ચોસઠ પદી

પદ ૯-૧૬

(અસંતનાં લક્ષણ)

પદ - ૯

સાચા સંતનાં અંગ એંધાણ રે, જોઈ લેવાં જીવડીએ;

જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડીઘડીએ... ૧

ખાતાં પીતાં જોતાં જણાશે રે, આશય એના અંતરનો;

ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરનો... ૨

હશે હારદ હૈયા કેરું રે, વણ કહ્યે પણ વરતાશે;

જેમ જેમ છપાડશે1 ઘણેરું રે, તેમ તેમ છતું થાશે... ૩

ખાય ખૂણે લસણ લકીરે2, તે ગંધ કરે છુપાવાનું;

કહે નિષ્કુળાનંદ વાત નકી રે, જેમ છે તેમ જણાવાનું... ૪

પદ - ૧૦

જેવો રસ ભર્યો જે ઠામે રે, તેવો તેમાંથી ઝરશે;

કોઈ કાઢશે પડ્યે કામે રે, નિશ્ચે તેવો નીસરશે... ૧

જોને આહાર કરે જન જેવો રે, તેવો આવે ઓડકારે;

અણપૂછે નીસરે એવો રે, આશય અંતરનો બા’રે... ૨;

જોને ચીલ3 ચડે આસમાને4 રે, નજર તેની નીચી છે;

દેખી મારણને5 મન માને રે, અન્ય જોવા આંખ મીંચી છે... ૩

એવા લક્ષણવાળા લાખું રે, દીઠા મેં દગે ભરિયા;

કહે નિષ્કુળાનંદ શું ભાખું રે, ઓળખો એની જોઈ ક્રિયા... ૪

પદ - ૧૧

કામી બોલે કામે ભરિયું રે, લોભી બોલે લોભ લઈ;

ક્રોધી બોલે ક્રોધે અનુસરિયું રે, માની બોલે માન સઈ... ૧

સ્વાદી બોલે સ્વાદ વખાણી રે, દંભી બોલે દંભ ભરી;

અહંકારી અહંકાર આણી રે, કપટી બોલે કપટ કરી... ૨

માટે જે જનને મળે જેવા રે, તેવો તેને રંગ ચડશે;

નહિ જાય શ્રોતા સારુ લેવા રે, જેમ છે તેમ તેનું જડશે... ૩

ખૂબ ખરા હોય ખપવાળા રે, તેને જોવું તપાસી;

થાય નિષ્કુળાનંદ સુખાળા રે, ખરી વાત કહું ખાસી... ૪

પદ - ૧૨

વણ સાધુનો6 વરતારો7 રે, આ પદ સુણતાં ઓળખાશે;

પછી શોધી સમાગમ સારો રે, તે સાથે પ્રીતિ થાશે... ૧

તેહ વિના મન નહિ માને રે, બીજે દલડું નહિ બેસે;

કાયરની વાતો કાને રે, સાંભળી પંડ્યમાં નહિ પેસે... ૨

આંખ અંતરની ઊઘડશે રે, પડશે પારખું પોતાને;

ખરા ખોટાની ગમ પડશે રે, જડશે વાતો એ જોતાને... ૩

પછી સંત અસંત એક પાડે8 રે, નહિ દેખે તે કોઈ દને;

કહિ નિષ્કુળાનંદ શું દેખાડે રે, જાણશે જેમ છે તેમ મને... ૪

(સંતનાં લક્ષણ)

પદ - ૧૩

જેનું તન મન માન્યું ત્યાગે રે, ભક્તિ ધર્મ ભાવે છે;

તેનાં વચન વીંટ્યાં વૈરાગ્યે રે, અંતરમાંથી આવે છે... ૧

શીલ9 સંતોષ ને વળી શાંતિ રે, એમાં રહીને બોલે છે;

ધીરજતા કહી નથી જાતી રે, જ્ઞાન ધ્યાનમાં ડોલે છે... ૨

એવા સંત સહુના સગા રે, પર ઉપકારી પૂરા છે;

જેના દલમાં નહિ કોઈ દગા રે, સત્ય વાતમાં શૂરા છે... ૩

વળી હેત ઘણું છે હૈયે રે, આંખે અમૃત વરસે છે;

કહે નિષ્કુળાનંદ શું કહિયે રે, એ જન જોઈ હરિ હરખે છે... ૪

પદ - ૧૪

કેને દુઃખ દેવાનો દલમાં રે, ભૂલ્યે ભૂંડો ભાવ નથી;

પર ઉપકારે પળપળમાં રે, ઊપજે ઇચ્છા અંતરથી... ૧

પંચવિષયને પરહરીને રે, વરતે છે વણ વિકારે;

તેહ જણાય જોવે કરીને રે, જન એ બોલે છે જ્યારે... ૨

વણ વિચારે પણ વાતું રે, આવે એના અંતરથી;

બોલે અહં મમતાનું ઘસાતું રે, ઊતર્યું મન તનસુખ પરથી... ૩

એવા ક્યાંથી મળે જન એકે રે, નિર્મળ અંતર નિષ્કામી;

કહે નિષ્કુળાનંદ વિવેકે રે, બીજા બહુ હોય હરામી... ૪

પદ - ૧૫

વિષયી જનનાં વાયક10 રે, ભર્યાં ભરપૂર ભૂંડાઈયે;

હોય સહુને દુઃખદાયક રે, એથી સુખિયાં શું થાયે... ૧

જોને આગ્નીધ્ર દીર્ઘતમા રે, વિષય સારુ વલખ્યા છે;

એનાં વચન શોધી શાસ્ત્રમાં રે, સર્વે લઈને લખ્યાં છે... ૨

વળી વશિષ્ઠ ને દુર્વાસા રે, લોભી ક્રોધી કા’વે છે;

એના અંતરની જે આસા રે, સર્વે શાસ્ત્ર જણાવે છે... ૩

માટે જે જનમાં ગુણ જેવો રે, એવો આપે સેવકને;

કહે નિષ્કુળાનંદ ન સેવો રે, જાણી એવા વિવેકને... ૪

પદ - ૧૬

કહ્યાં ખટ દશ11 પદ આ ખોળી રે, સહુ જનને સમજાવાને;

કહ્યું તન મનમાં મેં તોળી રે, જેમ છે તેમ જણાવાને... ૧

કોઈ પીયૂષ12 રસને પાઈ રે, ઉછેરે નર ઉરગને;13

તોય નિરવિખ14 તે ન થાય રે, વાધે વિખ એના અંગને... ૨

જોને જેવો ગુણ જે બીજે15 રે, તેવો તેહ જણાવે છે;

તેની કોટિ જતન જો કીજે રે, તોય તે શું બદલાવે છે... ૩

એવા ઝેરીલા જન જાણી રે, તરત તેને તજી દેવા;

સુણી નિષ્કુળાનંદની વાણી રે, શુદ્ધ સંતની કરીયે સેવા... ૪

પદ 🏠 home ગ્રંથ મહિમા પદ: ૧-૮ પદ: ૯-૧૬ પદ: ૧૭-૨૪ પદ: ૨૫-૩૨ પદ: ૩૩-૪૦ પદ: ૪૧-૪૮ પદ: ૪૯-૫૬ પદ: ૫૭-૬૪