share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૪૧

‘એકોઽહં બહુ સ્યામ્’નું

સંવત ૧૮૭૬ના મહા સુદિ ૫ પંચમીને દિવસ સાંજને સમે શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીંબડા તળે ચોતરા ઉપર ઢોલિયે વિરાજમાન હતા ને સર્વે ધોળાં વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પીળાં પુષ્પના હાર પહેર્યા હતા ને પીળાં પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિષે પીળાં પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પ્રશ્ન ઉત્તર કરો.” પછી નૃસિંહાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! ‘એકોઽહં બહુ સ્યાં પ્રજાયેય’૧૭૧ એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતી છે તે એમ સમજે છે જે, ‘પ્રલયકાળને વિષે જે એક ભગવાન હતા તે જ પોતાની ઇચ્છાએ કરીને સૃષ્ટિકાળે૧૭૨ સર્વે જીવ-ઈશ્વરરૂપે થયા છે.’ તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી. અને અમે તો એમ સમજીએ છીએ જે, ભગવાન તો અચ્યુત છે, તે ચ્યવીને જીવ-ઈશ્વરરૂપે થાય નહીં. માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય.” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી. એનો અર્થ તો બીજી રીતે છે, તે વેદસ્તુતિના ગદ્યમાં કહ્યો છે જે, ‘સ્વકૃતવિચિત્રયોનિષુ વિશન્નિવ હેતુતયા તરતમતશ્ચ-કાસ્સ્ય-નલવત્સ્વકૃતાનુકૃતિઃ’૧૭૩ એનો અર્થ એમ છે જે, ‘પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનિઓ તેમને વિષે કારણપણે અંતર્યામીરૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિકભાવે પ્રકાશ કરે છે.’ તેની વિગતી જે, અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિષે અક્ષર સામી દૃષ્ટિ કરે છે, ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે. પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિષે પ્રવેશ કરે છે ને પુરુષરૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે. એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ૧૭૪ થતો ગયો તેમ તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ. અને પછી તે પ્રકૃતિપુરુષ થકી પ્રધાનપુરુષ થયાં અને તે પ્રધાનપુરુષ થકી મહત્તત્ત્વ થયું ને મહત્તત્ત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકારથી ભૂત, વિષય, ઇન્દ્રિયો, અંતઃકરણ અને દેવતા તે થયાં ને તે થકી વિરાટપુરુષ થયા ને તેની નાભિકમળમાંથી બ્રહ્મા થયા ને તે બ્રહ્મા થકી મરીચ્યાદિક પ્રજાપતિ થયા ને તે થકી કશ્યપ પ્રજાપતિ થયા ને તે થકી ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર-જંગમ સર્વે સૃષ્ટિ થઈ. અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતર્યામીરૂપે પ્રવેશ કરીને રહ્યા છે; પણ જેવા અક્ષરમાં છે૧૭૫ તેવી રીતે પુરુષપ્રકૃતિમાં નથી ને જેવા પુરુષપ્રકૃતિમાં છે તેવા પ્રધાનપુરુષમાં નથી ને જેવા પ્રધાનપુરુષમાં છે તેવા મહત્તત્ત્વાદિક ચોવીસ તત્ત્વમાં નથી ને જેવા ચોવીસ તત્ત્વમાં છે તેવા વિરાટપુરુષમાં નથી ને જેવા વિરાટપુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચ્યાદિકમાં નથી ને જેવા મરીચ્યાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ-પક્ષીમાં નથી; એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વમાં કારણપણે અંતર્યામીરૂપે કરીને રહ્યા છે. જેમ કાષ્ઠને વિષે અગ્નિ રહ્યો છે૧૭૬ તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે; તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારે જેટલું કાર્ય કરાવવું હોય તેને વિષે તેટલી સામર્થીએ યુક્ત થકા રહે છે. અને અક્ષર ને પુરુષ-પ્રકૃતિ આદ્યે સર્વેને વિષે પુરુષોત્તમ ભગવાન અંતર્યામીરૂપે રહ્યા છે, પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થીમાં તારતમ્યપણું છે.૧૭૭ એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામીરૂપે કરીને એ સર્વેને વિષે પ્રવેશ કરીને રહ્યા છે,૧૭૮ પણ જીવ-ઈશ્વરપણાને પોતે પામીને બહુરૂપે નથી થયા. એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૧ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૧૭૧. “તદૈક્ષત બહુ સ્યાં પ્રજાયેય” આ પ્રમાણે છાન્દોગ્યોપનિષદ: ૬/૨/૩ તથા તૈત્તિરીયોપનિષદ: ૨/૬માં હાલ પાઠ મળે છે. શ્રીજીમહારાજના સમયની કોઈ પ્રતમાં “એકોઽહં બહુ સ્યાં પ્રજાયેય” આ પાઠ હશે, તેમ નૃસિંહાનંદ સ્વામીએ કહેલ મંત્રના સંદર્ભથી જણાય છે.

૧૭૨. પરિણામ પામીને.

૧૭૩. ભાગવત: ૧૦/૮૭/૧૯.

૧૭૪. સર્વવ્યાપક પુરુષોત્તમ ભગવાનનો સદાય તમામ વસ્તુમાં પ્રથમથી જ પ્રવેશ છે, નવો નથી, તો આ સ્થળે કહેલો પ્રવેશ, સૃષ્ટિ સમયમાં વિશિષ્ટ શક્તિએ યુક્ત અનુપ્રવેશ જાણવો, જેથી પ્રત્યેક વસ્તુમાં પરમાત્માની પુષ્કળ પ્રતીતિ જણાય. “તત્સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત્” (તૈત્તિરીયોપનિષદ: ૨/૬; જગત રચીને તેમાં અનુપ્રવેશ કર્યો) એમ શ્રુતિમાં કહ્યું છે.

૧૭૫. હવે શરૂ થતાં વાક્યોનો અર્થ એમ છે જે, ભગવાન જેવા અક્ષરબ્રહ્મ દ્વારા સામર્થ્ય બતાવે છે તેવું પ્રકૃતિપુરુષાદિક દ્વારા સામર્થ્ય નથી બતાવતા. તેમ ક્રમશઃ પશુ-પક્ષી સુધી સમજવું. ભગવાન બધે સમાનપણે રહ્યા હોવા છતાં પાત્રના તારતમ્ય પ્રમાણે ભગવાન દર્શાય છે. જેમ સૂર્યનાં કિરણોનો પ્રકાશ ધૂળનાં ઢેફાં પર, પાણીમાં, કાચ પર સમાન દેખાતો નથી. તેમાં સૂર્યનાં કિરણો કારણભૂત નથી પણ પાત્રોનું તારતમ્ય કારણભૂત છે.

૧૭૬. “અગ્નિર્યથૈકો ભુવનં પ્રવિષ્ટો” (કઠોપનિષદ: ૨/૨/૯) ઇત્યાદિક શ્રુતિઓમાં આ અર્થ નિરૂપણ કર્યો છે.

અહીં શ્રીજીમહારાજ કહે છે કે કાષ્ઠ અને પાષાણમાં (પથ્થરમાં) અગ્નિ રહેલો હોય છે. આ આશ્ચર્યકારી છે, કારણ કે સામાન્યપણે આપણા માટે અગ્નિની કલ્પના જુદી હોય છે. જ્યારે કોઈ વસ્તુ બળે અને ભડકો દેખાય એને આપણે અગ્નિ કહીએ છીએ. શ્રીજીમહારાજ અહીં જે અવ્યક્ત પ્રકારના અગ્નિની વાત કરે છે તેવી વાત વિજ્ઞાનમાં પણ મળતી આવે છે. વિજ્ઞાન એવું કહે છે કે દરેક પદાર્થમાં એક પ્રકારનો અગ્નિ રહેલો છે, જેને ‘લેટંટ એનર્જી’ (latent energy) અથવા ‘ધ હીટ ઓફ કમ્બશન’ (the heat of combustion) કહેવામાં આવે છે.

The Heat of Combustion: The heat of combustion (ΔHCo) is the energy released as heat when a compound undergoes complete combustion with oxygen under standard conditions. For example, the heat of combustion of wood is 24.2 MJ/kg.

૧૭૭. વસ્તુતાએ તારતમ્યપણું નથી.

૧૭૮. માટે ભગવાન “સર્વરૂપે થાય છે” એમ વેદાદિક કહે છે. “સર્વં સમાપ્નોષિ તતોઽસિ સર્વઃ” (સર્વમાં વ્યાપીને રહ્યા છો માટે તમો સર્વરૂપ છો) એમ ગીતા (૧૧/૪૦)માં પણ કહ્યું છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase