share

॥ શ્રી સ્વામિનારાયણો વિજયતે ॥

ભગવાન સ્વામિનારાયણનાં

॥ વચનામૃત ॥

વરતાલ ૧૯

ભક્ત થાવાનું, અવિવેકનું

સંવત ૧૮૮૨ના મહા સુદિ ૨ બીજને દિવસ શ્રીજીમહારાજ સાંજને સમે શ્રીવરતાલ મધ્યે શ્રીલક્ષ્મીનારાયણના મંદિરમાં ઉગમણી કોરની રૂપચોકી ઉપર ગાદીતકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.

પછી ઠાકોરજીની સંધ્યા આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, “સાંભળો, ભગવાનની વાર્તા કરીએ છીએ જે, આ જીવને જ્યારે ભરતખંડને વિષે મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનના અવતાર કાં ભગવાનના સાધુ૬૫ એ જરૂર પૃથ્વી ઉપર વિચરતા હોય; તેની જો એ જીવને ઓળખાણ થાય તો એ જીવ ભગવાનનો ભક્ત થાય છે. પછી એ ભગવાનનો ભક્ત થયો તેને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને વિષે પ્રીતિ રાખવી ઘટે નહીં. શા માટે જે, ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચવિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિષે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચવિષયના સુખને ઇચ્છવું નહીં. અને જે ભગવાનનો ભક્ત હોય તે તો જે જે મનોરથને કરે તે સર્વે સત્ય થાય છે. માટે ભગવાન વિના બીજા પદાર્થને અણસમજણે કરીને જે ઇચ્છે છે એ જ એને મોટો અવિવેક છે. તે સારુ જે ભગવાનનો ભક્ત હોય તેને તો ચૌદ લોકનાં જે ભોગસુખ છે તેને કાકવિષ્ટા તુલ્ય જાણ્યાં જોઈએ અને મન-કર્મ-વચને કરીને ભગવાન ને ભગવાનના ભક્તને વિષે જ દૃઢ પ્રીતિ કરી જોઈએ. અને એમ સમજ્યું જોઈએ જે, ‘જે ભગવાનનો ભક્ત હોય ને તેને જો કદાચિત્ ભગવાન વિના બીજી વાસના રહી ગઈ હોય, તો તે પણ ઇન્દ્રપદવીને પામે કાં બ્રહ્મલોકને પામે, પણ પ્રાકૃત જીવની પેઠે નરક-ચોરાસીમાં તો જાય જ નહીં; ત્યારે જે યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેનો જે મહિમા ને તેનું જે સુખ તે તો વર્ણવ્યામાં જ કેમ આવે?’ માટે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનમાં જ દૃઢ પ્રીતિ રાખવી.”

॥ ઇતિ વચનામૃતમ્ ॥ ૧૯ ॥ ૨૧૯ ॥

* * *

This Vachanamrut took place ago.


પાદટીપો

૬૫. અક્ષરબ્રહ્મ. ભગવાન સ્વામિનારાયણે અહીં પોતાનું પ્રાગટ્ય અક્ષરબ્રહ્મરૂપ પરમ એકાંતિક ભગવાનના અખંડ સંબંધવાળા સાધુ - સત્પુરુષરૂપે કહ્યું છે.

SELECTION
પ્રકરણ ગઢડા પ્રથમ (૭૮) સારંગપુર (૧૮) કારિયાણી (૧૨) લોયા (૧૮) પંચાળા (૭) ગઢડા મધ્ય (૬૭) વરતાલ (૨૦) અમદાવાદ (૩) ગઢડા અંત્ય (૩૯) ભૂગોળ-ખગોળનું વચનામૃત વધારાનાં (૧૧) વિશેષ વચનામૃત અભ્યાસ વચનામૃતમાં આવતાં પાત્રો આશિર્વાદ પત્રો નિવેદન વચનામૃતના સિદ્ધાંતોનો સારસંક્ષેપ પરથારો પરિશિષ્ટ

Type: Keywords Exact phrase