॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

॥ સત્સઙ્ગદીક્ષા ॥

નિવેદન

‘સત્સંગદીક્ષા’ ગ્રંથ ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પ્રગટ બ્રહ્મસ્વરૂપ શ્રી મહંતસ્વામી મહારાજે ગુજરાતી ભાષામાં સ્વહસ્તે લખેલું શાસ્ત્ર છે. આ ગ્રંથ પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન દ્વારા પ્રબોધિત આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોને પ્રસ્તુત કરે છે. આ ગ્રંથને મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીએ સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કર્યો છે. આ સત્સંગદીક્ષા ગ્રંથ ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ નામના ગ્રંથના એક ભાગરૂપે સમાયેલો છે. ‘અક્ષરપુરુષોત્તમ સંહિતા’ સ્વામિનારાયણ ભગવાને ઉપદેશેલા સિદ્ધાંતો અને ભક્તિના વિવિધ આયામોને વિશદતાથી શાસ્ત્રીય શૈલીએ નિરૂપતું શાસ્ત્ર છે.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા દીક્ષિત પરમહંસ સદ્‌ગુરુ પ્રેમાનંદ સ્વામીએ કહ્યું છે,

‘અક્ષરના વાસી વા’લો આવ્યા અવની પર...

અવની પર આવી વા’લે સત્સંગ સ્થાપ્યો,

હરિજનોને કોલ કલ્યાણનો આપ્યો રાજ.’

અક્ષરાધિપતિ પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ અત્યંત કરુણા કરી આ પૃથ્વી પર પધાર્યા. તેઓએ અનંત જીવોના પરમ કલ્યાણનો માર્ગ પ્રસ્થાપિત કર્યો. તેમણે પોતે જ પરમકલ્યાણપ્રદ દિવ્ય સત્સંગની સ્થાપના કરી. વૈદિક સનાતન અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને પ્રકાશિત કર્યો.

સહજાનંદ શ્રીહરિ દ્વારા પ્રસ્થાપિત સત્સંગ એક જુદી જ ભાત ઉપજાવે છે. આ સ્વામિનારાયણીય સત્સંગ એટલે વૈદિક સનાતન અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને વરેલી વિશિષ્ટ જીવનશૈલી. આ વિશિષ્ટ જીવનશૈલીથી યુક્ત સત્સંગને તેમના સમયથી લઈને આજ પર્યંત લક્ષાવધિ સત્સંગીઓ અનુસરી રહ્યા છે. આ સત્સંગના શાશ્વતકાળ સુધી પોષણ અને સંવર્ધન માટે ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુવર્યોની પરંપરાને આ લોકમાં અખંડિત રાખી છે.

પરબ્રહ્મ સ્વામિનારાયણને અભિપ્રેત સત્સંગનાં મુખ્ય બે પાસાં છે – આજ્ઞા અને ઉપાસના. આ આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતો પરાવાણીસ્વરૂપ વચનામૃત ગ્રંથમાં નિરૂપિત થયા. પરમહંસો દ્વારા રચાયેલાં ગ્રંથો, કીર્તનો વગેરેમાં પણ તે તે સ્થળે આ સિદ્ધાંતો પ્રતિબિંબિત થતા રહ્યા. અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ એમના ઉપદેશોમાં પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણના સર્વોપરી સ્વરૂપસંબંધી તેમજ સાધનાસંબંધી સ્પષ્ટતા કરીને સિદ્ધાંતને અનેક સંતો-હરિભક્તોના જીવનમાં દૃઢાવ્યો. બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજની કથાવાર્તા દ્વારા ગુણાતીતાનંદ સ્વામી અક્ષરબ્રહ્મ છે અને ભગવાન સ્વામિનારાયણ પરબ્રહ્મ પુરુષોત્તમ છે જેવા સત્સંગના દિવ્ય સિદ્ધાંતો ગુંજવા લાગ્યા. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે અપાર કષ્ટો વેઠીને શ્રીહરિપ્રબોધિત વૈદિક સનાતન અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંતને શિખરબદ્ધ મંદિરો દ્વારા મૂર્તિમાન કરી દીધો. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સંપ, સુહૃદભાવ અને એકતાનાં અમૃત પાઈ સ્વામિનારાયણીય સત્સંગને વધુ સુદૃઢ બનાવ્યો. તેમણે બાળ-યુવા-સત્સંગ પ્રવૃત્તિને વેગ આપ્યો. અઠવાડિક સત્સંગ સભાઓ દ્વારા આજ્ઞા અને ઉપાસનારૂપ સત્સંગનું નિત્ય પોષણ થાય તેવી રીતે પ્રવર્તાવી.

બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે અથાગ પરિશ્રમ કરી આ દિવ્ય સત્સંગનું જતન અને પોષણ કર્યું. સમગ્ર ભૂમંડળમાં ભવ્ય મંદિરોનું નિર્માણ કરીને, વૈદિક સનાતન ધર્મને અનુસરતાં શાસ્ત્રો રચાવીને તેમજ અનેક યુવાનોને શીલવંતી સાધુતાએ સજ્જ કરીને તેઓએ સત્સંગનો વ્યાપ અને ઊંડાણ બંને વધાર્યાં.

શ્રીહરિ દ્વારા પ્રવાહિત આ સત્સંગભાગીરથી આજે પણ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની છત્રછાયામાં અનેક મુમુક્ષુઓને પરમ મુક્તિનાં પીયૂષ પાઈ રહી છે. એક હજારથી વધુ સંતો અને લાખો હરિભક્તોનો સમુદાય સત્સંગના સિદ્ધાંતોથી દીક્ષિત થઈ ધન્યતા અનુભવી રહ્યો છે. એક ઇષ્ટદેવ, એક ગુરુ અને એક સિદ્ધાંતને જીવનનું કેન્દ્ર બનાવી એકતા અને દિવ્યતાનું પરમ સુખ ભોગવી રહ્યો છે.

આપણા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના સમયથી આરંભી સમયે સમયે આજ્ઞા અને ઉપાસનાના સિદ્ધાંતોને પુષ્ટિ આપતાં વિવિધ શાસ્ત્રો રચાતાં આવ્યાં છે. તેમાં તત્ત્વજ્ઞાન, આંતરિક સાધના, ભક્તિની રીત, આચારપદ્ધતિ વગેરે બાબતોના નિરૂપણ દ્વારા સત્સંગની જીવનશૈલીનું પ્રતિપાદન થયું છે. સંપ્રદાયનાં અનેક શાસ્ત્રોમાં નિરૂપાયેલા આ સિદ્ધાંતોનો સાર સરળ શબ્દોમાં અને સંક્ષેપમાં સંકલિત થાય અને એક ગ્રંથના રૂપમાં આકાર પામે તેવી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઘણા સમયથી ઇચ્છા હતી. આ માટે તેઓએ વરિષ્ઠ સંતો સાથે પણ વિમર્શ કર્યો અને સૌની વિનંતીથી એ ગ્રંથનું લેખન સ્વયં સ્વહસ્તે કરવાની સેવા પણ તેઓએ સ્વીકારી.

આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી, સર્વકર્તા, સદા દિવ્ય સાકાર અને સદા પ્રગટ છે; ગુણાતીત ગુરુ અક્ષરબ્રહ્મ છે, પરમાત્માના અખંડ ધારક હોવાથી પ્રત્યક્ષ નારાયણસ્વરૂપ છે, મુમુક્ષુઓ માટે શાસ્ત્રોક્ત બ્રાહ્મી સ્થિતિનો આદર્શ છે; એમને વિષે દૃઢ પ્રીતિ અને આત્મબુદ્ધિ સાધનાનો સાર છે ઇત્યાદિ સિદ્ધાંતોની સ્પષ્ટતા થઈ છે. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની દાસભાવે ભક્તિ કરવી એ પરમ સિદ્ધાંત અહીં સુપેરે પ્રતિપાદિત થયો છે. સાથે સાથે આંતરિક સાધનામાં આવશ્યક વિચારો જેમ કે પરબ્રહ્મની પ્રાપ્તિનો વિચાર, ભગવાનના કર્તાપણાનો વિચાર, ભગવાનના રાજીપાનો વિચાર, આત્મવિચાર, જગતના નાશવંતપણાનો વિચાર, સંબંધના મહિમાનો વિચાર, ગુણગ્રહણ, દિવ્યભાવ, દાસભાવ, અંતર્દૃષ્ટિ વગેરેનો સમાવેશ અહીં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મોળી વાત ન કરવી, અભાવ-અવગુણ ન લેવા, ભક્તોનો પક્ષ રાખવો વગેરે સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે. વળી મંદિરોની સ્થાપનાનો હેતુ તેમજ મંદિરોમાં દર્શનાદિ વિધિની રીતનો પણ અહીં નિર્દેશ છે. આ સિવાય સત્સંગીએ કરવાની નિત્ય વિધિ, સદાચાર, નિયમ-ધર્મ, સાપ્તાહિક સત્સંગ સભા, ઘરસભા, ઘરમંદિરમાં ભક્તિ કરવાની પદ્ધતિ, નિત્યપૂજા, ધ્યાન તથા માનસી વગેરે નિત્ય સાધનાઓ પણ આમાં વણી લેવામાં આવી છે.

આ ગ્રંથના શીર્ષકમાં પ્રયોજાયેલ ‘દીક્ષા’ શબ્દનો અર્થ દૃઢ સંકલ્પ, અચળ નિશ્ચય અને સમ્યક્ સમર્પણ છે. સત્સંગના આજ્ઞા અને ઉપાસના સંબંધી સિદ્ધાંતોને જીવનમાં દૃઢ કરવાનો સંકલ્પ કરીએ, તે સિદ્ધાંતોનો અચળ નિશ્ચય પ્રાપ્ત કરીએ અને તે સિદ્ધાંતો માટે સમ્યક્ સમર્પિત થઈએ તેવો જીવનસંદેશ આ ગ્રંથમાં પડઘાય છે.

આ રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રસ્થાપિત અને ગુણાતીત ગુરુપરંપરા દ્વારા પ્રવર્તિત સત્સંગમાં આજ પર્યંત જે કાંઈ સમજવાનું અને આચરવાનું છે, તેમજ જે કાંઈ લાખો સત્સંગીઓ દ્વારા જીવાઈ રહ્યું છે તે સઘળું ગાગરમાં સાગરની જેમ આ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથમાં સમાયેલું છે.

વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ પૂર્ણિમા, ગુરુપૂર્ણિમા, તા. ૫ જુલાઈ ૨૦૨૦ના પવિત્ર દિવસે પ. પૂ. મહંતસ્વામી મહારાજે આ ગ્રંથનું પ્રથમ પૂજન કરી તેને ઉદ્‌ઘાટિત કર્યો. આ જ દિવસે તેઓએ સર્વે સંતો તેમજ હરિભક્તોને આજ્ઞા પણ કરી કે આ ગ્રંથમાંથી દરરોજ પાંચ શ્લોકોનું અવશ્ય વાંચન કરવું.

આ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથ પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પ્રમુખસ્વામી મહારાજની જન્મશતાબ્દીના અર્ઘ્યરૂપે ભગવાન સ્વામિનારાયણ તથા ગુણાતીત ગુરુવર્યોનાં ચરણે સમર્પિત કર્યો છે.

ખરેખર, શ્રીહરિ અને અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુવર્યોના હૃદયગત અભિપ્રાયરૂપ ‘સત્સંગ’ને નિત્ય જીવનમાં જીવવાના દૃઢ સંકલ્પરૂપ ‘દીક્ષા’નું નિત્ય સ્મરણ કરાવતો આ ગ્રંથ રચીને પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંતસ્વામી મહારાજે સમગ્ર સત્સંગ સમુદાય પર મહાન ઉપકાર કર્યો છે. તેમના આ ઉપકારના આપણે હંમેશા ઋણી રહીશું. આ ગ્રંથને સંસ્કૃતમાં શ્લોકબદ્ધ કરનાર મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીનો પણ આભાર.

વૈદિક સનાના ધર્મના અર્કરૂપ આ ‘સત્સંગદીક્ષા’ શાસ્ત્રના નિત્ય વાંચન, મનન, નિદિધ્યાસન દ્વારા સાચા અર્થમાં સ્વામિનારાયણીય સત્સંગની દીક્ષા પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના.

- સાધુ ઈશ્વરચરણદાસ

૫ જુલાઈ ૨૦૨૦,

ગુરુપૂર્ણિમા વિ. સં. ૨૦૭૬,

અમદાવાદ

SELECTION

Type: Keywords Exact phrase