share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૫૪

ભાગવત ધર્મના પોષણનું, મોક્ષના દ્વારનું

સંવત ૧૮૭૬ના મહા વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન થયા હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને જરિયાન છેડાવાળો કસુંબલ રેંટો ઓઢ્યો હતો અને આસમાની રંગનો જરિયાની રેશમનો ફેંટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! શ્રીમદ્‌ભાગવતના એકાદશ સ્કંધમાં જનકરાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ૨૧૭ તેનું જે પોષણ તે કેમ થાય? અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને માહાત્મ્યજ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે,

‘પ્રસંગમજરં પાશમાત્મનઃ કવયો વિદુઃ।
સ એવ સાધુષુ કૃતો મોક્ષદ્વારમપાવૃતમ્॥’
૨૧૮

“જેવો એ જીવને પોતાના સંબંધીને વિષે દૃઢ પ્રસંગ છે તેવો ને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિષે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે.”

પછી શુકમુનિએ પૂછ્યું જે, “ગમે તેવો આપત્કાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય, તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં; માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે.

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૫૪ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૨૧૭. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનો જેમાં સમાવેશ થાય છે તેવો એકાંતિક ધર્મ.

૨૧૮. ભાગવત: ૩/૨૫/૨૦.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase