Show Shravan Audio
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
ગઢડા મધ્ય ૫૬
કસુંબલ વસ્ત્રનું
સંવત ૧૮૮૧ના આષાઢ સુદિ ૫ પંચમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
અને સાધુ દૂકડ-સરોદા લઈને કીર્તન બોલતા હતા. તે કીર્તન-ભક્તિ થઈ રહ્યા પછી શ્રીજીમહારાજ એમ બોલ્યા જે, “આ કીર્તન સાંભળ્યામાંથી તો અમારો આત્મા વિચારમાં જતો રહ્યો. પછી તેમાં એમ જણાયું જે, ‘ભગવાનને વિષે જે અતિશય પ્રીતિ એ ઘણી મોટી વાત છે.’ પછી તો ગોપાળાનંદ સ્વામી આદિક જે ભગવાનને વિષે પ્રીતિવાળા હરિભક્ત તે સર્વે સાંભરી આવ્યા અને એ સર્વેનાં અંતઃકરણ ને એ સર્વેના જીવ ને એમની જે ભગવાનને વિષે પ્રીતિ તે સર્વે જોયામાં આવ્યાં. પછી અમે અમારા આત્માને તપાસી જોયો,૧૬૧ ત્યારે અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં. શા માટે જે, કાંઈક ભૂંડાં દેશકાળાદિકનો જ્યારે યોગ થાય છે ત્યારે એ સર્વે મોટા છે તો પણ કાંઈક એમની બુદ્ધિને વિષે ફેર પડી જાય છે. ત્યારે એમ જણાય જે, ‘અંતે પાયો કાચો દેખાય છે.’ તે સારી પેઠે જો કોઈક ભૂંડાં દેશકાળાદિકનો યોગ થાય તો ભગવાનમાં પ્રીતિ છે તેનું કાંઈ ઠેકાણું રહે નહીં. માટે એ સર્વેને જોતાં અમને અમારી કોરનું ઠીક ભાસે છે જે, ‘ગમે તેવાં ભૂંડાં દેશકાળાદિકનો યોગ થાય પણ કોઈ રીતે અમારું અંતઃકરણ ફરે નહીં.’ અને ભગવાનને વિષે પ્રીતિ તો તેની જ સાચી જે, જેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ જ ન થાય. અને સર્વે સદ્ગ્રંથનું પણ એ જ રહસ્ય છે જે, ભગવાન છે એ જ પરમ સુખદાયક છે૧૨૮ ને પરમ સાર વસ્તુ છે. અને તે પ્રભુ વિના જે જે બીજા પદાર્થ છે તે અતિશય તુચ્છ છે ને અતિ અસાર છે. અને જેને ભગવાન જેવી બીજા પદાર્થમાં પણ પ્રીતિ હોય તેનો તો ઘણો જ પાયો કાચો છે. જેમ કસુંબલ વસ્ત્ર હોય તે ઘણું સારું જણાતું હોય, પણ જ્યારે તે ઉપર પાણી પડે ને પછી તેને તડકામાં સુકાવીએ ત્યારે સૂધું નકારું થઈ જાય ને ધોળા વસ્ત્ર જેવું પણ ન રહે; તેમ જેને પંચવિષયમાં પ્રીતિ હોય તેને જ્યારે કુસંગનો યોગ થાય ત્યારે કાંઈ ઠેકાણું રહે નહીં. માટે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને રાજી કર્યા સારુ પંચવિષયનો અતિશય ત્યાગ કર્યો જોઈએ, પણ ભગવાનને વિષે જે પ્રીતિ તેમાં વિઘ્ન કરે એવું કોઈ પદાર્થ વહાલું રાખવું નહીં.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૫૬ ॥ ૧૮૯ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૧૨૮. ‘ભગવાનમાં જ સર્વથી અધિક પ્રીતિ સર્વ પ્રકારે કરવી,’ કેમ જે.
૧૬૧. શ્રીજીમહારાજ અહીં જણાવે છે, “અમે અમારા આત્માને પણ તપાસી જોયો.” અહીં “આત્મા” એટલે “સ્વરૂપ.” વળી, જ્ઞાની એ ભગવાનનો આત્મા છે. [ગીતા: ૭/૧૮] અને અક્ષરબ્રહ્મ એ જ્ઞાનનું મૂર્તિમાન સ્વરૂપ છે અર્થાત્ પૂર્ણ જ્ઞાની છે. તેથી અક્ષરબ્રહ્મ એ પરબ્રહ્મ એવા મહારાજનો આત્મા (સ્વરૂપ) છે. આ રીતે અક્ષરબ્રહ્મ અને મહારાજને એકાત્મતા છે. શ્રીજીમહારાજ પોતે અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. તેથી તેમને બીજા કોઈ ભગવાન વિષે પ્રીતિની વાત કરવાની રહેતી નથી. માટે અહીં “અમારે જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં.” એટલે કે પોતાનું સ્વરૂપ એવા અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને જેવી ભગવાનને વિષે પ્રીતિ જણાણી તેવી બીજાની પ્રીતિ જણાણી નહીં” એમ સમજવું.
આવી જ રીતે “અમને અમારી કોરનું ઠીક ભાસે છે.” એટલે “અક્ષરબ્રહ્મ ગુણાતીતની કોરનું ઠીક ભાસે છે” અને “અમારું અંતઃકરણ ફરે નહીં” એટલે “ગુણાતીત ફરે નહીં” એમ સમજવું.
અહીં શ્રીજીમહારાજના કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ્રહ્મ એવા પોતે અને અક્ષરબ્રહ્મ એવા ગુણાતીતાનંદ સ્વામી બન્ને અનાદિથી માયા પર હોવાથી એમને ભૂંડા દેશકાળાદિકની અસર ન થાય. એ સિવાય ગમે તેવા મોટા હોય તો પણ ભૂંડા દેશકાળાદિકની અસર થયા વગર રહે નહીં.