share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

ગઢડા મધ્ય ૪૦

એક દંડવત્ પ્રણામ અધિક કર્યાનું

સંવત ૧૮૮૦ના આસો વદિ ત્રીજને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે વિરાજમાન હતા. પછી સ્નાન કરીને ને શ્વેત વસ્ત્રનું ધારણ કરીને પોતાના આસન ઉપર વિરાજમાન થયા અને પોતાનું દેવાર્ચનાદિક જે નિત્યકર્મ તેને કરીને ઉત્તરાદે મુખે શ્રીકૃષ્ણ ભગવાનને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા હવા. તે પ્રતિદિન જેટલા દંડવત્ પ્રણામ કરતા તેથી તે દિવસે તો પોતે એક દંડવત્ પ્રણામ અધિક કર્યો. તેને જોઈને શુકમુનિએ પૂછ્યું જે, “હે મહારાજ! આજ તમે એક પ્રણામ અધિક કેમ કર્યો?”

ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “નિત્ય પ્રત્યે તો અમે શ્રીકૃષ્ણ ભગવાનને નમસ્કાર કરીને એમ કહેતા જે, ‘હે મહારાજ! આ દેહાદિકને વિષે અહં-મમત્વ હોય તેને તમે ટાળજ્યો.’ અને આજ તો અમને એવો વિચાર થયો જે, ‘ભગવાનના ભક્તનો મને, વચને અને દેહે કરીને જે કાંઈક જાણે-અજાણે દ્રોહ થઈ આવે ને તેણે કરીને જેવું આ જીવને દુઃખ થાય છે તેવું બીજે કોઈ પાપે કરીને થતું નથી.’ માટે જાણે-અજાણે મને, વચને, દેહે કરીને જે કાંઈ ભગવાનના ભક્તનો દ્રોહ બની આવ્યો હોય, તેનો દોષ નિવારણ કરાવ્યા સારુ એક પ્રણામ અધિક કર્યો. અને અમે તો એમ જાણ્યું છે જે, ભગવાનના ભક્તના દ્રોહે કરીને જેવું આ જીવનું ભૂંડું થાય છે ને એ જીવને કષ્ટ થાય છે તેવું કોઈ પાપે કરીને નથી થતું; અને ભગવાનના ભક્તની મને, વચને, દેહે કરીને જે સેવા બની આવે ને તેણે કરીને જેવું આ જીવનું રૂડું થાય છે ને એ જીવને સુખ થાય છે તેવું બીજે કોઈ સાધને કરીને નથી થતું. અને એ ભગવાનના ભક્તનો જે દ્રોહ થાય છે તે લોભ, માન, ઈર્ષ્યા અને ક્રોધ એ ચારે કરીને થાય છે અને ભગવાનના ભક્તનું જે સન્માન થાય છે તે જેમાં એ ચાર વાનાં ન હોય તેથી થાય છે. માટે જેને આ દેહે કરીને પરમ સુખિયા થવું હોય ને દેહ મૂક્યા કેડે પણ પરમ સુખિયા થવું હોય, તેને ભગવાનના ભક્તનો મને, વચને, દેહે કરીને દ્રોહ ન કરવો. અને જો ભગવાનના ભક્તનો કાંઈક દ્રોહ થઈ જાય તો તેની વચને કરીને પ્રાર્થના કરવી, ને મને કરીને ને દેહે કરીને તેને દંડવત્ પ્રણામ કરવા, ને ફરીને દ્રોહ ન થાય એવી રીતે વર્ત્યાનો આદર કરવો. પણ એક વાર દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કર્યા ને વળી ફરી દ્રોહ કરીને દંડવત્ પ્રણામ કરવા, એવી રીતે વર્તવું નહીં. અને આ વાર્તા દાડી સાંભરતી રહે તે સારુ આજથી સર્વે સંત તથા સર્વે હરિભક્તમાત્ર એવો નિયમ રાખજ્યો જે, ભગવાનની પૂજા કરીને પોતાના નિત્ય નિયમ જે દંડવત્ પ્રણામ હોય તે કરવા ને તે પછી બધા દિવસમાં જે કાંઈ જાણે-અજાણે મને, વચને, દેહે કરીને ભગવાનના ભક્તનો દ્રોહ થયો હોય તેનું નિવારણ કરાવવા સારુ એક દંડવત્ પ્રણામ નિત્યે કરવો. એમ અમારી આજ્ઞા છે તેને સર્વે પાળજ્યો.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૪૦ ॥ ૧૭૩ ॥

* * *

This Vachanamrut took place ago.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase