॥ વચનામૃત પરથારો ॥

પરથારો ૪ : શ્રીહરિની મૂર્તિનાં ચિહ્નનું વર્ણન

એવા જે શ્રીસહજાનંદ સ્વામી મહારાજ તેની મૂર્તિનાં જે ચિહ્ન તે પ્રથમ લખીએ છીએ - શ્રીજીમહારાજના બે ચરણારવિંદનાં તળાંમાં ઊર્ધ્વરેખા છે, તે કેવી છે? તો અંગૂઠાની પાસેની જે આંગળીઓ તેની બેય કોરે નીકળી છે ને પાનીને બેય કોરે નીકળી છે. અને જમણા પગના અંગૂઠાના થડમાં ઊર્ધ્વરેખાને મળતું યવનું ચિહ્ન છે; અને તે જમણા પગના તળામાં ઉર્ધ્વરેખાની બેય કોરે કમળ, અંકુશ, ધ્વજ, અષ્ટકોણ, વજ્ર, સ્વસ્તિક, જંબુફળ એમનાં ચિહ્ન છે; અને જમણા પગના અંગૂઠાના નખમાં એક ઊભી રાતી રેખાનું ચિહ્ન છે, ને એ જ અંગૂઠાને બાહેરલે પડખે એક તિલ છે, અને એ અંગૂઠાની પાસેની જે આંગળી તેનું જે અંગૂઠાની કોરનું પડખું તેમાં એક તિલ૧૭ છે, અને જમણા પગની છેલ્લી આંગળીના બાહેરના પડખામાં નખની પાસે એક તિલ છે. અને ડાબા પગની ઊર્ધ્વરેખાની ડાબી કોરે શ્યામ એવાં બે ચિહ્ન પાસે પાસે છે, અને વળી એ ઊર્ધ્વરેખાને મળતું જ ફણાના થડમાં એક વ્યોમનું ચિહ્ન છે; અને ડાબા પગના તળામાં ઊર્ધ્વરેખાને બે કોરે ધનુષ, કળશ, મત્સ્ય, ત્રિકોણ, ગોપદ, અર્ધચંદ્ર એમનાં ચિહ્ન છે. અને બે પગનાં તળાં રક્ત છે. ને બે પગનાં અંગૂઠા ને આંગળીઓના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે ને તેજસ્વી છે. અને બે પગનાં અંગૂઠા ને આંગળીઓની ઉપર ઝીણાં ઝીણાં ને કોમળ એવાં રોમનાં ચિહ્ન છે. અને બે પગના અંગૂઠા ને તેની પાસેની બે આંગળીઓ તે ઉપર ચાખડીના ઘસારાનાં ચિહ્ન છે. અને બે પગની જે બાહેરની ઘૂંટીઓ ને તેથી હેઠે આસનના ઘસારાનાં ચિહ્ન છે. અને જમણા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક નાનો તિલ છે. અને એ પગના સાથળને બાહરલી કોરે એક મોટું ચિહ્ન છે. અને ડાબા પગની ઘૂંટીથી પાંચ તસુ ઊંચો નળીને ઉપર એક મોટો તિલ છે, ને તેથી ઉપર પાસે જ એક નાનો તિલ છે. અને એ પગના ઢીંચણને બાહેરલે પડખે એક ચિહ્ન છે. અને કટિભાગને વિષે બે કોરે ધોતિયું પહેર્યાના ઘસારાનાં શ્યામ ચિહ્ન છે. અને સદા શીતળ એવું જે ઉદર તે ઉપર ત્રિવળી પડે છે. અને ઊંડી ને ગોળ એવી જે નાભિ તેને બે કોરે તિલ છે; તેમાં જમણી કોરે તો નાભિના કાંઠા ઉપર છે ને ડાબી કોરે તો નાભિથી જરાક છેટે છે. અને જમણી કૂખમાં એક મોટો તિલ છે ને તેની પાસે બીજો નાનો તિલ છે. અને નાભિથી ઉપર બે તસુને છેટે ત્રણ તિલ છે, તેમાં બે નળીની ઉપર એક એક છે ને એક વચ્ચે છે; અને તે વચલા તિલથી બે તસુ ઉપર એક તિલ છે. અને ડાબે પડખે કૂખથી ઊંચે ને બગલથી હેઠે મોટા ચાર તિલની એક ઊભી હાર છે,૧૮ ને તેની પાસે બાહેરલી કોરે એક બીજી નાના ચાર તિલની ઊભી હાર છે. અને હૃદયને વિષે રોમનું શ્રીવત્સચિહ્ન છે. અને છાતીને વચ્ચે અર્ધચંદ્ર આકારે પાંચ તસુ૧૯ પહોળું ને જરાક રાતું એવું એક મોટું ચિહ્ન છે, તે જમણી કોરે કાંઈક વિશેષ ચઢતું છે. અને એ ચિહ્નને વચ્ચે જરાક ડાબી કોરે એક મોટો તિલ છે; અને તે તિલથી ડાબી કોરે બે આંગળને છેટે એક તિલ છે; ને તેથી ડાબી કોરે બે તસુને છેટે ડાબા સ્તનથી ઉપર એક તિલ છે. અને બે સ્તનથી ઉપર બે છાપનાં ચિહ્ન છે. અને જમણી ભુજાની પાસે મોંહેલી કોરે ઊભી ઓળ્યે૨૦ ચાર તિલ છે. અને જમણી ભુજામાં મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે; ને તે છાપના ચિહ્નને પડખે બાહેરલી કોરે નાના ચાર તિલ છે. અને જમણી કૂણીથી હેઠા ને કાંડાથી ઊંચા બે તિલ છે. અને જમણા હાથની ટચલી આંગળીના મૂળથી ઉપર અર્ધા આંગળને છેટે એક નાનો તિલ છે. અને ડાબી ભુજાના મૂળથી ત્રણ તસુ હેઠું એક છાપનું ચિહ્ન છે. અને ડાબી કૂણીથી બે તસુ હેઠો હાથને ઉપલે ભાગે એક તિલ છે. અને ડાબા હાથના અંગૂઠા પાસેની જે આંગળી તથા વચલી આંગળી એ બેની વચ્ચે એક તિલ છે. અને એ અંગૂઠા પાસેની આંગળીના નખની પાસે માંહેલી કોરે એક નાનો તિલ છે. અને ડાબા હાથના પોંચા ઉપર એક તિલ છે. અને બે હાથના જે નખ તે રક્ત છે ને ઊપડતા છે ને તેજસ્વી છે, ને તે નખના જે અગ્રભાગ તે અતિ તીક્ષ્ણ છે. અને બે હાથનાં જે તળાં તે રક્ત છે ને તળાંમાં જે રેખાઓ તે થોડી થોડી શ્યામ જણાય છે. અને બે હથેળીનાં મૂળથી ઉપર આઠ તસું ઊંચાં બે છાપનાં ચિહ્ન છે. અને બે કૂણી શ્યામ છે. અને કંઠના ખાડાની વચ્ચે એક તિલ છે ને એ તિલથી જરાક છેટે એક નાનો તિલ છે. અને દાઢીથી હેઠો એક તિલ છે. અને ડાબા ખભાથી બે આંગળ હેઠો વાંસામાં એક રોમે સહિત એક મોટો તિલ છે, ને એ તિલથી હેઠો એક તિલ છે, ને વળી તેથી હેઠો બીજો તિલ છે. અને કરોડની ડાબી કોરે ડોકથી બે તસુ હેઠો એક તિલ છે. અને જમણી ખરપડી૨૧ ઉપર એક નાનો તિલ છે. અને કરોડથી જમણી કોરે વાંસાની મધ્યે ચાર તિલ છે. અને નાસિકાની પાસે જમણી કોરે એક મોટો તિલ છે, અને તે તિલથી ઊંચો ને આંખના ખૂણીથી હેઠો પાસે જ એક નાનો તિલ છે. અને બે નેત્રની જે હેઠલી ને ઉપલી પાંપણ્યો તેથી ઉપર ને હેઠે ઝીણી ઝીણી કરચલીઓ પડે છે. અને નાસિકાને ઉપર શીળીનાં ચાઠાંનાં ઝીણાં ઝીણાં ચિહ્ન છે. અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમથી ડાઢ્ય તેમાં શ્યામ ચિહ્ન છે. અને મુખમાં જમણી કોરે હેઠલી જે પ્રથમથી ડાઢ્ય તેમાં શ્યામ ચિહ્ન છે. અને જિહ્‌વા તે કમળના પત્ર સરખી રક્ત છે. અને ડાબા કાનને મોંહેલી કોરે શ્યામ બિંદુનું ચિહ્ન છે. અને વિશાળ ને ઊપડતું એવું જે લલાટ તેને વિષે તિલકને આકારે ઊભી બે રેખા છે. અને વળી લલાટને વિષે જમણી કોરે કેશથી હેઠું એક ચિહ્ન છે. અને જમણા કાનની બૂટી ઉપર એક નાનો તિલ છે. અને તાળવાની ઉપર એક મોટો તિલ છે. અને શિખાથી આગળ સમીપે એક તિલ છે, અને શિખાથી પછવાડે જમણી કોરે ત્રણ તિલ છે. અને એ વિના બીજા પણ ઝીણા ઝીણા તિલ તે શરીરમાં કેટલાક છે. અને શ્રીજીમહારાજની જે મૂર્તિ તે અતિશય રૂપ ને સુંદરતા ને મધુરતા તેણે યુક્ત છે. અને તે મૂર્તિ પુષ્ટ છે ને અતિશય શોભાયમાન છે. અને તે મૂર્તિનાં દર્શનને કરનારા જે ભક્તજન તેમનાં મનને ને નેત્રને હરી લે એવી તે મૂર્તિ છે. અને તે મૂર્તિ ઘનશ્યામા છે ને શાંત સ્વભાવે યુક્ત છે. અને દુર્ગપત્તનને વિષે શ્રીગોપીનાથજીની મૂર્તિ જેટલી ઊંચી છે તેટલી જ શ્રીજીમહારાજની મૂર્તિ ઊંછી છે. અને શ્રીજીમહારાજની મૂર્તિનાં જે કર, ચરણ આદિક સર્વે અંગ તે સામુદ્રિક શાસ્ત્રમાં જેવાં કહ્યાં છે તેવાં છે. આવી રીત્યે શ્રીજીમહારાજની મૂર્તિનાં જે ચિહ્ન તે પોતાની સ્મૃતિને અનુસારે લખ્યાં છે.


ટીપણી

૧૭. તલ જેવડું ચિહ્ન.

૧૮.‘અને તે જ બગલ નીચે ત્રણ તિલની એક ઊભી હાર્ય છે’ - આ પણ સાથે સમજવું. કારણ કે આ ત્રણ તિલની નોંધ ‘ઓરા આવો શ્યામ સ્નેહી’ તથા ‘કીજીએ ધ્યાન શ્રીધર્મના પુત્રનું’ એ પ્રેમાનંદ સ્વામી રચિત કીર્તનોમાં છે. આ ત્રણ તિલ મળીને કુલ ત્રેસઠ તિલ થાય છે.

૧૯. ઇંચ જેવું એક માપ; ગજનો ચોવીસમો ભાગ.

૨૦. લાઇન, હાર્ય, પંક્તિ.

૨૧. જમણો ખભો.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ