share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા પ્રથમ ૧૬

વિવેકનું

સંવત ૧૮૭૬ના માગશર વદિ ૪ ચોથને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી શ્રીજીમહારાજે એમ વાર્તા કરી જે, “જે ભગવાનના ભક્તને સત્-અસત્‌નો વિવેક૭૧ હોય તે તો જે જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેને ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને૭૨ વિષે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે જે, ‘તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું અને સત્ય છું અને એનો જાણનારો છું, અને દેહાદિક સર્વે અસત્ય છે,’ એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મારૂપે૭૩ વર્તે પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ્ય આવે એવા જે પદાર્થ તથા કુસંગ૭૪ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર૭૫ હોય તેને ગ્રહણ કરે અને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ જે, તેને વિવેક છે.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૬ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૭૧. કાળાદિકથી પરિણામ નહિ પામનારા આત્મા-પરમાત્મા તથા કાળાદિકથી પરિણામ પામનારાં માયા અને તેનાં કાર્યને યથાર્થ જાણવારૂપ વિવેક.

૭૨. મનુષ્યરૂપ એવા પણ.

૭૩. બ્રહ્મરૂપે.

૭૪. અશુભ દેશાદિક આઠ.

૭૫. એકાંતિક ધર્મમાં પુષ્ટિ થાય તેવો.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase