ન હોવાથી સંકલ્પરૂપ વીર્ય સમજવું.
પ્રસંગમજરં પાશમાત્મનઃ કવિયો વિદુઃ ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્ ॥
(ભાગવત: ૩/૨૫/૨૦) [વચનામૃત ગઢડા પ્રથમ ૫૪]
ભગવાન સ્વામિનારાયણ પોતે આ શ્લોકનો અર્થ કરે છે: “જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દ્રઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”
પ્રાયેણ મુનયો રાજન્ ।
(ભાગવત: ૨/૧/૭) [વચનામૃત ગઢડા અંત્ય ૩]
“પ્રાયેણ મુનયો રાજન્ નિવૃત્તા વિધિષેધતઃ । નૈર્ગુણ્યસ્થા રમન્તે સ્મ ગુણાનુકથને હરેઃ ॥” અર્થ: હે રાજન્! પ્રાયઃ વિધિ-નિષેધની અટપટી ક્રિયાઓમાંથી નિવૃત્ત થયેલ, નિર્ગુણભાવને અર્થાત્ સત્ત્વાદિક ત્રણ ગુણોથી પર થયેલ મુનિઓ ભગવાનના ચરિત્રરૂપ ગુણોનું ગાન કરે છે.
બુદ્ધીન્દ્રિયમનઃપ્રાણાન્ જનાનામસૃજત્પ્રભુઃ ।
માત્રાર્થં ચ ભવાર્થં ચ હ્યાત્મનેઽકલ્પનાય ચ ॥
(ભાગવત: ૧૦/૮૭/૨) [વચનામૃત કારિયાણી ૧]
ભગવાન સ્વામિનારાયણ આ શ્લોકનો અર્થ કરે છે: ‘સર્વે જનનાં બુદ્ધિ, ઇન્દ્રિયો, મન અને પ્રાણ તેને ભગવાન જે તે સૃજતા હવા; તે જીવને વિષયભોગને અર્થે તથા જન્મને અર્થે તથા લોકાંતરમાં જવાને અર્થે તથા મોક્ષને અર્થે સૃજ્યાં છે.’ માટે આ જગતની ઉત્પત્તિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને સ્થિતિ કરે છે તે પણ જીવના કલ્યાણને અર્થે કરે છે, અને પ્રલય કરે છે તે પણ જીવને અર્થે કરે છે; કાં જે, નાના પ્રકારની સંસૃતિએ કરીને થાક્યા જે જીવ તેના વિશ્રામને અર્થે પ્રલય કરે છે.
ભૂભારઃ ક્ષપિતો યેન તાં તનૂં વિજહાવજઃ ।
કણ્ટકં કણ્ટકેનૈવ દ્વયં ચાપીશિતુઃ સમમ્ ॥
(ભાગવત: ૧/૧૫/૩૪-૩૫) [વચનામૃત લોયા ૧૮]
મત્સેવયા પ્રતીતં ચ સાલોક્યાદિ ચતુષ્ટયમ્ ।
નેચ્છન્તિ સેવયા પૂર્ણાઃ કુતોઽન્યત્કાલવિપ્લુતમ્ ॥
(ભાગવત: ૯/૪/૬૭) [વચનામૃત ગઢડા પ્રથમ ૪૩]
જે જે દેહે કરીને ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો તથા જીવોને દેહાભિમાનરૂપ જે ચૈતન્યમાં કાંટો ખૂંચી રહ્યો હતો તેને કાઢીને ને કાઢવાના કાંટારૂપ જે પોતાનો દેહ તેને પણ ત્યાગ કર્યો.
મદ્ભયાદ્વાતિ વાતોઽયં સૂર્યસ્તપતિ મદ્ભયાત્ ।
વર્ષતીન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ્ભયાત્ ॥
(ભાગવત: ૩/૨પ/૪૨) [વચનામૃત લોયા ૧૬, વચનાનૃત ગઢડા અંત્ય ૫]
સમગ્ર જગતને સુખ આપનારો આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇન્દ્ર મારા ભયથી વર્ષે છે, અગ્નિ મારા ભયથી બાળે છે, મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે.
યન્નામધેયશ્રવણાનુકીર્તનાદ્યત્પ્રહ્વણાદ્યત્સ્મરણાદપિ ક્વચિત્ ।
શ્વાદોઽપિ સદ્યઃ સવનાય કલ્પતે કથં પુનસ્તે ભગવન્નુ દર્શનાત્ ॥
અહો બત શ્વપચોઽતો ગરીયાન્ યજ્જિહ્વાગ્રે વર્તતે નામ તુભ્યમ્ ।
તેપુસ્તપસ્તે જુહુવુઃ સસ્નુરાર્યા બ્રહ્માનૂચુર્નામ ગૃણન્તિ યે તે ॥
(ભાગવત: ૩/૩૩/૬-૭) [વચનામૃત ગઢડા અંત્ય ૫]
હે ભગવાન! કદાચિત્ પણ જે તમારા નામનું શ્રવણ-કીર્તન કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી તથા તમારું સ્મરણ કરવાથી શ્વપચ પણ તત્કાળ યજ્ઞ કરવાને માટે કલ્પાય છે એટલે પવિત્ર થાય છે, તો તમારાં દર્શનથી પવિત્ર થાય અને કૃતાર્થ થાય તેમાં શું કહેવું? આ એક આશ્ચર્યની વાત છે કે જે શ્વપચના પણ જીભના ટેરવે તમારું નામ છે તે શ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા કર્મકાંડીઓથી શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારું નામ ઉચ્ચારણ કર્યું છે તેમણે જ તપ કર્યું છે, તેમણે જ હોમ કર્યો છે, તેમણે જ તીર્થમાં સ્નાન કર્યું છે, તે જ સદાચારવાળા છે, તેમણે જ વેદનો અભ્યાસ કર્યો છે, એમ જાણવું.
યશ્ચ મૂઢતમો લોકે યશ્ચ બુદ્ધેઃ પરં ગતઃ ।
તાવુભૌ સુખમેધેતે ક્લિશ્યત્યન્તરિતો જનઃ ॥
(ભાગવત: ૩/૭/૧૭) [વચનામૃત લોયા ૧૦]
જે ભક્ત લોકમાં શાસ્ત્રની દ્રષ્ટિએ અતિશય અજ્ઞાની છે, એટલે શાસ્ત્રનું જ્ઞાન નથી પણ કેવળ ભગવાન અને તેમના ભક્તના વચનમાં દ્રઢ વિશ્વાસથી તેમના કહેવા પ્રમાણે ભગવાનને ભજે છે; અને જે બુદ્ધિથી પર(આત્મા-પરમાત્માના સ્વરૂપ)ને પામ્યો છે, એટલે શ્રુતિ-સ્મૃતિના અર્થને જાણીને સાક્ષાત્ ભગવાનની એકાંતિક ઉપાસનાથી આત્મા-પરમાત્માના યથાર્થ જ્ઞાનને પામ્યો છે; તે બંને પરમ સુખ પામે છે, એટલે ભગવાનની સેવારૂપ મુક્તિને પામે છે. અને જે અંતરિત જન (જ્ઞાની કે વિશ્વાસી નહિ તેવો) છે તે તો ક્લેશને પામે છે, એટલે ભગવાનનું સુખ નહિ પામતાં બીજા લોકમાં દુઃખરૂપ ફળને પામે છે.
યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધીઃ કલાત્રાદિષુ ભૌમ ઇજ્યધીઃ ।
યત્તીર્થબુદ્ધિઃ સલિલે ન કર્હિચિજ્જનેષ્વભિજ્ઞેષુ સ એવ ગોખરઃ ॥
(ભાગવત: ૧૦/૮૪/૧૩) [વચનામૃત ગઢડા મધ્ય ૫૪]
જે પુરુષને વાત, પિત્ત અને કફરૂપ ત્રણ ધાતુમય શરીરમાં આત્મબુદ્ધિ છે અને સ્ત્રી-પુત્રાદિકમાં મમત્વબુદ્ધિ છે અને ભૂમિના વિકારભૂત પ્રતિમાદિકમાં પૂજનીય દેવતાબુદ્ધિ છે અને જળમાં તીર્થબુદ્ધિ છે, તે પુરુષને જો આત્મબુદ્ધિ વગેરે ચારેય બુદ્ધિ ભગવાનના એકાંતિક જ્ઞાની ભક્તમાં ન હોય તો તેને પશુઓમાં પણ હલકો ગધેડો જાણવો.
યેઽન્યે સ્વતઃ પરિહૃતાદપિ બિભ્યતિ સ્મ ।
(ભાગવત: ૧૧/૬/૧૭) [વનામૃત ગઢડા અંત્ય ૩૩]
તમારા સિવાયના બીજા જીવો છે તે પોતે ત્યાગ કરેલા વિષયની વાસનામાત્રથી પણ ભય પામે છે.
વાસુદેવપરા વેદા વાસુદેવપરા મખાઃ ।
વાસુદેવપરા યોગા વાસુદેવપરાઃ ક્રિયાઃ ॥
વાસુદેવપરં જ્ઞાનં વાસુદેવપરં તપઃ ।
વાસુદેવપરો ધર્મો વાસુદેવપરા ગતિઃ ॥
(ભાગવત: ૧/૨/૨૮-૨૯) [વચનામૃત વરતાલ ૨]
વેદો વાસુદેવનો જ મહિમા ગાય છે. યજ્ઞો વડે આરાધ્ય વાસુદેવ છે. યોગશાસ્ત્ર વડે ધ્યેય પણ વાસુદેવ છે. તમામ ધાર્મિક ક્રિયાઓ જ્ઞાન, તપ, ધર્મ વડે પ્રાપ્ત કરવા યોગ્ય વાસુદેવ છે; અર્થાત્ ગતિરૂપ વાસુદેવ છે.
વિદ્યાવિદ્યે મમ તનૂ વિદ્ધ્યુદ્ધવ! શરીરિણામ્ ।
બંધમોક્ષકરી આદ્યે માયયા મે વિનિર્મિતે ॥
(ભાગવત: ૧૧/૧૧/૩) [વચનામૃત લોયા ૧૦]
‘મોક્ષબંધકરી’ આવો ભાગવતમાં પાઠ છે. અર્થ: હે ઉદ્ધવ! વિદ્યા અને અવિદ્યા તે મારા શરીરભૂત છે અને મારી માયા(સંકલ્પ)થી સૌથી પ્રથમ નિર્માણ થઈ છે. તેમાં વિદ્યાશક્તિ મોક્ષ કરનારી છે અને અવિદ્યાશક્તિ બંધન કરનારી છે.
શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વન્દનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ॥
(ભાગવત: ૭/૫/૨૩) [વચનામૃત ગઢડા પ્રથમ ૪૦]
ગુણગાન સાંભળવાં, શ્લોક-કીર્તનો ગાવાં, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત્ નીચી ટેલ કરવી, અર્ચના-પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્રભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું; આ નવ પ્રકારની ભક્તિ છે.
સત્યં શૌચં દયા ક્ષાન્તિસ્ત્યાગઃ સન્તોષ આર્જવમ્ ।
શમો દમસ્તપઃ સામ્યં તિતિક્ષોપરતિઃ શ્રુતમ્ ॥
જ્ઞાનં વિરક્તિરૈશ્વર્યં શૌર્યં તેજો બલં સ્મૃતિઃ ।
સ્વાતંત્ર્યં કૌશલં કાન્તિર્ધૈર્યં માર્દવમેવ ચ ॥
પ્રાગલ્ભ્યં પ્રશ્રયઃ શીલં સહ ઓજો બલં ભગઃ ।
ગામ્ભીર્યં સ્થૈર્યમાસ્તિક્યં કીર્તિમાનોઽનહંકૃતિઃ ॥
(ભાગવત: ૧/૧૬/૨૬-૨૮) [વચનામૃત ગઢડા પ્રથમ ૬૨]
૧. સત્યમ્ - સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરવું, સત્ય બોલવું. ૨. શૌચમ્ - પવિત્રતા, નિર્દોષપણું. ૩. દયા - અન્યનાં દુઃખો દૂર કરવાની વૃત્તિ. ૪. ક્ષાન્તિઃ - અપરાધીઓના અપરાધ સહન કરવા. ૫. ત્યાગઃ - યાચકો પ્રત્યે ઉદારતા અથવા પરમાત્માને આત્મસમર્પણ. ૬. સંતોષઃ - સદાય ક્લેશે રહિતપણું. ૭. આર્જવમ્ - મન, વાણી અને શરીરનું એકરૂપપણું. એટલે જેવું મનમાં તેવું જ વાણીમાં અને તેવી જ ક્રિયા કરવી; અર્થાત્ સરળતા. ૮. શમઃ - મનનો સંયમ. ૯. દમઃ - આંખ વગેરે બાહ્ય ઇન્દ્રિયો પર સંયમ. ૧૦. તપઃ - શરીર તથા મનને ક્લેશ થાય તેવાં વ્રતાદિ કરવાં. ૧૧. સામ્યમ્ - શત્રુ-મિત્ર પ્રત્યે સમાન ભાવ. ૧૨. તિતિક્ષા - સુખ-દુઃખ જેવાં દ્વન્દ્વોથી પરાભવ નહિ પામવાપણું, સહનશક્તિ. ૧૩. ઉપરતિઃ - અધિક લાભ તથા પ્રાપ્તિ પ્રત્યે ઉદાસીનતા. ૧૪. શ્રુતમ્ - સર્વ શાસ્ત્રાર્થનું યથાર્થ જાણવાપણું. ૧૫. જ્ઞાનમ્ - આશ્રિતોના અનિષ્ટની નિવૃત્તિ અને ઈષ્ટની પ્રાપ્તિ કરી આપવામાં ઉપયોગી જ્ઞાન અથવા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ તથા પરબ્રહ્મની અનુભવપૂર્ણ જાણકારી. ૧૬. વિરક્તિઃ - વૈરાગ્ય, વિષયમાં નિઃસ્પૃહપણું અથવા વિષયોથી ચિત્તનું આકર્ષણ ન થવાપણું. ૧૭. ઐશ્વર્યમ્ - સર્વ જીવપ્રાણીનું નિયંતાપણું. ૧૮. શૌર્યમ્ - શૂરવીરપણું. ૧૯. તેજઃ - પ્રભાવ, એટલે કોઈથી પણ પરાભવ ન પામવાપણું. ૨૦. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૨૧. સ્મૃતિઃ - પોતાનામાં અનન્યભાવે પ્રેમથી જોડાયેલ ભક્તોના અપરાધોને ન જોતા તેમને ક્ષણમાત્ર ન ભૂલે. તેમના ગુણોનું સ્મરણ કરે. ૨૨. સ્વાતંત્ર્યમ્ - અન્યની અપેક્ષાથી રહિતપણું. ૨૩. કૌશલમ્ - નિપુણપણું. ૨૪. કાન્તિઃ - આધ્યાત્મિક તેજ. ૨૫. ધૈર્યમ્ - સર્વદા અવ્યાકુળતા. ૨૬. માર્દવમ્ - ચિત્તની કોમળતા અથવા ક્રૂરતાએ રહિતપણું. ૨૭. પ્રાગલ્ભ્યમ્ - પીઢતા, જ્ઞાનની ગંભીરતા. ૨૮. પ્રશ્રયઃ - વિનયશીલતા, જ્ઞાન-ગરીબાઈ. ૨૯. શીલમ્ - સદાચાર. ૩૦. સહઃ - પ્રાણનું નિયમન-સામર્થ્ય. ૩૧. ઓજઃ - બ્રહ્મચર્યથી પ્રાપ્ત કરેલ દિવ્ય કાંતિ. ૩૨. બલમ્ - કલ્યાણકારી ગુણોને ધારણ કરવાનું સામર્થ્ય. ૩૩. ભગઃ - જ્ઞાનાદિ ગુણોની અધિકતા. ૩૪. ગાંભીર્યમ્ - જ્ઞાનનું ઊંડાણ, આછકલાપણાથી રહિત અથવા અભિપ્રાય ન જાણી શકાય તે. ૩૫. સ્થૈર્યમ્ - ક્રોધ થવાનાં નિમિત્ત સતે પણ વિકાર ન થાય તે અથવા ચંચળતાનો અભાવ. ૩૬. આસ્તિક્યમ્ - શાસ્ત્રાર્થમાં વિશ્વાસ અથવા ભગવાન સદાકર્તા, સાકાર, સર્વોપરી અને પ્રગટ છે તેવી દ્રઢ શ્રદ્ધા. ૩૭. કીર્તિઃ - યશ. ૩૮. માનઃ - પૂજાની યોગ્યતા. ૩૯. અનહંકૃતિઃ - અહંકારનો અભાવ, નિર્માનીપણું.
સત્ત્વં યદ્બ્રહ્મદર્શનમ્ ।
(ભાગવત: ૧/૨/૨૪) [વચનામૃત લોયા ૧૦]
જે સત્ત્વગુણ છે તે પરબ્રહ્મનું દર્શન કરાવનારો છે.
સ વેદ ધાતુઃ પદવીં પરસ્ય દુરન્તવીર્યસ્ય રથાંગપાણેઃ ।
યોઽમાયયા સંતતયાનુવૃત્ત્વા ભજેત તત્પાદસરોજગન્ધમ્ ॥
(ભાગવત: ૧/૩/૩૮) [વચનામૃત પંચાળા ૭]
જે ભક્ત નિષ્કપટપણે, અંતરાયરહિત, અનુવૃત્તિથી ભગવાનને ભજે છે તે ભક્ત સર્વના આધાર, અપાર ઐશ્વર્યવાળા, પરમાત્માના પદ(ધામ)ને પામે છે.
સાલોક્ય-સાર્ષ્ટિસામીપ્યસારૂપ્યૈકત્વમપ્યુત ।
દીયમાનં ન ગૃહ્ણન્તિ વિના મત્સેવનં જનાઃ ॥
(ભાગવત: ૩/૨૯/૧૩) [વચનામૃત ગઢડા પ્રથમ ૪૩]
આ બધાં વચનો દ્વારા અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તેને જ શ્રીજીમહારાજે મુક્તિ તરીકે સ્વીકારી છે. આ પ્રકારની ભક્તિ જેમાં ન હોય તેને મુક્તિ શબ્દથી કહેતા હોય તો પણ તે આત્યંતિક મુક્તિ ન જ કહેવાય. તેથી ભક્ત ન ઇચ્છે તે સ્વાભાવિક છે. વળી, આ પ્રકારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કોઈ પણ પ્રકારના નામથી શાસ્ત્રમાં મુક્તિ તરીકે જણાવી હોય તે શ્રીજીમહારાજને માન્ય છે. તેનાં નામ જુદાં જુદાં હોવા છતાં તે વસ્તુતઃ એક જ છે. તમામ નામો બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવારૂપ મુક્તિનાં પર્યાય જ બની જાય છે. શ્રીજીમહારાજે આ પ્રકારની મુક્તિને પામેલ મુક્તને વિવિધ સંજ્ઞા પણ આપી છે. જેમ કે, નિર્વિકલ્પ સમાધિવાળો (વચ. ગ. પ્ર. ૩૯, ૪૦), ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો (વચ. લો. ૧૨), જ્ઞાનની સ્થિતિવાળો (વચ. ગ. પ્ર. ૨૪), સિદ્ધદશાવાળો (વચ. કા. ૭), બ્રહ્મરૂપ (વચ. લો. ૭), આત્મસત્તાવાળો (વચ. ગ. મ. ૫૧), બ્રહ્મસ્થિતિ પામેલ આત્મદર્શી સાધુ (વચ. ગ. મ. ૬૫), આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા (વચ. ગ. મ. ૬૨) વગેરે.
સ્વકૃતવિચિત્રયોનિષુ વિશન્નિવ હેતુતયા
તરતમતશ્ચકાસ્સ્યનલવત્સ્વકૃતાનુકૃતિઃ ।
(ભાગવત: ૧૦/૮૭/૧૯) [વચનામૃત ગઢડા પ્રથમ ૪૧]
‘પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.’
હરેર્ગુણાક્ષિપ્તમતિર્ભગવાન્ બાદરાયણિઃ ।
અધ્યગાન્મહદાખ્યાનં નિત્યં વિષ્ણુજનપ્રિયઃ ॥
(ભાગવત: ૧/૭/૧૧) [વચનામૃત ગઢડા અંત્ય ૩]
ભગવાનના ગુણોથી જેની બુદ્ધિ આકર્ષિત થઈ છે અને વિષ્ણુજનો જેને પ્રિય છે એવા ભગવાન શુકમુનિ ભાગવતરૂપ જે મોટું આખ્યાન તેને નિરંતર ભણવા હવા.