॥ વચનામૃત પરથારો ॥

પરથારો ૫ : શ્રીહરિની સ્વાભાવિક ચેષ્ટા

હવે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે લખીએ છીએ - શ્રીજીમહારાજને નિત્ય પ્રત્યે પાછલી ચાર ઘડી૨૨ અથવા ત્રણ ઘડી રાત્રિ રહે તારે ઊઠીને દાતણ કરવાનો સ્વભાવ છે. અને તે પછી સ્નાન કરીને ને ધોયેલું જે કોરું સૂક્ષ્મ વસ્ત્ર તેણે કરીને શરીરને લૂઈને પછી ઊભા થઈને પહેરવાના વસ્ત્રને બે સાથળ વચ્ચે ભેળું કરીને તેણે બે હાથે કરીને નિચોવીને પછી સાથળને ને પગને લૂઈને પછી ધોયેલું સૂક્ષ્મ ઘાટું જે શ્વેત વસ્ત્ર તેને સારી પેઠે તાણીને પહેરે છે. અને શ્વેત વસ્ત્ર પહેરવાની છે રુચિ જેને એવા જે શ્રીજીમહારાજ તે, તે પછી બીજું ધોયેલું સૂક્ષ્મ શ્વેત વસ્ત્ર ઓઢીને ને ચાખડી ઉપર ચઢીને પોતાનો નિત્યવિધિ કરીને જમવા પધારે છે. અને પવિત્ર એવું જે જમવા બેસવાનું સ્થાનક ત્યાં જઈને આસન ઉપર બેસે છે. અને જમવા બેસે ત્યારે ઓઢવાના વસ્ત્રને કાનને પછવાડે રાખીને ને કાનને ઉઘાડા રાખીને જમવા બેસે છે. અને જમવા બેસે તારે ઉગમણું અથવા ઉત્તરાદું મુખ રાખીને ડાબા પગની પલાંઠી વાળીને ને જમણો પગ ઊભો રાખીને ને તે ઉપર જમણા હાથની કૂણી રાખીને જમે છે. અને જમતાં જમતાં વારંવાર પાણી પીવાનો સ્વાભાવ છે. અને જમતાં જમતાં પોતાને જે જમ્યાની જણશ સારી સ્વાદું જણાય તે કોઈક શ્રેષ્ઠ હરિભક્ત પોતાને મનગમતા હોય તેને અપાવે છે. અને જમતા થકા ઓડકાર ખાઈને પેટ ઉપર હાથ ફેરવવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો કોઈક ભક્તજનની ઉપર પ્રસન્ન થયા થકા પોતાની પ્રસાદીનો થાળ તેને આપે છે અથવા અપાવે છે. અને સાધુને પીરસવું હોય તારે ડાબે ખભે ખેસને નાંખીને ને તે ખેસના છેડાને કેડ સંગાથે તાણી બાંધીને પીરસે છે. અને પીરસે તારે લાડુ, જલેબી આદિક જે જમ્યાની જણસો તેનું વારંવાર નામ લેતા થકા પંક્તિમાં વારંવાર ફરે છે; અને સાધુ, હરિભક્તને જમાડવામાં તથા પીરસવામાં પોતાને શ્રદ્ધા, આદર અને પ્રસન્નતા તે ઘણી છે. અને શ્રીજીમહારાજ ક્યારેક તો વર્ષા ઋતુ તથા શરદ ઋતુને વિષે દુર્ગપત્તનને સમીપે ઘેલા નદીનું નિર્મળ જળ જાણીને સાધુ તથા સત્સંગી સહિત ના’વા પધારે છે; અને તે નદીના જળને વખાણતા થકા પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા તે ભક્તજન ભેળા બહુ પ્રકારે જળક્રીડા કરે છે. અને જળમાં ડૂબકી મારે છે તારે પોતાનાં કાન, નેત્ર અને નાક તેને બે હાથનાં અંગૂઠા ને આંગળીએ કરીને દબાવે છે; તથા ડૂબકી મારીને ઝાઝી વાર પછી નીકળે છે તારે પોતાના મુખારવિંદ ઉપર જમણા હાથને ફેરવીને કોગળા કરવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો નદીના પ્રવાહને મધ્યે ઊભા રહ્યા થકા સાધુની પાસે તાળી વજાડીન કીર્તન ગવરાવે છે ને પોતે પણ તે ભેળા તાળી વજાડતા થકા ઉત્સાહે સહિત કીર્તન ગાય છે. અને જળમાં સ્નાન કરવા પેસે છે તથા સ્નાન કરીને નીસરે છે તારે પોતાને પ્રિય એવો કોઈક ભક્તજન બળવાન હોય તેના હાથને પોતાના હાથે કરીને ઝાલે છે. અને પોતાને દર્શને કરીને હર્ષે યુક્ત છે મુખ જેનાં એવા જે પોતાના ભક્તજન તેમણે સહિત નદીના જળથી બાહેર નીસરીને નદીના કાંઠાને વિષે ઊભા રહ્યા થકા પ્રથમની પેઠે પહેરેલા વસ્ત્રને નિચોવીને ને શરીરને લૂઈને ધોળો ખેસ સારી પેઠે તાણીને પહેરે છે. ને પછી ધોળો ફેંટો માથે બોંધે છે; અને માથે ફેંટો બાંધે છે તારે ફેંટાના છેડાનું છોગલું મૂકીને બાંધે છે તથા ફેંટાના એક આંટાનો પેચ ભ્રૂકુટિના પાંપણ ઉપર લાવીને બાંધે છે. અને તે પછી ધોળા ખેસને ડાબે ખભે નાંખીને ને તે ખેસના છેડાને કેડ્ય સંગાથે તાણી બાંધીને પછી સુંદર ભારે ઘોડી ઉપર અથવા ઘોડા ઉપર અસવાર થઈને હજારો જે પોતાના ભક્તજન તેમણે ચારે કોરે વીંટાણા થકા ને પોતાનાં દર્શનને કરતા જે ભક્તજન તેમનાં નેત્રને આનંદ ઉપજાવતા થકા પોતાને ઉતારે પધારે છે. અને શ્રીજીમહારાજ પોતે ચાલે છે તારે ધોળી પછેડીને અથવા ધોળા ખેસને ડાબા ખભા ઉપર આડસોડે૨૩ નાંખીને જમણા હાથને હલાવતા થકા ચાલે છે; અને ક્યારેક રૂમાલે યુક્ત જે જમણો હાથ તેને હલાવતા થકા ચાલે છે; અને ક્યારેક તો ડાબા હાથને કેડ્ય ઉપર મૂકીને ને જમણા હાથમાં રૂમાલને લઈને તે જમણા હાથને હલાવતા હલાવતા ચાલે છે. અને શ્રીજીમહારાજને સહજે ઉતાવળું ચાલવાનો સ્વભાવ છે; અને પોતે ચાલે છે તારે પોતાની કેડે ચાલતા જે ભક્તજન તે દોડે તારે માંડ માંડ ભેળે ચાલી શકે એવી રીતે ઉતાવળા ચાલે છે. અને જ્યારે પોતે ચાખડી પહેરીને ચાલે છે તારે ચાખડીના ચટચટ શબ્દ થાય છે. અને ક્યારેક તો પોતે કાંઈક કાર્ય કરવાને તત્પર થયા થકા ઊભા હોય તથા ધીરે ધીરે ચાલતા હોય તારે પોતાના જમણા હાથની મૂઠી વાળીને પોતાના જમણા સાથળમાં ધીરે ધીરે મારવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો ઘણાક માણસની ભીડ થાય છે ને રજ ઊડે છે તારે પોતાની નાસિકા ને મુખારવિંદ તેને આડો રૂમાલ દે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર બેસે છે, ને ક્યારેક તો ઓછાડે સહિત ગોદડું પાથર્યું હોય તે ઉપર બેસે છે, ને ક્યારેક તો ગાદી ઉપર બેસે છે, ને ક્યારેક તો ચાકળા ઉપર બેસે છે, ને ક્યારેક તો પલાંઠી વાળીને બેસે છે; ને ક્યારેક તો વસ્ત્રે કરીને ઢીંચણને બાંધીને બેસે છે. અને જ્યારે જ્યારે બેસે તારે બહુધા તો તકિયાનું ઉઠિંગણ કરીને બેસે છે. અને ક્યારેક તો પોતે ઢોલિયા ઉપર અથવા આસન ઉપર બેઠા થકા તકિયાનું ઉઠિંગણ કરીને ને પોતાના પગને લાંબા કરીને ને પગ ઉપર પગને મૂકીને બેસવાનો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા ડાબા ચરણારવિંદની ઉર્ધ્વરેખા ઉપર પોતાના જમણા હાથની આંગળીને ઊભી ફેરવે છે. અને ક્યારેક તો પોતાની જીભને એક કોરના દાંત તળે દબાવીને બેસવું એવો સહજ સ્વભાવ છે. અને ક્યારેક તો પોતે બેઠા થકા પોતાની ડોકને બે પાસે મરોડીન કડાકા વગાડે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની પાસે પોતાના વાંસાને દબાવે છે ત્યારે હૈયાની તળે તકિયો રાખીને દબાવે છે. અને શ્રીજીમહારાજ જ્યાં જ્યાં સહજે બેઠા હોય ત્યારે તુલસીની માળાને ફેરવે છે; અને ક્યારેક તો રમતની પેઠે તે માળાને બેવડી કરીને બે બે મણકા ભેળા ફેરવે છે; ને ક્યારેક તો વાર્તા કરતા થકા તે માળાને ભેળી કરીને બે હાથમાં તળાં વચ્ચે રાખીને ઘસે છે. અને ક્યારેક તો માળા ન હોય ત્યારે પોતાના હાથની આંગળીનાં પર્વને ગણે છે. અને ક્યારેક તો નેત્રકમળને મીંચીને ધ્યાન કરતા થકા બેસે છે; અને ક્યારેક તો નેત્રકમળને ઉઘાડાં રાખીને ધ્યાન કરતા થકા બેસે છે. અને ક્યારેક તો ધ્યાન કરતા થકા ચમકીને જાગે છે. અને ક્યારેક તો પોતાની આગળ સાધુ વાજિંત્ર વજાડીને કીર્તન ગાતા હોય ત્યારે પોતે ધ્યાન કરીને બેસે છે. અને ક્યારેક તો ચપટી વગાડતા થકા તે સાધુ ભેળા ગાવા લાગે છે. અને ક્યારેક તો સાધુ તાળી વજાડીને કીર્તન ગાતા હોય તે ભેળા પોતે તાળી વજાડીને કીર્તન ગાય છે. અને ક્યારેક તો પોતાની આગળ વાજિંત્ર વજાડીને સાધુ કીર્તન ગાતા હોય તથા પોતાની આગળ કથા વંચાતી હોય તથા પોતે પોતાના ભક્તજનની આગળ વાર્તા કરતા હોય ત્યારે ખસીને તેમને સમીપે જાય છે. અને કથા વંચાવતા હોય ત્યારે વારંવાર ‘હરે’ એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે. અને બીજી જે જે ક્રિયા કરતા હોય તેને વિષે પણ તે કથાને ભાને કરીને ક્યારેક તો અચાનક ‘હરે’ એવા શબ્દનું ઉચ્ચારણ કરે છે, ને તેની સ્મૃતિ થાય છે ત્યારે પોતા પાસે જે ભક્તજન બેઠા હોય તેમની સામું જોઈને મંદમંદ હસે છે. અને ક્યારેક તો પોતે રાજીપામાં વાર્તા કરતા હોય અથવા કથા કરાવતા હોય અથવા કીર્તન ગવરાવતા હોય અથવા કાંઈક વિચારમાં બેઠા હોય ને તે વચ્ચમાં કોઈક જમ્યાનું પૂછવા આવે અથવા કોઈક પૂજા કરવા આવે અથવા હાર ચઢાવવા આવે તો તે ઉપર બહુ કચવાઈ જાય છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા ધર્મ, જ્ઞાન, વૈરાગ્યે યુક્ત જે ભક્તિ તે સંબંધી જે જે વાર્તા તે પોતાના ભક્તજનની આગળ કરે છે. અને ક્યારેક તો યોગ, સાંખ્ય, પંચરાત્ર, વેદાંત ઇત્યાદિક જે શાસ્ત્ર તેના રહસ્યની વાર્તા કરે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા જે ભક્તજનની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરે છે ત્યારે પ્રથમ પોતાના બે ભુજ ઊંચા ઉપાડીને, તાળી વજાડીને, સર્વેને છાના રાખીને વાર્તા કરે છે. અને ક્યારેક તો ઘણાક ભક્તજનના સમૂહની મોટી સભા થઈ હોય ને તેમની આગળ ધર્માદિક સંબંધી વાર્તા કરવી હોય ત્યારે છેટેથી પણ સંભળાય તેને અર્થે પોતે ઊભા થઈને ને તાળી વજાડીને, સર્વેને છાના રાખીને વાર્તા કરે છે. અને ક્યારેક તો તે વાર્તા કરવાને વિષે એકાગ્રચિત્તે કરીને પોતાને ઓઢવાનું વસ્ત્ર ખસી જાય તેની પણ સૂરત રહેતી નથી, એવો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતાના ભક્તજનની સભામાં બેઠા થકા પોતાના મુખારવિંદને સમીપે બેઠા જે સાધુ તથા હરિભક્ત તેમને પરસ્પર પ્રશ્ન-ઉત્તર કરાવે છે. ને તેમાં કોઈક કઠણ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર ન આવડે તો સર્વેને આનંદ ઉપજાવતા થકા પોતે ઉત્તર કરે છે. અને ક્યારેક તો તે વાર્તા કરતા થકા પુષ્પના ગુચ્છને અથવા કોઈક મોટા પુષ્પને બે હાથે કરીને ચોળી નાંખે છે. અને ક્યારેક તો તે વાર્તા કરતાં થકાં પોતાના રૂમાલના છેડાને વળ દેવો એવો સહજ સ્વભાવ છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે નાના પ્રકારના દેશથી આવ્યા જે પોતાના ભક્તજન તેમણે પ્રીતિએ કરીને કરી જે મોટી પૂજા તેનો અંગીકાર કરે છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાની પૂજા કરવા સારુ ઘણાક હરિભક્ત ભેળા થઈને આવે છે ત્યારે તેમણે ચઢાવ્યા જે પુષ્પના હાર તેને પોતાના બે હાથે કરીને ગ્રહણ કરે છે તથા ચરણારવિંદે કરીને ગ્રહણ કરે છે તથા છડીએ કરીને ગ્રહણ કરે છે. અને ક્યારેક તો પોતાનાં દર્શનમાત્રે કરીને પોતાના ભક્તજનને સમાધિ કરાવે છે અને ક્યારેક તો તે સમાધિમાંથી તત્કાળ ઉઠાડે છે. અને ક્યારેક તો પોતે સભામાં બેઠા હોય ને કોઈક ભક્તજનને પોતાની પાસે તેડવો હોય ત્યારે નેત્રકમળની સાને કરીને અથવા અંગૂઠા પાસેની જે આંગળી તેની સાને કરીને તે ભક્તને બોલાવી લે છે. અને ક્યારેક તો મોગરા આદિક પુષ્પના હારને તથા લીંબુ આદિક જે ફળ તેને શીતળ જાણીને પોતાની આંખ ઉપર વારંવાર અડાડે છે. અને ક્યારેક તો પોતે ભગવત્કથા કરાવીને સાંભળે છે અથવા પોતે કથા કરે છે અથવા પોતે ભગવાદ્‌વાર્તા કરે છે અથવા કીર્તન ગવરાવીને તે ભેળા પોતે ગાય છે અથવા મંદિર કરાવે છે અથવા સાધુ-બ્રાહ્મણને જમાડે છે, ઇત્યાદિક સત્ક્રિયા કર્યા વિના ક્યારેય નવરું ન રહેવું એવો સ્વભાવ છે. અને પોતે ભક્તિ-ધર્મ સંબંધી જે જે કાર્યનો આરંભ કરે છે તેને સંપૂર્ણ કરવામાં પોતાને શીઘ્રપણું ઘણું છે. અને છીંક ખાવી હોય ત્યારે પ્રથમથી પોતાના રૂમાલને ખોળીને ને તે રૂમાલને મુખારવિંદ આગળ રાખીને છેટે સંભળાય એવી રીતે ઊંચે સ્વરે છીંક ખાય છે; અને જ્યારે જ્યારે એવી છીંક ખાય છે ત્યારે બે-ત્રણ ભેળી છીંક ખાય છે. અને જ્યારે પોતે બગાસું ખાય છે ત્યારે ‘હરિ હરિ હરિ’ એવા શબ્દનું ઉચ્ચારણ કરતા થકા, પોતાને હાથે કરીને નેત્રકમળને બે-ત્રણ વાર ચોળે છે. અને નિષ્કામભક્તે કરી જે પોતાની સેવા તેને વિષે છે રુચિ જેની એવો પોતાનો સ્વભાવ છે. અને કાંઈક રમૂજે કરીને અતિશય હસે છે ત્યારે હાથે કરીને પોતાના રૂમાલને મુખારવિંદ આડો દઈને હસે છે. અને ક્યારેક તો દેશાંતર થકી પોતાના સમીપે આવ્યા જે સાધુ તથા પોતાને પ્રિય એવા ભક્તજન તેમને જોઈને પ્રસન્ન થયા થકા તત્કાળ ઊઠીને તેમને બથમાં ઘાલીને મળે છે ને તેમને તે તે દેશના સમાચાર પૂછે છે. અને ક્યારેક તો ઉત્સવને વિષે પોતાને સમીપે રહીને, પછી પોતાની આજ્ઞાએ કરીને પરદેશમાં જતા જે સાધુ તેમને પ્રસન્ન થઈને મળે છે. અને ક્યારેક તો પોતાના ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પોતાના બે હાથ મૂકે છે; અને ક્યારેક તો પ્રસન્ન થઈને કોઈક ભક્તજનના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદનું ધારણ કરે છે. અને ક્યારેક તો પોતાની આજ્ઞાને તત્કાળ પાળવાને ઇચ્છતો થકો તત્પર થયો જે કોઈક ભક્તજન તથા તે પોતાની આજ્ઞાને રૂડી રીત્યે પાળીને આવ્યો જે કોઈક ભક્તજન, તેને જોઈને તેની ઉપર પ્રસન્ન થયા થકા તેના હૃદયને વિષે પોતાનાં ચરણારવિંદ આપે છે. અને ક્યારેક તો કોઈક ભક્તજન ઉપર પ્રસન્ન થઈને તેને પોતાની પ્રસાદી-પુષ્પના હાર આપે છે તથા તોરા-બાજુબંધ આપે છે તથા પોતાનાં વસ્ત્ર-આભૂષણ આપે છે. અને અતિશય ઉદાર છે સ્વભાવ જેમનો એવા જે શ્રીજીમહારાજ તે પોતાને અતિશય પ્રિય એવું જે પદાર્થ તે ભારે મૂલ્યવાળું હોય તો પણ તેને દેવાનો મનમાં સંકલ્પ કરતા થકા તત્કાળ સત્પાત્રને દેઈ દે છે પણ વાર લગાડતા નથી, એવો સ્વભાવ છે. અને ક્યારેક તો પોતાના હાથ-પગની જે આંગળીઓ તેને મરડીને કડાકા વગાડે છે અને ક્યારેક તો પોતાને સમીપે બેઠા જે ભક્તજન તેમની પાસે પોતાના હાથ-પગની આંગળીઓને મરડાવીને કડાકા વગડાવે છે. અને ક્યારેક તો કોઈ પ્રાણીને દુખિયો દેખીને અથવા સાંભળીને તત્કાળ દયાએ યુક્ત થકા ‘રામ રામ રામ’ એવી રીત્યે બોલવાનો સ્વભાવ છે. અને વળી ક્યારેક તો હરકોઈ મનુષ્યને દુખિયો દેખીને, દયાએ કરીને પોતાના ચિત્તમાં ખેદને પામતા થકા પ્રસન્ન થઈને, તે મનુષ્યનું દુઃખ ટળે એવી રીત્યે અન્ન-વસ્ત્રાદિક પદાર્થે કરીને ઉપકાર કરે છે. અને ક્યારેક તો કોઈકને કોઈ મારતું હોય તેને દેખીને દયાએ કરીને તેને ન દેખી ખમતા થકા તત્કાળ હોંકાર કરીને તેનું નિવારણ કરે છે. અને ક્યારેક તો પોતાની આગળ કોઈક સાધુનું અથવા કોઈક હરિભક્તનું કોઈ ઘસાતું બોલે તેને સાંભળીને તેની ઉપર પોતે કચવાઈ જાય છે ને તેનો અનાદર કરીને ઠપકો દે છે. અને ક્યારેક તો પોતાના શરીરમાં કાંઈક કસર જેવું હોય ત્યારે પોતાના ડાબા હાથની આંગળીએ કરીને જમણા હાથની નાડીને જુએ છે. અને પોતે જ્યારે સભામાંથી ઊઠે છે ત્યારે ‘જય સચ્ચિદાનંદ’ અથવા ‘જય સ્વામિનારાયણ’ એમ કહીને ને સાધુને નમસ્કાર કરીને ઊઠવાનો સ્વભાવ છે. અને જ્યારે પોતે પંથને માર્ગે ઘોડે ચડીને ચાલે છે, ત્યારે ક્યારેક તો લીલાએ કરીને ઘોડાની ડોક ઉપર પોતાના એક પગને લાંબો નાંખીને ઘોડાને ચલાવે છે. અને સૂએ ત્યારે પ્રથમ જાગતા થકા હાથની જે આંગળીઓ તે તિલક કરવાની પેઠે ભાલને વિષે ઊભી ફેરવે છે. અને સૂવાનું હોય ત્યારે પોતાની માળાને માગીને જમણા હાથમાં લઈને ફેરવતા થકા સૂએ છે. અને પોતે પોઢે છે ત્યારે પોતાનું મુખારવિંદ ઉઘાડું રાખીને પોઢવાનો સ્વભાવ છે. અને પોતે ભરનિદ્રામાં સૂતા હોય ને કોઈક જરાક અડી જાય તો તત્કાળ ઝબકીને જાગી જાય છે અને ‘કોણ છે?’ એમ તેને પૂછે છે.

આવી રીત્યે શ્રીજીમહારાજની જે સ્વાભાવિક ચેષ્ટા તે પોતાની સ્મૃતિને અનુસારે લખી છે. ને બીજી પણ કેટલીક ચેષ્ટા છે. એવા જે શ્રીજીમહારાજ તેમણે શ્રીગઢડામાં રહ્યાં થકાં પોતાના ભક્તજનના સંશય ટાળવાને અર્થે સ્વધર્મ, આત્મજ્ઞાન, વૈરાગ્ય, પોતાના સ્વરૂપનું જ્ઞાન અને પોતાની માહાત્મ્યે સહિત ભક્તિ એ પાંચ વાર્તા સંબંધી જે જે વચનામૃત કહ્યાં છે તથા ત્યાંથી બીજાં ગામમાં જઈને જે જે વચનામૃત કહ્યાં છે, તેમાંથી કેટલાક દિવસનાં જે વચનામૃત, તે શ્રીજીમહારાજના જે એકાંતિક ભક્ત તેમની પ્રસન્નતાને અર્થે પોતાની જે સ્મૃતિ ને બુદ્ધિ તેને અનુસારે લખીએ છીએ.

સમાસતઃ પ્રોક્તમિદં ચરિત્રં શ્રીધર્મસૂનોરિહ યો મનુષ્યઃ ।

પઠિષ્યતિ શ્રોષ્યતિ વાપિ ભક્ત્યા સ લપ્સ્યતે વૈ પુરુષાર્થસિદ્ધિમ્ ॥

॥ ઇતિ ઉપોદ્‌ઘાત પ્રકરણમ્ ॥


ટીપણી

૨૨. ૧ ઘડી = ચોવીસ મિનિટ.

૨૩. જમણા હાથની બગલમાં પસાર કરી, છાતીના ભાગ ઉપર થઈને ડાબા ખભા પર નાંખવું એવી રીતે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ