॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દોમાં વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણનાં વચનામૃતોનો અર્ક તારવીને બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્ત્વિક સિદ્ધાંતરૂપે સ્વહસ્તાક્ષરમાં લખી આપવાની કૃપા કરી છે. અહીં એ પ્રાસાદિક સારસંક્ષેપને આશીર્વાદરૂપે માણીએ...
॥ શ્રીસ્વામિનારાયણો વિજયતે ॥
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના તાત્ત્વિક સિદ્ધાંતો: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ - એ પાંચ તત્ત્વો નિત્ય છે, સત્ય છે અને પરસ્પર સ્વરૂપતઃ સદાય જુદાં છે.
પરબ્રહ્મ
અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ નિત્ય, સર્વોપરી, સદા દિવ્ય, સદા સાકાર, નિર્દોષ, માયાપર, એક અને અદ્વિતીય ચૈતન્ય તત્ત્વ છે.
તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં સદા દિવ્ય દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકૃતિ, અતિ પ્રકાશવાન, કિશોરમૂર્તિ થકા દિવ્ય સિંહાસનમાં વિરાજમાન છે. અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા તે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા બ્રાહ્મીતનુયુક્ત અનંતકોટિ મુક્તો દાસભાવે તેમને ભજે છે. તેઓ સદા સ્વાભાવિક અનંત દિવ્ય કલ્યાણકારી ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત છે, નિર્દોષ છે, સર્વદા સર્વઐશ્વર્યસંપન્ન છે, સર્વજ્ઞ છે, સર્વકર્તાહર્તા છે. સકળ સૃષ્ટિના નિમિત્ત અને ઉપાદાન કારણ છે. તેઓ પોતાના દિવ્ય અક્ષરધામમાં વ્યતિરેકસ્વરૂપે વિરાજમાન થકા જ અન્વયસ્વરૂપે અનંતકોટિ બ્રહ્માંડોમાં અંતર્યામીપણે વ્યાપક અને તેના આધાર છે. તેઓ સદાય જીવ, ઈશ્વર, માયા, અક્ષરમુક્તો અને અક્ષરબ્રહ્મ – એ સર્વે કરતાં અનંત ઘણા સમર્થ અને એ સર્વેના સ્વતંત્રપણે નિયંતા, પ્રેરક અને શરીરી છે. તેઓ પોતાની ઇચ્છાથી સર્વે જીવો તથા ઈશ્વરોના કર્મફળપ્રદાતા છે; અને તેઓની ઇચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અને ક્રિયાશક્તિના પ્રેરક છે.
માયિક ઇન્દ્રિય-અંતઃકરણને અગોચર એવા આ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતાના દિવ્ય સંકલ્પથી, કરુણાએ કરીને, અનંત જીવો તથા ઈશ્વરોના આત્યંતિક કલ્યાણને અર્થે અને પોતાના ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે અક્ષરધામમાં રહ્યા થકા જ, પોતાનાં સર્વ દિવ્ય ગુણ, ઐશ્વર્ય આદિ સહિત જ બ્રહ્માંડ-બ્રહ્માંડ પ્રત્યે સાક્ષાત્ મનુષ્યરૂપે પ્રગટ થઈ સર્વેને નયનગોચર થાય છે.
એ પ્રત્યક્ષ પરબ્રહ્મ પરમાત્મા સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીસ્વામિનારાયણ ભગવાન છે. તેઓ જ આપણા સૌના પરમ ઉપાસ્ય છે. અને સદા કાળ પોતાની પ્રત્યક્ષપણે ઉપાસના કરાવવા પોતે અંતર્ધાન થયા પછી પણ સાક્ષાદ્ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિ દ્વારા સમ્યગ્, અન્વયસ્વરૂપે સદા પ્રગટ રહે છે.
તેઓ સર્વ અવતારના કારણ છે, અવતારી છે, અધિપતિ છે. કોઈ વિશેષ કાર્ય નિમિત્તે તેઓ જ્યારે જીવો તથા ઈશ્વરોના ચૈતન્યોમાં સંકલ્પવિશેષરૂપ અનુપ્રવેશ કરે છે ત્યારે અવતારો સંભવે છે. આ પ્રત્યેક અવતારોના ચૈતન્યો સ્વરૂપ-સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે. આ અવતારોની જેમ જ વાસુદેવાદિક ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીસ મૂર્તિઓ વગેરેના ચૈતન્યો પણ સ્વરૂપ-સ્વભાવે કરીને એકબીજાથી જુદા છે.
અક્ષરબ્રહ્મ
અક્ષરબ્રહ્મ પરબ્રહ્મથી ભિન્ન અને પરબ્રહ્મની જેમ નિત્ય, એક અને ત્રિગુણાતીત એવું ચૈતન્ય તત્ત્વ છે. તે સદા દિવ્ય છે, અનંત કલ્યાણમય ગુણોથી યુક્ત અને માયિક ગુણોથી રહિત, સદા નિર્દોષ છે. આ અક્ષરબ્રહ્મનાં સ્વરૂપ, ગુણ, ઐશ્વર્ય વિગેરે એકમાત્ર પરબ્રહ્મને જ આધીન છે. અને પરબ્રહ્મની નિત્ય ઇચ્છાથી તે જડચિદાત્મક સકલ સૃષ્ટિનું કારણ, આધાર, વ્યાપક, નિયામક અને શરીરી છે.
આ અક્ષરબ્રહ્મ તત્ત્વતઃ એક જ હોવા છતાં ચાર રૂપે વિભિન્ન સેવારૂપ કાર્ય કરે છે.
અક્ષરબ્રહ્મ ચિદાકાશરૂપે અનંતકોટિ બ્રહ્માંડોની અંદર અને બહાર વ્યાપીને રહે છે, તથા તેને ધારણ કરી રાખે છે.
અક્ષરબ્રહ્મ ધામરૂપે પરબ્રહ્મ અને તેમની સેવામાં રહેલ મૂર્તિમાન અક્ષરબ્રહ્મ તથા અનંતકોટિ અક્ષરમુક્તોનું દિવ્ય નિવાસસ્થાન છે. આ અક્ષરધામ એક જ, નિત્ય અને સદા ત્રિગુણાતીત છે. અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામેલા મુક્તો જ તેમાં પ્રવેશી શકે છે.
અક્ષરબ્રહ્મ સેવકરૂપે એ જ અક્ષરધામમાં પરબ્રહ્મની જેમ જ દિવ્ય, દ્વિભુજ આદિ સર્વાંગ સંપૂર્ણ પુરુષાકારે સદાય પરબ્રહ્મની સેવામાં અક્ષરમુક્તોના આદર્શરૂપે રમમાણ રહે છે.
વળી, એ જ અક્ષર સંસારમાં બદ્ધ જીવો તથા ઈશ્વરોને પોતાના દિવ્ય પ્રસંગથી બ્રહ્મરૂપ કરી પરબ્રહ્મનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કરાવવા માટે, તેઓના આત્યંતિક કલ્યાણ માટે તથા સદા પરમાત્માના પ્રગટપણાની અનુભૂતિ કરાવવા માટે પરબ્રહ્મના સમ્યગ્ અને અખંડ ધારક ગુરુરૂપે તે તે બ્રહ્માંડોમાં પરમાત્મા સાથે મનુષ્યરૂપ ધરી અવતરે છે, સંપ્રદાયની પરંપરાને રક્ષે છે અને સર્વેને પરમ સુખનો અનુભવ કરાવે છે. અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુઓની આ પરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ પ્રગટ થયા છે. અને આ પરંપરા અખંડ ચાલુ જ રહે છે. એક કાળે આવા એક જ ગુરુ દ્વારા આત્યંતિક કલ્યાણ(નો) માર્ગ ચાલુ રહે છે.
માયા
માયા ત્રિગુણાત્મક, પરિણામી નિત્ય, જડ, અનંતકોટિ બ્રહ્માંડરૂપ સૃષ્ટિનું ઉપાદાન અને વિવિધ વિસ્મયકારી એવી પરબ્રહ્મની શક્તિ છે. આ જ માયા જીવો તથા ઈશ્વરોની અહં-મમતાનો હેતુ હોઈ તેઓની અનાદિ સંસૃતિનું કારણ બને છે. અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મ સદાય આ માયાથી અત્યંત નિર્લેપ, પર અને તેના શરીરી છે.
ઈશ્વર
ઈશ્વર એ પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને જીવોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્ત્વ છે. આ ઈશ્વરો અક્ષરબ્રહ્મ અને પરબ્રહ્મની અપેક્ષાએ અત્યંત અસમર્થ હોવા છતાં જીવોની અપેક્ષાએ વધુ સામર્થ્ય અને જ્ઞાન ધરાવે છે. પરમાત્મા તેઓ(ને) પોતાની ઇચ્છાથી તે તે બ્રહ્માંડની ઉત્પત્તિ વિગેરે કાર્યમાં પ્રેરે છે. આ ઈશ્વરો જીવની જેમ અસંખ્ય, સ્વરૂપતઃ અણુવત્ સૂક્ષ્મ, અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાતા, અનાદિકાળથી માયાથી બદ્ધ, શુભાશુભ કર્મના કર્તા અને તે તે કર્મફળના ભોક્તા છે. પ્રધાનપુરુષ, વિરાટ-પુરુષ, તેનાં ઇન્દ્રિયો-અંતઃકરણના દેવતાઓ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વિગેરે ઈશ્વર તત્ત્વના ચૈતન્યો છે, અને તે ચૈતન્યો સ્વરૂપ-સ્વભાવે કરીને પરસ્પર જુદા છે.
જીવ
જીવ એ પરબ્રહ્મ, અક્ષરબ્રહ્મ અને ઈશ્વરોથી ભિન્ન એવું નિત્ય ચૈતન્ય તત્ત્વ છે. આ જીવો અસંખ્ય, સ્વરૂપતઃ અણુવત્ સૂક્ષ્મ, અચ્છેદ્યાદિ લક્ષણે યુક્ત, જ્ઞાનસ્વરૂપ, જ્ઞાતા, અનાદિકાળથી માયાથી બદ્ધ, શુભાશુભ કર્મના કર્તા અને તે તે કર્મફળના ભોક્તા છે.
સાધના અને ફળ
આત્યંતિક કલ્યાણ માટે મુમુક્ષુએ પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ, તથા તેમના અખંડધારક પ્રગટ અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુરુહરિને વિષે નિર્દોષબુદ્ધિ, પરમ દિવ્યભાવ અને પ્રત્યક્ષ પરબ્રહ્મના ભાવથી દૃઢ પ્રીતિ કરવી. મન, કર્મ, વચને તેમનો દૃઢ પ્રસંગ કરી તેમને અતિશય રાજી કરવા.
આ રીતે સાધના કરનાર મુમુક્ષુઓ એવા જીવો તથા ઈશ્વરો પરબ્રહ્મની કૃપાથી એકાંતિક ધર્મ સિદ્ધ કરી, બ્રહ્મરૂપ થઈ એટલે કે અક્ષરબ્રહ્મના સાધર્મ્યને પામી પરબ્રહ્મની પરાભક્તિને પામે છે. તેમનાં સઘળાં દુઃખ તથા દોષ કાયમ માટે નાશ પામે છે, અને છતી દેહે પરમાત્માના પરમ આનંદને અનુભવતો રહે છે. પરમાત્માની ઇચ્છાથી આવો બ્રહ્મરૂપ ભક્ત દેહ મૂકીને અર્ચિમાર્ગે પરમાત્માના અક્ષરધામને પામી, બ્રાહ્મીતનુએ યુક્ત થઈ સદાય અક્ષરધામાધિપતિ પરબ્રહ્મની દાસભાવે દર્શનરૂપ સેવા કરતો થકો દિવ્ય આનંદને ભોગવતો રહે છે.
અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનું તાત્પર્ય
અક્ષરપુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષર અને પુરુષોત્તમ - એમ બે તત્ત્વોની ઉપાસના નહીં, પરંતુ અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ઉપાસના. અર્થાત્ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ઉપાસના. તેથી મનુષ્યરૂપે વિચરતા પરબ્રહ્મના સ્વધામગમન બાદ પણ બ્રહ્મસ્વરૂપ ગુરુના ભાવને લીન કરીને તેમના દ્વારા પરમાત્મા જ સ્વયં વિચરતા હોવાથી તે પ્રત્યક્ષ ગુરુહરિનો પ્રસંગ કરનાર મુમુક્ષુને ઉપાસના તો એકમાત્ર પરમાત્માની જ રહે છે.
અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના આ તાત્પર્યમાં જ સ્વામિનારાયણ મહામંત્રના અર્થનો સમાવેશ થઈ જાય છે. જેમ કે, સ્વામીરૂપ અર્થાત્ અક્ષરરૂપ થઈને નારાયણની અર્થાત્ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની દાસભાવે ભક્તિ-ઉપાસના કરવી.
સમાપન
આમ, આ તાત્ત્વિક સિદ્ધાંતો વૈદિક, સનાતન, શ્રીજીપ્રબોધિત અને ગુણાતીત ગુરુપરંપરા દ્વારા પ્રવર્તાવેલ છે. તેથી બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના સૌ આશ્રિતોએ આ પ્રમાણે સમજણ દૃઢ કરવી, અને અન્ય મુમુક્ષુઓને કરાવવી.
– શા. નારાયણસ્વરૂપદાસ(પ્રમુખસ્વામી મહારાજ)ના જય સ્વામિનારાયણ.
ગુરુપૂર્ણિમા, સંવત ૨૦૬૪, બોચાસણ.
(સને ૨૦૦૮)