॥ વચનામૃત પરથારો ॥

પરથારો ૨ : શ્રીહરિની બાળ લીલા અને વન વિચરણ

પછી જન્મથી છઠ્ઠા દિવસને વિષે કોટરા આદિક બાળગ્રહ જે તે બાળરૂપ એવા જે તે ભગવાન તેને મારવા સારુ આવ્યાં તેમને તે ભગવાન જે તે પોતાની દ્રષ્ટિમાત્રે કરીને બાળીને ભગાવી દેતા હવા. પછી ભગવાન ત્રણ મહિના ને અગિયાર દિવસના થયા ત્યારે માર્કંડેય ઋષિ જે તે બ્રાહ્મણને વેષે તે હરિપ્રસાદજીને ઘેર આવતા હવા. ત્યારે હરિપ્રસાદજી જે તે તે ઋષિનું અતિશય સન્માન કરીને ને તેમને જ્યોતિષી જાણીને કહેતા હવા જે, “તમે અમારા પુત્રનું નામકરણ કરો.” પછી તે ઋષિ જે તે રાજી થઈને નામકરણ કરતા થકા બોલ્યા જે, “હે હરિપ્રસાદજી! આ તમારા પુત્ર જે તે તમારી સર્વ આપદાને હરશે અને જે જન એના આશ્રિત થશે તેમની સર્વે આપદાને હરશે. અને કર્ક રાશિને વિષે એનો જન્મ છે માટે એમનું હરિ એવું નામ થશે. અને વળી આ જે તમારા પુત્ર તેના દેહનો કૃષ્ણ વર્ણ છે તથા પોતાના આશ્રિત જનનાં જે મન તેમને પોતાની મૂર્તીને વિષે તાણી લેશે તથા ચૈત્ર માસમાં જન્મ છે, માટે કૃષ્ણ એવે નામે વિખ્યાત થશે. અને એ બે નામ નોખાં નોખાં છે તો પણ એ બે ભેળાં મળીને હરિકૃષ્ણ એવું ત્રીજું નામ પણ થશે. અને આ તમારા પુત્ર જે તે ત્યાગ, જ્ઞાન, તપ, ધર્મ અને યોગ એ પાંચ ગુણે કરીને તો શિવજી જેવા થશે, માટે નીલકંઠ એવે નામે કરીને લોકને વિષે પ્રસિદ્ધ થશે. અને આ જે તમારા પુત્ર તેના હાથને વિષે પદ્મનું ચિહ્ન છે તથા પગને વિષે વજ્ર, ઊર્ધ્વરેખા અને કમળ તેનાં ચિહ્ન છે, તે માટે આ તમારા પુત્ર જે તે લક્ષાવધિ મનુષ્યના નિયંતા થશે. અને આ તમારા પુત્ર જે તે કલ્યાણકારી એવા અનંત ગુણે યુક્ત થશે ને તમારી સમગ્ર કષ્ટ થકી રક્ષા કરશે.” એમ કહીને વિરામ પામ્યા એવા જે માર્કંડેય ઋષિ તેને હરિપ્રસાદજી જે તે ઘણીક દક્ષિણા ને ભારે ભારે નવાં વસ્ત્ર ને આભૂષણ તે આપતા હવા. પછી તે ઋષિ જે તે એક દિવસ ત્યાં રહીને પ્રયાગ તીર્થની યાત્રા કરવા સારુ ચાલી નીસરતા હવા. અને તે પછી તે હરિપ્રસાદજી ને ભક્તિમાતા જે તે પોતાના પુત્રના ગુણને સાંભળીને બહુ પ્રસન્ન થતાં હવાં. પછી તે શ્રીહરિ જે તે પોતાની બાળલીલાએ કરીને પોતાનાં માતપિતાને ને સંબંધીજનને બહુ આનંદ ઉપજાવતા થકા બાળચંદ્રની પેઠે વૃદ્ધિને પામતા હવા. અને તે પછી હરિપ્રસાદજી જે તે તે પોતાના પુત્રને પાંચમે મહિને પ્રથમ પૃથ્વી ઉપર બેસારતા હવા. અને છઠ્ઠા મહિનાને વિષે પ્રથમ અન્ન જમવા શીખવતા હવા. અને સાતમે મહિને કાનને વીંધાવતા હવા. અને ત્રીજું વર્ષ બેઠું તારે ચૌળ-સંસ્કાર જે ‘ગર્ભના કેશ ઉતરાવવા’ તે કરાવતા હવા. અને એ જ દિવસે માયાવી એવો જે કાળિદત્ત નામે અસુર તે ભગવાનને મારવાને આવ્યો, તેને ભગવાને પોતાની દ્રષ્ટિમાત્રે કરીને મોહ પમાડ્યો, તે વૃક્ષને વિષે અથડઈ અથડઈને મરી જતો હવો.

અને તે પછી હરિપ્રસાદજી જે તે અસુરના ઉપદ્રવ થકી છપૈયા ગામનો ત્યાગ કરીને પોતાના કુટુંબે સહિત થકા અયોધ્યાપુરીમાં નિવાસ કરીને રહેતા હવા. અને પછી હરિપ્રસાદજી જે તે પોતાના પુત્રને પાંચમા વર્ષને વિષે પ્રથમ અક્ષર ભણવા શીખવતા હવા. અને આઠમા વર્ષને વિષે ભારે ભારે સામગ્રીઓને ભેળી કરીને પોતાના પુત્રને યજ્ઞોપવીત દેતા હવા. અને તે શ્રહરિ જે તે પોતાના પિતા થકી યજ્ઞોપવીતને પામીને નૈષ્ઠિક બ્રહ્મચારીના ધર્મને વિષે રહ્યા થકા વેદાધ્યયનને કરતા હવા; અને પોતાના પિતા પાસે વેદ, શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, ધર્મશાસ્ત્ર એ સર્વે ગ્રંથનું પોતે અધ્યયન કરીને તથા શ્રવણ કરીને તે સર્વનું જે રહસ્ય તેને યથાર્થ જાણતા હવા; અને એ સર્વમાંથી પોતે ચાર સાર કાઢતા હવા. તેમાં શ્રીમદ્‎ભાગવત પુરાણ થકી તો ‘પંચમ સ્કંધ’ ને ‘દશમ સ્કંધ’ એ સાર કાઢ્યો તથા સ્કંદપુરાણ થકી ‘વાસુદેવમાહાત્મ્ય’ એ સાર કાઢ્યો તથા ઇતિહાસ જે મહાભારત તે થકી ‘ભગવદ્‎ગીતા’, ‘વિદુરનીતિ’ ને ‘વિષ્ણુસહસ્રનામ’ એ સાર કાઢ્યો તથા સર્વે ધર્મશાસ્ત્ર થકી ‘યાજ્ઞવલ્ક્યસ્મૃતિ’ એ સાર કાઢ્યો. એવી રીતે એ ચાર સાર કાઢીને તેનો ગુટકો લખાવીને પોતાની પાસે નિત્યે રાખતા હવા. પછી તે શ્રીહરિ જે તે જન્મ થકી અગિયાર વર્ષના થયા તારે પોતાની માતા જે ભક્તિ તેને ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય સહિત એવી જે ભક્તિ તેનો ઉપદેશ કરીને દિવ્યગતિને આપતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા. અને તે પછી કેટલાક માસ ગયા કેડે તે શ્રીહરિ જે તે પોતાના પિતા જે હરિપ્રસાદજી તેને પોતાના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપીને દિવ્યગતિને પમાડતા હવા ને દુર્વાસાના શાપ થકી મુકાવતા હવા.

અને એવી રીતે ભક્તિધર્મ જે તે દિવ્યગતિને પામીને પછી દિવ્ય દેહે કરીને નિરંતર તે શ્રીહરિને પાસે રહેતાં હવાં. તે વાર પછી તે શ્રીહરિ જે તે પોતાનાં જે સંબંધી તેને પૂછ્યા વિના જ નિત્યસ્નાનને મિષે કરીને તીવ્ર વૈરાગ્યના વેગ થકી પોતાના ઘરનો ત્યાગ કરીને પોતે એકલા જ ઉત્તર દિશને વિષે તપ કરવા સારુ ચાલી નીસરતા હવા. તે પોતે કેવા છે? તો બહિર્વાસે સહિત જે કૌપીન તેને ધારી રહ્યા છે, ને મૃગચર્મ ધાર્યું છે, ને પલાશનો દંડ ધાર્યો છે, ને શ્વેત એવું જે યજ્ઞોપવીત તે ધાર્યું છે, ને કંઠને વિષે તુળસીની બેવળી માળા ધારી છે, ને ચાંદલે સહિત જે ઊર્ધ્વપુંડ્ર તિલકનું ચિહ્ન તે ધાર્યું છે, ને મસ્તક ઉપર જટાને ધારી રહ્યા છે, ને કેડને વિષે મુંજની મેખળા ધારી છે. ને હાથને વિષે જપમાળા, કમંડળુ, ભિક્ષાપાત્ર ને જળગરણું એટલાં વાનાંને ધારી રહ્યા છે. ને શાલગ્રામ ને બાળમુકુંદનો જે બટુવો તેને ગળાને વિષે ધારી રહ્યા છે. ને ચાર સારનો જે ગુટકો તેને ખભાને વિષે ધારી રહ્યા છે. એવા વેષને ધરતા થકા શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે સરયૂ નદીને તરીને ઉત્તર દિશામાં જતા હવા. તે ચાલતે ચાલતે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતની તલાટીમાં જે એક મહામોટું વન આવ્યું તેને પામતા હવા. પછી ત્યાંથી ચાલ્યા તે કેટલેક દિવસે કરીને હિમાલય પર્વતને પામ્યા. ને તે પર્વતને વિષે ચાલતાં થકાં કેટલેક દિવસે કરીને મુક્તનાથ પ્રત્યે આવીને ઉગ્ર તપ કર્યું ને તે તપે કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કરતા હવા. અને ત્યાં કેટલાક માસ રહીને પછી ત્યાંથી દક્ષિણ દિશામાં ચાલ્યા, તે હિમાલય પર્વતની તલાટીમાં એક મહાઘોર વન આવ્યું, તેને વિષે બાર માસ સુધી વિચરતા હવા. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે, તે વનને વિષે વડના વૃક્ષ તળે બેઠા ને તપને કરતા એવા જે ગોપાળયોગી તેને દેખતા હવા ને તે યોગી પાસે રહીને આષ્ટાંગયોગને શીખતા થકા એક વર્ષ સુધી રહ્યા ને તે યાગીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપીને સિદ્ધગતિને પમાડતા હવા. અને પછી ત્યાંથી ઉત્તરમુખે ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે આદિવારાહ નામે જે તીર્થ તેને પામ્યા. અને ત્યાંથી ચાલ્યા તે બંગાળ દેશને વિષે સીરપુર નામે જે શહેર તેને પામતા હવા; અને તે શહેરનો રાજા સિદ્ધવલ્લભ નામે મહાધાર્મિક હતો તેણે પ્રાર્થનાને કર્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ચોમાસાના ચાર મહિના સુધી ત્યાં રહેતા હવા; અને તે શહેરને વિષે કાળી ને ભૈરવ તેના ઉપાસક ને સિદ્ધપણાનું છે અભિમાન જેમને એવા જે અસુર તેમના મદને હરતા હવા; અને પોતાનો સેવક જે ગોપાળદાસ નામે સાધુ તેની અસુરના અભિચાર થકી પોતાને સામર્થ્યે કરીને રક્ષા કરતા હવા. અને વળી તે શહેરને વિષે વેદ, શાસ્ત્ર, પુરાણનો ભણેલો એવો તૈલંગ દેશનો કોઈક બ્રાહ્મણ હતો તેણે તે રાજા થકી હસ્તી આદિકનું મહાદાન લીધું, તેણે કરીને તે બ્રાણમ ગૌરવર્ણ હતો પણ શ્યામવર્ણ થઈ ગયો. પછી તે બ્રાહ્મણ પોતાના પાપની શાંતિને અર્થે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને શરણે આવ્યો; તેને પોતાના સામર્થ્યે કરીને તે પાપ થકી મુકાવ્યો તારે કાળો મટીને પ્રથમના જેવો ગૌરવર્ણ થતો હવો. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે જે તે કામાક્ષી દેવીને સમીપે કોઈક ગામ હતું તેને પામ્યા; ને તે ગામમાં મહાકાળીનો ઉપાસક એક બ્રાહ્મણ હતો તે પોતાના ગામમાં જે કોઈ સાધુ તથા બ્રાહ્મણ તીર્થવાસી આવે તેને અભિચારે કરીને જીતીને પોતાના શિષ્ય કરે એવો અભિમાની હતો, તે બ્રાહ્મણ આવીને શ્રીહરિને ઉપર પોતાનું જંત્ર-મંત્ર-અભિચાર સંબંધી જે ઘણુંક સામર્થ્ય તેને કરતો હવો; પણ તેણે કરીને પોતે કાંઈ પરાભવ પામ્યા નહીં ને પોતાને સામર્થ્યે કરીને તે બ્રાહ્મણનો સમગ્ર મદ ઉતારીને પોતાનો આશ્રિત કરતા હવા. પછી શ્રીહરિ જે તે ત્યાંથી ચાલ્યા થકા નવલખા પર્વતને પામ્યા, જે નવલખા પર્વતને૧૦ વિષે નવ લાખ સિદ્ધનાં સ્થાનક છે ને નવ લાખ ઠેકાણે અગ્નિની જ્વાળા નીસરે છે તથા પાણીના કુંડ છે; તે પર્વતને વિષે રહ્યા જે સિદ્ધ તેમને પોતાનું દર્શન આપીને તે પર્વતથી ઊતર્યા તે બાળવા કુંડ નામે જે તીર્થ તેને પામતા હવા. અને ત્યાંથી ચાલ્યા જે શ્રીહરિ તે ગંગાસાગરના સંગમને પામીને ને ત્યાં સ્નાન કરીને પછી તે સમુદ્રની ખાડીને વહાણમાં બેસીને ઊતર્યા ને કપિલાશ્રમને પામતા હવા; ને ત્યાં નિત્યે કપિલજીનાં દર્શન કરતા થકા એક માસ સુધી રહ્યા. અને પછી ત્યાંથી ચાલ્યા તે જગન્નાથપુરી પ્રત્યે ગયા. ને ત્યાં કેટલાક માસ નિવાસ કરીને પૃથ્વીના ભારરૂપ એવા જે ઘણાક અસુર તેમને પરસ્પર વૈર કરાવીને યુદ્ધે કરીને નાશ કરાવી નાંખતા હવા. પછી શ્રીનીલકંઠ બ્રહ્મચારી જે તે ત્યાંથી દક્ષિણ દિશા પ્રત્યે ચાલ્યા તે આદિકૂર્મ નામે જે તીર્થક્ષેત્ર તેને પામ્યા. ને પછી ત્યાંથી મહાવનને વિષે ચાલતાં થકાં માનસપુરને પામ્યા; અને તે પુરનો સત્રધર્મા નામે રાજા હતો તે પોતાને આશ્રિત થયો ને તે રાજા દ્વારે અસુરનો પરાભવ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનિલકંઠ બ્રહ્મચારી તે વેંકટાદ્રિને પામ્યા; ને ત્યાંથી શિવકાંચી ને વિષ્ણુકાંચીને પામ્યા; ને ત્યાંથી શ્રીરંગક્ષેત્રમાં જઈને બે માસ સુધી રહેતા હવા ને ત્યાં વૈષ્ણવ સંગાથે સંવાદ કરતા થકા તેમને વિષે રહ્યો જે દુરાચાર તેનો પોતાને પ્રતાપ કરીને ત્યાગ કરાવતા હવા. પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીહરિ તે સેતુબંધ નામે જે તીર્થ તેને પામીને ને સમુદ્રને વિષે સ્નાન કરીને નિત્યે રામેશ્વર મહાદેવનાં દર્શન કરતા થકા બે માસ સુધી ત્યાં રહેતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા તે સુંદરરાજ૧૧ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરીને ત્યાંથી ચાલતા થકા માર્ગને વિષે એક ઘોર વન આવ્યું તેમાં પાંચ દિવસ સુધી ચાલ્યા, પણ કાંઈ અન્નજળને ન પામ્યા. પછી છઠ્ઠે દિવસે મધ્યાહ્‎ન સમે વનમાં એક કૂપ આવ્યો તેમાંથી કમંડળુએ કરીને જળને કાઢીને સ્નાન કર્યું ને પછી વડના વૃક્ષ તળે બેસીને પોતાનો નિત્યવિધિ કરતા થકા શાલગ્રામની સેવા કરવા લાગ્યા. તારે તે શાલગ્રામને પાત્રમાં મૂકીને કમંડળુની ધારે કરીને સ્નાન કરાવવા માંડ્યું તે જેટલું પાણી રેડ્યું તેટલું શાલગ્રામ પી ગયા; તે એમ કરતાં કરતાં પાંચ-સાત કમંડળુ રેડ્યાં તેને પી ગયા. પછી જળ પીને તૃપ્ત થયા જાણીને તે શાલગ્રામને ચંદનાદિકે કરીને પૂજતા હવા અને એમ વિચાર કરવા લાગ્યા જે, ‘શાલગ્રામને આટલી તરસ લાગી તારે ભૂખ પણ હશે ખરી, પણ આપણી પાસે કાંઈ નૈવેદ્ય ધર્યાનું નથી માટે વિષ્ણુને શું જમાડીએ?’ એમ વિચાર કરે છે તેટલામાં શિવજી ને પાર્વતી તે પોઠિયા ઉપર બેસીને કાપડીને વેષે ત્યાં આવીને પ્રથમથી જ ઊભાં હતાં. તે શ્રીનીલકંઠ બ્રહ્મચારીને એવી રીતે શાલગ્રામની પૂજા કરતા જોઈને તેને સાથવો ને મીઠું આપતાં હવાં. પછી તે સાથવાને જળમાં ચોળીને ને વિષ્ણુને નૈવેદ્ય ધરીને પોતે જમતા હવા. અને પછી ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ભૂતપુરીને પામ્યા; ને ત્યાં રહી જે રામાનુજાચાર્યની પ્રતિમા તેનું દર્શન તથા પૂજન કરીને ત્યાંથી કુમારિકા ક્ષેત્ર પ્રત્યે આવ્યા. ને ત્યાંથી પદ્મનાભ ગયા. ને ત્યાંથી જનાર્દન૧૨ ગયા. ને ત્યાંથી આદિકેશવ૧૩ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરીને ત્યાંથી મલયાચલ નામે જે કુલગિરિ તેને પામતા હવા; અને ત્યાં સાક્ષીગોપાળ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા પાંચ દિવસ રહેતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે પંઢરપુર ગયા ને ત્યાં વિઠ્ઠલનાથ નામે જે વિષ્ણુ તેનાં દર્શન કરતા થકા બે માસ સુધી રહેતા હવા. પછી વિઠ્ઠલનાથને ભેટીને ત્યાંથી ચાલ્યા તે દંડકારણ્યને પામ્યા. ને તે દંડકારણ્યની પ્રદક્ષિણા કરીને નાસિકપુર પ્રત્યે આવ્યા; ને ત્યાં ત્ર્યંબકેશ્વર મહાદેવનાં દર્શન કરીને તાપી નદી પ્રત્યે આવ્યા. ને ત્યાંથી ચાલ્યા તે નર્મદા નદીને ઊતરીને મહી નદીને પામ્યા; ને મહીને ઊતરીને તથા સાભરમતી નદીને ઊતરીને ને ભાલ દેશને ઉલ્લંઘીને ભીમનાથ આવતા હવા. અને ત્યાંથી ચાલ્યા એવા જે શ્રીનીલકંઠ બ્રહ્મચારી તે જે તે ગોપનાથ નામે શિવજીનાં દર્શન કરીને પંચતીર્થી કરતાં કરતાં માંગરોલ બંદરમાં આવતા હવા. એવી રીતે તીર્થયાત્રાને કરતા એવા જે શ્રીહરિકૃષ્ણ ભગવાન તે જે તે, જે જે તીર્થમાં પોતે ગયા તે તે તીર્થને વિષે રહ્યો જે અધર્મ તેનો ઉચ્છેદ કરતા હવા ને એકાંતિક ધર્મનું સ્થાપન કરતા હવા; અને તે તે તીર્થમાં રહેનારા જે જન તેમને પોતાનાં દર્શન આપીને તથા તેમનું અન્નજળાદિક ગ્રહણ કરીને તેમને સંસારના બંધન થકી છોડાવતા હવા.


ટીપણી

૮. નેપાલ, આદિવારાહ, કોકામુખ.

૯. બાંગ્લાદેશ, સીરપુર.

૧૦. બાંગ્લાદેશના ચટવાંગ જિલ્લામાં રામકોટથી દક્ષિણ, બાલવા કુંડથી ઉત્તાર દિશામાં આ પર્વતમાળા હોય તેમ સંભવ છે. આ સિદ્ધોની દિવ્યભૂમિ છે. અહીં કોઈ મનુષ્ય જઈ શકતો નથી.

૧૧. મદુરાઈથી થોડું દૂર આવેલ આ તીર્થ તમિળમાં ‘અળગર કોયલ’ શબ્દથી પ્રસિદ્ધ છે. આ મંદિર પર્વતની તળેટીમાં છે. આ પર્વતને ‘વૃષભાદ્રિ’ પણ કહે છે.

૧૨. કેરાલા રાજ્યાના વરક્કલા નામના ગામમાં આ તીર્થ છે.

૧૩. કેરાલા રાજ્યના તિરૂવટ્ટાર નામના ગામમાં આ તીર્થ છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ