Show Shravan Audio
॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ ૯
ભગવાનનું નિર્ગુણ સુખ કેમ જણાય? તેનું
સંવત ૧૮૮૨ના પોષ સુદિ ૮ અષ્ટમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરની આગળ મંચ ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
પછી શ્રીજીમહારાજે મુનિમંડળ સમસ્ત પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે, “રાજસી, તામસી ને સાત્ત્વિકી એ ત્રણ પ્રકારનું જે માયિક સુખ તે જેમ ત્રણ અવસ્થાને વિષે જણાય છે, તેમ નિર્ગુણ એવું જે ભગવાન સંબંધી સુખ તે૩૮ કેમ જણાય છે?” પછી એ પ્રશ્નનો ઉત્તર મુનિમંડળ સમસ્ત મળીને કરવા માંડ્યો પણ એનું સમાધાન થયું નહીં. પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “પૃથ્વી આદિક ચાર ભૂત વિના એકલો જ આકાશ હોય અને જેટલા આકાશને વિષે તારા છે તેટલા ચંદ્રમા હોય ને તેનો જેવો પ્રકાશ થાય તેવો ચિદાકાશનો૩૯ પ્રકાશ છે. અને તે ચિદાકાશને મધ્યે સદાય ભગવાનની મૂર્તિ વિરાજમાન છે. તે મૂર્તિને વિષે જ્યારે સમાધિ થાય ત્યારે એક ક્ષણમાત્ર ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય, તે ભજનના કરનારાને એમ જણાય જે, ‘હજારો વર્ષ પર્યંત મેં સમાધિને વિષે સુખ ભોગવ્યું.’ એવી રીતે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ તે જણાય છે. અને જે માયિક સુખ છે તે બહુકાળ ભોગવ્યું હોય તો પણ અંતે ક્ષણ જેવું જણાય છે. માટે ભગવાનના સ્વરૂપ સંબંધી જે નિર્ગુણ સુખ છે તે અખંડ, અવિનાશી છે; ને જે માયિક સુખ છે તે નાશવંત છે.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૯ ॥ ૨૦૯ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૩૮. ભગવાનના ભક્તને ત્રણ અવસ્થામાં.
૩૯. અક્ષરધામનો.