॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય ૨૩
લૂક તથા હિમનું
સંવત ૧૮૭૮ના જ્યેષ્ઠ સુદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળી પાઘ બાંધી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આજ તો અમે મનનું રૂપ વિચારી જોયું, તે મન જીવ થકી જુદું ન દેખાયું; મન તો જીવની જ કોઈક કિરણ૮૯ છે પણ જીવ થકી જુદું નથી. અને મનનું રૂપ તો એવું દેખાયું જે, જેમ ઉનાળામાં લૂક હોય તથા જેમ શિયાળામાં હિમ હોય તેવું મનનું રૂપ દેખાયું. અને જેમ માણસના દેહમાં લૂક પેસે તથા હિમ પેસે ત્યારે તે માણસ મરી જાય છે; તેમ એ મન ઇન્દ્રિયો દ્વારે થઈને જ્યારે વિષય સન્મુખ જાય છે ત્યારે તે વિષય જો દુઃખદાયી હોય તો મન તપીને ઉનાળાની લૂક જેવું થાય છે, અને તે વિષય જો સુખદાયક હોય તો તેને વિષે મન શિયાળાના હિમ જેવું થાય છે. તે જ્યારે દુઃખદાયી વિષયને ભોગવીને લૂક સરખું ઊનું થઈને જીવના હૃદયમાં પેસે છે ત્યારે જીવને અતિશય દુખિયો કરીને કલ્યાણના માર્ગમાંથી પાડી નાંખે છે; એ તે લૂક લાગીને મરે તેમ જાણવું. અને જ્યારે એ મન સુખદાયી વિષયમાં સુખને ભોગવે ત્યારે ટાઢું હિમ સરખું થઈને જીવના હૃદયમાં પેસે છે અને જીવને સુખિયો કરીને કલ્યાણના માર્ગથી પાડી નાંખે છે; એ તો હિમાળાનો વા આવે ને મરે તેમ જાણવું. માટે જેનું મન ભૂંડા વિષયને દેખીને તપે પણ નહીં અને સારા વિષયને દેખીને ટાઢું પણ થાય નહીં, એવી રીતે જેનું મન અવિકારી રહેતું હોય તેને પરમ ભાગવત સંત જાણવા. અને એવું મન થવું એ કાંઈ થોડી વાત નથી. અને મનનો તો કેવો સ્વભાવ છે? તો જેમ બાળક હોય તે સર્પને, અગ્નિને તથા ઉઘાડી તલવારને ઝાલવા જાય, તે જો ઝાલવા ન દઈએ તો પણ દુઃખી થાય અને જો ઝાલવા દઈએ તો પણ દુઃખી થાય; તેમ જો મનને વિષય ભોગવવા ન દઈએ તો પણ દુઃખી થાય ને જો ભોગવવા દઈએ તો પણ વિમુખ થઈને અતિશય દુઃખી થાય. માટે જેનું મન ભગવાનને વિષે આસક્ત થયું છે ને વિષયને યોગે કરીને ટાઢું-ઊનું થતું નથી તેને જ સાધુ જાણવા.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૨૩ ॥ ૧૫૬ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૮૯. મન-અંતઃકરણ જડ હોવા છતાં ચૈતન્ય જીવાત્માના અતિ સામીપ્યને લીધે પ્રકાશિત થતું હોઈ ‘કિરણ’ શબ્દથી કહ્યું છે. જીવની ઇચ્છા વિરુદ્ધ મન સ્વતંત્રપણે કોઈ ક્રિયામાં પ્રવૃત્ત થવા અસમર્થ છે, એટલે તેને ‘જીવ થકી જુદું નથી’ એમ કહ્યું. વસ્તુતઃ જીવ અને મન તત્ત્વે કરીને જુદા છે.