પરિશિષ્ટ: ૬

વચનામૃતની ટીપણીમાં વપરાયેલ સંદર્ભગ્રંથનો પરિચય

હરિવાક્યસુધાસિંધુ

આ ગ્રંથ શતાનંદ મુનિની સ્વતંત્ર રચનારૂપે છે. મુક્તાનંદ સ્વામી વગેરે પરમહંસોએ વચનામૃતોનું સંપાદન કર્યું હતું, તે વચનામૃતોના આધારે શતાનંદ મુનિએ આ ગ્રંથ લખ્યો છે. સંપ્રદાયમાં સાધારણ રીતે આ ગ્રંથને વચનામૃતના અનુવાદ તરીકે ગણાવવામાં આવે છે અને અમુક અંશે એ વાત સત્યની નજીક પણ છે. તેમ છતાં, ગ્રંથના આંતર-બાહ્ય કલેવરને ઊંડાણથી જોતાં આ ગ્રંથમાં માત્ર અનુવાદ જ નથી, શ્રીહરિએ એ જ વચનામૃતના સમયે કરેલી અન્ય વાતોનો પણ તેમણે સમાવેશ કર્યો છે. સ્વયં શતાનંદ સ્વામી સત્સંગિજીવનના ૫/૬૮/૭૯-૮૨ શ્લોકોમાં જણાવે છે કે, “શ્રીજીમહારાજે સભામાં જે જે વાતો કરી હતી તેને મુક્તાનંદ સ્વામી વગેરે સંતોએ સંભારીને લખી હતી. આ ૨૬૨ ઉપદેશ-વચનોને સંભારીને અનુષ્ટુપ પદ્યમાં ગ્રંથ રચવાની શ્રીહરિએ આજ્ઞા કરી હતી. તેથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું નિરૂપણ કરનાર આ ગ્રંથ હરિવાક્યસુધાસિંધુ રચ્યો છે.”

દા. ત. આ ગ્રંથમાં વચનામૃતથી અધિકપણે શ્રીહરિના શ્રીમુખે થયેલી સર્વોપરીપણાની વાત રજૂ કરતાં તરંગ ૧૬૮માં કહે છે:

अहमक्षरधामेशः ईशेशः पुरुषोत्तमः ।

सर्वावतारहेतुश्च सदा सर्वोपरि स्थितः ॥

महापुरुषमायादेर्नियन्ता दिव्यविग्रहः ।

आविर्भूतोऽस्मि कृपया तत्कार्या मदुपासना ॥

અર્થ: હું અક્ષરધામનો ઈશ છું. ઈશ્વરોનો પણ ઈશ્વર, પુરુષોત્તમ, તમામ અવતારોનું કારણ તથા સર્વોપરી છું. મહાપુરુષ, મહામાયા વગેરેનો નિયંતા અને દિવ્યશરીરધારી કૃપાએ કરીને પ્રગટ થયો છું, તેથી મારી ઉપાસના કરવી.

આવી જ રીતે શ્રીહરિએ કહેલો અક્ષરબ્રહ્મનો મહિમા પણ વચનામૃતથી પણ અધિકપણે તરંગ ૫૯ તથા ૬૩ વગેરેમાં જણાવ્યો છે. તરંગ ૩૪, ૪૧, ૪૨ વગેરેમાં વચનામૃતથી અધિક વિષયો વર્ણવ્યા છે.

વચનામૃતમાં આવતા ઘણા વિષયોનો અનુવાદ કર્યો જ નથી અથવા અત્યંત સંક્ષેપમાં કર્યો છે. વચ. ગ. પ્ર. ૩૨માં આવતું માળા અને ખીલાનું દૃષ્ટાંત; વચ. ગ. પ્ર. ૩૭માં આવતું મહારાજને વાગેલ ખાંપાનું ચરિત્ર; વચ. ગ. પ્ર. ૪૪માં “એવો સાધુ તો હું છું જે, મારે વર્ણાશ્રમનું લેશમાત્ર માન નથી,” આ પંક્તિ; વચ. લો. ૭ નિત્યાનંદ સ્વામીએ વચનામૃત ગ્રંથ અર્પણ કર્યો તે પંક્તિ – આવી અગત્યની પંક્તિઓને પણ સ્થાન અપાયું નથી. ઘણાં વચનામૃતોનો અત્યંત સંક્ષેપ કર્યો છે. તેથી આ હરિવાક્યસુધાસિંધુ ગ્રંથ, વચનામૃત ગ્રંથના આધારે રચાયેલ સ્વતંત્ર ગ્રંથ છે. ઐતિહાસિક દૃષ્ટિએ વચનામૃતના સમય પછી તુરંત જ આવતો હોવાથી, વળી શ્રીહરિના સમકાલીન સંત દ્વારા જ રચાયો હોવાથી વચનામૃતમાં આવતી સંદેહાત્મક બાબતોમાં આ ગ્રંથ અવશ્ય મદદરૂપ બને છે. તેથી જ વચનામૃતની ટીપાણીમાં ઘણી વાર આ ગ્રંથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 

સેતુમાલા ટીકા

શતાનંદમુનિ-વિરચિત હરિવાક્યસુધાસિંધુ ગ્રંથ ઉપર સેતુમાલા નામે આચાર્ય શ્રીરઘુવીરજી મહારાજ દ્વારા એક ટીકા (નિરૂપણ) લખાઈ છે. હરિવાક્યસુધાસિંધુએ વણ-સ્પર્શેલા અથવા સંક્ષિપ્તથી વર્ણવેલા વિષયોને વચનામૃત પ્રમાણે ન્યાય આપવામાં આ ટીકાનો ખૂબ મોટો ફાળો છે.

શ્રીજીમહારાજનું સર્વોપરીપણું કહેવામાં આ ટીકાકારે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. ઘણાં વચનામૃતના અંતે તેઓ કહે છે કે અહીં જણાવેલ પરમાત્મા તે સાક્ષાત્ અક્ષરાતીત સહજાનંદ સ્વામી જ છે. વચ. ગ. મ. ૧૩, પં. ૬ વગેરેમાં ખૂબ જ સ્પષ્ટતાથી આ વાત નોંધી છે.

અક્ષરબ્રહ્મનાં બે સ્વરૂપોનું ખૂબ જ સ્પષ્ટ નિરૂપણ એ સેતુમાલા ટીકાનું સૌથી મોટું કાર્ય છે. તરંગ-૭, તરંગ-૨૧, તરંગ-૫૯, તરંગ-૬૩ વગેરેની ટીકામાં આ વિષયનું ખૂબ ઉત્તમ તથા સ્પષ્ટ નિરૂપણ કર્યું છે. આ ટીકાકારે વચનામૃતમાં ગ્રંથસ્થ થયેલ વચનો સાંભળનાર સંતો પાસેથી પણ અમુક વાતો સાંભળી છે, જેની નોંધ તરંગ-૨૦ની ટીકામાં શ્રીહરિના વર્ણનમાં કરી છે. સેતુમાલામાં સાંપ્રદાયિક લઢણોના શબ્દોના શાસ્ત્રીય અર્થો પણ ઘણા સુંદર આપ્યા છે, જેમ કે:

अन्वय: स्वेतरवस्तुव्यापनम् - પોતાનાથી જુદી વસ્તુમાં વ્યાપકપણું.

व्यतिरेक: स्वस्वरूपावस्थानम् - પોતાના જ સ્વરૂપમાં રહેવું તે. (તરંગ-૭).

संकल्प: देहादेरात्मनोऽपृथक्त्वेन चिन्तनम् - દેહ વગેરેનું જીવાત્મા સાથે એકપણે ચિંતન.

विकल्प: विषयचिन्तनम् - વિષયોનું ચિંતવન (તરંગ-૧૨).

આવી રીતે શ્રીહરિવાક્યસુધાસિંધુ તથા સેતુમાલા ટીકા - આ બંને ગ્રંથો વચનામૃતને સમજવામાં સવિશેષ ઉપકારક છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ