॥ વચનામૃત પરથારો ॥

પરથારો ૩ : શ્રીહરિની લીલા, કાર્ય, અને ઐશ્વર્ય

અને પછી ત્યાંથી ચાલ્યા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે સંવત ૧૮૫૬ અઢારસો ને છપ્પનના શ્રાવણ વદિ ૬ છઠને દિવસ લોજપુરમાં આવતા હવા. અને તે લોજપુરમાં ઉદ્ધવના અવતાર એવા જે શ્રીરામાનંદ સ્વામી તેના શિષ્ય જે મુક્તાનંદ સ્વામી આદિક સાધુ તેમને દેખતા હવા. અને તેમને સાધુલક્ષણે યુક્ત એવા શ્રીકૃષ્ણ ભગવાનના ભક્ત જાણીને તે ભેળા પોતે રહેતા હવા. અને કેટલાક માસ ત્યાં રહીને પછી ત્યાંથી તે સાધુ ભેળા ચાલ્યા તે ગિરનાર પર્વતની છાયામાં જે પીપલાણું ગામ તેમાં રહ્યા જે નરસિંહ મહેતા નામે બ્રાહ્મણ તેના ઘરને વિષે વિરાજમાન એવા જે શ્રીરામાનંદ સ્વામી તેનાં દર્શન સંવત ૧૮૫૬ અઢારસો છપ્પનના જ્યેષ્ઠ વદિ ૧૨ દ્વાદશીને દિવસ કરતા હવા. તે સ્વામી કેવા છે? તો ગૌર ને પુષ્ટ છે મૂર્તિ જેની એવા છે, ને શ્વેત વસ્ત્ર પે’ર્યાં છે, ને નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષને ધરી રહ્યા છે. એવા જે સ્વામી તેને સાષ્ટાંગ નમસ્કાર કરીને ને મળીને સ્વામીને પાસે બેસતા હવા. પછી તે સ્વામી જે તે તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને જોઈને બહુ આનંદ પામતા હવા ને તેમનું જે સર્વે વૃત્તાંત તેને પૂછતા હવા. પછી તે શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે પોતાનું જન્મસ્થાન, કુળ, માતાપિતા, ગોત્ર, વેદ, પ્રવર, ગુરુ, ઇષ્ટદેવ એ સર્વેને જેમ છે તેમ કહેતા હવા; તથા પોતાનો જે વૈરાગ્ય તથા પોતે જેમ સ્વજનનો ત્યાગ કર્યો તથા પોતે જેમ વનમાં નિવાસ કરીને રહ્યા તથા પોતે જેમ નાના પ્રકારે તપશ્ચર્યા કરી તથા પોતે જેમ અષ્ટાંગયોગ સાધ્યો તથા પોતે જેમ તીર્થયાત્રા કરી તથા તે તીર્થમાં રહેનારા જે પાખંડી ગુરુ તેનો પોતે જેમ પરાજય કર્યો; એ આદિક જે સર્વ પોતાનું વૃત્તાંત તેને અનુક્રમે કરીને વિસ્તારે સહિત કહેતા હવા. ત્યારે તે વાર્તાને સાંભળીને સ્વામી જે તે અતિશય પ્રસન્ન થયા ને શ્રીનીલકંઠ બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે, “હે બ્રહ્મચારી! તમે તો અમારા છો; કેમ જે, તમારા પિતા જે ધર્મ તે પ્રથમ પ્રયાગક્ષેત્રને વિષે અમારા થકી જ ભાગવતી દીક્ષાને પામ્યા હતા ને અમારી આજ્ઞાએ કરીને મુમુક્ષુ જનને ધર્મ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિનો ઉપદેશ કરતા થકા કોસલ દેશમાં રહ્યા હતા. તે ધર્મના તમે પુત્ર છો ને ગુણે કરીને તો તમારા પિતા થકી પણ અધિક છો.” એવી રીતનાં જે સ્વામીનાં વચન તેને સાંભળીને શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે અતિશય પ્રસન્ન થયા થકા તે સ્વામી પાસે રહેતા હવા. પછી સંવત ૧૮૫૭ અઢારસો ને સત્તાવનના કર્તિક સુદિ ૧૧ એકાદશીને દિવસ તે સ્વામી થકી ભાગવતી દીક્ષાનું ગ્રહણ કરતા હવા. ત્યારે તે સ્વામીએ ‘સહજાનંદ’ એવું પોતાનું નામ ધર્યું તથા બીજું ‘નારાયણમુનિ’ એવું નામ ધર્યું. પછી પોતે અતિશય પ્રીતિએ કરીને તે સ્વામીને સેવતા હવા. પછી તે સ્વામી જે તે સર્વ સાધુગુણે સંપન્ન ને અતિ સમર્થ એવા જે નારાયણમુનિ તેને જોઈને અને પોતાની જે ધર્મધુર તે નારાયણમુનિને સોંપીને પોતે સંવત ૧૮૫૮ અઢારસો ને અઠ્ઠાવનના માગશર સુદિ તેરસને દિવસ દેહત્યાગ કરીને પાછા બદરિકાશ્રમને વિષે જતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાતા હવા.

પછી શ્રીસહજાનંદ સ્વામી જે તે પોતાના ગુરુની જે દેહક્રિયા તેને યથાવિધિ કરીને ને ધર્મધુરને ઉપાડી લેતા હવા; અને શ્રીરામાનંદ સ્વામીના આશ્રિત જે સાધુ, બ્રહ્મચારી ને ગૃહસ્થ હતા તેમની સત્‌શાસ્ત્રના ઉપદેશે કરીને સંભાવના કરતા હવા; અને તેમને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડીને પોતાને વિષે તેમાનાં ચિત્તને તાણી લેતા હવા. તે વાર પછી સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાના શિષ્ય જે ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા કેટલાક ગૃહસ્થ સત્સંગી તેમણે વીંટાણા થકા સોરઠ, હાલાર, કચ્છ, ઝાલાવાડ, કાઠિયાવાડ, ભાલ, ગુજરાત એ આદિક જે સર્વે દેશ તેમને વિષે પોતાના પ્રતાપને વિસ્તારતા થકા ને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તેને પ્રવર્તાવતા થકા ને અધર્મનો ઉચ્છેદ કરતા થકા ને અધર્મી એવા જે પાખંડી અસુરાંશ ગુરુ તેમનો પરાભવ કરતા થકા વિચરતા હવા.

અને શ્રીજીમહારાજ જે તે, જે જે દેશને વિષે વિચર્યા તે તે દેશના જે જન તે શ્રીજીમહારાજનાં અલૌકિક ઐશ્વર્યને જોઈને ઘણાક આશ્રિત થતા હવા ને શ્રીજીમહારાજનું પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. પછી શ્રીજીમહારાજ જે તે તેમના ઉત્સાહને અર્થે ને તેમની બુદ્ધિની દ્રઢતાને અર્થે પોતાનું જે નાના પ્રકારનું ઐશ્વર્ય તે સમાધિએ કરીને દેખાડતા હવા. તેમાં કેટલાક મનુષ્યને તો ગોલોકને મધ્યે જે અક્ષરધામ તેને વિષે લક્ષ્મી, રાધિકા અને શ્રીદામાદિક પાર્ષદ સહિત શ્રીકૃષ્ણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો વૈકુંઠલોકને વિષે લક્ષ્મી ને નંદ-સુનંદાદિક પાર્ષદે સહિત વિષ્ણુરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો શ્વેતદ્વીપને વિષે નિરન્નમુક્તે સહિત મહાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અવ્યાકૃત ધામને વિષે લક્ષ્મી આદિક શક્તિઓ ને પાર્ષદ સહિત ભૂમાપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બદરિકાશ્રમને વિષે મુનિએ સહિત નરનારાયણરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ક્ષીરસમુદ્રને વિષે લક્ષ્મી ને શેષનાગ સહિત યોગેશ્વરરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો સૂર્યના મંડળને વિષે હિરણ્યમયપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો અગ્નિમંડળને વિષે યજ્ઞપુરુષરૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો પ્રણવના જે નાદ તેને તત્કાળ સંભળાવતા હવા. અને કેટલાકને તો કોટિ કોટિ સૂર્ય સરખું જે પોતાનું તેજ તેને દેખાડતા હવા. અને કેટલાકને તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર ને સચ્ચિદાનંદ છે લક્ષણ જેનું ને દ્રષ્ટા છે નામ જેનું એવું જે બ્રહ્મ, તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો બ્રહ્માંડના આધાર ને પુરુષ-સૂક્તને વિષે કહ્યા એવા જે વિરાટપુરુષ તે રૂપે પોતાનું દર્શન દેતા હવા. અને કેટલાકને તો ભૂગોળ ને ખગોળ વિષે રહ્યાં જે દેવતાનાં સ્થાનક ને ઐશ્વર્ય તેને દેખાડતા હવા. અને કેટલાકને તો આધારાદિક જે છો ચક્ર૧૪ તેને વિષે રહ્યા એવા જે ગણેશ આદિ દેવતા તેમને પૃથક્ પૃથક્ દેખાડતા હવા. અને ક્યારેક તો સોએ સો ગાઉને છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમને પ્રત્યક્ષ પ્રમાણ પોતાનું દર્શન દેતા હવા. અને ક્યારેક તો છેટે રહ્યા એવા જે પોતાના ભક્ત તેમણે પોતાના ઘરને વિષે શ્રીજીમહારાજની પ્રતિમાને આગળ ધર્યું જે નૈવેદ્ય તેને પોતે પોતાના ભક્તને વિસ્મય પમાડતા થકા જમતા હવા. અને ક્યારેક તો દેહને ત્યાગ કરતા એવા જે પોતાના ભક્ત તેમને પોતાના ધામ પ્રત્યે લઈ જવાને ઇચ્છતા થકા ત્યાં પોતે આવીને તે ભક્તના ગામને વિષે રહ્યા એવા જે બીજા ભક્ત અથવા અભક્ત તેમને પણ પોતાનું સાક્ષાત્ દર્શન દેતા હવા. એવી રીત્યે મુમુક્ષુ અથવા મુમુક્ષુ નહીં એવા જે જન તેમને પોતાનાં અલૌકિક ઐશ્વર્યને દેખાડતા એવા જે શ્રીસહજાનંદજી મહારાજ તેને જોઈને અતિશય વિસ્મયને પામ્યા એવા જે હજારો મનુષ્ય તે પોતપોતાના મતનો ને ગુરુનો ત્યાગ કરીને ને શ્રીજીમહારાજનો અનન્ય આશ્રય કરીને પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. પછી ઘણાક જે મતવાદી તે શ્રીજીમહારાજ સંગાથે વિવાદ કરવા આવ્યા, પણ વાદે કરીને શ્રીજીમહારાજને જીતવાને કાજે કોઈ સમર્થ ન થયા. પછી તે સર્વે મતવાદી જે તે શ્રીજીમહારાજનાં અલૌકિક ઐશ્વર્ય-પ્રતાપને દેખીને ને નમસ્કાર કરીને બોલ્યા જે, “હે મહારાજ! તમે તો પરમેશ્વર છો, માટે અમારા જે જે ઇષ્ટદેવ છે તેનાં દર્શન અમને કૃપા કરીને કરાવો.” એવી રીતે જે તેમનું પ્રાર્થનાવચન તેને સાંભળીને તે સર્વેને બેસારીને ને પોતાને પ્રતાપે કરીને તેમને તત્કાળ સમાધિ કરાવતા હવા. પછી તે સર્વે જે તે શ્રીજીમહારાજને દર્શનમાત્રે કરીને ખેંચાઈ ગયાં છે નાડીપ્રાણ જેમનાં, એવા થકા પોતપોતાના હૃદયને વિષે પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને દેખતા હવા. તેમાં જે વલ્લભકુળને આશ્રિત એવા વૈષ્ણવ હતા તથા નિંબાર્ક-સંપ્રદાયના હતા તથા માધ્વી૧૫ સંપ્રદાયના હતા, એ ત્રણ તો ગોપીના ગણે વીંટાણી ને વૃંદાવનને વિષે રહ્યા ને બાળલીલાએ કરીને મનોહરમૂર્તિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે રૂપે દેખતા હવા. અને જે રામાનુજ-સંપ્રદાયના હતા તે તો નંદ, સુનંદ, વિષ્વક્સેન ને ગરુડાદિક પાર્ષદ સહિત લક્ષ્મીનારાયણરૂપે દેખતા હવા. અને જે રામાનંદી હતા તે તો સીતા, લક્ષ્મણ ને હનુમાને યુક્ત થકા દિવ્ય સિંહાસન ઉપર બેઠા એવા જે શ્રીરામચંદ્રજી તે રૂપે દેખતા હવા. અને જે શંકરાચાર્યના મતવાળા હતા તે તો બ્રહ્મજ્યોતિરૂપે દેખતા હવા. અને જે શૈવી હતા તે તો પાર્વતી ને પ્રથમગણે૧૬ સહિત જે શિવજી તે રૂપે દેખતા હવા. અને જે સૂર્યના ઉપાસક હતા તે તો સૂર્યના મંડળને વિષે રહ્યા જે હિરણ્યમયપુરુષ તે રૂપે દેખતા હવા. અને જે ગણપતિના ઉપાસક હતા તે તો મહાગણપતિરૂપે દેખતા હવા. અને જે દેવીના ઉપાસક હતા તે તો દેવીરૂપે દેખતા હવા. અને જૈન હતા તે તો તીર્થંકરરૂપે દેખતા હવા. અને જે યવન હતા તે તો પેગંબરરૂપે દેખતા હવા. એવી રીતે સમાધિએ કરીને પોતપોતાના ઇષ્ટદેવરૂપે શ્રીજીમહારાજને જોઈને ને સર્વના કારણ જાણીને ને પોતપોતાના મતનો ત્યાગ કરીને શ્રીજીમહારાજનો દ્રઢ આશ્રય કરતા હવા ને પ્રકટ પ્રમાણ ભજન કરતા હવા. એવી રીતે શ્રીસહજાનંદજી મહારાજ જે તે પોતાને પ્રતાપે કરીને જીવનું જે મૂળ અજ્ઞાન તેનો નાશ કરતા થકા પૃથ્વીને વિષે નાશ પામ્યો એવો જે એકાંતિક ધર્મ તેનું રૂડા પ્રકારે સ્થાપન કરતા હવા.

અને વળી ધનાઢ્ય એવા જે પોતાના ભક્ત ગૃહસ્થ સત્સંગી તે પાસે ઘણાંક અન્નસત્ર કરાવતા હવા; તથ હિંસાએ રહિત એવા જે વિષ્ણુયાગ, મહારુદ્ર ને અતિરુદ્રાદિક યજ્ઞ તેને કરાવતા હવા; અને તે યજ્ઞને વિષે હજારો બ્રાહ્મણને મિષ્ટ અન્ને કરીને તૃપ્ત કરાવતા હવા; અને તે બ્રાહ્મણને બહુ પ્રકારનાં દાન દેવાડતા હવા; અને સાધુ, બ્રાહ્મણ ને દેવતા તેમનું જે પૂજન તથા ભોજને કરીને તૃપ્તિ તેને વારંવાર કરાવતા હવા. તથા અધર્મ ને પાખંડ તેનો વારંવાર ઉચ્છેદ કરતા હવા. અને શ્રીજીમહારાજ પોતે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં રહ્યા જે પોતાના ભક્તજન તેમની આગળ વર્ણાશ્રમનો ધર્મ તથા આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા પોતાના સ્વરૂપનું જ્ઞાન તથા પોતાના માહાત્મ્યે સહિત ભક્તિ એમના જે બહુ પ્રકારના ભેદ તેમને વિસ્તારે કરીને યથાર્થપણે કહેતા હવા. એવી રીતે નિત્ય પ્રત્યે પોતાના ભક્તજનને આનંદ પમાડતા એવા જે શ્રીજીમહારાજ તે જે તે શ્રીગઢડા નગરને વિષે પોતાના ભક્ત એવા જે અભય નામે રાજા ને તેની પુત્રીઓ ને તેનો પુત્ર એ સર્વેની ભક્તિને વશ થઈને એમને ઘેર પોતે નિવાસ કરીને રહેતા હવા. અને ત્યાં રહ્યા થકા જન્માષ્ટમી, રામનવમી, પ્રબોધિની એકાદશી, હુતાશની અને અન્નકૂટ એ આદિક જે ઉત્સવના દિવસ તેને વિષે ભારે ભારે સામગ્રીઓ મંગાવીને મોટા ઉત્સવ કરાવતા હવા; અને તે ઉત્સવને વિષે પરમહંસ તથા બ્રહ્મચારી તથા દેશ-વિદેશના જે હરિભક્ત સત્સંગી તે શ્રીજીમહારાજનાં દર્શન કરવાને અર્થે વારંવાર આવતા હવા; અને નાના પ્રકારનાં વસ્ત્ર, આભૂષણ, ચંદન, પુષ્પ એ આદિક જે પૂજાની સામગ્રીઓ તેણે કરીને શ્રીજીમહારાજને પૂજતા હવા. અને તે ઉત્સવને વિષે શ્રીજીમહારાજ જે તે નાના પ્રકારની ભોજન-સામગ્રીઓ કરાવીને હજારો સાધુને તથા બ્રાહ્મણને ઘણાક પ્રકારે વારંવાર તૃપ્ત કરતા હવા.


ટીપણી

૧૪. આધારાદિક છ ચક્ર તથા સાતમા બ્રહ્મરંધ્રનું યોગશિખોપનિષદ (૧/૧૬૮-૧૭૫)ના આધારે સંક્ષેપવર્ણન:

નં. ચક્રનું નામ કમળની પાંખડીઓ દેવતા શરીરમાં સ્થાન
૧. આધાર (મૂલાધાર) ચાર પાંખડીનું કમળ ગણપતિ લિંગ તથા ગુદા વચ્ચે
૨. સ્વાધિષ્ઠાન છ પાંખડીનું કમળ બ્રહ્મા લિંગ પાસે
૩. મણિપૂરક દસ પાંખડીનું કમળ વિષ્ણુ નાભિ પાસે
૪. અનાહત બાર પાંખડીનું કમળ શિવ હૃદય પાસે
૫. વિશુદ્ધ સોળ પાંખડીનું કમળ જીવાત્મા કંઠ પાસે
૬. આજ્ઞા બે પાંખડીનું કમળ ગુરુ ભૃકુટિની મધ્યમાં
૭. બ્રહ્મરંધ્ર હજાર પાંખડીનું કમળ પરમાત્મા મસ્તકમાં

૧૫. ચૈતન્ય મહાપ્રભુ દ્વારા પ્રવર્તિત સંપ્રદાય; જે માધ્વી સંપ્રદાય, માધ્વગૌડેશ્વર સંપ્રદાય, માધ્વગૌડીય અને ગૌડીય સંપ્રદાય વગેરે નામોથી પ્રસિદ્ધ છે. તેમનું મુખ્ય ધામ વૃંદાવન છે.

૧૬. શિવજીના એક પ્રકારના ગણો, અનુચરો.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ