Show Shravan Audio
Play Nirupan Audio॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા પ્રથમ ૪
નારદજીના જેવી ઈર્ષ્યા કરવાનું
સંવત ૧૮૭૬ના માગશર સુદિ ૭ સપ્તમીને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષ્યા૧૭ ન કરવી.” ત્યારે આનંદાનંદ સ્વામી બોલ્યા જે, “હે મહારાજ! ઈર્ષ્યા તો રહે છે.” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. જેમ એક સમયને વિષે નારદજી અને તુંબરુ એ બે વૈકુંઠને વિષે લક્ષ્મીનારાયણનાં દર્શન કરવા ગયા. તે લક્ષ્મીનારાયણ આગળ તુંબરુએ ગાન કર્યું, તેણે કરીને લક્ષ્મીજી તથા નારાયણ એ બેય પ્રસન્ન થઈને તુંબરુને પોતાનાં વસ્ત્ર, આભૂષણ આપ્યાં. ત્યારે નારદજીને તુંબરુ ઉપર ઈર્ષ્યા આવી જે, ‘હું તુંબરુના જેવી ગાનવિદ્યા શીખું અને ભગવાનને પ્રસન્ન કરું.’ પછી નારદજી ગાનવિદ્યા શીખતા હવા અને ભગવાન આગળ ગાતા હવા. ત્યારે ભગવાને કહ્યું જે, ‘તમને તુંબરુના જેવું ગાતાં નથી આવડતું.’ પછી વળી શિવ ઉપર તપ કરીને શિવ થકી વર પામીને ગાનવિદ્યા શીખીને ભગવાન આગળ ગાવતા હવા, તો પણ ભગવાન એની ગાનવિદ્યા ઉપર પ્રસન્ન ન થયા. એવી રીતે સાત મન્વંતર૧૮ સુધી ગાનવિદ્યા શીખ્યા અને ભગવાન આગળ ગાયા, તો પણ ભગવાન પ્રસન્ન ન થયા. પછી તુંબરુ પાસે ગાનવિદ્યા શીખ્યા અને શ્રીકૃષ્ણ ભગવાન આગળ દ્વારિકામાં ગાવતા હવા. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાન પ્રસન્ન થયા અને પોતાનાં વસ્ત્ર, અલંકાર નારદજીને આપ્યાં. ત્યારે નારદજીએ તુંબરુ સાથે ઈર્ષ્યા મેલી.૧૯ માટે ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે, જેની ઉપર ઈર્ષ્યા હોય તેના જેવા ગુણને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા. અને તેવું ન થવાય અને ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભક્તને સર્વ પ્રકારે ત્યાગ કરવો.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૧૭. પોતાને સમાન બીજા કોઈનો ઉદય સહન ન થાય તે.
૧૮. એક મન્વંતર = ૩૦,૮૫,૭૧,૪૨૮ વર્ષ. તેથી સાત મન્વંતર = ૨,૧૫,૯૯,૯૯,૯૯૬ (બે અબજ, પંદર કરોડ, નવાણું લાખ, નવાણું હજાર, નવસો છન્નુ) વર્ષ.
૧૯. લિંગમહાપુરાણ, ઉત્તર ભાગ: ૨-૩ અધ્યાયમાં થોડા ફેરફાર સાથે આ પ્રસંગ નોંધાયો છે.