share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૪૩

ચાર પ્રકારની મુક્તિનું

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૭ સાતમને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર સાંજને સમે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિષે પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળાં પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

તે સમે શ્રીજીમહારાજ સર્વ ભક્તજન ઉપર કરુણાની દૃષ્ટિએ કરીને સર્વ સામું જોઈને બોલ્યા જે, “સર્વ સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે, શ્રીમદ્‌ભાગવત પુરાણમાં કહ્યું છે જે, ‘જે ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા,’ અને બીજા પણ જે જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે, ‘ભગવાનના ભક્ત હોય તે ચાર પ્રકારની મુક્તિને નથી ઇચ્છતા.’ તે ચાર પ્રકારની મુક્તિ તે શું? તો એક તો ભગવાનના લોકમાં રહેવું અને બીજું ભગવાનને સમીપે રહેવું અને ત્રીજું ભગવાનના સરખું રૂપ પામવું અને ચોથું ભગવાનના સરખું ઐશ્વર્ય પામવું; એવી રીતે જે ચાર પ્રકારની મુક્તિ છે તેને તો ભગવાનનો ભક્ત નથી ઇચ્છતો ને કેવળ ભગવાનની સેવાને જ ઇચ્છે છે. તે એ ભક્ત ચાર પ્રકારની મુક્તિને શા સારુ નથી ઇચ્છતો? એ પ્રશ્ન છે. તેનો ઉત્તર જેને જેવો આવડે તેવો તે કરો.” પછી સર્વે પરમહંસ ઉત્તર કરવા લાગ્યા પણ ઉત્તર થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ જે, જે ભગવાનનો ભક્ત થઈને એ ચાર પ્રકારની મુક્તિની ઇચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય અને જે એ ચતુર્ધા મુક્તિને ન ઇચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઇચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. તે શ્રીમદ્‌ભાગવતમાં કહ્યું છે જે,

‘મત્સેવયા પ્રતીતં ચ સાલોક્યાદિ-ચતુષ્ટયમ્ ।
નેચ્છન્તિ સેવયા પૂર્ણાઃ કુતોઽન્યત્કાલવિપ્લુતમ્ ॥
૧૮૪
સાલોક્ય-સાર્ષ્ટિસામીપ્યસારૂપ્યૈકત્વમપ્યુત ।
દીયમાનં ન ગૃહ્‌ણન્તિ વિના મત્સેવનં જનાઃ ॥’
૧૮૫

“એનો અર્થ એ છે જે, જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઇચ્છે જ નહીં ને એક સેવાને જ ઇચ્છે છે. અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે. અને એ ભક્ત નથી ઇચ્છતા તો પણ બળાત્કારે ભગવાન એને પોતાનાં ઐશ્વર્ય-સુખને પમાડે છે. તે કપિલદેવ ભગવાને કહ્યું છે જે,

‘અથો વિભૂતિં મમ માયાવિનસ્તામૈશ્વર્યમષ્ટાંગમનુપ્રવૃત્તમ્ ।
શ્રિયં ભાગવતીં વાસ્પૃહ્યન્તિ ભદ્રાં પરસ્ય મે તેઽશ્નુવતે તુ લોકે ॥’
૧૮૬

“અને એ નિષ્કામ ભક્તને જ ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઇચ્છવું અને ઇચ્છે તો એમાં એટલી કાચ્યપ કહેવાય. અને જો કાચ્યપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને એ કાચ્યપને ટાળવી.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૩ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૮૪. અર્થ: મારી સેવા કરવાથી પ્રાપ્ત થતી એવી સાલોક્યાદિ ચાર પ્રકારની મુક્તિને મારી સેવાથી જ પૂર્ણ એવા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો કાળે કરીને જેનો નાશ છે એવા ઇન્દ્રાદિ દેવતાઓનાં ઐશ્વર્યને ન ઇચ્છે એમાં શું કહેવું? (ભાગવત: ૯/૪/૬૭).

૧૮૫. અર્થ: મારી સેવા વિના ભક્તે ઇચ્છા ન કરી હોય છતાં મેં આપેલી સાલોક્યાદિ મુક્તિને પણ નિર્ગુણ ભક્તિવાળા ભક્તો ગ્રહણ કરતા નથી, તો સાંસારિક ફળને ન ગ્રહણ કરે તેમાં શું કહેવું? (ભાગવત: ૩/૨૯/૧૩). વસ્તુતાએ આત્યંતિક મુક્તિમાં આવા ચાર ભેદો છે જ નહીં. શ્રીજીમહારાજે આત્યંતિક મુક્તિનું લક્ષણ વારંવાર સમજાવ્યું છે કે –

  • “તત્ર બ્રહ્માત્મના કૃષ્ણસેવા મુક્તિશ્ચ ગમ્યતામ્” (શિક્ષાપત્રી: ૧૨૧)

  • “એ અક્ષરધામને પામ્યો જે ભક્ત, તે પણ અક્ષરના સાધર્મ્યપણાને પામે છે અને ભાગવાનની અખંડ સેવામાં રહે છે.” (વચ. ગ. પ્ર. ૨૧)

  • “અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિષે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ.” (વચ. ગ. પ્ર. ૪૦)

આ બધાં વચનો દ્વારા અક્ષરબ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી તેને જ શ્રીજીમહારાજે મુક્તિ તરીકે સ્વીકારી છે. આ પ્રકારની ભક્તિ જેમાં ન હોય તેને મુક્તિ શબ્દથી કહેતા હોય તો પણ તે આત્યંતિક મુક્તિ ન જ કહેવાય. તેથી ભક્ત ન ઇચ્છે તે સ્વાભાવિક છે. વળી, આ પ્રકારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની સેવા કોઈ પણ પ્રકારના નામથી શાસ્ત્રમાં મુક્તિ તરીકે જણાવી હોય તે શ્રીજીમહારાજને માન્ય છે. તેનાં નામ જુદાં જુદાં હોવા છતાં તે વસ્તુતઃ એક જ છે. તમામ નામો બ્રહ્મરૂપ થઈ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સેવારૂપ મુક્તિનાં પર્યાય જ બની જાય છે.
શ્રીજીમહારાજે આ પ્રકારની મુક્તિને પામેલ મુક્તને વિવિધ સંજ્ઞા પણ આપી છે. જેમ કે, નિર્વિકલ્પ સમાધિવાળો (વચ. ગ. પ્ર. ૩૯, ૪૦), ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો (વચ. લો. ૧૨), જ્ઞાનની સ્થિતિવાળો (વચ. ગ. પ્ર. ૨૪), સિદ્ધદશાવાળો (વચ. કા. ૭), બ્રહ્મરૂપ (વચ. લો. ૭), આત્મસત્તાવાળો (વચ. ગ. મ. ૫૧), બ્રહ્મસ્થિતિ પામેલ આત્મદર્શી સાધુ (વચ. ગ. મ. ૬૫), આત્મનિષ્ઠાની અતિ ઉત્તમ દશા (વચ. ગ. મ. ૬૨) વગેરે.

૧૮૬. અર્થ: અર્ચિરાદિ માર્ગે જવાનો આરંભ થયા પછી યોગમાયાનો સ્વામી એવો હું તે મારી પ્રસિદ્ધ એવી વિભૂતિ (બ્રહ્માના લોક પર્યંતની સંપત્તિ) તથા ભક્તિ-યોગથી પ્રાપ્ત થતું અણિમાદિ આઠ પ્રકારનું ઐશ્વર્ય તથા મંગળરૂપ એવી ભાગવતીશ્રી (વૈકુંઠાદિ દિવ્યલોકમાં રહેલી સંપત્તિ)ને મારા નિષ્કામ ભક્તો ઇચ્છતા નથી, તો પણ સર્વથી પર એવો જે હું તે મારા ધામમાં તેને તેઓ પામે છે. ‘ભાગવતીશ્રી’ આ પદ દૃષ્ટાંત માટે છે. એટલે ભાગવતીશ્રીને ઇચ્છતા નથી, તો માયા-વિભૂત્યાદિકને ન ઇચ્છે એમાં કહેવું જ શું? (ભાગવત: ૩/૨૫/૩૭).

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase