॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
નિવેદન
‘વચનામૃત’ એ શ્રીજીમહારાજની પરાવાણીનો ગ્રંથ છે. તેજના પ્રવાહરૂપ આ દિવ્યવાણીને તો તેમના સંબંધને પામેલા શુદ્ધ ગુણાતીત સત્પુરુષ જ ઝીલી શકે! એટલે આ વાણીનું યથાર્થ રહસ્ય સમજવું હોય તો એવા સત્પુરુષનાં ચરણકમળનું સેવન કરવું જ પડે!
વચનામૃતમાં શ્રીજીમહારાજે મુખ્યત્વે બ્રહ્મ પરબ્રહ્મનાં સાકાર સ્વરૂપોની, બ્રહ્મભાવ પામવાની અને ભાગવતધર્મ અર્થાત્ એકાંતિકધર્મ સિદ્ધ કરવા અંગેની સાધનાની વાત કરી છે. પોતે સાક્ષાત્ પૂર્ણપુરુષોત્તમ પરબ્રહ્મ છે અને પોતાના પૃથ્વી ઉપરના માનુષી છતાં દિવ્ય સ્વરૂપમાં અને અક્ષરધામમાં બિરાજેલા દિવ્ય સ્વરૂપમાં કાંઈ જ ફેર નથી, બંને એક જ છે એવું એ બંને સ્વરૂપનું સ્વરૂપ-અદ્વૈત સમજી પ્રત્યક્ષ સ્વરૂપની ઉપાસના કરવાનો તેમણે અનુરોધ કર્યો છે. “ગુણાતીત એવું જે અક્ષરધામ તેને વિષે જે મૂર્તિ છે તે જ મૂર્તિ પ્રત્યક્ષ છે, એ બેમાં ફેર નથી. જેમ ધામની મૂર્તિ ગુણાતીત છે તેમ જ મનુષ્ય મૂર્તિ પણ ગુણાતીત છે.” (ગ. અં. ૩૧) વળી મહારાજ આ સિદ્ધાંતનું વિશેષ સમર્થન કરતાં કહે છે, “એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિષે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે ને સર્વ કારણના પણ કારણ છે ને સર્વોપરી વર્તે છે ને સર્વ અવતારના અવતારી છે ને તમારે સર્વેને એકાંતિકભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે.” (ગ. અં. ૩૮)
મહર્ષિ શતાનન્દ મુનિ વિરચિત શ્રીહરિવાક્યસુધાસિન્ધુમાં પણ શ્રીહરિની પરાવાણીના શબ્દો શતાનન્દ મુનિ આ રીતે લખે છે:
हेतुः सर्वावताराणां सोऽवतार्य्येव वतर्ते ।
इति ज्ञेयो न चैवान्यैरवतारैः समो हरिः ॥१४॥
तस्मिन्नेव ततः प्रीतिः कर्तव्या सुदृढा सदा ।
तथैव संसृतेर्मोक्षः सर्वेषामस्ति नान्यथा ॥१५॥
સેતુમાલા ટીકાના રચયિતા આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ ઉપરના શ્લોકો ઉપર વિવરણ કરતાં લખે છે:
एवंभूतः हरिः सर्वावताराणां, रामकृष्णादि-सकलाविर्भावानां हेतुः
कारणम् अवतार्येव वर्तते इंत्थं ज्ञेयः अन्यैः अवतारैः समस्तुल्यः नैव
ज्ञेय एवं श्रीहरिस्वरुपज्ञानान्तरं तस्मिन् श्रीहरावेव सुदृढा प्रीतिः सदा
कर्तव्या । (तरंग – १४२/१४-१५)
આ રીતે શ્રીહરિ સર્વ અવતારના અવતારી, રામકૃષ્ણાદિ વગેરે સર્વ અવતારોના હેતુ-કારણ અવતારી છે, એમ જાણવું જોઈએ. બીજા અવતારો જેવા શ્રીહરિને ન જાણવા. આ રીતે શ્રીહરિનું સ્વરૂપ જાણીને પછી શ્રીહરિના તે સ્વરૂપમાં અતિ દૃઢ પ્રીતિ કરવી.
વળી લખે છે:
अतः कृष्णस्वरूपस्य रक्ष्यं सर्वाधिकं बलम् ।
तेन सर्वार्थसिद्धिः स्यात् तद्रोहः स्यात् किलान्यथा ॥१८॥
સેતુમાલા ટીકા આ રીતે ઉપરના શ્લોક ઉપર વિવરણ કરે છે:
श्रीहरेः सर्वथा दिव्याकृतिसत्त्वाद् अवतारिणस्तस्यान्यावतारेभ्यः
सर्वथा विलक्षणत्वात्तस्य निराकृतित्वाऽन्यावतारसमत्वेन वेदनमेव द्रोहः ।
स च प्रायश्चित्तशतैरपि अनिवार्यः एवेति ॥ (सेतुमाला १४२-१८)
વળી કહે છે :
श्वेतद्वीपे च वैकुण्ठे गोलोके बदरीवने ।
यादृश्यस्ति सभा तस्या अप्येषास्त्यधिका सभा ॥२६॥
अतितेजस्विनो भक्तान् सर्वान्वीक्ष्य इमानहम् ।
अत्र नास्त्येव संदेहो यथादृष्टं ब्रवीमि यत् ॥२७॥
આ શ્લોક ઉપર ભાષ્યકાર વિવરણ કરતા લખે છે:
अस्यायं भावः सर्वपराऽक्षरधामाधिपस्य ब्रह्मभावापन्नस्य
अक्षरधामस्थ–मुक्तकोटिभिः यथाकालं समर्चितस्य सर्वकारणकारणस्य
रामकृष्णाद्यनेकावतारहेतोः पुरुषोत्तमस्य मम भवतां साक्षात् सम्बन्धात्यूयं
श्वेतद्वीपादिधामस्थसकलभक्तेभ्योऽपि नितरामेवाधिकाः स्थेति मद्वचनात्
सत्यमेव मन्तव्यमिति ॥ (ह. सु. से. २२५/२६, २७)
સર્વથી પર અક્ષરધામાધિપતિ, જે અક્ષરબ્રહ્મના ભાવને પામેલા અક્ષરધામમાં વસતા અનંતકોટી મુક્તો વડે નિરંતર સેવાયેલા છે. તે સર્વે કારણના કારણ અને રામકૃષ્ણાદિક અનેક અવતારના હેતુ છે. તે પુરુષોત્તમનારાયણનો તમને સાક્ષાત્ સંબંધ થયો છે. તેથી શ્વેતદ્વીપ વગેરે ધામના સકળ ભક્તો કરતાં તમે અતિ અધિક છો એમ મારા વચનથી સત્ય માનવું.
ભગવાનનું પ્રગટપણું કેવા સંત દ્વારા હોય છે તે પણ મહારાજે સમજાવ્યું છે. “જે સાધુ એમ સમજતો હોય જે મારા ચૈતન્યને વિષે ભગવાન સદાય વિરાજમાન છે. તે જેમ દેહમાં જીવ હોય તેમ મારા જીવને વિષે ભગવાન રહ્યા છે. અને મારો જીવ છે તે તો શરીર છે અને ભગવાન તો મારા જીવના શરીરી છે. અને પોતાના જીવાત્માને સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ત્રણ શરીર થકી પૃથક્ માને અને તેને વિષે અખંડ ભગવાન વિરાજમાન છે એમ જે સમજે તો તે સંત થકી ભગવાન અથવા ભગવાનનાં ધામ તે અણુમાત્ર છેટે નથી... અને એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું જે ‘મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું.’” (સા. ૧૦) શ્રુતિ કહે છે: यस्याक्षरं शरीरम् । यस्यात्मा शरीरम् । ભગવાનનું શરીર અક્ષર છે. આત્માને પણ ભગવાનનું શરીર કહ્યું છે પરંતુ શિક્ષાપત્રોમાં निजात्मानं ब्रह्मरूपम् કહ્યું છે. તેમાં આત્માની બ્રહ્મ સાથે એકતા કરવાની જરૂર કહી છે.
જેમ દેહમાં જીવ રહ્યો છે તેમ જીવમાં જીવ જેવા સૂક્ષ્મ બનીને જે રહ્યા છે તે અંતર્યામી પરમાત્મા છે. તેથી આત્મા જે નિરાકારે છે તેની બ્રહ્મ અથવા અક્ષર સાથે એકતા કરવાથી જ આત્મા અક્ષરરૂપ બની પરમાત્માને શરીરરૂપે ધારવા સમર્થ થાય છે. એટલે જ શ્રીજીમહારાજ જીવના કલ્યાણ માટે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્યમૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાનાં જે ઐશ્વર્ય તે સહિત જ પૃથ્વી ઉપર પધાર્યા છે. માટે “ભગવાનનું સ્વરૂપ અક્ષરધામ સહિત પૃથ્વી ઉપર વિરાજમાન છે એમ સમજવું અને બીજા આગળ પણ એમ વાત કરવી.” તેવો ગ. પ્ર. ૭૧માં શ્રીજીમહારાજે નિર્દેશ કર્યો છે. માટે અક્ષર અને પુરુષોત્તમ આ બે સનાતન સ્વરૂપો પૃથ્વી ઉપર જીવોના આત્યંતિક કલ્યાણ માટે પધાર્યા છે એમ શુદ્ધ ઉપાસકે સમજવાનું રહ્યું.
“એ અક્ષરનાં બે સ્વરૂપ છે, એક તો નિરાકાર એકરસ ચૈતન્ય છે તેને ચિદાકાશ કહીએ, બ્રહ્મમહોલ કહીએ. અને એ અક્ષર બીજે રૂપે કરીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહે છે.” શ્રીહરિવાક્યસુધાસિંધુની સેતુમાલા ટીકામાં લખતાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ લખે છે:
तदक्षरं कृष्णस्य सेवकत्वाद् मुख्यपरिचारकत्वात् हेतोः
दिव्यैरतिमनोहरैः पाणिपादमुखादिभिः अवयवैः प्रतीकैः उपलक्षितत्वात्
साकृतिः पुरुषाकारमुच्यते । (सेतुमाला ६३-४८)
તે અક્ષર, પુરુષોત્તમ નારાયણના મુખ્ય પરિચારક-મુખ્ય સેવક હોવાથી અને દિવ્ય અતિ મનોહર એવા હાથ, પગ, મુખ વગેરે અવયવોથી સંપન્ન હોવાથી પુરુષાકાર સાકાર છે. અક્ષરધામમાં અનંત અક્ષરમુક્તો અક્ષરના ભાવને પામીને પુરુષોત્તમનારાયણની સેવામાં રહ્યા છે. પરંતુ તે સમગ્ર મુક્તોમાં અક્ષર એ પુરુષોત્તમના મુખ્ય પરિચારક-સેવક છે એવું અહીં સ્પષ્ટ થાય છે. આ જ ભાવ સેતુમાલામાં વધુ સ્પષ્ટ કરતાં શ્રી રઘુવીરજી મહારાજ લખે છે:
हे मुने यः हरिः स्वकीयाऽक्षरधामनि अक्षरभावापन्न –
मुक्तकोटिभिः मूर्तेनाऽक्षरब्रह्मणा च छंदानुवृत्तितया कृतपरिचर्यः ।
स्वरूपस्वभावगुणविभूत्यैश्वर्यादिभिरक्षर-ब्रह्मादिभ्यो ऽप्यत्युत्कृष्टः सदा
दिव्यमनोहराकृतिः । (ह. सु. सेतुमाला ५९, ५)
હે મુને! પોતાના ધામમાં અક્ષરબ્રહ્મના સાધર્મ્યપણાને પામેલા અનંતકોટી મુક્તો તથા મૂર્તિમાન અક્ષરબ્રહ્મ વડે પોતાની (શ્રીહરિની) ઇચ્છાનુસાર સેવાતા અને સ્વરૂપ, સ્વભાવ, ગુણ વિભૂતિ, ઐશ્વર્યથી અક્ષરબ્રહ્મ વગેરેથી પણ અતિ ઉત્કૃષ્ટ અને સદા દિવ્ય મનોહર આકૃતિવાળા શ્રીહરિ છે. અહીં અક્ષરમુક્તો અનંતકોટી કહ્યા છે અને મૂર્તિમાન અક્ષરબ્રહ્મ એક છે (એકવચનનો પ્રયોગ છે) એ સ્પષ્ટ થાય છે એથી અક્ષરબ્રહ્મ એ અક્ષરમુક્તો કરતાં ઉત્કૃષ્ટ છે, એમ સિદ્ધ થાય છે. અક્ષરબ્રહ્મ એ પરમ ચૈતન્ય છે અને આત્મા એ ચૈતન્ય છે તેથી આત્માની અક્ષરબ્રહ્મ સાથે એકતા કરવાથી અક્ષરબ્રહ્મભાવને પમાય છે.
તરંગ ૫૬થી આ અક્ષરબ્રહ્મ ગોલોક, વૈકુંઠ વગેરે ધામોથી શ્રેષ્ઠ છે તે પણ સેતુમાલા ટીકામાં શ્રી રઘુવીરજી મહારાજે સ્પષ્ટ કર્યું છે.
योऽक्षरब्रह्म-धामाद्यधिनाथः आदिशब्दाद् अर्वाचीन–महागोलोक-
महावैकुण्ठादि-धाम्नामप्यधिपतिः बोध्यः । (ह. वा. ५६/४७)
અહીં ભાષ્યકારે ગોલોક વૈકુંઠને અર્વાચીન કહ્યા છે તેથી અક્ષરધામ એ ગોલોક વૈકુંઠાદિ ધામથી પર છે. શ્રેષ્ઠ છે સનાતન છે તે સ્પષ્ટ થાય છે. શ્રીજીમહારાજ આ સનાતન ધામના અધિપતિ છે તેથી રામકૃષ્ણાદિક અવતારોથી શ્રેષ્ઠ છે તે પણ સિદ્ધ થાય છે.
શુદ્ધ ઉપાસનાના માર્ગમાં શ્રીજીમહારાજ સર્વોપરી છે એ નિશ્ચય અક્ષર બ્રહ્મભાવને પામવાથી જ થાય છે. એમાં અક્ષર અને પુરુષોત્તમ આ બંને સ્વરૂપો શુદ્ધ ઉપાસકો માટે આવશ્યક ઉપાસ્ય સ્વરૂપો છે. તે સત્ય શ્રીજીમહારાજની પરાવાણીરૂપ આ ગ્રંથમાંથી ફલિત થાય છે.
આવી શુદ્ધ ઉપાસનાનું ફળ આત્યંતિક કલ્યાણ અર્થાત્ અક્ષરધામની પ્રાપ્તિ છે. પરંતુ એકાંતિકધર્મ સિદ્ધ કર્યા સિવાય તે પ્રાપ્તિ થતી નથી. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ચાર સાધન તેને એકાંતિકધર્મ કહીએ (ગ. પ્ર. ૨૧). એ ચાર સાધનનાં લક્ષણ ગ. પ્ર. ૪૭ના વચનામૃતમાં સમજાવ્યાં છે. એ ચારે સાધનને એક બીજાની અપેક્ષા છે તે ગ. પ્ર. ૧૯માં મહારાજે સમજાવ્યું છે. શ્રીજીમહારાજે આ એકાંતિકધર્મની સ્થાપના કરી, તે એકાંતિક ધર્મ ઘણા સંતો અને ગૃહસ્થોને સિદ્ધ કરાવ્યો. આ એકાંતિક ધર્મ અને ભક્તિ એ બંને એક જ છે. એકાંતિક ભક્તની રીત મહારાજે સમજાવતાં કહ્યું છે: “એકાંતિક ભક્ત હોય તે પોતાનું રૂપ દેહ માને નહિ ને પોતાને ચૈતન્યરૂપ માને અને સ્વધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય તેણે સહિત ભગવાનની ભક્તિ કરે ને એક ભગવાન વિના બીજા કોઈ પદાર્થની વાસના રાખે નહિ.” (ગ. મ. ૨૨)
આ શુદ્ધ એકાંતિક ધર્મ પૃથ્વી ઉપર પ્રવર્તાવવા માટે શ્રીજીમહારાજ પોતાના અક્ષરધામ અને દિવ્ય મુક્તો સાથે પધાર્યા. એકાંતિક ધર્મની સિદ્ધિ એટલે શુદ્ધ બ્રાહ્મીસ્થિતિની પ્રાપ્તિ! મહારાજે મુક્તિ પણ એ જ બતાવી છે: ‘तत्र ब्रह्मात्मना कृष्णसेवा मुक्तिश्च गम्यताम् ।’ સાંપ્રતકાળે આ પ્રકારની મુક્તિ સિદ્ધ કરવાનું સાધન મહારાજે પોતાના પરમ એકાંતિક સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ એ જ બતાવ્યું છે. “સત્પુરુષને વિષે દૃઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે, અને સત્પુરુષનો મહિમા જાણ્યાનું પણ એ જ સાધન છે અને પરમેશ્વરનું સાક્ષાત્ દર્શન થવાનું પણ એ જ સાધન છે.” (વર. ૧૧)
આ દિવ્ય સિદ્ધાંતોનું વચનરૂપી અમૃત શ્રીજીમહારાજે આપણને પીરસ્યું, આપણે તેનું યથાર્થ પાન કરી કૃતાર્થ થઈએ! આશા છે સત્સંગી બંધુઓ આ ગ્રંથનો યથાવત્ લાભ લઈ શ્રીજીમહારાજના દિવ્ય સ્વરૂપને યથાર્થ ઓળખશે.
શ્રીજીમહારાજનાં વચનોમાં ક્ષેપક શબ્દોનો પ્રવેશ થવા ન પામે તે માટે વરતાલ ધ. ધુ. આચાર્ય મહારાજશ્રી શ્રીપતિપ્રસાદજીની આજ્ઞાથી સંવત ૧૯૮૪માં નિર્ણયસાગર પ્રેસ, મુંબઈમાં છપાયેલી શુદ્ધપ્રતના આધાર કોઈપણ ફેરફાર કર્યા સિવાય અક્ષરશઃ આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. દરેક વચનામૃતના મથાળાં પરંપરાથી ચાલ્યા આવતાં મોટા સદ્ગુરુઓએ જે રાખેલાં તે જે રાખવામાં આવ્યાં છે. મુદ્દાનાં વચનો મોટા અક્ષરોમાં લીધાં છે. વળી અમદાવાદ દેશનાં વધારાનાં અગિયાર વચનામૃતો પણ આ પરિશિષ્ટમાં લીધાં છે.
ઉપરાંત વરતાલથી પ્રસિદ્ધ થયેલ પ્રતમાં દરેક વચનામૃતમાં જે જે ઉલ્લેખો ગીતા, ભાગવત, ઉપનિષદ્ વગેરેમાંથી લીધા છે તે પણ તે તે ગ્રંથોના સ્કંધ, અધ્યાય કે પ્રકરણના ઉલ્લેખ સાથે આ ગ્રંથમાં છાપ્યા છે. સાથે સાથે શ્રીજીમહારાજે વચનામૃતમાં જે જે કીર્તનો-પદો ‘સત્સંગી માત્રને શીખવાની આજ્ઞા કરી સંભારી રાખવા કહ્યું છે’ તેની નોંધ સાથે પરિશિષ્ટમાં સમાવી લીધાં છે.
લિ. શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસ
ગુરુ યજ્ઞપુરુષદાસજી,
પ્રમુખ
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા.