share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૪૦

સવિકલ્પ-નિર્વિકલ્પ સમાધિનું

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૪ ચોથને દિવસ પ્રાતઃકાળે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે ધોળી પાઘ બાંધી હતી ને પાઘને વિષે પીળાં પુષ્પનો તોરો લટકતો હતો ને કંઠને વિષે પીળાં પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ સર્વ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજને મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! સવિકલ્પ સમાધિ તે કેને કહીએ ને નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય ને શુભ વાસના રહી હોય જે, ‘હું નારદ, સનકાદિક ને શુકજી તે જેવો થાઉં અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ ભેળો રહીને તપ કરું અથવા શ્વેતદ્વીપમાં જઈને તપ કરીને શ્વેતમુક્ત જેવો થાઉં,’ એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ. અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.”૧૬૮

પછી વળી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! ભક્તિમાં ને ઉપાસનામાં તે શો ભેદ૧૬૯ છે?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે,

“‘શ્રવણં કીર્તનં વિષ્ણોઃ સ્મરણં પાદસેવનમ્ ।
અર્ચનં વન્દનં દાસ્યં સખ્યમાત્મનિવેદનમ્ ॥’
૧૭૦

“એવી રીતે નવ પ્રકારે કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ. અને ઉપાસના તો તેને કહીએ જે, ભગવાનના સ્વરૂપને વિષે સદા સાકારપણાની દૃઢ નિષ્ઠા હોય ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદા સાકાર જ સમજે અને શાસ્ત્રને વિષે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું જ પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં, એવી રીતે જેની દૃઢ સમજણ હોય તેને ઉપાસનાવાળો કહીએ.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૦ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૬૮. યોગદર્શન સંપ્રજ્ઞાત તથા અસંપ્રજ્ઞાત સમાધિનું નિરૂપણ (યોગસૂત્ર: ૧/૧૭-૧૮માં) કર્યું છે. સંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યા-સંકલ્પ વગેરે હોવાથી સબીજ કહેવાય છે અને અસંપ્રજ્ઞાત સમાધિમાં અવિદ્યાનો લેશમાત્ર ન હોવાથી તેને નિર્બીજ સમાધિ કહી છે. અદ્વૈત વેદાંતમાં આ બંનેને અનુક્રમે સવિકલ્પ-નિર્વિકલ્પ સંજ્ઞાથી કહી છે. (જુઓ વિદ્યારણ્ય સ્વામીકૃત પંચદશી, ધ્યાનદીપ: ૧૨૬-૧૨૯ તથા તેની રામકૃષ્ણ વ્યાખ્યા).
શ્રીજીમહારાજે આ બંને સમાધિઓને સાંપ્રદાયિક પરિભાષામાં ખૂબ જ સરળતાથી નિરૂપી છે. જેમાં સવિકલ્પમાં ઉપાસ્ય-ઉપાસક બંનેની શુદ્ધિ નથી, જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં ઉપાસક પણ ગુણાતીત એવા અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામ્યો છે અને ઉપાસ્ય માયિક ગુણરહિત પુરુષોત્તમ છે.

૧૬૯. કોઈ સ્થળે ‘ભક્તિ’ અને ‘ઉપાસના’ એ બંને શબ્દો પર્યાયવાચી છે એટલે બંનેનો એક જ અર્થ છે. કોઈ સ્થળે તો તે બંને શબ્દનો સામાન્યપણે અર્થભેદ બતાવ્યો છે, તો વસ્તુતઃ શું ભેદ છે એટલો પૂછવાનો આશય છે.

૧૭૦. અર્થ: ગુણગાન સાંભળવાં, શ્લોક-કીર્તનો ગાવાં, સ્મૃતિ કરવી, ચરણની સેવા અર્થાત્ નીચી ટેલ કરવી, અર્ચના-પૂજા કરવી, અષ્ટાંગ અથવા પંચાંગ પ્રણામ કરવા, દાસભાવે ભગવાનની આજ્ઞા પાળવી, મિત્રભાવે નિષ્કપટપણે વર્તવું, સર્વસ્વ સમર્પણ કરવું; આ નવ પ્રકારની ભક્તિ છે. (ભાગવત: ૭/૫/૨૩)

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase