ફોનેટીક ફોન્ટ્સ શું છે ?
ફોનેટીક ફોન્ટ્સ એટલે જે ફોન્ટ્સ ગુજરાતીના અક્ષરો અને અંગ્રેજીના અક્ષરોને સમતુલ્ય કરીને અંગ્રેજીના કીબોર્ડમાં સોંપ્યા હોય (assigned) તે. ગુજરાતીના અને અંગ્રેજીના અક્ષરોની સમતુલના એટલે phonetic equivalence; અર્થાત્ બોલવામાં સરખા લાગે. ગુજરાતી 'ક' એટલે અંગ્રેજીનો 'k'. આવા ફોન્ટ્સ છે હરિકૃષ્ણ, ઘનશ્યામ, યોગી, અમૃત, સુગમ, વગેરે. જે ફોનેટીક ફોન્ટ્સ હોય છે તે નોન-યુનિકોડ (non-Unicode) ફોન્ટ્સ હોય છે. ગુજરાતીનો 'મ' એટલે અંગ્રેજીનો 'm', વગેરે સમતુલના. એટલે હરિકૃષ્ણ જેવા ફોન્ટ્સ વાપરશો તો 'p' ટાઈપ કરવાથી ગુજરાતીનો 'પ' લખાશે. 'T' ટાઈપ કરવાથી ગુજરાતીનો 'ટ' લખાશે અને 't' ટાઈપ કરશો તો 'ત' લખાશે.
આવા ફોન્ટ્સ વતી ગુજરાતી લખવું પહેલાં તો સુપેરે લાગશે. પરંતુ ખરેખર ગુજરાતી લખવું હોય તો ફોનેટીક ફોન્ટ્સ વતે જે લખ્યું તે ખરેખર ગુજરાતી નથી, પરંતુ અંગ્રેજીના વેશમાં ગુજરાતી છે, અર્થાત્ અંગ્રેજી જ છે. નોન-યુનિકોડ ફોન્ટ્સ થકી અસલ ગુજરાતી ટાઈપ કરવું અશક્ય છે. નીચેની છબીઓમાં બતાવ્યું છે કેમ તે અંગ્રેજી જ રહે છે.
ઉપરની પહેલી છબીમાં 'અંકિત' ફોન્ટ થકી 'પરમ' લખવામાં આવ્યું છે. 'અંકિત' ફોન્ટ તે ફોનેટીક ફોન્ટ છે અને ફોનેટીક ફોન્ટ હોવાથી નોન-યુનિકોડ ફોન્ટ છે એટલે અસલ ગુજરાતી ટાઈપ ના થઈ શકે. જો આપ 'પરમ' ટાઈપ કરેલું સિલેક્ટ (select) કરો અને ફોન્ટ બદલીને અંગ્રેજીનો 'Arial' ફોન્ટ કરશો તો આપે વાસ્તવમાં તો 'prm' ટાઈપ કર્યું છે તે દેખાશે. કેવલ અક્ષરોનો આકાર જ ગુજરાતી જેવા લોગે છે પણ અસલ ગુજરાતી નથી. અને સિલેક્ટ કરીને કોપી (copy) કરશો અને બ્રાઉસરના સર્ચ બોક્ષમાં પેસ્ટ (paste) કરશો તો 'prm' પેસ્ટ થશે. મુળમાં તો અંગ્રેજી હોવાથી ગુજરાતી નહિ જ થાય.
નોન-યુનિકોડ ફોન્ટ્સ વતી વેબ પેજ બનાવી શકાય પણ આપની વેબ સાઈના મુલાકાતીઓને જે ફોન્ટ વાપરો છો તે સ્થાપીત કરવો પડે છે. અને ટેક્ષ્ટ એડીટરસમાં 'HTML code'માં આપને મુળ ગુજરાતી નહીં દેખાય કારણ કે ટેક્ષ્ટ એડીટરસ નોન-યુનિકોડ ગુજરાતી બતાવી ના શકે; કેવલ યુનિકોડ ગુજરાતી બતાવી શકે, અને જો યુનિકોડ ફોન્ટ વાપરો તો આપના મુલાકાતીઓને ફોન્ટ સ્થાપીત કરવાની જરૂર નથી. વીન્ડોઝ 'XP'માં, 'Vista'માં, અને '7'માં શ્રુતિ ફોન્ટ સ્થાપિત કરેલો હોય જ છે.
મુળ સાર એ જ છે કે :
- ફોનેટીક ફોન્ટ્સ નોન-યુનિકોડ ફોન્ટ્સ હોય છે.
- નોન-યુનિકોડ ફોન્ટ્સ થકી અસલ ગુજરાતી લખાય જ નહિ.
- જે નોન-યુનિકોડ ફોન્ટ્સ થકી લખ્યું છે તે વાસ્તવમાં તો અંગ્રેજી જ છે.
- એક પણ OS (Windows, Linux, Mac OSX, ...)) નોન-યુનિકોડ ફોન્ટ્સ સમજી નહિ શકે.
બધા જ નોન-યુનિકોડ ફોન્ટ્સ ફોનેટીક ફોન્ટ્સ નથી હોતા. અમૂક નોન-યુનિકોડ ફોન્ટ્સ જુદી જ કીબોર્ડ લેઆઉટ વાપરતા હોય છે. પરંતુ બધા જ ફોનેટીક ફોન્ટ્સ નોન-યુનિકોડ ફોન્ટ્સ હોય છે. ઈંડિકા ફોન્ટ્સ, જેવા કે નકુલ અને સહદેવ, તે નોન-યુનિકોડ ફોન્ટ્સ છે પણ ફોનેટીક કીબોર્ડ લેઆઉટ નથી વાપરતા.
ફોનેટીક ફોન્ટ્સના ફાયદા
ફોનેટીક ફોન્ટ્સના ફાયદા પણ છે તે અહિયાં સમજીશું.
- પહેલો ફાયદો છે કે ગુજરાતી નોન-યુનિકોડ ફોન્ટ્સની રચના કરવી સહેલું છે જ્યારે યુનિકોડ ફોન્ટ્સની રચના કરવી અઘરું છે. યુનિકોડ ફોન્ટ્સમાં ડેવેલોપર્સને સ્ક્રિપ્ટીંગ કરવું પડે છે જે જટિલ કામ છે.
- ઘણા વિવિધ નોન-યુનિકોડ ફોન્ટ્સ ઉપલબ્ધ છે જ્યારે યુનિકોડ ફોન્ટ્સ ઉપલબ્ધ નથી. તેનું કારણ જ ઉપર બતાવેલ રચના કરવામાં જટિલતા.
- અમૂક પ્રોગ્રામો જે યુનિકોડ આધાર નથી કરતા, જેવા કે Adobe Photoshop, તેમાં નોન-યુનિકોડ ફોન્ટ્સ વાપરી શકાય અને વિવિધરૂપે છબીઓ રચી શકાય. Adobe Photoshopમાં યુનિકોડ ફોન્ટ્સ વાપરો કે નોન-યુનિકોડ ફોન્ટ્સ વાપરો તેમાં વાંધો નથી કારણ કે છબી બનાવ્યા પછી તે ફક્ત છબી જ છે.
યુનિકોડ ફોન્ટ્સ અને ફોનેટીક કીબોર્ડ
યુનિકોડ ફોન્ટ્સ સ્વયમ ફોનેટીક ફોન્ટ્સ નથી, પણ જે કીબોર્ડ લેઆઉટ છે તેને બદલી ને કીબોર્ડને જ ફોનેટીક બનાવી શકાય. એટલે ફોનેટીક કીબોર્ડ કહેવાય છે. એવું એક ફોનેટીક કીબોર્ડ મેં બનાવેલું છે - ગુજરાતી ફોનેટીક કીબોર્ડ. આનો ફોયદો એ જ છે કે આ કીબોર્ડ ગમે તે યુનિકોડ ફોન્ટ્સ માટે વાપરી શકાય. જ્યારે ફોનેટીક ફોન્ટ્સનું જે કીબોર્ડ મૅપીંગ છે તે બદલી ના શકાય. આપ ગુજરાતી કીબોર્ડ વતી 'h' ટાઈપ કરો અથવા ગુજરાતી ફોનેટીક કીબોર્ડ વતી 'p' ટાઈપ કરો, પણ પરીણામે તો 'પ' જ લખાશે અને બંને અસલી ગુજરીતાના 'પ' છે. મુળમાં તો 'h' નથી કે 'p' પણ નથી પણ ગુજરાતી 'પ'નો કૅરેક્ટર કોડ '૨૭૩૦' (character code '2730') છે. આપ ગમે તે યુનિકોડ કીબોર્ડ લેઆઉટ વાપરો, યુનિકોડ કીબોર્ડ વતી ગુજરાતીના કૅરેક્ટર કોડ જ ટાઈપ થશે અને આ જ અસલી ગુજરાતી છે. આ બધા કૅરેક્ટર કોડ અહિયાં આપવામાં આવ્યા છે : Gujarati Unicode Entities and Character Codes Reference.
ઉપર દાખલો જોયો હતો જેમાં નોન-યુનિકોડ ફોન્ટ્સ વતી 'પરમ' લખ્યું હતું. અહિયાં જોઈશું તે યુનિકોડ ફોન્ટ્સ વતી 'પરમ' લખીએ તો શું થાય છે.
આપ 'પરમ' ટાઈપ કરીને સીલેક્ટ કરીને 'Arial' ફોન્ટ કરશો તો આપમેળે જ ફોન્ટ 'Shruti' થઈ જશે. કેમ ? કારણ કે 'Arial'માં ગુજરાતીના કૅરેક્ટર જ નહીં. પરંતુ જો ફોન્ટ બદલીને 'Arial Unicode MS' કરશો તો બદલાશે કારણ કે 'Arial Unicode MS'માં ગુજરાતી કૅરેક્ટરો છે. વધુમાં જો વેબ બ્રાઉસરના સર્ચ બોક્ષમાં પેસ્ટ કરશો તો ગુજરાતી જ પેસ્ટ થશે કારણ કે મુળમાં જ ગુજરાતી છે.
નોન-યુનિકોડ ફોન્ટ્સથી લખેલું યુનિકોડ ફોન્ટ્સમાં રૂપાંતર કરવું
નોન-યુનિકોડ ફોન્ટ વતે લખેલું યુનિકોડ ફોન્ટમાં રૂપાંતર પ્રોગ્રામ દ્વારા થઈ શકે છે. બધા જ નોન-યુનિકોડ ફોન્ટ્સ એક સરખું કીબોર્ડ મેપ નથી વાપરતા. એટલે કદાચ આપ જે નોન-યુનિકોડ ફોન્ટ વાપરો છો તેનું રૂપાંતર ના થઈ શકે પણ ઘણા ખરા પ્રચલીત નોન-યુનિકોડ ફોન્ટ્સનું રૂપાંતર થઈ શકે છે, જેવા કે હરિકૃષ્ણ, ગોપિકા, સરલ, વગેરે. મેં બનાવેલો હરિકૃષ્ણ ફોન્ટનું યુનિકોડ રૂપાંતર અહિયાં છે : Harikrishna to Unicode Conversion. આ પ્રોગ્રામ સુગમ, નીલકંઠ, ઘનશ્યામ, વગેરેનું પણ રૂપાંતર કરે છે.
એટલું જ નહિ, પણ આપને માઈક્રોસોફ્ટ વર્ડમાં જ રૂપાંતર કરવું હોય તો મે બનાવેલ મેક્રો આપ વાપરી શકો છો. તે ડાઉલોડ કરવા માટે અહિયાં ક્લિક કરો : Gujarati and Unicode Tabs for Microsoft Office Word. આ ટૅમ્પ્લેટ હરિકૃષ્ણ જેવા ફોન્ટ્સને યુનિકોડમાં રૂપાંતર કરશે. આ ટૅમ્પ્લેટ કેવી રીતે સ્થાપિત કરવી અને વાપરવી તેનું માર્ગદર્શન ત્યાં જ મળશે.