॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
કારિયાણી ૪
જીવ અને સાક્ષીના જાણપણાનું
સંવત ૧૮૭૭ના આસો વદિ ૮ અષ્ટમીને દિવસ દોઢ પહોર દિવસ ચઢતે શ્રીજીમહારાજ ગામ શ્રીકારિયાણી મધ્યે વસ્તાખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “માંહોમાંહી પ્રશ્ન-ઉત્તર કરો.” ત્યારે ગોપાળાનંદ સ્વામીએ ભજનાનંદ સ્વામીને પૂછ્યું જે, “આ દેહને વિષે જીવનું જાણપણું કેટલું છે ને સાક્ષીનું૨૩ જાણપણું કેટલું છે?” પછી ભજનાનંદ સ્વામીએ ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “બુદ્ધિ છે તે આ દેહને વિષે નખશિખા પર્યંત વ્યાપીને રહી છે. તે બુદ્ધિ જે તે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાને એકકાળાવછિન્ન જાણે છે. તે બુદ્ધિને વિષે જીવ વ્યાપીને રહ્યો છે, તે જીવના જાણપણાને કહેવે કરીને બુદ્ધિનું જાણપણું કહેવાયું. અને તે જીવને વિષે સાક્ષી રહ્યા છે, માટે સાક્ષીના જાણપણાને કહેવે કરીને જીવનું જાણપણું પણ કહેવાયું.”૨૪
ત્યારે શ્રીજીમહારાજને નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું જે, “હે મહારાજ! જે આ જીવને વિષે સાક્ષી રહ્યા છે, તે સાક્ષી જે હોય તે તો મૂર્તિમાન હોય, ને જે મૂર્તિમાન હોય તે વ્યાપક કેમ હોય?” ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “મૂર્તિમાન હોય તે પણ વ્યાપક હોય. જેમ અગ્નિદેવ છે તે પોતાના લોકને વિષે મૂર્તિમાન છે ને પોતાની શક્તિએ કરીને કાષ્ઠને વિષે રહ્યો છે; તેમ ભગવાન પણ પોતાના અક્ષરધામને વિષે મૂર્તિમાન થકા પોતાની અંતર્યામી શક્તિએ કરીને જીવોને વિષે વ્યાપીને રહ્યા છે ને મૂર્તિમાનની પેઠે ક્રિયાને કરે છે, માટે એને પણ મૂર્તિમાન જાણવા.”
પાદટીપો
૨૩. જીવના અંતર્યામી પરમાત્માનું.
૨૪. જ્ઞાનશક્તિએ કરીને જીવ નખશિખા પર્યંત વ્યાપક એવી બુદ્ધિમાં પણ વ્યાપીને રહ્યો છે. બુદ્ધિ માયાનું કાર્ય હોવાથી જડ છે, તેમાં સ્વતઃ જાણપણું શક્ય નથી. જીવની જ્ઞાનશક્તિ વડે જ બુદ્ધિ કાર્ય કરવા સમર્થ થાય છે. તેથી બુદ્ધિમાં જીવ દ્વારા જ જાણપણું મળે છે. તેથી “જીવના જાણપણાને કહેવાથી બુદ્ધિનું જાણપણું કહેવાય છે.” તેવી જ રીતે પરમાત્મા પણ જીવમાં વ્યાપીને રહ્યા છે અને સાક્ષી પરમાત્માની કાર્યશક્તિથી જ જીવ જાણવું, જોવું, સાંભળવું વગેરે બૌદ્ધિક ક્રિયાઓ કરવા સમર્થ થાય છે. તેથી સાક્ષી જે પરમાત્મા તેમના જાણપણાને કહેવાથી જીવનું જાણપણું કહેવાયું તેવો અહીં આશય છે.


