ચોસઠ પદી

પદ ૧-૮

મંગળાચરણ

વંદું અક્ષર સાથ નાથ હરિને, ને નિષ્કુળાનંદને;

જેને સંત જ તે સ્વયં હરિ કહ્યા, કાવ્યો રચી ગાઈને;

જેવા લક્ષણ ગ્રંથ ચોસઠ પદીમાંહી લખ્યા, સંતના;

એવા સદ્‌ગુણવંત સંત પ્રમુખસ્વામીજીને,

વંદના, વંદના, વંદના, વંદના.

(સંતનાં લક્ષણ)

પદ - ૧

એક વાત અનુપ અમોલ, કરું છું કહેવાતણું;

પણ મનભાઈ કહે છે મ1 બોલ, ઘોળ્યું2 ન કહેવું ઘણું... ૧

પણ વણકહ્યે જો વિગત, પડે કેમ પરને;

સંત અસંતમાં એક મત,3 નિશ્ચે રહે નરને... ૨

માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લહીએ;

મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કહીએ... ૩

કે’ છે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં;4

સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં5... ૪

પદ - ૨

એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો;

પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો... ૧

જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા;

તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા... ૨

એવા શત્રુતણું ટળ્યું સાલ,6 લાલ જ્યાં આવી રહ્યા;

તેણે સંત થયા છે નિહાલ,7 પૂરણકામ થયા... ૩

એવા સંત જે હોય સંસાર, શોધીને સેવી લીજીએ;

કહે નિષ્કુળાનંદ નિરધાર, તે લાભ તો લીજીએ... ૪

પદ - ૩

સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;

સેવ્યો મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને... ૧

એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા;

જમ્યા સર્વે લોક સરવે ધામ, સહુ થયા ત્રપતા... ૨

એવા સંતને પૂજીને પટ,8 પ્રીત્યેશું પહેરાવિયાં;

તેણે ઢાંક્યાં છે સહુના ઘટ,9 ભલાં મન ભાવિયાં... ૩

એવા સંત મળ્યે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી;

કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી... ૪

પદ - ૪

નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાયે નથી;

સહુ અંતરે કરો વિચાર, ઘણું શું કહું કથી... ૧

એક જમતાં બોલિયો શંખ,10 અસંખ્યથી શું સર્યું;

એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું... ૨

એમ એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા;

માટે ઘણું ઘણું શું કહું, ભેદ ભક્તના કહ્યા... ૩

હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ;

કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ... ૪

 

(અસંતનાં લક્ષણ)

પદ - ૫

જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે;

એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે... ૧

માન મમતા મત્સર મોહ, ઈરષા અતિ ઘણી;

એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી... ૨

તેને સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામીએ;

જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ... ૩

એનાં દર્શન તે દુઃખદેણ,11 ન થાય તો ન કીજીએ;

સુણી નિષ્કુળાનંદનાં વેણ, સહુ માની લીજીએ... ૪

પદ - ૬

એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની;

જેના અંતરમાં દી’ ને રાત, ઇચ્છા વિષય સુખની... ૧

એને અરથે કરે ઉપાય, શોધી સારા ગામને;

પોતે પોતાનું મા’તમ ગાય, ચા’યે12 દામ13 વામને14... ૨

કરે કથા કીરતન કાવ્ય, અરથ એ સારવા;

ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા15... ૩

એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું;

કહે નિષ્કુળાનંદ નિરવાણ,16 પેખી પરમાણવું17... ૪

પદ - ૭

દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ;

ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂઆ સુધી... ૧

તેણે જનમ પશુને પાડ,18 ખોયો ખોટા કારણે;

મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે... ૨

ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઈ જળમાં;

મેલી મુક્ત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં19... ૩

આપ ડહાપણે આખો દિવસ, દુઃખે ભર્યો દો’યલો;20

કહે નિષ્કુળાનંદ અવસ, ખાટ્યો21 માલ ખોયલો22... ૪

પદ - ૮

સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં;

સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં23... ૧

જડભરત જનક જયદેવ, એવું થાવું આપણે;

ત્યારે કરતાં અસંતની સેવ, વાત કહો કેમ બણે... ૨

અતિ આદર્યું કામ અતોલ,24 પરલોક પામવા;

ત્યારે ખરી કરી જોઈએ ખોળ, વિઘનને વામવા... ૩

વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા;

કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કહ્યા... ૪

પદ 🏠 home ગ્રંથ મહિમા પદ: ૧-૮ પદ: ૯-૧૬ પદ: ૧૭-૨૪ પદ: ૨૫-૩૨ પદ: ૩૩-૪૦ પદ: ૪૧-૪૮ પદ: ૪૯-૫૬ પદ: ૫૭-૬૪