॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥
ભગવાન સ્વામિનારાયણનાં
॥ વચનામૃત ॥
વરતાલ ૧૫
દૈવી-આસુરી થયાના હેતુનું
સંવત ૧૮૮૨ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે મંચ ઉપર ગાદીતકિયા બિછવાવીને વિરાજમાન હતા અને કિનખાબનો સુરવાળ ને ડગલી પહેર્યાં હતાં અને મસ્તક ઉપર મોટા સોનેરી છેડાનું ભારે કસુંબલ શેલું બાંધ્યું હતું અને મોટા સોનેરી છેડાનું કસુંબલ શેલું ખભા ઉપર વિરાજમાન હતું અને મસ્તક ઉપર સોનેરી ઈંડાનું છત્ર વિરાજમાન હતું અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
તે સમામાં શોભારામ શાસ્ત્રીએ પ્રશ્ન પૂછ્યો જે, “હે મહારાજ! દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે. તે અનાદિ કાળના છે કે કોઈક યોગે કરીને થયા છે?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, “દૈવી ને આસુરી એ બે પ્રકારના જીવ છે, તે પ્રથમ તો પ્રલયકાળે માયાને વિષે લીન થયા હતા; પછી જ્યારે જગતનો સર્ગ થાય છે ત્યારે એ બે પ્રકારના જીવ પોતપોતાના ભાવે યુક્ત થકા ઊપજે છે. અને કેટલાક સાધારણ જીવ છે તે તો દૈવી ને આસુરીને સંગે કરીને દૈવી ને આસુરી થાય છે અને કેટલાક દૈવી ને આસુરી જીવ છે તે તો જેવાં જેવાં કર્મ કરતા જાય છે તેવા તેવા ભાવને પામતા જાય છે. તેમાં આસુરભાવને વિષે ને દૈવીભાવને વિષે મુખ્ય હેતુ તો સત્પુરુષનો કોપ ને અનુગ્રહ છે. જેમ જય-વિજય ભગવાનના પાર્ષદ હતા તેણે સત્પુરુષ એવા જે સનકાદિક તેનો દ્રોહ કર્યો ત્યારે અસુરભાવને પામી ગયા૫૦ અને પ્રહ્લાદજી દૈત્ય હતા તેણે નારદજીનો ઉપદેશ ગ્રહણ કર્યો તો પરમ ભાગવત સંત કહેવાયા.૫૧ માટે મોટાપુરુષનો જે ઉપર કોપ થાય તે જીવ આસુરી થઈ જાય છે અને જે ઉપર મોટાપુરુષ રાજી થાય તે જીવ દૈવી થઈ જાય છે; પણ બીજું દૈવી-આસુરી થયાનું કારણ નથી. માટે જેને પોતાનું કલ્યાણ ઇચ્છવું હોય તેને ભગવાન ને ભગવાનના ભક્ત તેનો કોઈ રીતે દ્રોહ કરવો નહીં અને જે રીતે ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ કરવું.”
॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૫ ॥ ૨૧૫ ॥
This Vachanamrut took place ago.
પાદટીપો
૫૦. ભાગવત: ૩/૧૫/૩૪.
૫૧. ભાગવત: ૭/૧૦/૪૩.